Tuesday, July 29, 2008

દ્વીઅંકી ગણીત - 2

દ્વીઅંકી ગણીત - 2 ચીરાગ પટેલ જુલાઈ 29, 2008

આજે આપણે થોડીક તાર્કીક ગણતરીઓ (logical operations) જોઈશું. શરુઆત કરીએ ઉદાહરણથી. નીચેનું વાક્ય વાંચો અને એમાં જોડાતાં પ્રત્યયની એની સત્યતા પર શું અસર થાય એ વીચારો.

"ક્લાર્ક કેંટ સુપરમૅન છે અથવા પીટર પાર્કર સુપરમૅન છે."

આ વાક્ય એક સંકુલ વાક્ય છે જે "અથવા" પ્રત્યતથી જોડાય છે. જો "ક્લાર્ક કેંટ સુપરમૅન છે" એ સાચું હોય તો પણ આખું વાક્ય સાચું અને "પીટર પાર્કર સુપરમૅન છે" એ સાચું હોય તો પણ આખું વાક્ય સાચું ઠરે. બન્ને ઉપવાક્યો ખોટાં હોય તો જ આખું વાક્ય ખોટું ઠરે. ગાણીતીક રીતે આ બાબત દર્શાવવા માટે સાતત્યતા કોષ્ટક (Truth Table) વપરાય છે. જેમ કે, ઉપરના ઉદાહરણમાં:

A: ક્લાર્ક કેંટ સુપરમૅન છે.
B: પીટર પાર્કર સુપરમૅન છે.
=> A OR B એ ઉદાહરણ સંકુલ વાક્ય થયું. સાચું દર્શાવવા T અને ખોટું દર્શાવવા F વાપરીએ અને શક્યતાઓનો કોષ્ટક બનાવીએ.

. A . B . A OR B
. T . T . . T
. T . F . . T
. F . T . . T
. F . F . . F

એ જ રીતે "અથવા" ને બદલે "અને" પ્રત્યય વાપરીએ તો બન્ને ઉપવાક્યો સાચા હોય તો અને તો જ આખું વાક્ય સાચું ઠરે (પત્ની કે પ્રેમીકા જો "અથવા" શબ્દ વાપરીને વીકલ્પ આપે તો પણ તે શેને પ્રાધાન્ય આપે છે એ જાણી લેવું. નહીંતર બન્ને વીકલ્પો ખોટાં ઠરશે!). એ માટે કોષ્ટક બનાવીએ.

. A . B . A AND B
. T . T .. T
. T . F .. F
. F . T .. F
. F . F .. F

ઈલેક્ટ્રૉનીક્સમાં ઈલેક્ટ્રૉનનાં પ્રવાહને આવાં કોષ્ટક મુજબ નીયંત્રીત કરવા માટે લૉજીક ગેટ (Logic Gate) તરીકે ઓળખાતાં કમ્પોનંટ વપરાય છે. આપણે જ્યાં T વાપર્યાં ત્યાં 1 અને જ્યાં F વાપર્યાં ત્યાં 0 ગણીને સમજીએ (1 એટલે પ્રવાહ વહેવો, અને 0 એટલે પ્રવાહ બન્ધ થવો). નીચેની આકૃતી જુઓ.

input A --->---|-----------|___ output
input B --->---|-- gate -|

જો ઉપરોક્ત આકૃતીમાં ઑર ગેટ (OR gate) કે ઍંડ ગેટ (AND gate) વાપરીએ તો,
. in A . in B . out (OR) out (AND)
. 1 ..... 1 ...... 1 ............. 1
. 1 ..... 0 ...... 1 ............. 0
. 0 ..... 1 ...... 1 ............. 0
. 0 ..... 0 ...... 0 ............. 0

અહીં માત્ર એક બીટનો જ ઈનપુટ અને આઉટપુટ આપણે જોયો. કમ્પ્યુટર જો 32બીટનું હોય તો એકસાથે 32 બીટ પર લૉજીકલ ઑપરેશન થાય, અને એ મુજબ આઉટપુટા આવે. ઘણીવાર ઑર માટે '+' અથવા '|' નું ચીહ્ન વપરાય છે. ઍંડ માટે '.' અથવા '&'નું ચીહ્ન વપરાય છે. 8 બીટનું એક લૉજીકલ ઑપરેશન જોઈએ.

0x75 & 0xF0 = ? (8-4-2-1 પ્રમાણે આ સંખ્યા કેવી રીતે દર્શાવવી એ યાદ છે ને?)

0x75 = 0 1 1 1 0 1 0 1
0xF0 = 1 1 1 1 0 0 0 0
=================
& -----> 0 1 1 1 0 0 0 0 => 0x70

આ પ્રમાણે 8 બીટનાં થોડાં લૉજીકલ ઑપરેશન કરો: 1) 0xBE | 0x91 = ? 2) 0x39 & 0x15 = ?

Friday, July 25, 2008

વૈદીક સંસ્કૃતી

વૈદીક સંસ્કૃતી - ચીરાગ પટેલ જુલાઈ 25, 2008

વૈદીક કે વેદીક સંસ્કૃતી (Vedic culture) આપણા રગે-રગમાં રક્ત બનીને સદીઓથી પુષ્ટ થતી આવી છે. જે સંસ્કૃતી પર આપણને ગર્વ છે એ આર્યો દ્વારા સ્થાપવામાં આવી હતી. હવે, આ આર્યો 3500 વર્ષ પહેલાં મધ્ય-એશીયામાંથી આવીને સપ્તસીન્ધુના (શતુદ્રી કે સુતુદ્રી - સતલુજ, પરુષ્ણી કે ઈરાવતી - રાવી, અશ્કીની કે ઈસ્કમતી - ચનાબ, વીતસ્તા - ઝેલમ, વીપાસ - બીયાસ, સીન્ધુ, સરસ્વતી) (Indus Valley Civilization) પ્રદેશમાં વસ્યા હતાં. આર્યોએ આ પ્રદેશમાં વસતાં હડપ્પન સંસ્કૃતીના (Harappan Culture) દ્રવીડીય લોકોને મારી હઠાવ્યાં અને પોતાની સત્તા સ્થાપી! આ આર્યોએ વીશ્વનાં સહુથી પૌરાણીક ગ્રંથ - ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ આપ્યાં (અથર્વવેદને વીદ્વાનો વૈદીક કાળનો ગ્રંથ નથી માનતાં).

આજ સુધી તો આપણે આવું જ ભણતાં-સાંભળતાં-વીચારતાં આવ્યાં છીએ. હવે, હું થોડીક બાબતો પર ધ્યાન દોરવા માંગું છું જે મને ગળે ઉતરી છે.

1. હડપ્પન સંસ્કૃતી પર હુમલો કરનાર આર્યપ્રજા લડાયક હતી અને ઘોડાથી ખેંચાતા રથ પર બેસીને આવી હતી. સુસંસ્કૃત હડપ્પન પ્રજા પાસે એવા કોઈ સાધનો ના હોવાથી હારી ગઈ. આપણે આવો ખ્યાલ ધરાવીએ છીએ. હવે, 7000-8000 વર્ષ પુરાણી હડપ્પન સંસ્કૃતીમાં પણ ઘોડા જોવા મળ્યાં છે, અને એમની મુદ્રા ઉપર ચક્ર કે રથનાં પૈડાંની આકૃતી જોવા મળી છે.

2. આર્યો જો મધ્યએશીયાથી આવ્યાં હોય તો તેઓ ઘોડાં જોતરેલાં રથ વડે પહાડો કેવી રીતે પાર કરી શક્યાં? શું તેઓ જાતે રથ ખેંચીને લડવા આવ્યાં હતાં? વળી, હાથી તેમનાં પ્રદેશોમાં જોવા નથી મળ્યાં, તો રથ ખેંચે કોણ?

3. ઋગ્વેદમાં દેવ કે રાજાને "શહેરોનો ધ્વંસ કરનાર" એવું બીરુદ આપવામાં આવ્યું છે. આવું બીરુદ લડાયક અને અસંસ્કારી પ્રજા વાપરતી હોવી જોઈએ એમ માનીને આર્યોને લડાયક-જન્ગલી પ્રજા ગણી લેવામાં આવી છે. પર્ંતુ, આવું જ વીશેષણ ઈજીપ્ત કે મેસોપોટેમીયાના રાજાઓ વાપરતાં જોવા મળે છે અને તેમને કોઈ જંગલી નથી ગણતું!

4. હડપ્પન સંસ્કૃતીનો વીનાશ થવાં માટે ભયાનક પુર આવ્યું હોવાની ઘણી બધી સાબીતીઓ નજરે ચઢે એવી છે. જેમ કે, સરસ્વતી નદી સુકાઈ જવી, બીજી નદીઓનાં વહેણમાં ફેરફાર, શહેરો પર પુરનાં નીશાન, વગેરે.

5. લોથલ, ધોળાવીરા વગેરે સ્થળોએ અગ્નીની વેદીનાં અવશેષો મળી આવ્યાં છે, જે ઋગ્વેદનાં હોમના વર્ણન સાથે મળતાં આવે છે.

6. નૃવંશશાસ્ત્રીઓએ પુરવાર કર્યું છે કે આજનાં ગુજરાતી લોકો 8000 વર્ષ પહેલાંનાં લોથલ-ધોળાવીરા સંસ્કૃતીના લોકોને મળતી આવતી રહેણી-કરણી ધરાવે છે. એ જ પ્રમાણે, પંજાબના લોકો હડપ્પા કે રોપરની 6000 વર્ષ જુની સંસ્કૃતી સાથે મળતી આવતી રહેણી-કરણી ધરાવે છે.

7. ઋગ્વેદમાં સરસ્વતી નદીને મુખ્ય નદી ગણી છે. ઋષી મનુએ 12000 વર્ષ પહેલાં આવેલાં વીશ્વવ્યાપી પુર બાદ સરસ્વતી અને દૃષદ્વતી નદીની વચ્ચેનાં પ્રદેશમાં પ્રાણીસૃષ્ટીનું પુનર્વસન કર્યું હતું. હવે, આ નદી 4000 વર્ષ પહેલાંથી સુકાઈ ગઈ છે. તો પછી આર્યો 3500 વર્ષ પહેલાં ભારતમાં કેવી રીતે આવ્યાં?

8. યજુર્વેદમાં વસંત વીષુવકાળ (vernal equinox) કૃત્તીકા (Pleiades) નક્ષત્રમાં અને ઉનાળાનો અયનાંત (summer solstice) મઘા નક્ષત્રમાં હોવાનો ઉલ્લેખ છે. એ મુજબ યજુર્વેદમાં ઉલ્લેખેલ સમય 4400 વર્ષ પહેલાંનો હોવો જોઈએ.
http://www.harappa.com/script/maha9.html

9. કૃષ્ણનું મૃત્યુ થયું ત્યારે સાત મુખ્ય ગ્રહો રેવતી (Zeta Piscium) નક્ષત્રમાં હતાં. આ લીંક પર ક્લીક કરો: http://www.fourmilab.ch/cgi-bin/Solar . અને, એમાં જ્યાં UTC લખ્યું છે ત્યાં "-3102-02-18 12:00" નાંખો અને Update પર ક્લીક કરો. હવે, જે ગ્રહોનાં સ્થાન આવશે એમાં જુઓ કે લગભગ 3 કલાકનાં ગાળામાં 6 ગ્રહો આવી જાય છે. આનો અર્થ શું? એ જ કે, કૃષ્ણનું મૃત્યુ ઠીક ફેબ્રુઆરી 18, 3102 સન પુર્વ થયું હતું! આજથી 5210 વર્ષ પહેલાં!

10. ઋગ્વેદમાં ઠેકઠેકાણે 'સમુદ્ર'નો ઉલ્લેખ છે. સમુદ્ર એટલે સાગર કે મહાસાગર. મધ્ય એશીયામાં વસતાં આર્યો સમુદ્રને આટલું મહત્વ શા માટે આપે છે?

11. મધ્ય-પુર્વ એશીયામાં 3400 વર્ષ પહેલાં સુર્ય, મરુત, વરુણ, હીમાલય વગેરેની પુજા થતી હોવાનાં ઉલ્લેખ મળ્યાં છે. શું આર્યપ્રજાનો અમુક ભાગ ભારતને છોડીને મધ્ય-પુર્વ એશીયા (ઈરાન, મેસોપોટેમીયા) જઈ વસ્યો હતો?

12. પ્રાચીન ઈજીપ્તની ભાષામાં સુર્યને 'રા' કહે છે, અને એની પુજા કરવામાં આવી છે. સંસ્કૃતમાં પણ 'રા' એટલે સુર્ય.

13. મેહરગઢ અને ધોળાવીરામાંથી જે અવશેષ મળ્યાં છે એ 8000 વર્ષ જુનાં હોવાનું પુરવાર થયું છે.

14. બ્રાહ્મી લીપી અને હડપ્પન સંસ્કૃતીની મુદ્રાઓ પરની લીપી મળતી આવે છે.

15. ઋગ્વેદમાં વસંત વીષુવકાળ મૃગશીર્ષ (Orion) નક્ષત્રમાં થવાનો ઉલ્લેખ છે. તે મુજબ, ઋગ્વેદનો સમયગાળો 4300BCE (6300 વર્ષ પુર્વ) ગણીતજ્ઞોએ માન્યો છે.

16. દ્રવીડીય સંસ્કૃતીના સ્થાપક અગત્સ્ય ઋષી હતાં. તમીલ અને સંસ્કૃત ભાષાઓ વચ્ચે સામ્યતા વધુ છે, નહીં કે ભેદ.

આપણે પુરાતન મહાનતા પર રાચવું યોગ્ય નથી, પરંતું પુરાતન સંસ્કૃતીને સંતુલીતપણે સમજવાનો પ્રયત્ન તો કરીએ! આ લેખ એ દીશામાં એક નાનકડો પ્રયાસ છે. અહીં મારો એ કહેવાનો પ્રયાસ છે કે સીન્ધુખીણની સંસ્કૃતી કે દ્રવીડ લોકો અને આર્યજાતી એક જ છે, અને આર્યો ભારતમાં 8000 વર્ષથી તો વસવાટ કરતાં જ હતાં.


સન્દર્ભ:
1. Gods, Sages and Kings: Vedic Secrets of Ancient Civilization - David Frawley
2. http://www.harappa.com/indus/indus1.html
3. http://parimiti.wordpress.com/2007/08/16/krushna-ane-itihaas/

Saturday, July 19, 2008

અપ્રતીમ રચના

અપ્રતીમ રચના - ચીરાગ પટેલ ઑગસ્ટ 09, 1998

તારાં વાળ જાણે આકાશમાં લહેરાતાં રેશમી તાંતણાં.
તારું કપાળ જાણે મધ આકાશે ઝગારા મારતો સુરજ.
તારી આંખો જાણે કાજળઘેરી રાતે ટમટમતાં તારલાં.
તારું નાક જાણે અભીમાનથી ખેંચેલી ધનુષની પણછ.
તારાં કાન જાણે રતુમડાં-ખીલેલાં જાસુદનાં ફુલ.
તારાં હોઠ જાણે ગુલાબની અર્ધબીડાયેલી કળી.
તારાં ગાલ જાણે ખીલેલા કમળની કુમાશ.
તારી ગરદન જાણે શરબત ભરેલી સુરાહી.
તારાં હાથ જાણે આકાશે ઉડતાં ગરુડની પાંખો.
તારી આંગળી જાણે સુવાસીત ચંદનની ડાળખી.
તારાં સ્તન જાણે ઉત્તુંગ હીમાલયની ટોચ.
તારી કમર જાણે રેત-ઘડીયાળનું પાત્ર.
તારાં સાથળ જાણે આસોપાલવનાં થડ.
તારાં પગ જાણે કોમળ એવો કુમળો વાંસ.
તારો દેહ જાણે પુર્ણવીકસીત વનલતા.
તુ પોતે જાણે પ્રભુએ બનાવેલી અપ્રતીમ રચના.

હાઈકુ

હાઈકુ - ચીરાગ પટેલ જુલાઈ 11, 1999

1)
પલક ઝપકી,
દેખાયું સપનું;
રચાયું ઘર.

2)
પામ્યો પ્રેમ,
આપ્યો પ્રેમ;
થયું આ પલકવારમાં.

3)
મોતી ટપક્યું,
એ નશીલી આંખોથી,
ભીંજાયું દીલ.

4)
લાગણી ઓસબુંદ શી,
સુકાયું;
નીશાન હંમેશાં.

Tuesday, July 08, 2008

મૃત્યુની પાર

મૃત્યુની પાર - ચીરાગ પટેલ જુલ. 08, 2008

મહાભારતના એક પ્રસંગમાં આવે છે એ મુજબ, જ્યારે યક્ષ ધર્મરાજ યુધીષ્ઠીરને પ્રશ્ન કરે છે કે, "સંસારનું સહુથી મોટું આશ્ચર્ય શું છે?" ત્યારે ધર્મરાજ જવાબ આપે છે કે, "મનુષ્ય જાણે છે કે એક દીવસ મૃત્યુ આવવાનું છે, છતાં પોતે અમર હોવાનો ડોળ કરે છે. આથી વધુ મોટું આશ્ચર્ય કયું હોઈ શકે?" જો કે, આજનું વીજ્ઞાન મૃત્યુ તો ઠીક, જીવનને પણ અટકાવવા પ્રયત્નશીલ છે! આપણે મૃત્યુની પેલે પારના જીવન વીશે પણ ઘણી બધી દંતકથાઓ અને વાર્તાઓ અને વીચારો કરીએ છીએ. ઘણીવાર, મૃત્યુ પછીના અસ્તીત્વની કલ્પનાએ આ જીવનને સારા ગુણોથી ભરવામાં મદદ કરી છે. આજે, હું મૃત્યુ પછીના અસ્તીત્વને મારી દૃષ્ટીએ સમજાવવા પ્રયત્ન કરીશ. હું પણ કેમ બાકી રહું? :))

છેક પુરાતન કાળથી આપણે પુનર્જન્મ અને જીવનથી અલગ આત્માના અસ્તીત્વને સ્વીકારતાં આવ્યાં છીએ. આપણે આપણા હાલના જીવનમાં ઘટતી બીનાઓને પુર્વજ્ન્મનાં કર્મોનું ફળ માનીએ છીએ, અને હાલના જીવનના કર્મોનું ફળ આ જન્મમાં ના મળે તો નવા જન્મમાં મળે છે એવું માનીએ છીએ! આ છે કર્મનો સીધ્ધાંત, જેનું પ્રતીપાદન શ્રીકૃષ્ણએ ગીતામાં બહુ સચોટ રીતે કર્યું છે. આપણે જેમ રોજેરોજ કપડાં બદલીએ છીએ એ જ રીતે આત્મા પણ જુદાં - જુદાં શરીર બદલે છે અને પોતાનાં પ્રગતી-પથ પર ગતી કરતો અંતે પરબ્રહ્મમાં લીન થઈ જાય છે! આ બધી વીગતોની વ્યાપક ચર્ચા ફરી ક્યારેક કરીશું. આ લેખમાં માત્ર અને માત્ર મૃત્યુ અને નવા જન્મ વચ્ચેની સ્થીતીનો વીચાર કરીશું.

દરેક ધર્મમાં વત્તે-ઓછે અંશે મૃત્યુ પછી સ્વર્ગ કે નર્કની કલ્પના કરવામાં આવી છે. સમગ્ર સૃષ્ટીને માટે સારાં ગણવામાં આવેલાં કર્મો કરવાથી સ્વર્ગ મળે અને ખરાબ કર્મો કરવાથી નર્ક મળે! સ્વર્ગ કે નર્કમાં પણ અમુક સમય સુધી રહીને કર્મોનો ક્ષય થતાં ફરી પાછાં આ મઝાની પૃથ્વી ભેગાં!!! સ્વર્ગની અપેક્ષાએ તો સમાજનો મોટો ભાગ દુષ્કૃત્યો કરવાથી દુર રહે છે. (જો કે, ઓસામા બીન લાદેન જુદાં રસ્તે સ્વર્ગ મેળવવાની લાલચ આપે છે!)

હવે, જેનું મૃત્યુ થયું છે એ કદી પાછા આવીને કશું કહી શકતા નથી, અને અજાણ્યા આપણે તો માત્ર કલ્પના જ કરવી રહી.

પરંતુ, તાજેતરનાં ઈતીહાસમાં અમુક એવાં ઉદાહરણ જાણવા મળે છે કે, જેમણે મૃત્યુ પછી શું થાય છે એને હકીકતરુપે વર્ણવી છે. પરમહંસ યોગાનન્દનાં ગુરુ શ્રીયુક્તેશ્વર દેહત્યાગ પછી યોગાનન્દને મળે છે અને મૃત્યુ પછીની સ્થીતીનું વર્ણન કરે છે. જુઓ: http://www.crystalclarity.com/yogananda/chap43.html

હીન્દુ શાસ્ત્રો મુજબ, આપણાં ત્રણ પ્રકારનાં શરીર હોય છે: ભૌતીક શરીર (physical body), મનોમય શરીર (astral body), અને કારણ શરીર (causal body). અને, આ સર્વેથી પર હોય છે આત્મા - શુધ્ધ, સચ્ચીદાનન્દનો અંશ, પવીત્ર, શાશ્વત.

આપણાં માટે ભૌતીક શરીરનો નાશ એ મૃત્યુ છે. પણ મનોમય શરીર ભૌતીક શરીરના નાશ બાદ 12 દીવસ સુધી રહે છે (એટલે જ મૃત્યુ પછી બારમું-તેરમું વગેરે વીધી હોય છે). ત્યારબાદ, આત્મા મનોમય શરીરનો પણ ત્યાગ કરે છે, અને માત્ર કારણ શરીર રહે છે. મનોમય શરીર છોડતાં આત્માને કષ્ટ પડતું હોવાનું કહેવાય છે. માટે, જો કોઈ વ્યક્તી મૃત્યુ પામે તો એના સગાંવ્હાલાંઓએ માત્ર રડવાં કરતાં ભજન-પ્રાર્થના પર વધુ ધ્યાન આપવું જોઈએ અને તેની શાંતી માટે પ્રાર્થના કરવી જોઈએ. આ વખતે આત્માનાં એ જન્મનાં સંબંધો નાશ પામે છે. જો તેને આ સંબંધોનું ખેંચાણ રહે તો મનોમય શરીર સહેલાઈથી નહીં છોડી શકે!

(નોંધ: હું આવી બધી બાબતોમાં માનતો નહીં. પણ, પપ્પાના મૃત્યુ પછી જે અનુભવો થયા એ પરથી હું એ સ્વીકારતો થયો છું.)

કારણ શરીર આત્માને પાછલાં જન્મોનું જ્ઞાન કરાવે છે અને છેલ્લા જન્મનું સરવૈયું તૈયાર કરે છે. ત્યાર બાદ, તે આત્મા પછી નવો જન્મ કેવી રીતે લેવો, ક્યાં લેવો અને કેવો અનુભવ પ્રાપ્ત કરવો એ નક્કી કરે છે. અને, નવો જન્મ ધારણ કરે છે! અહીં ક્યાંય યમદુતો કે સ્વર્ગ-નર્ક કે ચઢતી-ઉતરતી યોનીનો કોઈ સવાલ જ નથી આવતો.

જે વ્યક્તી પોતાનાં દૈહીક જન્મમાં કર્મોનો ત્યાગ કરવામાં સફળ થઈ હોય, તેનું કારણ શરીર પણ નાશ પામતું હોય છે. માત્ર અને માત્ર આત્મા રહી જાય છે અને એ પરબ્રહ્મની જ્યોતીમાં વીલીન થઈ જાય છે.

શ્રીઅરવિન્દે "પુર્ણયોગની સમીક્ષા" પુસ્તીકામાં આ વાત લખી છે.

ઘણાં બધાં સાયકાયાટ્રીસ્ટે ડીપ-ટ્રાંસના પ્રયોગો કર્યાં છે અને પોતાનાં અનુભવોની નોંધ પણ પ્રગટ કરી છે. આવાં એક વૈજ્ઞાનીક - ડૉક્ટર છે, જોએલ વ્હીટન (Dr Joel Whitton). નેટ પર એમની ઘણીબધી નોંધ મળી આવશે. તેમણે દેશ-જાતી-ધર્મ-આયુષ્ય-પુનર્જન્મમાં માનતા/ના માનતા વેગેરે વીવીધતાં ધરાવતાં ઘણાં લોકો પર પ્રયોગો કર્યાં હતાં. તેમની અભ્યાસનોંધમાંથી કેટલાંક અવતરણો:

- જન્મ પહેલાંની અને મૃત્યુ પછીની સ્થીતીનું વર્ણન એકસરખું મળતું આવે છે.
- આત્મા એક ઘણી જ પ્રકાશીત જગ્યાએ પહોંચે છે. આ પ્રકાશ આંજી દેતો પણ સહેજે કષ્ટદાયક લાગતો નથી.
- એ જગ્યાએ તે આત્મા પોતાના પુર્વજન્મનાં ઘણાં સ્નેહીઓને ઓળખી પાડે છે. પછી, એ પુર્વજ્ન્મ કોઈ પ્રાણી કે વનસ્પતીનો ભલે હોય!
- આત્મા નવા જન્મનાં પૃથક્કરણ વખતે સ્ત્રી કે પુરુષ તરીકે અવતરવું એ નક્કી કરે છે. વળી, ક્યાં અને કેવો અનુભવ લેવો એ પણ નક્કી કરી લે છે. એક કીસ્સામાં એક સ્ત્રીએ વ્હીટનને એવું કહ્યું હતું કે, પોતાના પર 34 વર્ષની ઉમ્મરે બળાત્કાર થાય એ તેણે પહેલાંના જન્મોમાં બાકી રહી ગયેલા એક કર્મ સંબંધે નક્કી કર્યું હતું!
- જો આત્મા નક્કી કરેલી યોજના મુજબ અનુભવ મેળવી ના શકે તો નવા જન્મમાં એ માટેના સંજોગો ઉભાં કરે છે.
- આત્મા પૃથક્કરણ કરતી વખતે જાણે કોઈ અજાણી શક્તીના દોરીસંચારથી, પોતાની જાતે જ દુઃખ કે સુખનાં અનુભવો નક્કી કરે છે. દરેક ઘટનાનું સમ્પુર્ણ તટસ્થભાવે અવલોકન કરે છે.

હું પોતે માનું છું કે પ્રાણના મહાસાગરનાં એક નાના-શાં તરંગ આપણે, દરેક ઘટનાની પાછળ એક ચોક્કસ કારણને જાણવું જોઈએ. પોતાની જાતને કદી દુઃખી કે દુર્બળ માનવી ના જોઈએ. હમ્મેશાં સારાં કર્મો કરવાં અને બને ત્યાં સુધી કર્મફળનો ત્યાગ કરવો. જેમ, ખોટાં કર્મો આપણને બાન્ધે છે, એ જ રીતે સારાં કર્મો પણ આપણને બાન્ધે છે. શ્રીકૃષ્ણના કહ્યાં મુજબ આપણે દરેક પ્રકારનાં કર્મોના ફળને શ્રીના ચરણોમાં અર્પણ કરવાં જોઈએ. પછી, આ ચક્રમાં કેવી રીતે રહેવું અને એમાંથી ક્યારે બહાર આવવું એ બધી એની જવાબદારી થઈ પડે છે! મોરારીબાપુએ કહ્યું છે ને કે, જો ગમતું થાય તો હરીકૃપા, ગમતું ના થાય તો હરીઈચ્છા! કર્મ કર્યાં વગર તો આપણે રહી શકીએ એમ નથી, એટલે એનાં ફળનો ત્યાગ કરીએ.

જે ઘણાં ધાર્મીક લોકો બીવડાવે છે કે, ખોટાં કામ કરવાથી પશુયોનીમાં જન્મવું પડશે, એ લોકો કંઈક અંશે સાચું કહે છે. પણ, સાથે એ પણ સાચું છે કે, આ આત્મા પરબ્રહ્મનો અંશ છે અને તેની પોતાની પાસે જ પ્રગતીની ચાવી છે. જે અનુભવો આત્મા લેવા માંગે છે, એ તટસ્થભાવે અનુભવો અને આત્માને એટલો ઉચ્ચ આવૃત્તી પર લઈ જાઓ કે જેથી તે આ ચક્રનું આવરણ ભેદી શકે. એના માટે શુધ્ધ ભક્તી જેટલો સહેલો અને સચોટ ઉપાય નથી.

Monday, July 07, 2008

સાથ

સાથ - ચીરાગ પટેલ ડીસ. 03, 1998

અજાણ્યો એવો સાથી આવ્યો, મળ્યો; છું તમારો.
ચાતક સમ વર્ષાબુન્દો ઝીલવા મથતો; છું તમારો.

ઉંચા-ઉંચા ગગનને ચુમવા મથતો; છું તમારો.
થાકીને આવી પટકાતો ધરણી પર; છું તમારો.

સાગરના પેટાળમાં ડુબકી મારતો; છું તમારો.
શ્વાસ લેવા ગુંગળાતો, અટવાતો; છું તમારો.

મુક્ત બની સ્વૈરવીહાર કરવા માંગતો; છું તમારો.
સપડાઈ જતો દુન્યવી માયાજાળમાં; છું તમારો.

લીલુડી વનરાજીમાં ભટકતો જતો; છું તમારો.
રસ્તો ભુલી અવળો ચઢી જતો; છું તમારો.

હવાની નાની-શી લહેરખીમાં ઉડતો; છું તમારો.
છતાંય વાતો કરતો વાવાઝોડાની; છું તમારો.

જાણવા છતાંય દુઃખી કરતો તમને; છું તમારો.
પ્રેમ પામવા તમારો, તલસતો હું; છું તમારો.

જાણું છું, છે થોડી મારા માટે પણ જગા; છું તમારો.
અપનાવશો પ્રેમે તમારા હ્રદયકમળમાં; છું તમારો.

ગાંધી ઉદ્યાન

ગાંધી ઉદ્યાન - બંસીધર પટેલ

રાષ્ટ્રનો ઉદ્યાન બનાવ્યો રક્ત સીંચન કરી બાપુએ;
અવનવા પૌધા ઉછેરી નયનરમ્ય બનાવ્યો ગાંધીએ.
ખીલખીલાટ વેરતી હાસ્ય, ખડખડ હસતી કળીઓ;
વયોવૃધ્ધ શા ઝાડવાં હસતાં, મલકાતી સહુ લતાઓ.

અમીઝરણાં વરસાવો પ્રભુજી, ઉદ્યાન ભર્યો ભાદર્યો કરવા સ્મરુ;
મહેંક અનેરી પ્રસરાવો વીભુજી, મઘમઘતી ફોરમ કરવા સારુ.
સ્વચ્છ, સુઘડ, મનભાવન વેલ, લતાઓ મદમસ્ત હસતી અતી;
કરતી ભાવભર્યું સ્વાગત ઉલ્લાસે, મન પુલકીત, સોહાયે હ્રદયી.

વાગતાં પડઘમ ચોદીશાઓથી, શુભમંગલનાં એંધાણ સરીખાં;
ઉદ્યાન ખીલ્યો પુરબહારે, પહેર્યાં સર્વે ડીલે નવાં અંગરખાં.

મા

મા - બંસીધર પટેલ

શક્તી છે કણકણમાં, એનો વાસ અખીલ બ્રહ્માંડમાં;
સાકાર, નીરાકાર, સચરાચર વ્યાપેલી એ ઘરઘરમાં.
અણુ રુપે, પરમાણુ રુપે, સકલ જગતમાં, તલવીતલમાં;
સ્વરુપ, અરુપ, કુરુપ, સર્વે સર્જન છે ખુબ ન્યારુ ન્યારુ.
લાગણીના તંતુએ બાન્ધે, માયા તણા એ ખેલ ખુબ ન્યારા;
કુદરતના તત્વોમાં પણ ભાસે, રોમરોમ સર્વ પુલકીત થાયે.

Friday, July 04, 2008

ભારત - 2

ભારત - 2 - સ્વામી વિવેકાનન્દ

11. શું તમને લોકો માટે લાગણી છે? દેવો અને ઋષીમુનીઓના કરોડો વંશજો આજે લગભગ પશુઓની કોટીએ પહોંચી ગયા છે. તેનું તમને લાગી આવે છે ખરું? આજે લાખો લોકો ભુખે મરે છે અને લાખો લોકો અનેક યુગોથી ભુખમરો વેઠી રહ્યા છે તેનું કંઈ સંવેદન તમને થાય છે ખરું? કોઈ કાળાં વાદળની જેમ અજ્ઞાન આ દેશ ઉપર છાઈ રહ્યું છે તેનો તમને કંઈ વસવસો છે ખરો? શું એથી તમને અજંપો થાય છે? શું એથી તમારી ઉંઘ હરામ થઈ ગઈ છે ખરી? શું એ હકીકત તમારા હ્રદયના ધબકારા સાથે તાલ મેળવીને અને તમારી નસોમાં ભ્રમણ કરીને, તમારા રક્તમાં પ્રવેશી ચુકી છે? શું એનાથી તમે લગભગ પાગલ જેવા બની ગયા છો? શું પાયમાલીના દુઃખના એકમાત્ર ખ્યાલે તમારો કબજો લઈ લીધો છે ખરો? શું આને માટે તમે તમારું નામ, તમારી કીર્તી, તમારાં સ્ત્રીછોકરાં, તમારી સંપત્તી - અને તમારો દેહ સુધ્ધાં- વીસરી બેઠા છો ખરા? શું તમે આવું બધું અનુભવ્યું છે ખરું? દેશભક્ત થવાનું એ પ્રથમ સોપાન છે - સૌથી પ્રથમ સોપાન.

12. આવો, મનુષ્ય બનો. તમારી કુપમંડુક્તામાંથી બહાર આવો અને બહારની દુનીયાને નીહાળો, બીજા દેશો કેવી રીતે આગેકુચ કરી રહ્યા છે તે જુઓ. શું તમે મનુષ્યને ચાહો છો? શું તમારામાં દેશપ્રેમ છે? તો પછી આવો આપણે વધુ ઉચ્ચ અને સારી વસ્તુઓ માટે પુરુષાર્થ કરીએ. પાછળ નજર નહીં કરો, ના, તમારાં પ્રીયજનો અને સ્વજનોને રડતાં જુઓ તો પણ નહીં. પાછળ નહીં, આગળ નજર કરો.

13. ભારત પ્રતી પુર્ણ પ્રેમ અને દેશભક્તી હોવા છતાં, આપણા પુર્વજો પ્રતી આદરભાવ હોવા છતાં હું એવું માન્યા વગર રહી શકતો નથી કે આપણે અન્ય દેશો પાસેથી પણ ઘણું ઘણું શીખવાનું છે. ભારત બહારના જગત વગર આપણે ચલાવી શકીએ; આપણે એવું માની લીધું એ આપણી મુર્ખાઈ હતી અને છેલ્લાં હજારેક વર્ષોની ગુલામી ભોગવીને આપણે એનો દંડ ચુકવ્યો છે. બીજા દેશો સાથે આપણા દેશની વસ્તુસ્થીતીની તુલના કરવા માટે આપણે પરદેશગમન ન કર્યું અને આપણી આસપાસ સર્વત્ર શું ચાલી રહ્યું છે તેના ઉપર ધ્યાન આપ્યું નહીં, એ ભારતીય વીચાર-શક્તીના આ પતનનું એક મુખ્ય કારણ છે. આપણે એનો દંડ ચુકવ્યો છે; હવે આપણે એનું પુનરાવર્તન ન કરીએ.

14. દક્ષીણ ભારતનાં કેટલાંક પ્રાચીન મંદીરો અને ગુજરાતના સોમનાથ જેવાં મંદીરો તમને જ્ઞાનના અનેક ગ્રંથો શીખવશે, ઢગલાબંધ ગ્રંથો કરતાં પ્રજાના ઈતીહાસમાં તમને વધુ ઉંડી દ્રષ્ટી આપશે. ખંડેરમાંથી અવારનવાર ઉભા થતાં ફરીથી એ જ નવશક્તી અને સામર્થ્ય ધારણ કરતાં આ મંદીરો ઉપર સેંકડો આક્રમણો અને સેંકડો પુનરુધ્ધારનાં ચીહ્નો કેવાં અંકીત થયાં છે તે જુઓ! એ છે રાષ્ટ્રીય માનસ, એ છે રાષ્ટ્રીય જીવનપ્રવાહ.

15. આપણી આ મહાન માતૃભુમી ભારત - એ જ આવતાં પચાસ વર્ષો સુધી આપણું મુખ્ય વીચાર-કેન્દ્ર બની રહેવું જોઈએ. બીજા બધા મીથ્યા દેવો એટલા સમયને માટે આપણા મનમાંથી ભલે વીલુપ્ત થઈ જાય! અત્યારે તો આ એકમાત્ર દેવ, આપણી આ ભારતીય પ્રજા - જાગ્રત છે. 'ચારે દીશામાં તેના હાથ છે, ચારે દીશામાં તેના પગ છે, ચારે દીશામાં તેના કાન છે; સર્વને તે આવરી રહેલ છે.' બીજા બધા દેવો ઉંઘી ગયા છે. આપણે કેવા મીથ્યા દેવોની પાછળ દોટ મુકી રહ્યા છીએ અને છતાં જેને આપણે આપણી ચોતરફ વીસ્તરતો જોઈએ છીએ તે દેવને - તે વીરાટને - આપણે પુજી શકતા નથી! જ્યારે આપણે આ દેવનું પુજન કરીશું ત્યારે બીજા બધા દેવોનું પુજન કરવાને શક્તીમાન થઈશું.

16. રાષ્ટ્રના આધ્યાત્મીક અને વ્યાવહારીક શીક્ષણ ઉપર આપણો કાબુ હોવો જોઈએ. તમે આ વાત સમજો છો ખરા? અત્યારે તમને જે શીક્ષણ મળે છે તેમાં કેટલાક સારા અંશો અવશ્ય છે. પરંતુ તેમાં એ મોટી ખામી છે - અને આ ખામી એટલી મોટી છે કે તમામ સારા અંશો તદ્દન દબાઈ જાય છે. પહેલી વસ્તુ એ કે એ મનુષ્યત્વનું ધડતર કરનારું શીક્ષણ નથી. એ સંપુર્ણ રીતે કેવળ નીષેધનું - જડતાનું - શીક્ષણ છે. નીષેધાત્મક શીક્ષણ અથવા નીષેધોના પાયા ઉપર રહેલી કોઈપણ તાલીમ મૃત્યુ કરતાં પણ વધુ ખરાબ છે.

17. ભારતને તો હું અહીં આવ્યો તે પહેલાં પણ ચાહતો હતો, પરંતુ હવે તો તેની ધુળ પણ મારા માટે પવીત્ર છે, તેની હવા પણ મારા માટે પુનીત છે; હવે એ પુણ્યભુમી-તીર્થભુમી- બન્યું છે.

18. જો તમારે અંગ્રેજ કે અમેરીકન પ્રજાની બરોબરી કરવી હોય તો તમારે શીખવું તેમ જ શીખવવું પડશે - અને હજી પણ સદીઓ સુધી જગતને શીખવી શકો એવું તમારી પાસે ઘણું છે. આ કાર્ય કરવું જ પડશે.

19. ભારતનું પતન થયું તેનું કારણ એ નથી કે પ્રાચીન નીયમો અને રીતરીવાજો ખરાબ હતા; પરંતુ તેનું કારણ તો એ છે કે આ નીયમો અને રીતરીવાજોને એમનાં ઉચીત પરીણામો સુધી પહોંચવા દેવામાં આવ્યાં નહીં.

20. રાષ્ટ્ર માટે પોતાનું સર્વસ્વ હોમી દેવા તત્પર બનેલા અને નીષ્ઠાથી ઉભરાતા લોકોનો જ્યારે તમને સાથ મળે - એવા લોકો જ્યારે તમારી વચ્ચે ઉભા થાય ત્યારે ભારત એકેએક ક્ષેત્રમાં મહાન બનશે. રાષ્ટ્ર એટલે આખરે તો રાષ્ટ્રના લોકો જ!

--------------------------------------------------
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર...