Saturday, September 30, 2006

આધાર - બંસીધર પટેલ

આધાર - બંસીધર પટેલ

સુકોમળ નયનોમાંથી વરસી રહ્યો મેઘમલ્હાર;
વરતાય છે વેદના ઘણી, મ્લાન વદને નિરાશા ઘણી.
ઘટી છે ઘટના કોઇ અઘટિત, થયો છે ઝુલ્મ અસહાયને;
બની છે નિરાધાર, આધાર ગયો, નિસ્તેજ બની છે જીંદગી.

ગરકાયું છે જીવન તેનું, બની સૂનકાર જીવન-ઉપવન;
દૂર-સુદૂર ડોકાય છે, અમી તણું છાંટણું એક નાનું શું.
એ જ સ્તો છે આધાર ખરો, જીવન જીવવાના ઓરતાનો;
આપી છે માટી શેર, રાખવા લાજ કુળ આખાયની.

અરમાનો, આશાઓ મળી ધૂળમાં, પીંખાયું જીવન જેનું;
ચણેલી ઇમારત સપનોની, થઇ ભસ્મિભૂત પલકવારમાં.
બુઝાયો દિપક, ગઇ ગરીમા, લૂંટાયા અરમાનો ઉમંગના;
અસ્મિતા ગઇ અસ્તાચળે, બન્યો અંધકાર ભરદિને ચોતરફ.

નથી જેનું કોઇ, બને છે સથવાર કુદરત રાહબર એનો;
વિધવાના નિસ્તેજ વદને, વરતાય છે અમર કિરણ ઉજાસનું.
ભાવિના પેટાળમાં પુરાઇ રહેલું સ્મિત કરતું ડોકિયા ઘડીક;
થઇ છે ઉભી બની બાહોશ, અડગ વિંધ્યાચળ પહાડ સમી.

No comments: