Monday, February 25, 2008

કમ્પ્યુટર મોનીટર

કમ્પ્યુટર મોનીટર - ચીરાગ પટેલ Feb 25, 2008

કમ્પ્યુટર શબ્દ બોલાય એટલે તરત જ આપણા મગજમાં એના મોનીટર (monitor) કે ડીસ્પ્લે ટેર્મીનલ (display terminal) નજર સમક્ષ આવે. (આવે જ ને ભાઈ, સુન્દર મુખડું કોને ના ગમે?) મોનીટરમાં પણ પ્રોસેસરની માફક કેટલાંય પરીવર્તન આવી ગયા છે. પહેલાં તો ભારેખમ પીક્ચર ટ્યુબ (picture tube) કે સી.આર.ટી.(CRT - cathode ray tube) મોનીટર ને સમ્ભાળવા પડતાં હતાં. હવે, સ્લીક અને સેક્સી એલ.સી.ડી. (LCD - liquid crystal display) કે પ્લાઝ્મા (plasma) મોનીટર આવી ગયા છે. (હીન્દી ફીલમની માફક જ સ્તો વળી... હવેની બધી હીરોઈન સ્લીમ-ટ્રીમ જ હોય છે ને...) બે વર્શ રાહ જુઓ, પછી તો પાતળી પદમણી જેવાં ઓલેડ (OLED - organic light emitting diode) ડીસ્પ્લે આવી જશે.

સી.આર.ટી. વધારે પાવર ખાતાં હતાં (તો જ તોસ્તાન બને...), એલ.સી.ડી. એ બાબતે હમ્મેશાં ડાયેટીંગ કરતાં હોય છે. વળી, એટલે જ, CRTથી સલામત અંતર રાખીને કામ કરવું સલાહભર્યું હતું ક, જેથી આંખોને વધુ નુકશાન ના થાય (એ તો LCD હશે તો પણ થશે જ, કારણ, લોકો એની સાથે વધારે સમય પસાર કરવા ઈચ્છશે!!!). ઘણી બધી બાબતોમાં દરેક પ્રકારનાં ડીસ્પ્લેમાં ફેર હોય છે.

કોંટ્રાસ્ટ રેશીયો (contrast ratio) - સહુથી પ્રકાશીત ટપકું (સફેદ) અને સહુથી ઘેરું ટપકું (કાળું) વચ્ચે પ્રતીદીપ્તી (લ્યુમીનંસ- luminance) ની સરખામણી. LCDમાં આ રેશીયો ઘણો ઓછો હોય છે. જો કે, સેમસંગના LCD મોનીટરનો રેશીયો ઘણો સારો હોય છે.

રીફ્રેશ રેઈટ (refresh rate) - એક વાર સ્ક્રીન રચવામાં લાગતો સમય. આ બાબતે પણ CRT ઘણાં સારા હોય છે. સેમસંગ (samsung) કે એલ.જી. (LG) LCD નો રીફ્રેશ રેઈટ પ્રમાણમાં ઘણો સારો હોય છે. (જો જો ભાઈ, હું સેમસંગ કે એલ.જી.ના માર્કેટીંગ માટે કામ નથી કરતો...)

અસ્પેક્ટ રેશીયો (aspect ratio) - હોરીઝોંટલ (horizontal) અને વર્ટીકલ (verticle) માપનું પ્રમાણ. અત્યાર સુધી 4:3 ના મોનીટર આવતાં હતાં, હવે 16:9 જેને વાઈડ સ્ક્રીન (wide screen) કહે છે, એવાં મોનીટર મળે છે. ધારો કે 1024 પીક્સેલ (pixel) અર્થાત ટપકાં જેટલી પહોળાઈ ધરાવતાં મોનીટરનો અસ્પેક્ટ રેશીયો જો 4:3 હોય તો,
એની ઉંચાઈ 768 પીક્સેલ હશે, જ્યારે 16:9 વાળા મોનીટરની ઉંચાઈ 576 પીક્સેલ હશે.

રીઝોલ્યુશન (resolution) - મોનીટરમાં કેટલાં પીક્સેલ છે એનું માપ. જેમ કે, 1024 x 768 વગેરે. વધુ માહીતી માટે આ લીંક જુઓ: http://en.wikipedia.org/wiki/Display_resolution

હવે તો, LCD કે પ્લાઝ્મા ટીવીનો પણ કમ્પ્યુટર સ્ક્રીન તરીકે ઉપયોગ કરી શકાય છે. આ માટે, જે તે ટીવીમાં વી.જી.એ. કનેક્ટર (VGA - video graphics adapter) હોય છે. તો સામે, કમ્પ્યુટરમાં પણ ટીવી ટ્યુનર (TV tuner) કાર્ડ નાંખીને, કેબલ લગાડી શકાય છે અને ટીવીની માફક જ ચેનલ નીહાળી શકાય છે.

પીક્સેલ રચવા માટે CRT લાલ-લીલો-ભુરો (RGB) રંગનાં કીરણો મીશ્રીત કરીને જે તે રંગ નીપજાવે છે. જ્યારે, LCDમાં પીક્સેલને ઈલેક્ટ્રીકલ સીગ્નલ આપવામાં આવે છે અને એ પીક્સેલ જે તે રંગ ધારણ કરે છે. (માણસને રંગ બદલવા માટે બહારનાં કોઈ સીગ્નલની આવશ્યક્તા હોતી નથી.)

એકથી વધુ મોનીટરને એક કમ્પ્યુટર સાથે પણ જોડી શકાય છે, અને જો સોફ્ટવેર કે ડ્રાયવર એ પ્રમાણે હોય તો દરેક મોનીટરમાં દેખાતાં દ્રશ્યને વહેંચી શકાય છે.

કમ્પ્યુટર કે લેપટોપમાં ઘણી વાર S-Video કનેક્ટર હોય છે, જેનાથી ટીવી પર કમ્પ્યુટરનો આઉટપુટ આપી શકાય, પરંતુ ટીવીમાં જો VGA કનેક્ટર હોય તો એ વાપરવું હીતાવહ છે. એનાથી દ્રશ્ય વધારે સારું દેખાશે.

Sunday, February 17, 2008

મુદ્રા

મુદ્રા - ચીરાગ પટેલ Feb 17, 2008

1. જ્ઞાન મુદ્રા

પધ્ધતી: પહેલી આંગળીનું ટેરવું અંગુઠાના ટેરવા સાથે અડાવેલું રાખો. બાકીની આંગળીઓ સીધી રાખો.

વીશેશતા: મગજની કાર્યક્ષમતામાં વધારો કરે છે. પીચ્યુટરી અને એંડોક્રીન ગ્રંથીઓને વ્યવસ્થીત રાખે છે. એકાગ્રતા વધારે છે અને અનીદ્રાપણું દુર કરે છે. માનસીક રોગ, ઉન્માદ, ક્રોધ અને હતાશાને દુર કરે છે.

સમય: ગમે તે સમયે, ગમે તે સ્થીતીમાં કરી શકાય છે.

2. પૃથ્વી મુદ્રા

પધ્ધતી: ત્રીજી આંગળીનું ટેરવું અંગુઠાના ટેરવા સાથે અડાવેલું રાખો. બાકીની આંગળીઓ સીધી રાખો.

વીશેશતા: શારીરીક નબળાઈ દુર કરે છે. વજનમાં વધારો કરે છે. ત્વચાના સૌન્દર્યમાં વધારો કરે છે. શરીરને કાર્યક્ષમ રાખે છે.

સમય: ગમે તે સમયે કરી શકાય છે.

3. વરુણ મુદ્રા

પધ્ધતી: ચોથી આંગળીનું ટેરવું અંગુઠાના ટેરવા સાથે અડાવેલું રાખો. બાકીની આંગળીઓ સીધી રાખો.

વીશેશતા: પાણીના અભાવે થતી બીમારીથી બચાવે છે. પેટના દર્દોમાં રાહત આપે છે. સ્નાયુના સંકોચનમાં રાહત આપે છે.

4. વાયુ મુદ્રા

પધ્ધતી: પહેલી આંગળીનાં ટેરવાને અંગુઠાના મુળ સાથે અડાવીને, અંગુઠાને એ આંગળી પર મુકીને દબાવો. બાકીની આંગળીઓને સીધી રાખો.

વીશેશતા: વાયુના અસંતુલનથી ઉભા થતાં રોગો સામે રક્ષણ આપે છે. ર્હ્યુમેટીઝમ, આર્થ્રાઈટીસ, ગાઉટ, લકવો જેવા રોગો દુર કરે છે. સર્વાઈકલ સ્પોંડીલાઈસીસ, ચહેરાનો લકવો, ગરદનની અકડનમાં રાહત આપે છે. પેટમાં ગેસની તકલીફ દુર કરે છે.

સમય: 45 મીનીટ સુધી કરવાથી 12-24 કલાકમાં ઉપર વર્ણવેલ પરીસ્થીતીમાં આરામ આપે છે. 2 મહીના સુધી નીયમીત કરવાથી, ખુબ જ ફાયદો થાય છે.

5. શુન્ય મુદ્રા

પધ્ધતી: બીજી આંગળીને વાળીને સીધી રાખો, અને એના ઉપર અંગુઠો રાખી દબાવો. બાકીની આંગળીઓ સીધી રાખો.

વીશેશતા: શરીરની નબળાઈ દુર કરે છે. કાનનો દુઃખાવો 4-5 મીનીટમાં દુર કરે છે. જન્મજાત ના હોય એવા બહેરાપણામાં અને મન્દબુધ્ધીને રાહત આપે છે.

સમય: રોજ 40 થી 60 મીનીટ કરો.

6. સુર્ય મુદ્રા

પધ્ધતી: ત્રીજી આંગળીને વાળીને સીધી રાખો, અને એના ઉપર અંગુઠો રાખી દબાવો. બાકીની આંગળીઓ સીધી રાખો.

વીશેશતા: થાયરોઈડ ગ્રંથીને વ્યવસ્થીત રાખે છે. વજન ઘટાડવામાં અને કોલેસ્ટેરોલને ઘટાડવામાં ઉપયોગી છે. અધીરાઈપણું દુર કરે છે. અપચાની તકલીફને દુર કરે છે.

સમય: રોજ બે વખત 5 થી 15 મીનીટ કરો.

7. પ્રાણ મુદ્રા

પધ્ધતી: ત્રીજી અને ચોથી આંગળીનાં ટેરવા સાથે અંગુઠાનું ટેરવું અડાવેલું રાખો. બાકીની આંગળીઓ સીધી રાખો.

વીશેશતા: કાર્યક્ષમતા વધારે છે. થાક અને વીટામીનના અભાવને સુધારે છે. આંખોની કાર્યક્ષમતા વધારે છે. આંખના રોગો દુર કરે છે. રોગપ્રતીકારક શક્તી વધારે છે.

સમય: ગમે તે સમયે, ગમે તે સ્થીતીમાં કરી શકાય છે.

8. અપાન મુદ્રા

પધ્ધતી: બીજી અને ત્રીજી આંગળીનાં ટેરવા સાથે અંગુઠાનું ટેરવું અડાવેલું રાખો. બાકીની આંગળીઓ સીધી રાખો.

વીશેશતા: પાચકગ્રંથીઓને સતેજ રાખે છે. ડાયાબીટીસ, હરસ, બન્ધકોશમાં રાહત કરે છે. મળશુધ્ધી લાવે છે.

સમય: રોજ 45 મીનીટ કરો.

9. હ્રદય મુદ્રા

પધ્ધતી: પહેલી આંગળી વાળીને સીધી રાખો, એના પરથી બીજી અને ત્રીજી આંગળીનાં ટેરવાં અંગુઠાનાં ટેરવાને અડે એ રીતે ગોઠવો. ચોથી આંગળી સીધી રાખો.

વીશેશતા: હ્ર્દયરોગમાં 'સોર્બીટેલ' જેવું કામ કરે છે. શરીરમાંથી વાયુ દોશ દુર કરે છે. હ્રદયને મજબુત બનાવે છે.

સમય: રોજ 15 મીનીટ બે વખત કરો.

10. લીંગ મુદ્રા

પધ્ધતી: બન્ને હાથની આંગળીઓ એકબીજામાં ભીડાવી દો. ડાબો અંગુઠો સીધો રાખો. જમણા હાથની પહેલી આંગળી અને અંગુઠો ડાબા અંગુઠાની આજુબાજુ રહે તેમ ગોઠવો.

વીશેશતા: શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે. ફેફસાને મજબુત બનાવે છે. અતીશય ઠંડી અને બ્રોંકાઈટીસ દુર કરે છે. શરીરને બળવાન બનાવે છે.

સમય: ગમે ત્યારે કરી શકાય. પુરતી ગરમી ઉત્પન્ન થાય એટલે આ મુદ્રા બન્ધ કરવી.

Saturday, February 02, 2008

શક્તીદાયી વીચાર 3

શક્તીદાયી વીચાર 3 - સ્વામી વીવેકાનન્દ

21. તમારા સ્નાયુઓને મજબુત બનાવો. આપણને જરુર છે લોખંડી માંસપેશીઓની અને પોલાદી સ્નાયુઓની, આપણે બહુ કાળ સુધી રોતા રહ્યા છીએ, હવે વધુ રડવાની જરુર નથી. તમારા પોતાના પગ પર ઉભા રહો; મર્દ બનો.

22. સૌથી પહેલી વસ્તુ એ છે કે આપણા યુવાનોએ બળવાન બનવું પડશે. ધર્મ તો પોતાની મેળે પાછળથી આવશે. મારા નવયુવાન મીત્રો! બળવાન બનો; તમને મારી આ સલાહ છે. ગીતાના અભ્યાસ કરતાં ફુટબોલની રમત દ્વારા તમે સ્વર્ગની વધુ નજીક પહોંચી શકશો. આ શબ્દો તમને આકરા લાગશે પરંતુ મારે તમને કહેવા જોઈએ, કારણ કે તમે મને પ્રીય છો. મુશ્કેલી ક્યાં છે એ હું જાણું છું, મને થોડો અનુભવ મળ્યો છે ખરો. તમારાં બેવડાં, તમારા સ્નાયુઓ સહેજ મજબુત હશે, તો ગીતાને વધુ સારી રીતે સમજી શકશો. તમારી નસોમાં સહેજ વધુ શક્તીશાળી રક્ત વહેતું હશે તો તમે શ્રીકૃષ્ણની વીરાટ પ્રતીભાને અને પ્રચંડ શક્તીને વધુ સારી રીતે પીછાની શકશો. જ્યારે તમારો દેહ તમારા પગ ઉપર દ્રઢ રીતે ખડો રહી શકશે અને તમે મર્દાનગીનો ભાવ અનુભવશો ત્યારે તમે ઉપનીષદો અને આત્માના મહીમાને વધુ સારી રીતે જાણી શકશો.

23. જરુર છે મર્દોની, સાચા મર્દોની; બીજું બધું તો થઈ રહેશે. પણ ખરેખર તો બળવાન, દ્રઢ, શ્રધ્ધાવાન અને નીશ્ઠાથી ઉભરાતા નવયુવકોની જરુર છે. જો આવા સો નવયુવકો આવી મળે તો આ જગતની સુરત પલટી જાય.

24. બીજી કોઈ પણ વસ્તુ કરતાં સંકલ્પ વધુ બળવાન છે. સંકલ્પ આગળ કોઈ પણ વસ્તુને ઝુકવું પડે, કારણ કે તે ઈશ્વરમાંથી અને સ્વયં ઈશ્વરમાંથી જ ઉદ્ભવે છે; શુધ્ધ અને દ્રઢ સંકલ્પ એ સર્વ શક્તીમાન છે. શું તમને તેમાં શ્રધ્ધા છે?

25. હા, જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે તેમ તેમ મને વધુ ને વધુ લાગે છે કે મર્દાનગીમાં જ બધું આવી જાય છે. આ મારો નવો સંદેશ છે. ભલે ખોટું કરો પણ તે મર્દની જેમ! છુટકો ન હોય ત્યારે ભલે મોટા પાયા પર દુષ્ટ બનો, પણ તે મર્દની જેમ!

26. જગતનો ઈતીહાસ એટલે જે થોડા મનુષ્યોને પોતાની જાતમાં શ્રધ્ધા હતી એવા મનુષ્યોનો ઈતીહાસ. એવી શ્રધ્ધા મનુશ્યની અંદર રહેલી દીવ્યતાને પ્રગટ કરે છે. એવી શ્રધ્ધા વડે તમે ઈચ્છો તે કરી શકો.

સાવજ

સાવજ - બંસીધર પટેલ

નાંખીને ત્રાડ એક, કહે સાવજડો,
રુક જાવ ઓ જુવાનીયા, થયું ઘણું, હવે કરો બસ.

વટાવી રેખા મર્યાદા તણી, થયો લોપ,
સમાજનો મલાજો, ભુલ્યાં સહુ સંસ્કાર.

વારસ તમો, મનુ-શતરુપા તણા, સાચા,
કેમ ભુલ્યા મારગ, આ વીસમી સદીના કાળમાં.

હવે તો કરો બંધ, આ બધાં ચેટક અધીરા,
જાતે મારો કુલ્હાડી પાદ પર બનીને હીંસક.

થશે સર્વનાશ, સહુ રુકજાવનું એલાન!
રુઠશે પણ કુદરત, ક્યાં અટકશે આ વામાચાર?

સુણો, વીચારો, શીખ કસાયેલા કૌવતની,
આ બળાપો બાળશે સહુને, બનીને અગનજાળ.

માન, મર્યાદા, સહુ નેવે મુકી નાસો,
શાને ઓ અંધ, જુવાનીના જોશમાં.

પકડશે ગરદન કાળ, એક દીન જરુર,
થાશે મોડું, ના મળશે વીસામો કોઈ વૃક્ષનો.

મટીને બાળ બન્યા છો જુવાન, કાલે,
બનશો વૃધ્ધ, શું આપશો વારસામાં?

આવનારી પેઢી ના કરશે માફ તમોને,
ચેતવું હોય તો ચેતજો ઓ નરબંકા!

વટવૃક્ષની મીઠડી છાંય

વટવૃક્ષની મીઠડી છાંય - બંસીધર પટેલ

વટવૃક્ષ સમા આ વૃધ્ધજનો,
આબાલ સહુના ચહીતા સ્નેહીજનો.
અડીખમ ઉભા હીમાલય શા વૃધ્ધજનો,
સમયની થપાટે ના ડોલ્યા પ્રબુધ્ધજનો.

વટાવી મારગ કંટકનો રહ્યા સ્થીર વડીલો,
ના હાર્યા હામ, યાહોમ કરીને કુદ્યા વડીલો.
કીધાં કંઈ કારજ, ના બેઠા ઠરીને કદી વડીલો,
મળ્યો જ્યારે સમો, વીસામાનો વડલો.

પેઢીના પ્રણેતા, પથદર્શક વંશાવલી કેરા,
સરગમ સંવારી સંસારની, બનીને તમો અદકેરા.
પુત્ર, પુત્રી, પ્રપૌત્ર, વધુ સહુ નમતા ફરીને ફેરા,
ઉગમણા સુરજને પુજી, વીદાર્યો આથમણો સારો.

વીદ્વાન, અનુભવી, જાણકાર તમો અનેરા,
સંસારી બનીને, બન્યા તપસ્વી, લીધો ભેખ અનેરો.
હારેલા, થાકેલા સહુને મળતો આશરો તમ કેરો,
રવી, કવીની કલ્પનાથી પણ ઉચ્ચતર તમારો ડાયરો.

વટવૃક્ષની છાયા મીઠડી, ધોમધખતાં તાપણાં,
ખરે જ મળી ઉપમા તમોને, વૃધ્ધ તમારા આલાપમાં.