Wednesday, January 30, 2008

મેમરી અને સ્ટોરેજ

મેમરી અને સ્ટોરેજ - ચીરાગ પટેલ Jan 30, 2008

કમ્પ્યુટરમાં સીપીયુ (CPU) જેવો જ અગત્યનો ભાગ છે - સ્ટોરેજ (storage) અથવા મેમરી (memory). મેમરીના જુદાં જુદાં પ્રકાર છે અને મેમરી વગર સીપીયુ કામ કરી શકતું નથી! (જો કે, આપણો ઉપલો માળ ખાલી હોય તો પણ કામ તો કરે જ છે...). સ્ટોરેજ એટલે માહીતીના જથ્થાનો સંગ્રહ કરતો ભાગ (આપણા સ્ટોરેજમાં જંકફુડ વધારે હોય છે. કમ્પ્યુટર જો એવું કરવા લાગે તો આપણે એને ઉઠાવીને ફેંકી દઈએ.). આ સ્ટોરેજ 1 અને 0માં માહીતી સંગ્રહે છે, એટલે એનાં સેલ સ્વીચની માફક ચાલુ-બંધ હોય એ પ્રમાણે 1 અને 0 એવું ગણવામાં આવે છે. ભવીષ્યમાં એક ઈલેક્ટ્રોન બરાબર આવી એક સ્વીચ થાય એવા કમ્પ્યુટર આવશે ત્યારે કમ્પ્યુટરનું કદ ઘણું જ નાનું થઈ જશે. (અને જો ક્વાર્કને સ્વીચ તરીકે વાપરીયે તો!!!)

પ્રાયમરી સ્ટોરેજ (Primary Storage) એટલે એવું સ્ટોરેજ જે પ્રોસેસર સીધું જ વાપરી શકે. એમાં મુખ્યત્વે પ્રોસેસરનાં રજીસ્ટર, કૅશ, અને રૅમ (RAM- Random Access Memory)નો સમાવેશ થાય છે. આ બધી મેમરી પાવર જાય એટલે ભુંસાઈ જાય છે (કાશ, સ્ત્રીઓની યાદશક્તી આવી હોત...). એટલે, એને વોલેટાઈલ (volatile) મેમરી કહે છે. કમ્પ્યુટરમાં જ્યારે કોઈ એપ્લીકેશન કે ઓપરેટીંગ સીસ્ટમ ચાલુ હોય ત્યારે આ ત્રણેય પ્રકારની મેમરી વપરાતી હોય છે. બાયોસ-રોમ (BIOS-ROM કે ROM-BIOS) તરીકે ઓળખાતી મેમરી પણ વપરાય છે. આ મેમરી નોન-વોલેટાઈલ (Non-volatile) હોય છે. નોન-વોલેટાઈલ મેમરી કમ્પ્યુટરને વીજળી ના મળે તો પણ બધી માહીતી સંગ્રહી રાખે છે (જેથી પુનર્જન્મ વખતે કામ લાગે...). રજીસ્ટર અને કૅશ એ પ્રોસેસરની અંદર હોય છે. આજના બધાં સીપીયુ L1 અને L2 કૅશ તરીકે જાણીતી યુક્તી વાપરીને માહીતીની અતીઝડપી આપ-લે કરતાં હોય છે (એ વીશે ફરી ક્યારેક ચર્ચા કરીશું).

રોમ મેમરી એના નામ પ્રમાણે ખાલી વાંચવા નથી હોતી (ROM - Read Only Memory). પરંતું, એને લખવા માટે લાંબું કાંતવું પડે છે, એટલે જવલ્લે જ લખાતી માહીતી એના પર રાખવામાં આવે છે.

સેકંડરી સ્ટોરેજ (Secondary Storage) મોટે ભાગે કાયમી માહીતીનો સંગ્રહ કરે છે. સીપીયુ આ સ્ટોરેજ સાથે પ્રાયમરી સ્ટોરેજ વડે જ માહીતીની આપ-લે કરી શકે છે (બૉસને મળતાં પહેલાં સેક્રેટરી સાથે વાત કરવી જરુરી છે. વળી, આ સેક્રેટરી ટુંકામાં ટુંકી યાદશક્તી ધરાવે એ ખુબ જ જરુરી છે.). સેકંડરી સ્ટોરેજમાં હાર્ડ ડીસ્ક (Hard Disc), સીડી (CD - Compact Disc), ડીવીડી (Digital Video Disc), ટેપ ડ્રાઈવ (Tape Drive), ફ્લોપી ડીસ્ક (Floppy Disk), ઝીપ ડ્રાઈવ (ZIP Drive), યુએસબી ડ્રાઈવ (USB - Universal Serial Bus Drive) વગેરેનો સમાવેશ કરી શકાય. આ બધી સ્ટોરેજની ક્ષમતા ખુબ જ હોય છે. મોટે ભાગે, ફાઈલના સ્વરુપે અહીં બધી માહીતી સંગ્રહાય છે.

ટર્શરી સ્ટોરેજ (Tertiary Storage) એક મોટા પુસ્તકાલય સમાન હોય છે. એમાં ઑટોમેટીક મશીનથી ઘણી બધી ડ્રાઈવ સીસ્ટમ સાથે અટૅચ કે ડીટૅચ થતી હોય છે.

ઑફલાઈન સ્ટોરેજ (Offline Storage) કમ્પ્યુટરથી છુટું પાડી શકાય છે. પેન-ડ્રાઈવ કે જે યુએસબી પર ચાલે છે, ફ્લૉપી, સીડી, ડીવીડી, ફ્લૅશ વગેરે આના ઉદાહરણ છે (ચલતી કા નામ ગાડી?).

સ્ટોરેજના આ પ્રકારો પર વીગતે ચર્ચા ફરી કરીશું.

Saturday, January 12, 2008

શક્તીદાયી વીચાર - 2

શક્તીદાયી વીચાર - 2 સ્વામી વિવેકાનંદ

11. વીશ્વની તમામ શક્તીઓ આપણી જ છે. આપણે જ આપણા હાથ આંખો ઉપર મુકીએ છીએ અને પછી બરાડા પાડીએ છીએ કે સર્વત્ર અંધકાર છે. જાણી લ્યો કે આપણી આસપાસ અંધકાર નથી. હાથ ઉઠાવી લ્યો એટલે પ્રકાશનું દર્શન થશે. એ તો ત્યાં પહેલેથી જ હતો. અંધકારનું, નીર્બળતાનું ક્યારેય અસ્તીત્વ ન હતું. મુર્ખ એવા આપણે બરાડા પાડીએ છીએ કે આપણે નીર્બળ છીએ, અપવીત્ર છીએ.

12. નીર્બળતાનો ઉપાય તેનો વીચાર કર્યા કરવો એ નથી, પણ શક્તીનો વીચાર કરવો એ છે. મનુષ્યોમાં જે શક્તી પહેલેથી જ છે તેની કેળવણી આપો.

13. આત્મશ્રદ્ધાનો આદર્શ એ આપણા માટે સર્વોત્તમ સહાયરુપ છે. જો આત્મશ્રદ્ધાનાં આદર્શનું વધુ વ્યાપક રીતે શીક્ષણ અને આચરણ થયું હોત તો મારી ખાતરી છે કે આપણાં અનીષ્ટો અને દુઃખોનો ભારે મોટો ભાગ અવશ્ય નષ્ટ થયો હોત.

14. માનવજાતીના સારાયે ઈતીહાસમાં તમામ મહાન સ્ત્રીપુરુષોના જીવનમાં સૌથી વધુ પ્રવર્તક જો કોઈ શક્તી હોય તો તે આત્મશ્રદ્ધા છે. પોતે મહાન થવા માટે નીર્માયા છે એવી જન્મજાત સભાનતાને કારણે તેઓ મહાન થયા.

15. માણસનું ગમે તેટલું અધઃપતન થાય, પરંતુ આખરે એવો સમય અવશ્ય આવશે કે જ્યારે કેવળ નીરાશાની પરીસ્થીતીમાંથી તે ઉંચો જવાનો પ્રયત્ન કરશે અને આત્મશ્રદ્ધા કેળવતાં શીખશે. પરંતુ આ સત્ય આપણે પહેલેથી જાણી લઈએ એ આપણા માટે વધુ સારું છે. આત્મશ્રદ્ધા કેળવવા માટે આવા બધા કટુ અનુભવોમાંથી આપણે શા માટે પસાર થવું જોઈએ?

16. આપણે જોઈ શકીએ છીએ કે માણસ માણસ વચ્ચે જે કાંઈ ભેદ છે તે આત્મશ્રદ્ધાના હોવા ન હોવાની બાબતમાં છે. આત્મશ્રદ્ધાથી બધું જ શક્ય બનશે. મેં મારા પોતાના જીવનમાં આ સત્યનો અનુભવ કર્યો છે. અને હજી પણ હું એ અનુભવ કરી રહ્યો છું; અને મારી વય વધતી જાય છે તેમ તેમ એ શ્રદ્ધા પણ વધુ ને વધુ દ્રઢ બનતી જાય છે.

17. શું તમે એ જાણો છો કે તમારા આ દેહની અંદર હજી પણ કેટલી બધી શક્તી, કેટલી બધી તાકાત છુપાઈને પડેલી છે? માણસમાં જે કંઈ છે તે બધું કયા વૈજ્ઞાનીકે જાણ્યું છે? મનુષ્યે અહીં પ્રથમ પગ મુક્યો તેને લાખો વર્ષો વ્યતીત થઈ ગયાં છે - અને છતાંયે તેની શક્તીઓનો કેવળ અલ્પતમ ભાગ જ અભીવ્યક્ત થયો છે. માટે આપણે દુર્બળ છીએ એવું તમે લેશમાત્ર કહેશો નહીં. સપાટી ઉપરના પતનની પાછળ કેવી મહાન શક્યતાઓ રહેલી છે એ તમે કેવી રીતે જાણો! તમારી અંદર જે પડેલું છે તેનાં વીશે તમે ભાગ્યે જ કાંઈ જાણો છો. તમારી અંદર તો અસીમ શક્તી અને ધન્યતાનો મહાસાગર ઉછળી રહેલો છે.

18. જો 'જડપદાર્થ' શક્તીમાન છે, તો 'વીચાર' સર્વશક્તીમાન છે. આ વીચારને તમારા જીવનમાં ઉતારો, તમારી સર્વ-શક્તીમત્તા, તમારી ભવ્યતા અને તમારા મહીમાના વીચારથી તમારી જાતને ભરી દો. ઈશ્વર કરે ને તમારા મસ્તકમાં કોઈ વહેમનો પ્રવેશ ન થાય! ઈશ્વર કરે ને આપણે જન્મથી જ આવી બધી વહેમગ્રસ્ત અસરોથી અને આપણી નીર્બળતા અને અધમતાના, જીવનને નીષ્ક્રીય બનાવનાર ખ્યાલોથી ઘેરાઈ ન જઈએ!

19. તમારી જીવાણુકોષની અવસ્થાથી આજની મનુષ્ય અવસ્થા સુધીનું નીરીક્ષણ કરો; આ બધું કોણે કર્યું? તમારી પોતાની ઈચ્છાશક્તીએ જ. એ સર્વશક્તીમાન છે એ હકીકતનો શું તમે ઈંકાર કરી શકો ખરા? જે શક્તીએ તમને આટલું ઉચ્ચ સ્થાન અપાવ્યું તે હજી પણ તમને ઉચ્ચતર સ્થાન અપાવી શકે. તમારે જરુર છે ચારીત્રની, ઈચ્છાશક્તીને વધુ બળવાન બનાવવાની.

20. ઉપનીષદોમાંથી બોમ્બની માફક ઉતરી આવતો અને અજ્ઞાનનાં રાશી ઉપર બોમ્બગોળાની જેમ તુટી પડતો એવો જો કોઈ શબ્દ તમને જડી આવતો હોય તો તે શબ્દ છે 'અભીઃ', 'અભય'. અને જગતને જો કોઈ ધર્મનું શીક્ષણ આપવું જોઈએ તો એ છે અભયના ધર્મનું શીક્ષણ. શું આ સંસારના કે શું ધર્મના ક્ષેત્રમાં, એ સાચું છે કે ભય એ જ પાપ અને પતનનું અચુક કારણ છે. ભયથી જ દુઃખ જન્મે છે, ભયથી જ મૃત્યુ આવી પડે છે અને ભયથી જ અનીષ્ટ ઉભું થાય છે.

-------------------------------------------
સાભાર, 'શક્તિદાયી વિચાર - સ્વામી વિવેકાનંદ' શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી લીધેલ અંશો.

દોસ્તી

દોસ્તી - બંસીધર પટેલ

મળ્યા બે દોસ્ત, કરવા વાતો, વીતેલા વખત તણી,
પુછ્યા છે ખબર, અંતર વીશે ઉમળકો લાવીને અતી;
છૈયાં, છોકરાં, બૈયર તણા, પુછ્યાં અંતર પરસ્પર ફરી.

હતાં જ્યારે શીશુ, રમ્યાં ખુબ સાથે, ભણ્યાં પણ સાથે;
હતી ખોડ ખાટલે એમ કે સ્નેહ અરુ ફરક કૃષ્ણ-સુદામા સમો;
હતો એક અમીર તો અન્ય વળી રંક, ખાધાનાય સાંસાં;
હતી ખબર બેઉને કે, નથી મેળ ભાવીતણો, નથી ઉજાગર દોસ્તી.

થયા બેઉ અલગ, પરણી, ભણીને સીધાવ્યા સહુ સ્વરસ્તે;
કરે એક ધંધો તો અન્ય કરે ખેતી, બન્યો એક અમીર તો રંક છે બીજો;
માબાપ બન્ને તણાં સીધાવ્યાં સ્વર્ગમાં, ભાઈ-ભાંડું પણ પોતાના રસ્તે.

ભરાઈ આવ્યું છે હૈયું, બનીને સાગર અશ્રુતણો ઉભરાઈ રહ્યો;
મળ્યાનો હરખ સમાતો નથી હ્રદયમાં, ગયા ત્યાં નજીક વૃક્ષતણો વીસામો.
પરખ અહીં ખરી છે દોસ્તી નીભાવની, કરીને ગોષ્ટી કીધું હૈયું હળવું;
ભાંગ્યાના ભેરુ બનીને પરસ્પર, એક મનનો રોગી અન્ય છે સંપદાનો.

નીભાવી મૈત્રી અતી પ્રેમે કરી, આજ તો સર્જનહારની અસીમ લીલા છે.

સમજણ

સમજણ - બંસીધર પટેલ

વરસી રહ્યું છે અમરત મનવા, પી લે મન ભરી ભરી;
તલસી રહ્યું છે મન તારું, પામવા અમરત કટોરો વળી વળી.

ભર્યો પડ્યો છે સમંદર પુરો, મંથન કરતાં ના વાર ઘડીની;
મચી પડ, ઢળી પડ, ઉન્નત મસ્તકે ઉભો થઈની.

ફુંકાઈ રહ્યો છે પવન સમીરો, ત્રીગુણ તણી નાંખતો લહેરખી;
ભરવો હોય તો ભરી ભરી લેજે, લાંબો વીસામો લઈ લહેરથી.

વાગી રહ્યો છે રણભંભેરી, શંખનો ધ્વની શ્રુણાય અતી સમીપથી;
નસીબ હોય તો પામે નર જગમાં, સતવાણી વદે સંતસમાજથી.

કરમ લખ્યા નવ થાય મીથ્યા કદી, છોને પછાડે મસ્તક પાષાણ થકી;
પરમ પ્રકાશે મુકી દોડને, થઈ જા માલામાલ આ ધરતી મહીં.

પસ્તાશે પછી પેટભરીને, ના ઉગરવાનો મળશે વારો કદી;
ધરતીને તુ અગર સમજીને, ઈશ્વરનો પહાડ માની રાખજે ગરીમા.

Friday, January 11, 2008

થોડાં શ્રદ્ધાંજલીનાં પુષ્પો

થોડાં શ્રદ્ધાંજલીનાં પુષ્પો - પાયલ ગુપ્તા Jan 11, 2008

દુ:ખને દુઃખ ના જાણ્યું, હસીને હસાવી ગયા;
જીવન એવું જીવી ગયા, ચીરંજીવ સંભારણાં મુકી ગયા.

દુઃખને દેખાડ્યું નહીં, સુખને છલકાવ્યું નહીં;
એવી લીધી વીદાય અચાનક, રડતાં અમ સહુને મુકીને.

તમે તો પોઢી ગયા સદાકાળ, દીર્ઘ અંધાર પછેડી ઓઢીને;
આપ તો હતા પરમાનંદ, સ્વીકારજો અમ અંજલી.

લીલી વાડી સમો સંસાર ત્યજી, તમે ગયા સ્વર્ગધામ;
લાડકોડ મુકી અધુરાં, કોડ સહુના પુરા કરી ગયા.

હર પળે, હર કાર્યમાં 'ને હર સ્થળે આવે સ્મરણ;
જ્યાં જ્યાં નજર અમારી પડે, ત્યાં ત્યાં સંભારણાં આપના;
આંસુંભરી આંખો મહીં યાદ ભરી છે આપની.

આપના દીવ્યાત્માને પરમકૃપાળુ પરમાત્મા,
ચીર શાંતી અર્પે એ જ હ્રદયની પ્રાર્થના;
ચરણોમાં અર્પણ અમી છીએ.

Saturday, January 05, 2008

શક્તીદાયી વીચાર 1

શક્તીદાયી વીચાર 1 - સ્વામી વીવેકાનંદ

1. તમે તો ઈશ્વરનાં સંતાનો છો, અક્ષય સુખના અધીકારી છો, પવીત્ર અને પુર્ણ આત્માઓ છો. અરે ઓ પૃથ્વી પરના દીવ્ય આત્માઓ! તમે પાપી? મનુષ્યને પાપી કહેવો એ જ પાપ છે, મનુષ્ય-પ્રકૃતીને એ કાયમી લાંછન લગાડવા જેવું છે. અરે ઓ સીંહો! ઉભા થાઓ અને 'અમે ઘેટાં છીએ' એવા ભ્રમને ખંખેરી નાખો; તમે અમર આત્માઓ છો, મુક્ત છો, ધન્ય છો, નીત્ય છો; તમે જડ પદાર્થ નથી, શરીર નથી; જડ પદાર્થ તમારો દાસ છે, તમે એના દાસ નથી.

2. જે મનુષ્યને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તીક છે. જુના ધર્મોએ કહ્યું: 'જેને પ્રભુમાં શ્રદ્ધા નથી, તે નાસ્તીક છે.' નવો ધર્મ કહે છે: 'જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તીક છે.'

3. શ્રદ્ધા, શ્રદ્ધા, પોતાની જાતમાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા - આ છે મહાનતાનું રહસ્ય. તમારા તેંત્રીસ કરોડ દેવતાઓમાં તમે શ્રધ્ધા ધરાવો અને પરદેશીઓએ તમારી સમક્ષ આણેલા તમામ દેવતાઓમાં તમે શ્રદ્ધા રાખો - અને એમ છતાં તમારી જાતમાં કશી શ્રદ્ધા ન ધરાવો તો તમને મુક્તીની પ્રાપ્તી થઈ શકે નહીં. આત્મશ્રદ્ધા કેળવો; એ શ્રદ્ધાના પાયા ઉપર ઉભા રહો અને બળવાન બનો.

4. જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દ્રઢ ઈચ્છાશક્તી હોવાં જોઈએ. ખંતીલો માણસ કહે છે: 'હું સાગરને પી જઈશ, મારી ઈચ્છા થતાંવેંત પર્વતો કડડભુસ થઈને તુટી પડશે.' આવા પ્રકારની શક્તી પ્રાપ્ત કરો, આવા પ્રકારની ઈચ્છાશક્તી દાખવો. જો તમે પુરુષાર્થ કરશો તો જરુર તમે ધ્યેયને પામી શકશો.

5. મહત્ત્વનો મુદ્દો આ છે; બળ એટલે જીવન; નીર્બળતા એટલે મૃત્યુ. બળ એટલે સુખ, શાશ્વત, અમર જીવન; નીર્બળતા એટલે સતત તાણ અને યાતના; નીર્બળતા એટલે જીવનનો ક્ષય.

6. જગતને થોડાં વીર સ્ત્રીપુરુષોની જરુર છે. એવી વીરતાનું આચરણ કરો, જે 'સત્ય'ને જાણવાનું સાહસ કરે, જીવનમાં તેને પ્રગટ કરવાની હીંમત દાખવે, જે મૃત્યુ સમક્ષ થરથર ધ્રુજે નહીં - પણ તેનું અભીવાદન કરે અને મનુષ્યને પ્રતીતી કરાવે કે એ પોતે અમર આત્મા છે અને સમગ્ર બ્રહ્માંડમાં કોઈ તેને હણી શકે નહીં, ત્યારે તમે મુક્ત થશો.

7. કાર્ય કરવું એ ઘણું સારું છે. પરંતુ તે વીચારમાંથી આવે છે... માટે મસ્તીષ્કને ઉન્નત વીચારોથી, સર્વોચ્ચ આદર્શોથી ભરી દો; તેમને અહર્નીશ તમારી દ્રષ્ટી સમક્ષ રાખશો તો તેમાંથી જ મહાન કાર્યોનો જન્મ થશે.

8. જગતની દુષ્ટતાની અને તેનાં પાપોની વાત નહીં કરો. હજી તમારે એ દુષ્ટતા જોવી પડે છે એથી ખેદ અનુભવો. હજી પણ સર્વત્ર તમારે પાપનું દર્શન કરવું પડે છે એથી આંસુ સારો; અને તમારે જો જગતને સહાય કરવી જ હોય તો તમે તેની નીંદા નહીં કરો, તેને વધુ કમજોર નહીં બનાવો. આખરે તો પાપ કે દુઃખ એટલે શું? એ બધું કમજોરીનું પરીણામ નહીં તો બીજું શું છે? આવા ઉપદેશો જગતને દીનપ્રતીદીન વધુ ને વધુ કમજોર બનાવી રહ્યા છે.

9. બાલ્યકાળથી જ એમનાં મસ્તકમાં નીશ્ચીત, દ્રઢ અને સહાયક વીચારોનો પ્રવેશ થવા દો. આવા વીચારો પ્રત્યે તમારી જાતને અભીમુખ કરો, જીવનને કમજોર અને નીષ્ક્રીય બનાવે એવા વીચારો પ્રત્યે નહીં.

10. નીષ્ફળતાઓની ચીંતા કરશો નહીં; તેઓ તદ્દન સ્વાભાવીક છે, જીવનમાં સૌંદર્યરુપ છે. એમના વગરનું જીવન કેવું હોય? જો સંઘર્ષો ન હોય તો જીવનની પ્રાપ્તીનું પણ કશું જ મુલ્ય નથી. એમના વીના જીવનનું કાવ્ય પણ ક્યાં હોય? સંઘર્ષોની, ભુલોની પરવા કરશો નહીં. મેં કોઈ ગાયને જુઠું બોલતી કદાપી સાંભળી નથી, પણ એ તો ગાયની કોટી થઈ, માણસની નહીં. એટલે આ નાની નાની નીષ્ફળતાઓની, નાનાં નાનાં સ્ખલનોની, પરવા કરશો નહીં. તમારા આદર્શને હજારવાર ઉંચો ધરી રાખો અને જો હજારવાર નીષ્ફળતા સાંપડે તો વધુ વખત પ્રયત્નો ચાલુ રાખો.
-------------------------------------------
સાભાર, 'શક્તિદાયી વિચાર - સ્વામી વિવેકાનંદ' શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી લીધેલ અંશો.