Wednesday, November 28, 2007

ગીતા મારી માત

ગીતા મારી માત - બંસીધર પટેલ

સમય સારથી, દેહ રથ, મન અશ્વ, આતમ છે અર્જુન;
ના-મરદને પણ મરદ બનાવે, એ દીવ્ય ગીતાકેરું જ્ઞાન.

વીજ્ઞાન પણ અસમર્થ છે, ગીતાજ્ઞાન સનાતન સત્યદ્યોતક;
મીઠાની પુતળી નીસરી માપવા ગહેરાઈ સમંદરની, સમાણી સદેહે.

સોળે કળાએ સંપન્ન જ્ઞાન, જીવનકળાની ખરે જ પ્રયોગશાળા;
નથી ઉણપ કોઈ વીષયની, ઉભા કર્યા કંઈ પાર્થને ધનુષબાણ લઈ.

નથી સગા સાચા કોઈ, દુનીયા દોરંગી, કપટી સ્વાર્થનું ભાન કરાવી;
આપ્યો ઉપદેશ યોગેશ્વરે અતીગહન, પામવા મથતા ગુરુજન ઋષીઓ.

કર્મ, ધર્મ, જ્ઞાન તણો સંગમ અનેરો પાવન, મન મેલ ધોઈ દેનારો;
અભડાયેલા, અટવાયેલા, સંસારદાહથી દઝાયેલા બહુજન.

મળે છે શાતા, ચીર શાંતી વીપુલ, જ્ઞાનનો ભંડાર ધરખમ ખરો;
ભાંગ્યા જનોની ભેરુ સાચી, માત ગીતા દુઃખ વીદારનારી.

બનીને કર્મઠ યોધ્ધા, થાઓ ઉભા ઓ દુનીયાના પાર્થ સર્વે;
લડો સામી છાતીએ, કર્મ-જ્ઞાનરુપી ધનુષબાણના સથવારે.

સોડલા તાણીને ઉંઘ્યા ખુબ, ના જોયું કદી કલ્પવૃક્ષ ગીતા ભણી;
સંસ્કૃતીના આધારસ્થંભ ચાર, ગીતા, ગાય, ગંગા, ગાયત્રી.

મજબુત હોય જો ચારેય સ્થંભ, ઈમારત ટકે ચીરકાળ લગી;
ગીતા એવો આધારસ્થંભ, ના ખરે કાંકરી, અડીખમ ઉભી.

મલેચ્છોએ કર્યા વાર, ના થયો ઘા, એવી દીવ્યશક્તી;
ધર્મ, અર્થ, કામ અરુ મોક્ષ, ચતુર્વીધ ફળપ્રદાયીની.

માંગો જે બધું મળશે મહીં, ખોલી જુઓ ગીતામાતને;
ધરતી પરનું સાચું સ્વર્ગ, કલ્પવૃક્ષ જનની ગીતાભારતી.

Sunday, November 04, 2007

યુનીકોડ ફોંટ

યુનીકોડ ફોંટ - ચીરાગ પટેલ Nov 04, 2006

આપણે જોઈ ગયા, કે દરેક કેરેક્ટરને એક ચોક્કસ બાઈટ સંખ્યા વડે દર્શાવાય છે. એક બાઈટ, એટલે 8 બીટ અથવા 2 નીબલ, વડે 0થી લઈને 255 સુધીની જ સંખ્યા સમાવી શકાય. એટલે પ્રચલીત ભાષાઓમાં લખાણ માટે જે તે ફોંટ બનાવનારે આ મર્યાદામાં રહીને જ અક્ષરો દર્શાવવાના થયાં. અને એમાં પણ ભારે ઉથલ-પાથલ મચી ગઈ. એક જણે ગુજરાતીના 'ક' માટે 78નો અંક રાખ્યો અને બીજાએ 98નો અંક રાખ્યો. આમ, એક ફોંટમાં લખેલી ફાઈલને ખોલવા માટે બીજો ફોંટ લગભગ નકામો! અને વીચારો કે ગુજરાતીમાં લખેલી ફાઈલને ઈંગ્લીશ કે અરેબીકમાં ખોલીએ તો...

આ બધી અંધાધુંધી જો કે ઈંગ્લીશ સીવાયની લીપી માટે રહી. ઈંગ્લીશમાં તો જુદાં જુદાં ફોંટ વાપરવા છતાં અક્ષરો દર્શાવવાની સંખ્યા તો ચોક્કસ જ રહી. એટલે, ટાઈમ્સમાં લખેલી ફાઈલ એરીયલ ફોંટ વડે ખુલે તો ખરી જ. માત્ર, જે તે અક્ષરના વળાંકો અલગ રીતે જોવા મળે. આવું કાંઈક બીજી બધી લીપી માટે વીચારી શકાય?

આ જ પ્રશ્નમાંથી યુનીકોડને નીયમબધ્ધ કરવાની શરતો નક્કી થઈ. યુનીકોડમાં UTF-7, UTF-8, UTF-16 વગેરે અલગ-અલગ નીયમો પ્રચલીત થયા. અને યુનીકોડમાં ફોંટ બનાવવા માટે બે બાઈટનો ઉપયોગ કરવાનું વીચારાયું. આમ, બે બાઈટ વડે 0થી લઈને 65535 સુધીની સંખ્યા લખી શકાય, એટલે દુનીયાની દરેક પ્રચલીત લીપી માટે ચોક્કસ સંખ્યા-ગાળો નક્કી કરવામાં આવ્યો. હવે તો, 4 બાઈટના યુનીકોડ વીશે પણ વીચારણા ચાલી રહી છે! એટલે 0થી લઈને 65535 * 65535 સુધીની સંખ્યા દર્શાવી શકાય!

UTF-8 એ આસ્કી કેરેક્ટર સાથે સારી રીતે સુસંગત થાય છે, એટલે વધુ પ્રચલીત છે. આપણે, લીપી પ્રમાણે થોડી સંખ્યાઓ જોઈએ.

દેવનાગરી - 0x0900 - 0x097f
ગુજરાતી - 0x0a80 - 0x0aff

વધુ માહીતી માટે જુઓ: http://en.wikipedia.org/wiki/Basic_Multilingual_Plane#Basic_Multilingual_Plane

હવે, ગુજરાતીના દરેક અક્ષર માટે ઉપર દર્શાવેલા અંતરાલમાંથી એક ચોક્કસ સંખ્યા નક્કી થઈ છે. જેમ કે, 'ક' માટે 0x0a95, 'ૐ' માટે 0x0ad0, વગેરે. વધુ માહીતી માટે જુઓ: http://en.wikipedia.org/wiki/Gujarati_script

વીંડોઝ એક્ષ.પી. સાથે શ્રુતી ફોંટ આવે છે જે યુનીકોડ છે. એ ફોંટમાં લખેલી ફાઈલને બીજા કોઈ યુનીકોડ ફોંટ વડે ખોલીએ તો આપણને 'ક' જ્યાં હોય ત્યાં જ દેખાશે, પરંતુ એ જુદા ફોંટ વડે મરોડમાં થોડો ફેર હોઈ શકે. આમ, યુનીકોડ વડે દરેક અક્ષરનું ચોક્કસ સંખ્યા-સ્થાન નક્કી થઈ ગયું છે, જેણે ઈંટરનેટના વપરાશમાં ક્રાંતી લાવી દીધી. પહેલાં તો જે તે વેબ-સાઈટ પોતાના ફોંટ બનાવે જે ડાઉનલોડ કરવા પડે, અને તો જ જે તે સાઈટ દેખાય. જ્યારે હવે તો, યુનીકોડમાં બનેલી સાઈટ જોવા એવું કરવાની જરુર નથી પડતી (જો કે, અમુક અપવાદ હોઈ શકે છે).

www.bhashaindia.com પરથી આસ્કી <-> યુનીકોડ બન્ને રીતે ફાઈલને પરીવર્તીત કરવાને યુટીલીટી ડાઉનલોડ કરી શકાય છે (TBILconverter). વિશાલે પણ www.gurjardesh.com પર ઓનલાઈન યુટીલીટી મુકી છે.

Friday, November 02, 2007

અવતારની લીલા સમાપ્તી

અવતારની લીલા સમાપ્તી - ચીરાગ પટેલ

ઘનઘોર વાદળો.
કાજળઘેરી રાત.
શ્યામ રંગે ઉંઘતુ આકાશ.
શીતળતા બક્ષતો ચન્દ્રમા.
શરમના શેરડા પાડતો સુર્ય.
ટમટમતા તારલા.
ઝબકીને ઝાકળવત જીવતી ઉલ્કાઓ.
નવ ગ્રહોથી અનુપમ શોભતી માળા.
ધુમકેતુઓની ધુમ્રસેરોનો પડાવ.
મનોહારીણી આકાશગંગાનો ઝગમગતો પટ.
અબજો ટન ઓહીયા કરતા કૃષ્ણ-વીવરો.
શક્તીનો મહાવીસ્ફોટ કરતા શ્વેત-વીવરો.
ગુરુત્વાકર્ષણની ચાદરથી બન્ધાયેલુ વીશ્વ.
શુન્યમા અનુભવાતી સુક્ષ્મ ઉષ્ણતા.
વણજોયેલુ અનુભવાતુ મહત-તત્વ.
અફાટ અને વીરાન એકલતામા અસ્તીત્વનો આભાસ.
દુર-સુદુર સમ્ભળાતો ચીર-પરીચીત શાશ્વત શાંતીનો આંતર્નાદ.
હ્રદય વગર અનુભવાતુ આનન્દોર્મીઓનુ દોલન.
મન વગર દેખાતો અસ્તીત્વને ઝમકોરતો સર્વસ્વનો પ્રકાશ.
એક વીશાળ પરપોટા જેવુ દેખાતુ બ્રહ્માંડ.
એને ભેદીને એક સમુદ્રમા ઉઠતી અગનજ્વાળા.
એ અગ્નીશાખાનુ અધોગમન અને ઓમકારના ‘મ’ ધ્વનીનુ શમન.
એક સીધ્ધ, સંત કે અવતારનો ઉદ્ભવ અને ઉદ્દેશ્ય પુર્ણ થતા સ્વગ્રુહે આગમન.