Tuesday, October 30, 2007

બ્રહ્માંડનાં કેટલાં પરીમાણ?

બ્રહ્માંડનાં કેટલાં પરીમાણ? - ચીરાગ પટેલ Oct 30, 2007

આપણે કેટલાં પરીમાણો અનુભવી શકીએ છીએ? ત્રણ, ચાર? હા, આપણે ઈંદ્રીયો દ્વારા લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ અને સમયને અનુભવી શકીએ છીએ. અને આપણે આ ચાર પરીમાણમાં વીચારી કે કામ કરી શકીએ છીએ. આપણને આ બાબતે ગણીત ખુબ જ મદદરુપ થાય છે. ઘણાં મીત્રો સારણી કે મેટ્રીક્સ(Matrix) ભણ્યાં હશે. ઘણાં મીત્રોએ ટેંસર એનેલીસીસ પણ કર્યું હશે. આ બધી ગાણીતીક સહાય-સામગ્રી આપણને 1થી શરુ કરીને તમે વીચારી શકો એટલાં પરીમાણ (Dimension) માટે ગણતરી કરતાં અને માહીતીનું પૃથક્કરણ કરતાં મદદરુપ થાય છે.

ઘણાં બધાં ભૌતીકવીજ્ઞાનીઓ માને છે કે આપણું બ્રહ્માંડ 10 પરીમાણનું બનેલું હોવું જોઈએ. જેમ-જેમ આપણે ઉત્ક્રાંતી કરતાં જઈશું, તેમ-તેમ નવા-નવા પરીમાણો આપણી અનુભુતીમાં ખુલતાં જશે. અને આપણો બ્રહ્માંડને જોવાનો નજરીયો પણ બદલાતો જશે!

એક ઉદાહરણ લઈએ. કોઈ માત્ર દ્વીપરીમાણને અનુભવતો જીવ પૃથ્વીની સપાટી પર 10kmની ત્રણ સરખી બાજુઓ વાળો ત્રીકોણ દોરે તો એ ત્રીકોણ આપણને કેવો દેખાય? માત્ર બે પરીમાણમાં દોરાતાં ત્રીકોણનાં ત્રણે ખુણાઓનો સરવાળો 180 અંશ થાય છે. એટલે પેલા જીવને તો તેનો ત્રીકોણ એકદમ સચોટ લાગશે. જ્યારે આપણને? આપણાં માટે એ ત્રીકોણનાં ખુણાઓનો સરવાળો 180 અંશ કરતાં વધી જશે!!! પેલા જીવને પૃથ્વીની ગોળાઈ અનુભવાતી નથી, જ્યારે આપણે એ અનુભવી શકીએ છીએ. હવે આ જ તર્ક પર આગળ વધતાં જઈએ અને વીચારીએ, કે જો આપણી અનુભુતીમાં માત્ર એક પરીમાણ નવું ઉમેરાય તો દુનીયા કેવી થઈ જાય? અને ઘણાં વૈજ્ઞાનીકો તો બ્રહ્માંડને 10 પરીમાણ હોવાની વાત કરે છે. આવું વીશ્વ કેવું હશે?

ઘણાં મીત્રો જાણતાં હશે, કે બ્રહ્માંડનો 97% ભાગ અદ્રશ્ય પદાર્થનો બનેલો છે! જે દ્રશ્ય જગત છે (તારા, નીહારીકા, આકાશગંગા, બ્લેકહૉલ(કૃષ્ણ વીવર) વગેરે) એ તો માત્ર એક નાનો-શો અંશ છે. આ ખોવાયેલા જગત વીશે કલ્પના કરાય છે, કે તે ડાર્ક-મેટર કે ન્યુટ્રીનો નામનાં કણનું બનેલું છે; જે આપણા આજનાં સાધનો વડે જાણી શકાતું નથી. હવે, જો કે ન્યુટ્રીનો પકડાયાં છે. પણ એમાં નવો ફણગો ફુટ્યો છે, કે ન્યુટ્રીનો માત્ર 16% દ્રવ્ય છે. હજી, 81%નો પત્તો મેળવવો બાકી રહ્યો છે.

તાજેતરમાં આ વીશે એક નવી થીયરી ઉભી થઈ છે. આપણાં જેવાં અનેક બ્રહ્માંડ હોવાનું હવે વૈજ્ઞાનીકો સ્વીકારે છે. (આપણાં શસ્ત્રોની 14 બ્રહ્માંડવાળી વાત સાચી?) હવે બે બ્રહ્માંડ આપણાં અનુભવનાં બહારનાં પરીમાણમાંના કોઈ પરીમાણમાં એક-બીજા સાથે અથડાય તો શું થાય? એ જ કે, આપણાં 81% દ્રવ્યનો જથ્થો બીજા બ્રહ્માંડનો હોય અને આપણે એ અનુભવી શકતાં ના હોઈએ!

આગળ ફરી ક્યારેક આ બાબતે ચર્ચા...

Saturday, October 27, 2007

અનંતની સફરે

અનંતની સફરે - બંસીધર પટેલ

પાંખો નથી તો શું થયું, મન કેરી પાંખે હું ઉડું ગગન વીહારે;
દુર-સુદુર અવકાશે ઘુમતો, ભાસે અનંત બ્રહ્માંડ ખુબ પાસે.
શાંત, અતી શાંત, શુન્યને પણ ભેદતો, નીજની ખોજમાં અતીદુર;
ઉડું હજી ઉડું આભથી પણ ઉંચે ઘણે, અથાગ, વીહરતો સુદુર.
નથી સાથી મમ સંગાથે કોઈ, છતાં લાગે ના લગીરે ડર.

જુઓ ભલે તમે આસમાની રંગ, મારી આંખે જોવો અદભુત રંગ;
ચુંદરડી ઓઢેલી નવોઢાની જેમ, આસમાની ચુંદડી સોહાય નવરંગ.
નીરાકારમાં આકાર ભાસે, નીતાંતમાં અંત, અંધકારમાં ઉજાસ ઘણો;
નક્ષત્ર, અરુ તારલાઓના સંગે, સુરાવલી મનભાવન સુણાય જાણે.
મોતીઓના આભલે મઢેલું અવકાશ, શી સુંદરતા મનમોહક.

નથી વીસામાનું નામ-નીશાન, બસ ઉડતો જાઉં મન અશ્વારુઢ;
કેમે કરીને ના ફરું હું પાછો, લાલચ રોકી ના રોકાય ભલી.
ભલે હું નાચું મન-તોખારના સંગે, લગામ ઢીલી ખેંચી કોણે?
આવ્યો હું ભાનમાં, છતાં અભાનમાં, હોંશકોંશ ઉડી ગયા, બની આભો;
સ્થુળતામાં ના આવું કદી, પણ કરું શું લાચાર બની નીરખી રહ્યો.

આ એ જ ધરણી, એ જ સૃષ્ટી, એ જ સંસાર, સરગમ બધી;
નથી ગમતું સહેજે અહીં, ભુલી ભુલાય ના એ દીવ્યસૃષ્ટી.
બની રહ્યું એ સંભારણું, સાચવી રાખું હું પ્રેમ પટારે;
વીસર્યું ના વીસરાયે કદી, દીવ્ય અનંત, રાહના સથવારે.

પર્યાવરણની પાંખે

પર્યાવરણની પાંખે - બંસીધર પટેલ

પુષ્પમાં સૌરભ નથી, જીવનમાં મહેંક નથી;
થયો છે શુષ્ક સંસાર, સૃષ્ટીમાં બહેક વધી.
વીલાઈ ગઈ અમી બધી, બાષ્પ થઈ સહજ ગઈ;
કલરવ મીઠો વીહગ તણો, ઉડી ગયો અવકાશ ભણી.


ઋતુઓએ બદલી કરવટ, દીશાઓમાં સમાઈ ગઈ;
અમૃત દેતી વસુંધરા, વીષ સર્પ બની ફેલાઈ ગઈ.
રવી પણ તપી રહ્યો, વરસાવી અગનજ્વાળા અતી;
ગ્રહ નક્ષત્ર તારકવૃંદ, બદલશે પથ ખબર નથી.


ઝાડ પાન વનસ્પતી ઘટી, વેરાન ઉજ્જડ થયાં વનો;
જળ સમીર માટી મહીં, સમાણું વીષ ઓ અંધજનો!
સૃષ્ટી સંસાર બન્યો પ્રદુષીત, ઈશ્વર પણ ક્યાં બાકી રહ્યો;
ભરમ ભાંગ્યો ધરમ કરમનો, ભેળસેળનો દૈત્ય દોડી રહ્યો.


મુક્યા નેવે સર્વ નીયમ કુદરત તણાં, હેવાન બન્યાં નર-નાર;
પશુ પક્ષી પણ બાકી નથી, થોભી ઘડીક કરે વીચાર ઘડનાર.
અટકશે ક્યાં જઈને સઘળું, વીનાશની ઘડી ગણાતી;
નથી સર્યો સમય હજી, ચેતે જો નર સ્વને ભણાવી.


કૃત્રીમતાએ હદ કરી, નથી કુદરતી રહી કોઈ ચીજ;
તન મન ધન કૃત્રીમ બન્યા, દેવો કોને દોષ ફરીયાદી નીજ.
સંસ્કૃતીમાં ભાસતી વીકૃતી, અવની ભાસે નીરાધારી;
ભાવી પેઢી ના કરશે માફ, પુનઃ આવશે શું ગીરીધારી?


કકળતા હૈયે કરે સહુ વીનતી, કરો બંધ તાંડવ વીનાશનું;
નહીંતર પછી યાદ છે ને, સો સાસુના તો એક દી' વહુવારુનો.

Saturday, October 20, 2007

નયનની પલકોમાંથી - બંસીધર પટેલ

નયનની પલકોમાંથી - બંસીધર પટેલ

દ્રષ્ટીહીન સમાજને જોઉં છું જ્યારે,
યાદ તમ તણી આવી જાય છે.

ભંવરો ઉંચી નીચી થાય છે જ્યારે,
અણસાર તમારો આવી જાય છે.

સૌંદર્યથી ઉભરાતી મારકણી આંખો જોઉં છું જ્યારે,
હ્રદયકમળ અતી પુલકીત થઈ જાય છે.

અંધારાં ઉલેચીને મેળવેલી દ્રષ્ટીથી નયનો ભીંજાય છે જ્યારે,
મન શોકમાં વ્યગ્ર બની આંસું ખુબ પ્રસારે છે.

સુર્ય ચંદ્ર સમા નયન આભલાને નીરખવા જાય છે જ્યારે,
સૃષ્ટીના સૌંદર્યને પામવાની દ્રષ્ટી શુન્ય બની જાય છે.

અહોભાગ્ય અમારા કે બંધ પલકોમાં મુર્તી દેખાય છે જ્યારે,
બસ કરો હવે નથી ખોલવા નયન બીડાઈ જાય છે.

સાચી શ્રધ્ધા - બંસીધર પટેલ

સાચી શ્રધ્ધા - બંસીધર પટેલ

હરીને ભજવા કરતાં મળે જો હરીનો લાલ, તો લેજે ખબર એની પ્રથમ;
કરેલું દાન સાચા હ્રદયનું કોઈને, નથી જતું એળે કદી, એ વાત વીસરીશ નહી.

નમન છે સાચું ઈશ્વરનું, ગમે છે એને પણ પ્યારું ઘણું એ વાત સમજી લેજે;
વીનય એ ભક્તી ખરી, વીવેક એ યોગ ઉત્તમ, કર્તવ્ય એ નવધા ભક્તી.

માળા ફેરવી કેટલાય માનવે, છતાં નથી મળ્યા ઈશ્વર એ વાત ભુલીશ નહી;
મન હોય તો જવાય માળવે, તાળવે હોય પ્રીતી ખરી એક ધ્યાનથી.

કહ્યું છે ઘણું અનુભવી રાહબરોએ, સાંભળી બન્યા હશે કર્ણ નીષ્ક્રીય;
બસ થયું હવે ઘણું, ના ભરમાઈશ, ના દોરવાઈશ અન્યથી કદી.

અવાજ ઓળખ આતમ તણો, એ જ ખરો ભગવાન બીરાજેલો મહીં;
ઓળખી એને ચાલીશ સદા, તો પામીશ અમુલખ પદારથ ખુબ જ.

બાંધીને ભાથું શ્રધ્ધા તણું, બની અર્જુન થાજે ઉભો ખરી હામથી;
કરી લે મન સાબુત ભલેરું, ગાંડીવની પણછ ખેંચી તૈયાર બની.

ઘુમાવીશ ના કાળ અધીક, થાશે ના થયો કોઈનો સગો કામ કદી;
બનીને ભડવીર ભુલોકનો, કાળમુખા કાળનો કરી જા કોળીયો.

અલપ ઝલપ મુકી માયા તણી, બની જા નીર્લેપ, નીષ્કામ, નીડર તું;
કર્યે જા કર્મ સોંપેલું ઈશ્વરનું નીર્માણ માની, કરીશ ના ઉચ્ચાટ કશો.
ભાંગશે ભ્રમ ભુતકાળનો, સુધારી વર્તમાન, ઉજ્જ્વળ ભાવી થાશે.

----------------------------------------------

ગમે છે સૃષ્ટી સીતારાની, આભલે ચીતરેલા ચમકતા તારલાની;
કેવો છે ઈજનેર એનો, મન મારું અહોભાવયુક્ત બને.

Saturday, October 13, 2007

સમયના સથવારે - બંસીધર પટેલ

સમયના સથવારે - બંસીધર પટેલ

સમયના સથવારે, લોહીયાળ મચ્યું છે યુધ્ધ ટોળાશાહીનું;
સફેદ ઝભ્ભામાં સજ્જ બની, ઉભેલાં ચાડીયા એ નેતા બધાં.

ઉપરની સફેદીમાં, હ્રદય કાળું ડીબાંગ છે, હાથીદાંતનો ઘાટ બધો;
જનતા બીચારી શું કરે? અહીંતો વીણવા ઘઉં કંકરમાંથી હવે.

સાચો કોણ? ખોટો કોણ? પારખવાની ભ્રમીત થઈ છે મતી;
પક્ષાપક્ષીનો ગજગ્રાહ મચ્યો ત્યાં, નીષ્પક્ષતાનું નીશાન નથી.

દુધ પાઈને ઉછેર્યાં ભુજંગ, ઓકશે વખ એ વાત નીર્વીવાદ છે;
કરતા આજે પ્રણામ તમોને, પાંચ વરસ સુધી કરજો તમે પ્રણામ.

નથી દેખાવાના ફરી આ, શયતાનોના સોદાગર, જનતાને;
છેતરી, છાવરી ભોળી જનતાને, ચુસી ચુસી ખતમ કરવાના જ.

ભગવાન પણ બચાવે આવા માટીપગા, હરામી નેતાઓથી;
જાગશે જનતા હીરાપારખુ બની, ભાગી જશે ભુગર્ભમાં નેતા બધાં;
ઉગશે સોનાવર્ણો સુરજ અહીં, લીલાલહેર અને અમન તણો.

------------------------------------------

અજવાળી આઠમની રાતે, ગયા અમે નીરખવા નવલાં નોરતાં;
દેખી ગોરી ઘુમતી ગરબે, સજી સોળે શણગાર ભાવનીર્ઝરથી.
ઉમટ્યું માનવ મહેરામણ બેસુમાર, નથી પગ મુકવાની ભોંય કશી;
જામી છે રમઝટ ગરબાની વીશાળ ગગનમંડપમાં.

ઉત્સવ - બંસીધર પટેલ

ઉત્સવ - બંસીધર પટેલ

અસ્તીત્વનો ઉત્સવ ઉજવો શું, લજ્જા નથી આવતી;
માનવ રહ્યો છે શું માનવ કે આટલું ગર્વ એ લઈ શકે?

આપ્યું હતું નીર્મળ જીવન પ્રભુએ, ઘણાં પ્યાર અને આશીષથી;
વેડફી દીધું સર્વસ્વ, કામ, ક્રોધ, મદ, મોહ, લોભના સમાગમથી.

પારેવાની જેમ ફફડી રહ્યો આત્મા, ચેન-શાંતીનું નામ નથી;
ઉચાટનાં અફાટ સમંદરમાં, અશાંત બની વીચરતો તું.

નથી રાખી કશી કમી, કરવા ન કરવાનું કર્યું જ બધું;
સાત જનમનાં પસ્તાવાથી પણ નથી ઉધ્ધાર થવાનો કદી.

હજી પણ નથી ગયો વીતી કાળ, નથી પડ્યો માંડો માનવ;
સુધરી જા નહીંતર પડશે કોરડા, વીંઝાશે ઉપરવાળાતણાં.

ઓઢી લે પ્રેમની કંથા, ભુલી ભેદભરમ વેરઝેરનાં;
થશે માફ પાપ કર્યા જાણ-અજાણથી, આ પુરા જીવન મહીં.

ઉઠી'તી આંધી એક સમીરની, થાશે શાંત ઈશના આશીષથી;
ભાંડું મારો માનવ બધો, ચાહતની ચરમસીમા થકી.

મળશે શાશ્વત સુખ જ એમાં, થાશે ઉજવળ જીવન તારું;
તે દી' પાછો આવજે, ઉજવવા ઉત્સવ અસ્તીત્વનો;
ઉજવીશું રંગેચંગે ભેગાં મળી, ગર્વ લેવાની વાતો ઘણી.

બાઈટોપીડીયા - ચીરાગ પટેલ

બાઈટોપીડીયા - ચીરાગ પટેલ Oct 13, 2007

આપણે ઘણીવાર એવું સાંભળ્યું હશે, કે મારી હાર્ડ ડ્રાઈવ (hard disc drive) 80GBની છે. તો આ 80જીબી વળી શી બલા છે? અહીં જી.બી. એટલે ગીગા બાઈટ (Giga Byte)નું મીતાક્ષરી સ્વરુપ. આમ, 80જીબી હાર્ડ ડ્રાઈવમાં 80ગીગા બાઈટ જેટલી માહીતીનો સંગ્રહ થઈ શકે. પ્રચલીત પધ્ધતી પ્રમાણે, 1KB એટલે 1 કીલો બાઈટમાં કુલ 1024 બાઈટ હોય! (1કીલો મીટરમાં 1000 મીટર હોય! આ વળી કેમનું થયું?) આમ થવાનું કારણ એ કે બાયનરી પધ્ધતીમાં 2ના ગુણાંકમાં ગણતરી થતી હોય છે. 2 * 2 * 2 * 2 * 2 * 2 * 2 * 2 * 2 * 2 = 1024 થાય! પ્રમાણમાપની આંતરરાષ્ટ્રીય સંસ્થા Systems International (SI)એ નક્કી કરેલાં ધારાધોરણ મુજબ 1KB એટલે 1000બાઈટ જ ગણવા અને પ્રચલીત 1KBને 1KiB (kibibyte) કહેવું એવું ઠરાવવામાં આવ્યું છે. પ્રચલીત ગણતરી મુજબ જોઈએ તો:

1KB = 1કીલો બાઈટ = 1024 બાઈટ = 2 exp 10 (2ની 10મી ઘાત, અર્થાત 2 * 2 * 2... એમ 10 વખત)
1MB = 1મેગા બાઈટ = 1024 * 1024 બાઈટ = 1048576 બાઈટ = 2 exp 20
1GB = 1 ગીગા બાઈટ = 1024 * 1024 * 1024 બાઈટ = 2 exp 30
1TB = 1 ટેરા બાઈટ = 1024 * 1024 * 1024 * 1024 બાઈટ = 2 exp 40
1PB = 1 પીટા બાઈટ = 1 ટેરા બાઈટ * 1024 બાઈટ = 2 exp 50
1EB = 1 એક્ઝા બાઈટ = 1 પીટા બાઈટ * 1024 બાઈટ = 2 exp 60
1ZB = 1 ઝેટ્ટા બાઈટ = 1 એક્ઝા બાઈટ * 1024 બાઈટ = 2 exp 70
1YB = 1 યોટ્ટા બાઈટ = 1 ઝેટ્ટા બાઈટ * 1024 બાઈટ = 2 exp 80

8 બીટનો 1 બાઈટ બને છે. હવે, 4 બીટના સમુહને 1 નીબલ (nibble) કહે છે. એક બાઈટની સંખ્યા લખવામાં સરળતા રહે એ માટે બે નીબલના ગ્રુપમાં તે સંખ્યા લખવામાં આવે છે. જેમ કે, 1011 1011b, 0011 1100b, વગેરે. સંખ્યાને લખવાની પ્રચલીત રીત છે તેને બાયનરીને બદલે હેક્ઝાડેસીમલમાં લખવી. હેક્ઝાડેસીમલમાં 0,1,2,3,4,5,6,7,8,9 સુધીનાં અંકો અને ત્યાર બાદ 10ને બદલે A(a), 11ને બદલે B(b), 12ને બદલે C(c), 13ને બદલે D(d), 14ને બદલે E(e), અને 15ને બદલે F(f) લખવામાં આવે છે. અને સંખ્યાને 0x(Zero-x)થી પ્રીફીક્સ કે h વડે પોસ્ટ્ફીક્સ કરવામાં આવે છે. ચાલો ત્યારે, થોડાં ઉદાહરણો કરીશું?

1011 1100b માં 1011b = 11(8+2+1) છે અને 1100b = 12(8+4) છે. હવે 11 એટલે B અને 12 એટલે C. આમ, 1011 1100b = 0xBC અથવા 0xbc અથવા bch. એને ડેસીમલમાં ફેરવીએ તો? એક નીબલમાં 0થી 15 સુધીની સંખ્યા દર્શાવી શકાય, એટલે કે કુલ 16 સંખ્યાઓ દર્શાવી શકાય છે.બાઈટમાંના ડાબી બાજુથી પહેલાં નીબલને 16 વડે ગુણો અને બીજા નીબલને તેમાં ઉમેરો, તો હેક્ઝાડેસીમલ સંખ્યા ડેસીમલ બની જશે! આપણાં ઉદાહરણમાં, 0xbc = 11 * 16 + 12 = 176 + 12 = 188. હેક્ઝાડેસીમલમાં એક બાઈટમાં દર્શાવાતી સહુથી નાની સંખ્યા = 0x00 = 0, અને સહુથી મોટી સંખ્યા = 0xFF = 255. કમ્પ્યુટરમાં કેલ્ક્યુલેટરની એપ્લીકેશનમાં તમે એનાં "View" મેન્યુમાંથી "Scientific" સીલેક્ટ કરો. તમે ડાબી બાજુ ઉપર તરફ રેડીયો બટન જોશો, જેમાં Hex - Dec - Oct - Bin છે. ડીફૉલ્ટ સીલેક્શન ડેસીમલ હોય છે. કોઈ પણ 0થી255 વચ્ચેની સંખ્યા લખીને હેક્ઝ કે બીન સીલેક્ટ કરી જુઓ. ગમ્યું? (હવે ખ્યાલ આવ્યો કે શા માટે એક બાઈટને 4બીટ એટલે કે એક નીબલના જોડકામાં લખવામાં આવે છે? અને એમાં પણ હેક્ઝાડેસીમલ કેમ સરળ પડે છે એ પણ ખ્યાલ આવ્યો?) ફરી ઉપરનું ઉદાહરણ લખીએ તો,

188 = 1011 1100b = 0xBC
0 = 0000 0000b = 0x00
255 = 1111 1111b = 0xFF

તમે કીબોર્ડ(keyboard)ને ધ્યાનથી જોયું હશે તો એમાં 0,1,2,...,9 અને A,B,...,Z તથા !,@,...,+ વગેરે જેવાં ચીહ્નો ધરાવતી કી હશે. શીફ્ટ કી, પેઈજ અપ, પેઈજ ડાઉન, વગેરે જેવી કી હશે. આ દરેક કીને એક ચોક્કસ બાઈટ સંખ્યા આપવામાં આવેલી છે. દા.ત.,
'0' = 0x30 = 48
'A' = 0x41 = 65
'a' = 0x61 = 97

આવા બાઈટકોડને આસ્કી(ASCII) કેરેક્ટર કહે છે. વધુ માહીતી માટે જુઓ: http://en.wikipedia.org/wiki/ASCII
જ્યારે જ્યારે કમ્પ્યુટરમાં કોઈ પણ માહીતીની આપ-લે થાય છે ત્યારે એ બાઈટ રુપે જ થાય છે; જેમ કે, કીબોર્ડથી સીપીયુ, સીપીયુથી મોનીટર, સીપીયુથી હાર્ડ ડીસ્ક ડ્રાઈવ, સીપીયુથી ઈંટરનેટ, વગેરે. તમે અત્યારે જે વાંચી રહ્યાં છો એ પણ બાઈટની જ આપ-લે છે.

આપણાં જે પ્રચલીત લખવાના ફૉંટ છે તે બધાં આસ્કી ફોંટ છે. એટલે કે, 0-255ની સંખ્યાને સાંકળે તેવાં ચોક્કસ કેરેક્ટર લખવામાં આવે છે. જે તે ફોંટ ઇંસ્ટોલ કરીએ એટલે વર્ડ જેવી એપ્લીકેશન એ ફોંટ પ્રમાણે સ્ક્રીન પર કેરેક્ટર દર્શાવે છે. આ બાબત સમજવા એક પ્રયોગ કરી જુઓ. વર્ડ ખોલીને અત્યારે જે ફોંટ હોય તે રાખીને એક વાક્ય લખો. પછી જુદાં-જુદાં ફોંટ સીલેક્ટ કરતાં જાઓ અને જુઓ કે એ પ્રમાણે સ્ક્રીન પર જે કેરેક્ટર દેખાય છે તેમાં કેવા ફેરફાર થાય છે? ( Control key દાબી રાખીને A દબાવો એટલે જે લખ્યું છે એ બધું સીલેક્ટ થશે અને પછી Format મેન્યુમાંથી Font સીલેક્ટ કરી, જે ડાયલોગ બૉક્ષ આવે તેમાં જુદાં-જુદાં ફોંટ સીલેક્ટ કરતાં જાઓ).

Saturday, October 06, 2007

પ્લાઝ્મા

પ્લાઝ્મા - ચીરાગ પટેલ Oct 06, 2007

આપણે પદાર્થની ત્રણ અવસ્થાઓ જાણીએ છીએ: ઘન, પ્રવાહી, અને વાયુ. આ ઉપરાંતની પદાર્થની કોઈ બીજી સ્થીતી તમારી જાણમાં છે? તમે દીવો પ્રગટાવો ત્યારે દીવાની જે જ્યોત છે તે શું છે? શું એ દીવેટ કે ઘી કે હવા છે? હકીકતમાં જ્યોત એ જ હવાની પ્લાઝ્મા (plasma) અવસ્થા છે! (ટેકનીકલી એ આંશીક પ્લાઝ્મા છે.) પ્લાઝ્માનું બીજું કોઈ ધગધગતું ઉદાહરણ કલ્પી શકો છો? સુરજદાદા! સુર્ય એટલે કે તારો જ્યારે જીવતો (?) હોય, ત્યારે તેમાં સતત હાઈડ્રોજનમાંથી હીલીયમમાં રુપાંતરણની પ્રક્રીયા ચાલતી જ હોય છે. અને એ હીલીયમ પ્લાઝ્મા સ્વરુપે રહે છે. આકાશે ઝબુકતી વીજળી પણ પ્લાઝ્મા અવસ્થા છે. ધ્રુવજ્યોતી કે અરોરા (aurora) એ પણ પ્લાઝ્મા છે. કૃત્રીમ પ્લાઝ્મા આજકાલ મળતાં પ્લાઝ્મા ટીવી, નીયોન લાઈટ, રોકેટના એક્ઝોસ્ટ વગેરેમાં જોવા મળે છે.

દરેક અણુનું મોડેલ લગભગ આપણી સુર્યમાળા જેવું દેખાય. સુર્યની ફરતે નવ ગ્રહો ફરે છે (પ્લુટોનું સ્થાન જો કે હવે ડામાડોળ છે!). જો એકાદ ગ્રહ એની કક્ષામાંથી છટકી જાય તો? બાહ્યાવકાશમાં ગમે ત્યાં ગોફણની પેઠે અથડાયા કરે! પ્લાઝ્મા અવસ્થા એટલે આવી રીતે છટકી ગયેલા ઈલેક્ટ્રોન (આવા પરમાણુઓને ચાર્જ્ડ પાર્ટીકલ્સ (charged particles) પણ કહી શકાય). જો કે પદાર્થ પ્લાઝ્મા અવસ્થામાં છે એવું છાતી ઠોકીને કહી શકાય એ માટે નીચેની શરતોનું પાલન થવું જોઈએ:

1. દરેક પરમાણુનાં ઈલેક્ટ્રોન, માત્ર સહુથી નજીકનાં પરમાણુ સાથે પ્રક્રીયા કરવાને બદલે આજુબાજુના બધાં ચાર્જ્ડ પાર્ટીકલ્સ સાથે અસર જન્માવે; અને બધાં ભેગાં મળીને સંયુક્ત સમુહ રુપે પોતાની વર્તણુંક દર્શાવે. આ માટે ડેબ્યે સ્ફીઅર (Debye sphere) શબ્દ પ્રયોજાય છે. આ ગોળામાં રહેલાં ચાર્જ્ડ પાર્ટીકલ્સ પ્લાઝ્મા સ્થીતી જન્માવે છે.
2. પ્લાઝ્મા આવૃત્તી (ઈલેક્ટ્રોનની પ્લાઝ્મા આવૃતી) સમાન્ય પરમાણુમાં ઈલેક્ટ્રોનની બીજા પરમાણુઓ સાથેની અસરોની આવૃત્તી કરતાં ઘણી વધારે હોવી જોઈએ.
3. સપાટી પરનાં ચાર્જ્ડ પાર્ટીકલ્સ કરતાં તેમની સમુહ વર્તણુંક વધારે અગત્યની છે.

પ્લાઝ્મા અવસ્થા જન્માવતાં પરીબળોમાં ઉંચું તાપમાન (નીચા તાપમાને પણ પ્લાઝ્મા શક્ય છે), ઉચું વીજદબાણ, ઉંચું ચુંબકીયબળ જવાબદાર છે.

પદાર્થની બીજી પણ નવી અવસ્થાઓ છે: બોઝ-આઈંસ્ટાઈન કંડેંસેટ (Bose-Einstein Condensate), ફર્મીઓનીક કંડેંસેટ (Fermionic condensate), ક્વોંટમ સ્પીન હૉલ (Quantum spin Hall), ડીજનરેટ મૅટર (degenerate matter), સ્ટ્રેઈંજ મૅટર (Strange matter), સુપરફ્લુઈડ્સ (Superfluids), સુપરસૉલીડ્સ (Supersolids), સ્ટ્રીંગ-નેટ લીક્વીડ (String-net liquid). આ બધી આવસ્થાઓ પર ક્યારેક ચર્ચા કરીશું.

પ્લાઝ્મા સ્થીતીમાં વૈજ્ઞાનીકોને એટલો બધો રસ પડ્યો છે કે વીજ્ઞાનની આખી નવી શાખા પ્લાઝ્મા ફીઝીક્સ (Plasma Physics) વીકસી છે.

જ્યારે કોઈ પદાર્થ પ્લાઝ્મા સ્થીતી ધારણ કરે ત્યારે તે જાણે જૈવીક પદાર્થ હોય એવી રીતે વર્તે છે. આખો પદાર્થ જાણે જીવંત બની જાય છે, અને પોતાની અશુધ્ધીઓને જાણે વાઈરસનું ઈંફેક્શન દુર કરવાનું હોય એમ પ્રતીક્રીયા જન્માવે છે. પોતાની આસપાસનાં વાતાવરણને વૈચારીક પ્રક્રીયાથી (?) અસર કરવાની શરુઆત કરે છે!

વૈદિક માનવ ધર્મ - બંસીધર પટેલ

વૈદિક માનવ ધર્મ - બંસીધર પટેલ

આધુનિક વિશ્વમાં દિનપ્રતિદિન અભૂતપૂર્વ ઘટનાઓ ઘટતી રહે છે. દેશ-દેશ વચ્ચે, ધર્મ-ધર્મ વચ્ચે વૈમનસ્યની ખાઈ વધુને વધુ વિસ્તરતી જાય છે. મનુષ્ય મનુષ્યના રક્તનો પ્યાસો બની હિંસાચાર આચરી રહ્યો છે. કોઈ કોઈનું સાંભળતું નથી. સ્વતંત્રતાએ સ્વચ્છંદતાનું નગ્નસ્વરૂપ લઈ માનવીને સ્વૈરવિહારી બનાવી દીધો છે. ભૌતિક સમૃધ્ધિમાં આળોટતા દેશોને માનસિક શાંતિ મળતી નથી. ગરીબ બિચારા દેશો સમૃધ્ધિની શોધમાં ધનવાન દેશોની આણ નીચે દબાતા જાય છે. આખરે આ બધું ક્યાં જઈ રહ્યું છે? એમાં ભારત જેવા ગરીબ વિકાસશીલ દેશનું ભવિષ્ય શું? આ બધા જ પ્રશ્નોના ઉત્તર સમસ્યાઓના ઢગલાની નીચે દબાઈ ગયા છે. સમસ્યાઓ ગુણોત્તર સંખ્યામાં વધતી ચાલી છે. આમ બધી સમસ્યાઓ વચ્ચે ઘેરાયેલો મનુષ્ય વધારે વધારે નિમ્નસ્તરનું કુસંસ્કારી વર્તન કરતો જાય છે. દિશાશૂન્ય જીવન અને ભૌતિક સુખોએ માનવના મગજને વિકૃત બનાવી અધ:પતનના આંગણામાં લાવી મુક્યો છે.

ધર્મ એ એક એવી પ્રકૃતિજન્ય પ્રક્રિયા છે કે જેમાં માનવી જેટલો ગહન અભ્યાસી બને તેટલો વધારે ઉજ્જવળ જીવન જીવી, સમાજ અને રાષ્ટ્રને સહાયભૂત બની શકે છે. તમામ ધર્મોની વચ્ચે ભારતિય આર્યસંસ્કૃતિ તથા વૈદિક ધર્મ, કે જે માનવના વર્તમાન જીવન ઉપરાંત ભવિષ્યના જન્મોને પણ આવરી લે છે, તેની પાસે મનુષ્ય કલ્પવૃક્ષની જેમ હરકોઈ કામનાનું સમાધાન મેળવી શકે છે.

આમ તો વૈદિક આર્યધર્મ એટલે માનવતાથી ભરપુર સમાજના નિર્માણ માટેનો ઉદ્યોતક છે. સમસ્યાઓના અગનથી દઝાતો મનુષ્ય પ્રેમજળથી શીતળતા પ્રાપ્ત કરવા સમર્થ બને છે. સનાતન આર્યધર્મના આધારસ્તંભ સમા ચાર વેદ અને ઉપનિષદ મનુષ્ય જીવનના હરેક પાસાને દ્રષ્ટાંતો, દાખલાઓ, વાર્તાઓ સહિત આવરી લે છે. જેમાં મનુષ્ય જીવનના જન્મથી મૃત્યુ પર્યંતના વિવિધ તબક્કાઓને સોળ ભાગમાં વહેંચી, અલગ-અલગ સોળ સંસ્કાર દ્વારા દિવ્યજીવન પ્રતિ પ્રયાણ કરાવે છે. વેદોમાં જે મંડળો છે, તેના દ્રષ્ટા ઋષિમુનિઓ છે. તેમણે જે સત્ય દર્શન કર્યું, તેને જગત સમક્ષ મુકી, આચાર-વિચાર-જ્ઞાન-કર્મ તથા ભક્તિ કરવાની સલાહ આપી, વિશ્વમાં સર્વશ્રેષ્ઠ માનવજીવનની મર્યાદાઓ તથા કુદરતી તત્વો સાથે તાલમેલ જાળવવા અદ્યતન જ્ઞાન ભર્યું પડ્યું છે. વેદો એક એવું વિજ્ઞાન છે કે જે હજારો વર્ષ પહેલાં સત્ય હતું, વર્તમાન સમયમાં પણ સત્ય છે અને હજારો વર્ષ સુધી સત્ય જ રહેશે, કેવળ સત્ય.

વૈદિક ધર્મ કોઈ અમુક વર્ગના મનુષ્યને અનુલક્ષીને રચાયેલું મર્યાદિત સાહિત્ય નથી. બલ્કે વિશ્વના હરેક મનુષ્યને સામાન્ય કક્ષાએથી ઉઠાવી દિવ્યતાના સાગરમાં નખશીખ સ્નાન કરાવતા દુર્લભ ગ્રંથો છે.

એવું કહેવામાં અતિશયોક્તી નથી કે દુનિયા જ્યારે કોઈપણ જાતના પૂર્વગ્રહ આડે લાવ્યા સિવાય વેદોને એકી અવાજે સ્વિકારી ગ્રહણ કરશે ત્યારે દુનિયાનો નકશો પલટાઈ જશે.

વૈદિક ધર્મ - વેદ - ઉપનિષદ અમર રહો.