Monday, December 24, 2007

લાજો મનુષ્ય

લાજો મનુષ્ય - બંસીધર પટેલ Apr 02, 1994

કાળનું વહેણ પલટાઈ રહ્યું, કે વખના વાયરા વાઈ રહ્યા.
વળી રહ્યું છે મીંડું કે સંસ્કાર સઘળા ધીમેથી લોપાઈ રહ્યા.
દુર-દર્શન હોય કે રેડીયો, સીનેમા; અશ્લીલતા ખુલ્લી નાચી રહી.
કુમળા બાળ-માનસ મુરઝાઈ રહ્યા, વડીલોના વાંકે શોષાઈ રહ્યા.

ભણતર બન્યું છે બદતર કે દફતરનું વહન વધી રહ્યું.
ગણતર વીનાનું ચણતર, પાયો કાચોકચ પડી રહ્યો.
થાશે શું આ સૃષ્ટીનું, મન મારું વીહ્વળ થઈ રહ્યું.
ના સુણે કોઈ કોઈનું, પ્રેમ-સ્નેહ-સગાઈ ફેંકાઈ રહી.

નારીના દેહતણું થાય છે લીલામ ખુલ્લા બજારમાં.
નીચી મુંડીએ નીરખી રહ્યા સહુ બનીને ભીષ્મ પીતામહ.
ખેંચાય છે વસ્ત્ર સચ્ચાઈના, નથી પડી કોઈ કોઈની સ્વાર્થમાં.
ભ્રષ્ટાચાર પથરાઈ ગયો, આચાર-વીચાર ગયા મહાસાગરમાં.

વીશ્વની જનેતા નાખે નીઃસાસા, નથી કોઈ તારણહાર.
કુદકે ને ભુસકે વધતી વસતી, ભાર ભોમનો અતી મારણહાર.
ભણેલા-અભણ સહુ વરતી રહ્યા, ગળાકાપ હરીફાઈ થકી.
ના રહેશે કોઈ કોઈનું ભલા, પ્રલય પણ થરથર કંપી રહ્યો.

બનીને રાંક ઓ મનુના વંશજ, શાને હરખાઈ રહ્યો?
રાંડ્યા પછીનું ડહાપણ તારું, ના લાગશે લગીરે કામ અહી.
ચેતી જા ભલા, પામર, દુષ્ટ માનવી, શરમાઈ રહી તારી ભોમકા.
પ્રભુ પણ પછતાઈ રહ્યો તારા થકી, ઓ વાનરના વંશજ આદી.

ઉગે છે સુર્ય પુર્વમાં, લઈને નવી ક્ષીતીજ પ્રકાશની.
લઈને કંઈક શીખ, ઓ મુરખ મનવા, મુક તમા જગતની.
રાત્રી-દીન, સવાર-સાંજ બસ ધારણા એક ઈશ્વરની.
ઉગારજો આ મનખ જનાવરને, કરીને માફ સર્વે થાયે ભલો.

કાળ

કાળ - બંસીધર પટેલ Apr 02, 1994

કદીક વાગોળું હું મારા ભુતકાળને,
આંખો મીચાઈ જાય છે અતીતનાં ઉંડાણમાં.

નાંખીને દીર્ઘ નીઃસાસો નીશ્વાસનો,
મથી રહ્યો છું પ્રાસ લેવા જીંદગી તણો.

નીર્દોષ, નીષ્કપટ, નીર્વ્યાજ પ્રેમ શીશુ તણો,
વીસરાઈ ગયો, વહી ગયો વખતની થપાટમાં.

જીંદગીના ઝંઝાવાતમાં જુવાની ઝંખવાઈ ગઈ,
આધેડ વયનો વયસ્ક બની વયની થપાટ લાગી રહી.

શું શું સપનોનો સાંકળો તાણી રચી હતી જાળ,
પીંખાઈ ગયો માળો, પીંછાં બધાં તીતર-બીતર બની.

વીતેલો વસમો કાળ, હજી નથી કપાઈ રહ્યો,
ત્યાં તો સામે આવી ઉભું જરા-વ્યાધી તણું લંગર સહુ.

સંસારના વમળમાં વીંટળાઈ રહ્યો ખુબ,
શોધમાં સુખ-સગવડ તણી, ભટકી રહ્યો ભવસાગર મહીં.

અતીત સારો કે વર્તમાન, મન ચગડોળે ચઢ્યું,
ત્યાં આવ્યો વીચાર ભાવી-તણો, આપી અણસાર અતીતનો.

વીધીએ લખ્યું જેહ ના મીથ્યા થાયે કદી,
ચાલશે એમ જ ગાડી, મનમાં હું આ વીચારી રહ્યો.

સમત્વ

સમત્વ - ચીરાગ પટેલ Nov 16, 2007

ૐ સહનાવવતુ સહ નૌ ભુનક્તુ સહ વીર્યમ કરવાવહૈ |
તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ ॥
ૐ શાંતિ: શાંતિઃ શાંતિઃ

આ શ્વેતાશ્વતર ઉપનીષદના શાંતીપાઠથી કયો સનાતનધર્મી અજાણ હશે? સરળ અર્થ: હે ઇશ્વર અમારું સાથે રક્ષણ કરો (બે જણ માટે પ્રયોજાયું છે?), અમારું સાથે પાલન કરો, અમને સાથે હળીમળીને કામ કરવાની શક્તી આપો, અમારું શીક્ષણ અમને તેજસ્વી બનાવે, અમે એક્બીજાનો દ્વેષ ના કરીએ. અમને શાંતી પ્રાપ્ત થાઓ.

આ શ્લોકમાં જણાવેલ સમત્વ કેટલી મોટી વૈચારીક ક્રાંતીનું નીમીત્ત બની શક્યુ હોત! પરંતુ, આપણે આ મંત્ર ગોખીને પઢતા રહ્યાં, વર્ષો સુધી! આપણા રોજીંદા જીવનની ઘટમાળથી લઈને, નોકરી-ધંધો, સમાજ, રાજકારણ, રાષ્ટ્રીયતા વગેરેને સ્પર્શતા મુદ્દાઓનો કેટલો સરસ ઉકેલ આ શ્લોકમાં રહેલો છે. આવી સ્પર્શતી બાબતો પર તો એક મહા-નીબંધ લખી શકાય. કીંતુ, આજે વાત કરીશું 'સમત્વ'ની એક અલગ કોણેથી.

આપણે રોજ સવારે ઉઠીએ છીએ અને આજની તારીખમાં કરવાના કામોની યાદી બનાવીએ છીએ (ખરેખર?). આ તારીખ નક્કી કરવા માટે કેટલા બધાં પંચાંગ કે કેલેંડર છે! અને છતાં, આપણે ગ્રેગોરીયન કેલેંડર પર આજે સહમતી પર છીએ. સમય પાલનમાં આપણે 24કલાકની ઘડીયાળ અપનાવી લીધી છે. માપનની પધ્ધતી અને તોલમાપ માટે દુનીયામાં સહમતી છે (અમેરીકા કે ગણ્યાં ગાંઠ્યા દેશોને છોડીને). આપણે સીસ્ટમ ઈંટરનેશનલના ધારાધોરણ મુજબ મીટર, કીલોગ્રામ, સેકંડ, લીટર અપનાવી લીધા છે. દરેકે દરેક ક્ષેત્રમાં આજે દુનીયામાં સ્ટાન્ડર્ડ રખાતા થઈ ગયા છે, કે જેથી દુનીયાની મહત્તમ જનસંખ્યાને સુલભ ઉપલબ્ધી રહે. યુનીકોડ ફોંટ, 220 કે 110 વોલ્ટ, વીસીડી કે ડીવીડીની ફોર્મેટ, ઈલેક્ટ્રીક પ્લગનો આકાર, ટીવી પ્રસારણ માટેનો બેંડ, ટીવીસેટ, મોબાઈલ ફોનનો પ્રકાર, ફોન નમ્બર, પીન કોડ કે ઝીપ કોડ, વગેરે વગેરે વગેરે. યાદી કેટલી લાંબી થઈ શકે એનો અંદાજો પણ નથી. કલાપીની જેમ કહી શકાય? "જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની."

શું શાંતીપાઠનું ખરું પાલન થવું હવે જ શરું થયું છે? અને દુઃખની વાત એ છે કે, ભારત શાંતીપાઠ ગોખીને બેઠું રહ્યું અને પશ્ચીમે એનો ખરેખર અમલ કરી બતાવ્યો. આજની તારીખે પણ સ્ટાંડર્ડ નક્કી કરવામાં ભારત માત્ર અનુસરણ જ કરી રહ્યું છે. "દ્વેષ" તો ભારતના પ્રદેશો વચ્ચે કે એક જ પ્રદેશનાં લોકો વચ્ચેથી પણ દુર નથી થયો.

પ્રભુ, શાંતી, શાંતી, શાંતી (મારા મગજને ઠંડુ પાડ, પ્રભુ)!

માઈક્રો પ્રોસેસર

માઈક્રો પ્રોસેસર - ચીરાગ પટેલ Dec 24, 2007

માણસના શરીરમાં કેટલાં બધાં અવયવો છે! એમાંથી કેટલાંક દેખાય છે, જ્યારે કેટલાકનું કામ દેખાય છે. દરેક અવયવોને નીયંત્રીત કરતું અંગ છે - મગજ. જો મગજ બંધ તો બધું જ બંધ. દરેક જીવ કે યંત્રમાં કોઈ એક એવું અંગ હશે જ, કે જે સમગ્ર દેહ/યંત્રને સંચાલીત કરતું હશે. આ બ્લોગ (વીજાંશ) જે વીષયને સમજવા પ્રયત્ન કરે છે, તે કમ્પ્યુટર નામના યંત્રને આભારી છે. કમ્પ્યુટરને સંચાલીત/નીયંત્રીત કરતું અંગ છે - સેંટ્રલ પ્રોસેસીંગ યુનીટ (Central Processing Unit અથવા ટુંકમાં CPU). દરેક કમ્પ્યુટરમાં એક કે એકથી વધુ માઈક્રોપ્રેસેસર (Microprocessor) વડે સીપીયુ બને છે (આપણા મગજના જુદા જુદા ભાગ મળીને એક યુનીટ - મગજ બનાવે એ જ પ્રમાણે). માઈક્રોપ્રોસેસરમાં અસંખ્ય (કરોડોની સંખ્યામાં) સુક્ષ્મ ટ્રાંઝીસ્ટર(Transistor) હોય છે. મગજનાં જ્ઞાનતંતુઓની માફક જ આ બધાં ટ્રાંઝીસ્ટર ભેગાં મળીને કામ કરતાં હોય છે.

જેવી રીતે પ્રાણીની ઉત્ક્રાંતી થવાથી મગજનું કદ વધતું ગયું છે અને મગજની કામગીરી વધતી ચાલી છે, એવી જ રીતે માઈક્રોપ્રોસેસરની ક્ષમતામાં વધારો થતો જાય છે. Moore's Law (મુરનો નીયમ) પ્રમાણે દર 18 મહીને માઈક્રોપ્રોસેસરની ક્ષમતા બમણી થતી હોય છે. (એક ગુજરાતીને પોરસાવાનું આથી વધુ મોટું કારણ કયું હોય? જે રોકાણ 18 મહીને બમણું થતું હોય એમા કયો લાલો પાછો હટે?). પહેલવહેલા માઈક્રોપ્રોસેસરની જે ક્ષમતા હતી, એ કરતાં 1 કરોડગણી વધુ ક્ષમતા અને એના કરતાં 5મા ભાગનું કદ આજના પ્રોસેસરમાં છે! અને આ પ્રગતી માત્ર 25 વર્ષમાં જ થઈ છે (... ભારે ઝડપી ઉત્ક્રાંતી, ભારે કરી ... )!

આવા માઈક્રોપ્રોસેસરમાં ગાણીતીય અને તાર્કીક કામ કરવા માટે એ.એલ.યુ. (ALU or Airthmetic and Logic Unit) હોય છે. માહીતીનો સંગ્રહ કરવા મેમરી યુનીટ(MU or Memory Unit) હોય છે. કામકાજ કરવા હાથ-પગ જેવાં રજીસ્ટર (Registor) હોય છે. આ બધાં યુનીટ કેટલાં બીટની માહીતી એકસાથે આપ-લે કરે છે એના પરથી એમના નામ પડે છે. જેમ કે, 8-બીટ, 16-બીટ, 32-બીટ અને 64-બીટ મશીન. એટલે કે, માઈક્રોપ્રોસેસર એના એક કોળીયામાં આટલા બીટની ક્ષમતાનો માહીતીનો જથ્થો લઈ શકે છે (બસ, વધુમાં વધુ 64-બીટ? આપણે બંદા તો એક કોળીયામાં ચોખાનાં 150 દાણા ખાઈ શકીએ ;-) ). 8-બીટ એટલે 1 બાઈટ એવું યાદ છે ને?

પહેલ વહેલું માઈક્રોપ્રોસેસર ઈંટેલ (Intel) કમ્પનીએ 4004, ટેક્ષાસ ઈંસ્ટ્રુમેંટ્સ (Texas Instruments) TMS 1000, અને ગેરેટ એઆઈ રીસર્ચ (Garrett AiResearch) CADC બનાવ્યું હતું. આ ત્રણેય લગભગ સાથે-સાથે જ બઝારમાં મુકાયા હતાં. આ બધાં 1970ની આસપાસ 4-બીટના માઈક્રોપ્રોસેસર તરીકે આવ્યાં હતાં.

ડ્યુઅલ કોર પ્રોસેસર (Dual-core Processor) હવે વપરાશમાં આવતાં જાય છે. 64-બીટના પ્રોસેસરનું કદ એટલું જ રાખીને એમાં બે પ્રોસેસર ફીટ કરવાથી ડ્યુઅલ કોર પ્રોસેસર બને છે (આપણી એક ખોપરીની અંદર, ખોપરીનું કદ વધાર્યા વગર બે મગજ ફીટ કરી દઈએ, એવું)! એ જ પ્રમાણે હવે તો ક્વૅડ કોર (Quad-core) અને એઈટ કોર (Eight-core) પ્રોસેસર અમુક હાઈ-પ્રોસેસીંગ સીસ્ટમમાં વપરાય છે (એક જ ખોપરીમાં આઠ મગજ!!!).

આપણે બોલચાલની ભાષાને સાંકેતીક શબ્દોમાં ફેરવીએ તો અક્ષરોની સંખ્યા ઘટાડી શકીએ. ૐ કે સ્વસ્તીક આનું પ્રાચીન ઉદાહરણ છે. એ પ્રમાણે માઈક્રોપ્રોસેસરની માહીતીની આપ-લે કરવાની જે ભાષા છે, એના શબ્દો ઘટાડીને જે માઈક્રોપ્રોસેસર બને છે એમને રીસ્ક પ્રોસેસર (RISC or Reduced Instruction Set Computer) કહે છે. માઈક્રોપ્રોસેસરની ભાષાને એસેમ્બ્લી લેંગ્વેજ (Assembly Language) કહે છે. એમાં પણ પ્રગતી થઈને હવે 64-બીટ પ્રોસેસર મળે છે એને સીસ્ક (CISC or Complex Instruction Set Computer) કહેવાય છે. આમ, માઈક્રોપ્રોસેસરનું કદ, માહીતી આપ-લે ક્ષમતા, ભાષા દરેકમાં ધરખમ ફેરફાર આવતાં જ જાય છે. (આપણે આપણા વીચારોને ભાષાનાં વાઘાં પહેરાવ્યાં વગર જ્ઞાનતંતુઓની આપ-લેની વીજ-રાસાયણીક ભાષામાં વાત કરી શકીએ?)

માઈક્રોપ્રોસેસરને માઈક્રોકંટ્રોલર (Micro-controller), ડીજીટલ સીગ્નલ પ્રોસેસર (Digital Signal Processor or DSP), સીસ્ટમ ઓન ચીપ (SoC or System-on-Chip) વગેરે નામે પણ ઓળખવામાં આવે છે. ખાસ કામ માટે વપરાતાં માઈક્રોપ્રોસેસરને જે તે કામ મુજબનું નામ આપવામાં આવે છે. જેમ કે, ગ્રાફીક્સનું કામ કરતાં પ્રોસેસરને GPU or Graphics Processing Unit કહે છે.

જુદી-જુદી કમ્પનીના પ્રોસેસરની ડીઝાઈનમાં થોડાં પાયાનાં ફેરફાર હોય છે. ઈંટેલના પ્રોસેસર લીટલ એંડીયન(Little Endian) કહેવાય છે, જ્યારે પાવર પીસી (PowerPC) બીગ એંડીયન (Big Endian) કહેવાય છે. 32-બીટ પ્રોસેસર હોય અને લીટલ એંડીયન હોય તો બીટ 0નું સ્થાન જમણી બાજુ હોય અને બીટ 31 ડાબી બાજુ હોય, જ્યારે બીગ એંડીયનમાં બીટ 0નું સ્થાન ડાબી બાજુ અને બીટ 31નું સ્થાન જમણી બાજુ હોય (આપણે આપણું મોઢું અરીસામાં જોઈએ તો કેવું પ્રતીબીંબ કેવું પલટાયેલું લાગે છે, એવું જ).

કેટલાંક પ્રચલીત પ્રોસેસર બ્રાંડ: 65xx, ARM, RCA, DEC, Intel, MIPS, Motorola 6800, IBM POWER, OpenRISC, PA-RISC, SPARC, AMD, Xilinx વગેરે.

ઈતીશ્રી માઈક્રોપ્રોસેસર કથાયૈ નમઃ॥

Saturday, December 08, 2007

ધૈર્ય

ધૈર્ય - બંસીધર પટેલ Nov 16, 1994

ધૈર્ય ધરો ઓ મનવા,
કાળની થાપટ ખાઈને.

ઉડતાં પંખેરું નીલ ગગનમાં,
એ જ ધૈર્યનાં વીશ્વાસે.

તૃષા હોય બેહદ જીવન જળની,
ભમતું એ વીહગ સ્વબળે.

ઉતાર-ચઢાવ વાળો જીવન તણો એ રાહ,
વીશ્વાસ સ્વ તણો કરે પાર.

જીવનપુષ્પ

જીવનપુષ્પ - બંસીધર પટેલ Nov 16, 1994

ખીલેલું એ પુષ્પ ઉપવનની શી શોભા ન્યારી,
ભરીને અરમાનો તણા આભ, ઉમંગે કુદે બલીહારી.
વીવીધ રંગો, ભાત-જાત ઘણી, કરામત પ્રભુની પ્યારી;
તાજગીથી તરબોળ સ્મીત, કેટલી ઉર્મીઓ ઉછાળા મારતી.

ભલે હોય અલ્પાયુ, છતાં દેવશીરે પ્યારું;
કરમાય છતાં એ ના વીસરે સ્મીત અતી રુપાળું.
મર્યાદા જીવનતણી, રાખે એ સદાય તરવરતું;
આપે રુડી શીખ, ઉર્મીઓના ઉદધી પ્રસરાવતું.

સુવાસ તણો સહારો એ કદીય ના વીસરતું;
જડેલી જન્મ-જીવન-મૃત્યુ લગી, પરસ્પર સંવારતું.
છોને થાય નાશ જીવનનો, રહેતી સુવાસ નીખારતું;
બાળ સહજ એ હાસ્ય, સદાય ઉપવનને શોભાવતું.

વહેવાર

વહેવાર - બંસીધર પટેલ Nov 16, 1994
વહેવાર બન્યાં છે શુષ્ક,
દુકાળ પડ્યો છે કાળનો.

આથમે ઉગે નીત્ય સુરજ,
એ નીત્યક્રમ કદી ના ચુકતો.

મોંઘવારીનો ભોરીંગ ફુંફાડા મારતો,
સસ્તો બન્યો છે એક મનુષ્ય.

મારી-તારી ને કાપા-કાપી,
એક વહેવાર એ જ જગતનો.

નવલું પ્રભાતનું નજરાણું,
કે આથમતો એ ક્ષીતીજમાં.

રહે સદાયે અડગ નીજ પથમાં,
ના ચુકતો એ કદીયે વહેવાર.

કેવી ઘંટી

કેવી ઘંટી - બંસીધર પટેલ Nov 16, 1994

કહેવું શું આજની આ જંજાળને,
ભમે છે બનીને વાનરસેના.

ભણતર ગણતરનું નામો નથી નીશાન,
ટીવી, ટેપ વ્યસન તણાં અનીષ્ટ.

વહે છે ઉલટી ગંગા, લઈ ડુબાડશે સંસ્કૃતી,
વાંસ-વાંસળીની ઉક્તી કહે સહી.

દલીલબાજીની વીંઝી તલવાર કરે અપમાન,
વડીલ-ગુરુ-મા-બાપનું બેહદ.

પહેરવેશનું પણ નથી લગારે ભાન,
મુખતણું તેજ સહુ શુષ્ક ભાસે.

નરમાંથી બને નારી, સ્ત્રી પણ બને પુરુષ,
બહુરુપીના ખેલ બધાં ન્યારા.

વર્તુળની વ્યાખ્યા ઘણી પ્યારી દેતી શીખ,
જ્યાંથી કરેલ શરું ત્યાં જ પુનઃ પધારતાં.

સમયની સરગમ સાધે અકળ ભવીષ્યનું,
કરશે કોળીયો, લગીરે ના વાર ક્ષણની.

ચેતવું હોય તો ચેતજો, ઓ નર-નાર જગતનાં,
પીસે ઘંટીમાં બારીક, દેખે ખેલ સહુ ઉપરવાળો.

સમય સાથી

સમય સાથી - બંસીધર પટેલ

પળ, દીવસને રાત વહી, વરસોનાં વાયા વહાણાં;
બાળક, જુવાનને પ્રૌઢ મટી, વીતાવ્યાં વરસ અતીઘણાં.
દાઢી, મુછ ને માથે સફેદી, શ્વેત રંગ તે ધર્યો બહુધારી;
અંગ, બંગ સહુ બન્યાં છે વેરી, ઢીંચણમાં વા ગયો છે પ્રસરી;
કર્ણ, નયન, મુખ બન્યા અબુધ, દેતા હોંકારો બેવાર તડુકી.

છોને બન્યા વહુ, સુત સહુ વેરી, સાથ સમાગમ આતમનો;
ભણતર, ગણતર ના બન્યાં કોઈ પ્રેમી, મીલકત, માલ તમામનો.
હેલાં, હલેસાં, ખાતા, માતા છીએ કેદી, ધાન ગરજની આપ્તજનોની;
મેણાં, ટોણાં મળે મફતમાં, કાળને પાછો ઠેલી, મળે ના પ્રેમ સકળજનોના.

હાથવગાં છે સ્નેહી મારા, ટોપી, તીલક ને લાકડી;
સવાર પડે કે સાંજે મળતાં, સમદુઃખીયા સહુ લાડથી.
ચોતરો બન્યો છે આધાર અમારો, ચર્ચા, વાર્તા કરતાં સહુ વ્હાલથી;
શ્વાસ - પ્રશ્વાસ છે ભેરુ અમારા, પડી ના કોઈ પથવારની.

Sunday, December 02, 2007

અર્થવીસ્તાર: અવતારની લીલા સમાપ્તી

અર્થવીસ્તાર: અવતારની લીલા સમાપ્તી - ચીરાગ પટેલ Dec 02, 2007

મેં "અવતારની લીલા સમાપ્તી" પર જે કલ્પના લખી હતી, એનો અર્થવીસ્તાર નીચે રજુ કરી રહ્યો છું. દરેક પંક્તી મુળ લેખમાંથી લઈને નીચે એનો અર્થ સમજાવ્યો છે.
-------------------------------
ઘનઘોર વાદળો.
કાજળઘેરી રાત.
શ્યામ રંગે ઉંઘતુ આકાશ.

કલ્પનાની શરુઆત થાય છે શ્યામલ વાદળો આકાશમાં છવાય છે. કોઈ પણ સમયે મેઘીલ વાદળો એક પ્રકારનો રોમાંસ જન્માવતા હોય છે. એના લાગણી-પ્રવાહથી કોણ અછુતો રહી શકે? અને એવાં શ્યામલ મેઘભરી અમાસની રાત્રીએ પૃથ્વી પરથી આકાશ કેવું ભાસે? જાણે કે, આખું આકાશ શ્યામરંગી ધાબળો ઓઢીને ઉંઘી રહ્યું હોય! એવા સમયે, સીધ્ધ/સંત/અવતાર પુરુષ/સ્ત્રી પોતાનો ક્ષર-દેહ ત્યજીને અક્ષર-પડાવે ગંતવ્ય થાય છે.

શીતળતા બક્ષતો ચન્દ્રમા.
શરમના શેરડા પાડતો સુર્ય.
ટમટમતા તારલા.

થોડી ગતી બાદ, એ આત્મા આકાશને પાછળ છોડીને અવકાશમાં પ્રવેશ કરે છે. ત્યારે તેને શું દેખાય છે? ચન્દ્રનો શીતળ પ્રકાશ એક બાજુ રેલાઈ રહ્યો છે, અને સુર્યનો નારંગી/પીળો પ્રકાશ બીજી બાજુ રેલાઈ રહ્યો છે. સુર્ય જાણે શરમીંદગી અનુભવતો લાગે છે. અવકાશના અનંત વીસ્તૃત પટમાં નાના-નાના અસંખ્ય તારાઓ ટમટમે છે.

ઝબકીને ઝાકળવત જીવતી ઉલ્કાઓ.
અવકાશમાં આગળ ગતી કરતો એ આત્મા ક્ષણાર્ધમાં નાશ પામતી ઉલ્કાઓના સંસર્ગમાં આવે છે.

નવ ગ્રહોથી અનુપમ શોભતી માળા.
ધુમકેતુઓની ધુમ્રસેરોનો પડાવ.

પ્રવાસી આગળ અને આગળ વધતો સુર્યમાળાના છેલ્લા ગ્રહ 'પ્લુટો' કે 'યમ'ને વળોટી રહ્યો છે. એવે વખતે, તે નવ ગ્રહો જાણે કોઈ માળાનાં મણકાં હોય, એવું જોઈ રહ્યો છે. હજુ આગળ વધતાં, તેને 'ઉર્ટ'ના વાદળ તરીકે ઓળખાતા લાખો ધુમકેતુઓનાં સ્થાનનો ભેટો થાય છે. આ વાદળમાંથી કેટલાંય ધુમકેતુ સુર્ય તરફ આકર્ષાઈને લંબવર્તુળીય કક્ષામાં ભ્રમણ શરું કરતા હોય છે.

મનોહારીણી આકાશગંગાનો ઝગમગતો પટ.
અબજો ટન ઓહીયા કરતા કૃષ્ણ-વીવરો.
શક્તીનો મહાવીસ્ફોટ કરતા શ્વેત-વીવરો.

ઉર્ટના વાદળને પાર કરતાં જ, પ્રવાસી બાહ્યાવકાશમાં પ્રવેશે છે. વાહ, કેવો અદ્ભુત નઝારો! કેટકેટલી આકાશગંગાઓ તેને જોવા મળે છે. ક્યાંક-ક્યાંક આજુબાજુના પદાર્થો (સુર્ય જેવા તારાઓ)ને નીગળી જતાં કૃષ્ણ-વીવરો (બ્લેક હોલ) તે જુએ છે. ઘણી જગ્યે તો આ કૃષ્ણ-વીવર અને શ્વેત-વીવર (વ્હાઈટ હોલ) જોડાયેલાં બોગદા જેવા ભાસે છે. શ્વેત-વીવરો, કૃષ્ણ-વીવરોથી ઉલટું એટલે કે, નવાં-નવાં પદાર્થોને જન્મ આપવાનું કામ કરે છે. જાણે કે, પ્રચંડ ઉર્જાનાં સ્ફોટ થતાં હોય એવું જગત ભાસી રહ્યું છે.

ગુરુત્વાકર્ષણની ચાદરથી બન્ધાયેલુ વીશ્વ.
આખું બ્રહ્માંડ ગુરુત્વાકર્ષણની અનંત અંતર સુધી વીસ્તૃત એવી અદ્રશ્ય ચાદરથી ઝીલાયેલું હોય તેવું લાગે છે.

શુન્યમા અનુભવાતી સુક્ષ્મ ઉષ્ણતા.
આપણે સેલ્સીયસ કે ફેરનહાઈટમાં તાપમાન માપીએ છીએ. પરંતુ, વૈજ્ઞાનીકો કેલ્વીનમાં તાપમાન માપતા હોય છે. સેલ્સીયસ તાપમાનમાં 273 ઉમેરતાં કેલ્વીનમાં આંકડો મળે. જેમ કે, 0 સેલ્સીયસ (પાણીના બરફનું તાપમાન) એટલે 273 કેલ્વીન અને 100 સેલ્સીયસ (પાણીની વરાળ) એટલે 373 કેલ્વીન. 0 કેલ્વીન એટલે કે -273 સેલ્સીયસ તાપમાને પદાર્થમાં રહેલાં સબ-એટમીક પાર્ટીકલ (ઈલેક્ટ્રોન) ગતી કરતાં અટકી જાય છે (પદાર્થની આ અવસ્થાને 'બોઝ-આઈંસ્ટાઈન કંડેંસેટ' કહે છે). વૈજ્ઞાનીકોએ એવું સાબીત કર્યું છે કે, બ્રહ્માંડની પૃષ્ઠભુમી (બેકગ્રાઉંડ)નું તાપમાન 3 કેલ્વીન જેટલું હોય છે, અર્થાત એ ઓછામાં ઓછું આટલું ગરમ (?) હોય છે. આપણા પ્રવાસીને બ્રહ્માંડના શુન્યાવકાશમાં આ ગરમીનો એહસાસ થાય છે!

વણજોયેલુ અનુભવાતુ મહત-તત્વ.
બ્રહ્માંડનો મોટોભાગ મહત-તત્વમાંથી બનેલો છે. પરંતુ, એ તત્વ કોઈ પણ રીતે આપણે જોઈ કે અનુભવી શકતા નથી. આત્માને આ તત્વનો ભાસ થવા લાગે છે. સૃષ્ટીનું રહસ્ય જાણે તેની સમક્ષ પ્રગટ થવા મથી રહ્યું છે.

અફાટ અને વીરાન એકલતામા અસ્તીત્વનો આભાસ.
ક્યાંય પણ કોઈ પણ સાથી વગર, પ્રવાસી આત્મા ગંતવ્ય સ્થાન તરફ ધસમસી રહ્યો છે. તેને પોતે કોણ છે, એનો અનુભવ થવા લાગે છે. મુળ સ્વરુપ તેની આગળ પ્રગટ થવા જ આવી રહ્યું છે.

દુર-સુદુર સમ્ભળાતો ચીર-પરીચીત શાશ્વત શાંતીનો આંતર્નાદ.
હ્રદય વગર અનુભવાતુ આનન્દોર્મીઓનુ દોલન.

શાશ્વત શાંતીમાં પણ અનહદ આનંદ હોય છે. આ જ આનંદ એક પ્રકારના ભાવ જગતને આંદોલીત કરતો હોય છે. આંદોલન જે વમળો જન્માવે છે, એ એક પ્રકારના અવાજનાં કંપનો જેવાં કંપનો જ હોય છે. આ કંપનો હવે આત્મા સાંભળી શકે છે! કોઈ પણ બાહ્ય-ઈન્દ્રીયો વગર આ કંપનો અનુભવાય છે!

મન વગર દેખાતો અસ્તીત્વને ઝમકોરતો સર્વસ્વનો પ્રકાશ.
એક વીશાળ પરપોટા જેવુ દેખાતુ બ્રહ્માંડ.
એને ભેદીને એક સમુદ્રમા ઉઠતી અગનજ્વાળા.
એ અગ્નીશાખાનુ અધોગમન અને ઓમકારના ‘મ’ ધ્વનીનુ શમન.
એક સીધ્ધ, સંત કે અવતારનો ઉદ્ભવ અને ઉદ્દેશ્ય પુર્ણ થતા સ્વગ્રુહે આગમન.

પ્રવાસી હવે બ્રહ્માંડની પરીમીતી ઓળંગવાની તૈયારીમાં છે. તેને થોડે જ દુર સમગ્ર સ્થાનને ભરી દેતો અને સંચાલીત કરતો પ્રકાશ દેખાય છે. એ જ છે સર્વ-શક્તીમાન, પરમ-આત્મા, પ્રભુ, ઈશ્વર, કૃષ્ણ, જગદંબા? આવો આ પ્રકાશ એક વીશાળ સમુદ્ર જેવો ભાસે છે. આ સમુદ્રમાં બ્રહ્માંડ જાણે તરી રહ્યું હોય એમ લાગે છે. આ બ્રહ્માંડની સીમાને ભેદીને હવે પ્રવાસી આત્મા એક અગ્ની-શીખા સો લાગી રહ્યો છે. આ અગ્ની-શાખા પ્રકાશ-સમુદ્રમાં ભળી જાય છે. પ્રવાસનો અંત આવે છે. ઓમકારનાં 'મ'કારનું કંપન પુરું થાય છે. અહીં, એવી કલ્પના કરવામાં આવી છે કે, જ્યારે જ્યારે પ્રકાશ-સમુદ્રમાં 'અ'કારનાં કંપનો જન્મે છે, ત્યારે અનંત-પ્રકાશ-સમુદ્ર પૃથ્વી પર કોઈ સીધ્ધ/સંત/અવતારને જન્મ આપે છે. 'ઉ'કારન કંપનો રહે ત્યાં સુધી એનું જીવન રહે છે. અને 'મ'કારની શરુઆત થતાં જ તે દેહ છોડીને 'મ'કારનાં કંપનો પુરા થતાં જ પાછો અનંતમાં ભળી જાય છે.