Wednesday, January 30, 2008

મેમરી અને સ્ટોરેજ

મેમરી અને સ્ટોરેજ - ચીરાગ પટેલ Jan 30, 2008

કમ્પ્યુટરમાં સીપીયુ (CPU) જેવો જ અગત્યનો ભાગ છે - સ્ટોરેજ (storage) અથવા મેમરી (memory). મેમરીના જુદાં જુદાં પ્રકાર છે અને મેમરી વગર સીપીયુ કામ કરી શકતું નથી! (જો કે, આપણો ઉપલો માળ ખાલી હોય તો પણ કામ તો કરે જ છે...). સ્ટોરેજ એટલે માહીતીના જથ્થાનો સંગ્રહ કરતો ભાગ (આપણા સ્ટોરેજમાં જંકફુડ વધારે હોય છે. કમ્પ્યુટર જો એવું કરવા લાગે તો આપણે એને ઉઠાવીને ફેંકી દઈએ.). આ સ્ટોરેજ 1 અને 0માં માહીતી સંગ્રહે છે, એટલે એનાં સેલ સ્વીચની માફક ચાલુ-બંધ હોય એ પ્રમાણે 1 અને 0 એવું ગણવામાં આવે છે. ભવીષ્યમાં એક ઈલેક્ટ્રોન બરાબર આવી એક સ્વીચ થાય એવા કમ્પ્યુટર આવશે ત્યારે કમ્પ્યુટરનું કદ ઘણું જ નાનું થઈ જશે. (અને જો ક્વાર્કને સ્વીચ તરીકે વાપરીયે તો!!!)

પ્રાયમરી સ્ટોરેજ (Primary Storage) એટલે એવું સ્ટોરેજ જે પ્રોસેસર સીધું જ વાપરી શકે. એમાં મુખ્યત્વે પ્રોસેસરનાં રજીસ્ટર, કૅશ, અને રૅમ (RAM- Random Access Memory)નો સમાવેશ થાય છે. આ બધી મેમરી પાવર જાય એટલે ભુંસાઈ જાય છે (કાશ, સ્ત્રીઓની યાદશક્તી આવી હોત...). એટલે, એને વોલેટાઈલ (volatile) મેમરી કહે છે. કમ્પ્યુટરમાં જ્યારે કોઈ એપ્લીકેશન કે ઓપરેટીંગ સીસ્ટમ ચાલુ હોય ત્યારે આ ત્રણેય પ્રકારની મેમરી વપરાતી હોય છે. બાયોસ-રોમ (BIOS-ROM કે ROM-BIOS) તરીકે ઓળખાતી મેમરી પણ વપરાય છે. આ મેમરી નોન-વોલેટાઈલ (Non-volatile) હોય છે. નોન-વોલેટાઈલ મેમરી કમ્પ્યુટરને વીજળી ના મળે તો પણ બધી માહીતી સંગ્રહી રાખે છે (જેથી પુનર્જન્મ વખતે કામ લાગે...). રજીસ્ટર અને કૅશ એ પ્રોસેસરની અંદર હોય છે. આજના બધાં સીપીયુ L1 અને L2 કૅશ તરીકે જાણીતી યુક્તી વાપરીને માહીતીની અતીઝડપી આપ-લે કરતાં હોય છે (એ વીશે ફરી ક્યારેક ચર્ચા કરીશું).

રોમ મેમરી એના નામ પ્રમાણે ખાલી વાંચવા નથી હોતી (ROM - Read Only Memory). પરંતું, એને લખવા માટે લાંબું કાંતવું પડે છે, એટલે જવલ્લે જ લખાતી માહીતી એના પર રાખવામાં આવે છે.

સેકંડરી સ્ટોરેજ (Secondary Storage) મોટે ભાગે કાયમી માહીતીનો સંગ્રહ કરે છે. સીપીયુ આ સ્ટોરેજ સાથે પ્રાયમરી સ્ટોરેજ વડે જ માહીતીની આપ-લે કરી શકે છે (બૉસને મળતાં પહેલાં સેક્રેટરી સાથે વાત કરવી જરુરી છે. વળી, આ સેક્રેટરી ટુંકામાં ટુંકી યાદશક્તી ધરાવે એ ખુબ જ જરુરી છે.). સેકંડરી સ્ટોરેજમાં હાર્ડ ડીસ્ક (Hard Disc), સીડી (CD - Compact Disc), ડીવીડી (Digital Video Disc), ટેપ ડ્રાઈવ (Tape Drive), ફ્લોપી ડીસ્ક (Floppy Disk), ઝીપ ડ્રાઈવ (ZIP Drive), યુએસબી ડ્રાઈવ (USB - Universal Serial Bus Drive) વગેરેનો સમાવેશ કરી શકાય. આ બધી સ્ટોરેજની ક્ષમતા ખુબ જ હોય છે. મોટે ભાગે, ફાઈલના સ્વરુપે અહીં બધી માહીતી સંગ્રહાય છે.

ટર્શરી સ્ટોરેજ (Tertiary Storage) એક મોટા પુસ્તકાલય સમાન હોય છે. એમાં ઑટોમેટીક મશીનથી ઘણી બધી ડ્રાઈવ સીસ્ટમ સાથે અટૅચ કે ડીટૅચ થતી હોય છે.

ઑફલાઈન સ્ટોરેજ (Offline Storage) કમ્પ્યુટરથી છુટું પાડી શકાય છે. પેન-ડ્રાઈવ કે જે યુએસબી પર ચાલે છે, ફ્લૉપી, સીડી, ડીવીડી, ફ્લૅશ વગેરે આના ઉદાહરણ છે (ચલતી કા નામ ગાડી?).

સ્ટોરેજના આ પ્રકારો પર વીગતે ચર્ચા ફરી કરીશું.

No comments: