ભક્તિ - બંસીધર પટેલ
હરિને કરો છો કેદ શાને, એ તો સચરાચરનો વ્યાપક;
જગાડો હરરોજ શાને વગાડી ઘંટ, એ તો સદા જાગ્રત પ્રહરી.
અર્પો છો અર્ધ્ય શાને સમીપે, એ તો દેનાર છે ઉદધિ જગતને;
પૂજા-પ્રસાદ- આરતી શાને કરો, એ તો પામી ગયો હ્રદય ખરું.
કરો છો જાપ શાને, એ તો મનના જાણે છે દાગ બધા;
બની પૂજારી ધરો છો મેવા શાને, એ તો દુનિયાને ધરનાર છે.
પઠન શ્લોકો તણું શાને, એ તો છે કરનાર અર્થ શાસ્ત્રના ખરા;
કરો છો આડંબર બધા શાને, જાણે છે સચ્ચાઇ સાચા અંતર તણી.
માનો આત્મસંતોષ શાને, એ જાણે તાણાવાણા બધા;
કાઢો છો બળાપો શાને, ધોનાર છે પાપ બધાં જગનો.
કરો છો વંદન-પુજન શાને, જાણે છે સ્વારથ બધો મનનો;
કરો છો ઉધામા શાને, ખરો તારણહાર છે એ જગનો.
ભાગી જાવ દૂર શાને, આ સંસાર બનાવ્યો એણે;
પકડ્યાં છે પગ એના શાને, તરછોડી જાય નહિ આઘો.
ભુલા પડી ભટકો ભવરણે, છોડી ઝંઝાળ જગતની;
મન હશે ચંગા તો ભરાશે કથરોટ ગંગા પાવન તણી.
No comments:
Post a Comment