ગુરુ શિષ્ય સમાલોચના - બંસીધર પટેલ
જીવનની નૌકાને પાર ઉતારવા સમર્થ ગુરુની આવશ્યક્તા છે. નુગરા જીવનનો કોઇ અર્થ નથી. પરંતુ, લાખ રૂપિયાનો સવાલ એ છે કે, સાચા ગુરૂ કોને કહેવાય? આ માટે શાસ્ત્રોએ ગુરુ તથા શિષ્યની અનેક લાયકાત દર્શાવેલ છે. તેમ છતાં સારરૂપે એમ કહી શકાય કે સાચા ગુરુ એને કહેવાય જે નિઃસ્પૃહી. નિઃસ્વાર્થ અને આધ્યાત્મિક્તાની ઉચ્ચ ભુમિકાએ બીરાજેલ હોય. સાચો શિષ્ય એટલે ગુરુની આજ્ઞાનું અક્ષરશઃ પાલન કરવામાં સદાય તત્પર, આધ્યાત્મિક જીવનના પથ ઉપર ચાલવામાં સદાય અગ્રેસર અને જ્ઞાન મેળવવાની સદાય અભિપ્સા ધરાવતો હોય. આવા સાચા ગુરુ અને શિષ્યનો સુભગ સમંવય હોય પછી આધ્યાત્મિક પ્રગતિ થવામાં વાર શી? આપણે નદી પાર કરવી હોય અને જો તરાપો સારો ના હોય તો નૌકા ડૂબે, નાવિક ડૂબે અને સાથે બેઠેલા સહુ કોઇને ડૂબાડે. આમ માયાના સંસારને તરવા માટે ગુરુ, શિષ્ય અને આધ્યાત્મિક પથ (સાધન, સાધ્ય અને સાધના) ત્રણેયનો ત્રિવેણી સંગમ થવો જોઇએ.
ભારતીય આર્ય સંસ્કૃતિમાં ભૂતકાળમાં નજર કરીએ તો એવા અનેક સમર્થ યોગીઓ, ગુરુઓ થઇ ગયેલા નજરે પડશે. એટલું જ નહિ, હાલમાં પણ ભારતવર્ષમાં કેટલાય સમર્થ યોગીઓ આધ્યાત્મિક ઉચ્ચદશામાં નિહીત છે. સાચા ગુરુને શોધવા નથી પડતા. પરંતુ જ્યારે ફળ પાકવાનું હોય ત્યારે ખૂદ શિષ્યને શોધતાં આવી મળે છે. આવું અનેક વખત કહેવાયું છે. પરંતુ મારી દ્રષ્ટિએ જો સાચા ગુરુ મેળવવા હોય તો આપણે જરૂર અભિપ્સા કેળવવી પડે. કારણ કે, કળિયુગમાં ઢોંગી ગુરુઓ ભટકાવાની પૂરી શક્યતા સહેલી છે. એટલું જ નહિ, લોભી ગુરુ અને લાલચી ચેલાની ઠેલમઠેલ ઘણી જગ્યાએ જોવામાં મળતી હોય છે. માટે સાવધાન રહી આગળ વધવું ખૂબ જ જરૂરી છે. આધ્યાત્મિક વારસાના જતન માટે ગુરુ પરંપરા અતિ આવશ્યક છે. એટલું જ નહિ, ધાર્મિક વારસાનું આધારભૂત અંગ પણ છે. પરંતુ કેટલીક વખત શિષ્યોના છીછરાપણાંનો ગેરલાભ ઢોંગી-ધૂતારાં લોકો ઉઠાવતા હોય છે. અને તેમાંથી અંધશ્રધ્ધાનો જન્મ થાય છે અને ધર્મ બદનામ થાય છે.
ગુરુ જીવીત હોવા જ જોઇએ એવું જરૂરી નથી. ગુરુની હયાતી ના હોય તો પણ તેમનાં દિવ્ય આંદોલનો વાતાવરણમાં ઘૂમતાં હોય છે, જે શિષ્યને પરા ચેતના સાથે સંપર્ક કરાવી આપે છે. તેમ છતાં જો સાચા ગુરુ ભૌતિક દેહથી હયાત હોય તો સોનામાં સુગંધ ભળે છે. પરમાત્મ શક્તિની દિવ્ય અનુભૂતિ માટે ભોમિયા - માર્ગદર્શક ગુરુ શિષ્યની નિમ્નસ્તરની દૈહિક ચેતના હઠાવી, ઉચ્ચતર ભૂમિકાએ લઇ જાય છે, અને કેટલીક વખત હઠીલા દર્દને દૂર કરવા ડોક્ટર પેલા દર્દીને કડવી દવા પીવડાવે છે. એ ન્યાયે ગુરુ પણ શિષ્યને ભવોભવના કુસંસ્કારો હઠાવવા આકરી કસોટીઓ દ્વારા પાર ઉતારે છે.
પ્રવર્તમાન સમય ઘણો જ વિસંવાદિતા ભરેલો છે. એમાં માનવીને ભૌતિક સુખોની ઘેલછાંએ અધઃપતનની કક્ષાએ લાવી દીધો છે. સાચા જીવનનું અજ્ઞાન એને અંધારામાં બાચકાં ભરાવે છે. કારણ કે ઇન્દ્રિય સુખ ક્ષણજીવી હોય છે. તેનાથી તેને મંઝીલ કદાપિ મળતી નથી અને જીવનભર સાંસારિક, ભૌતિક સુખોની પાછળ ઝાંઝવાના જળની જેમ ભટક્યાં કરે છે. આવા સમયમાં સંસ્કૃતિના સાચા વારસદાર એવા સદ્ગુરુની આવશ્યક્તા ખૂબ જ હોય છે. જે માળ્યાથી સંતોષ માન્યા કરતાં તેમણે બતાવેલ પથ ઉપર આગળ વધી આત્માનું કલ્યાણ કરવાનો એકમાત્ર ઉદ્દેશ મનુષ્યને દિવ્ય મનુષ્ય બનાવશે.
No comments:
Post a Comment