વૈદીક સંસ્કૃતી - ચીરાગ પટેલ જુલાઈ 25, 2008
વૈદીક કે વેદીક સંસ્કૃતી (Vedic culture) આપણા રગે-રગમાં રક્ત બનીને સદીઓથી પુષ્ટ થતી આવી છે. જે સંસ્કૃતી પર આપણને ગર્વ છે એ આર્યો દ્વારા સ્થાપવામાં આવી હતી. હવે, આ આર્યો 3500 વર્ષ પહેલાં મધ્ય-એશીયામાંથી આવીને સપ્તસીન્ધુના (શતુદ્રી કે સુતુદ્રી - સતલુજ, પરુષ્ણી કે ઈરાવતી - રાવી, અશ્કીની કે ઈસ્કમતી - ચનાબ, વીતસ્તા - ઝેલમ, વીપાસ - બીયાસ, સીન્ધુ, સરસ્વતી) (Indus Valley Civilization) પ્રદેશમાં વસ્યા હતાં. આર્યોએ આ પ્રદેશમાં વસતાં હડપ્પન સંસ્કૃતીના (Harappan Culture) દ્રવીડીય લોકોને મારી હઠાવ્યાં અને પોતાની સત્તા સ્થાપી! આ આર્યોએ વીશ્વનાં સહુથી પૌરાણીક ગ્રંથ - ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ આપ્યાં (અથર્વવેદને વીદ્વાનો વૈદીક કાળનો ગ્રંથ નથી માનતાં).
આજ સુધી તો આપણે આવું જ ભણતાં-સાંભળતાં-વીચારતાં આવ્યાં છીએ. હવે, હું થોડીક બાબતો પર ધ્યાન દોરવા માંગું છું જે મને ગળે ઉતરી છે.
1. હડપ્પન સંસ્કૃતી પર હુમલો કરનાર આર્યપ્રજા લડાયક હતી અને ઘોડાથી ખેંચાતા રથ પર બેસીને આવી હતી. સુસંસ્કૃત હડપ્પન પ્રજા પાસે એવા કોઈ સાધનો ના હોવાથી હારી ગઈ. આપણે આવો ખ્યાલ ધરાવીએ છીએ. હવે, 7000-8000 વર્ષ પુરાણી હડપ્પન સંસ્કૃતીમાં પણ ઘોડા જોવા મળ્યાં છે, અને એમની મુદ્રા ઉપર ચક્ર કે રથનાં પૈડાંની આકૃતી જોવા મળી છે.
2. આર્યો જો મધ્યએશીયાથી આવ્યાં હોય તો તેઓ ઘોડાં જોતરેલાં રથ વડે પહાડો કેવી રીતે પાર કરી શક્યાં? શું તેઓ જાતે રથ ખેંચીને લડવા આવ્યાં હતાં? વળી, હાથી તેમનાં પ્રદેશોમાં જોવા નથી મળ્યાં, તો રથ ખેંચે કોણ?
3. ઋગ્વેદમાં દેવ કે રાજાને "શહેરોનો ધ્વંસ કરનાર" એવું બીરુદ આપવામાં આવ્યું છે. આવું બીરુદ લડાયક અને અસંસ્કારી પ્રજા વાપરતી હોવી જોઈએ એમ માનીને આર્યોને લડાયક-જન્ગલી પ્રજા ગણી લેવામાં આવી છે. પર્ંતુ, આવું જ વીશેષણ ઈજીપ્ત કે મેસોપોટેમીયાના રાજાઓ વાપરતાં જોવા મળે છે અને તેમને કોઈ જંગલી નથી ગણતું!
4. હડપ્પન સંસ્કૃતીનો વીનાશ થવાં માટે ભયાનક પુર આવ્યું હોવાની ઘણી બધી સાબીતીઓ નજરે ચઢે એવી છે. જેમ કે, સરસ્વતી નદી સુકાઈ જવી, બીજી નદીઓનાં વહેણમાં ફેરફાર, શહેરો પર પુરનાં નીશાન, વગેરે.
5. લોથલ, ધોળાવીરા વગેરે સ્થળોએ અગ્નીની વેદીનાં અવશેષો મળી આવ્યાં છે, જે ઋગ્વેદનાં હોમના વર્ણન સાથે મળતાં આવે છે.
6. નૃવંશશાસ્ત્રીઓએ પુરવાર કર્યું છે કે આજનાં ગુજરાતી લોકો 8000 વર્ષ પહેલાંનાં લોથલ-ધોળાવીરા સંસ્કૃતીના લોકોને મળતી આવતી રહેણી-કરણી ધરાવે છે. એ જ પ્રમાણે, પંજાબના લોકો હડપ્પા કે રોપરની 6000 વર્ષ જુની સંસ્કૃતી સાથે મળતી આવતી રહેણી-કરણી ધરાવે છે.
7. ઋગ્વેદમાં સરસ્વતી નદીને મુખ્ય નદી ગણી છે. ઋષી મનુએ 12000 વર્ષ પહેલાં આવેલાં વીશ્વવ્યાપી પુર બાદ સરસ્વતી અને દૃષદ્વતી નદીની વચ્ચેનાં પ્રદેશમાં પ્રાણીસૃષ્ટીનું પુનર્વસન કર્યું હતું. હવે, આ નદી 4000 વર્ષ પહેલાંથી સુકાઈ ગઈ છે. તો પછી આર્યો 3500 વર્ષ પહેલાં ભારતમાં કેવી રીતે આવ્યાં?
8. યજુર્વેદમાં વસંત વીષુવકાળ (vernal equinox) કૃત્તીકા (Pleiades) નક્ષત્રમાં અને ઉનાળાનો અયનાંત (summer solstice) મઘા નક્ષત્રમાં હોવાનો ઉલ્લેખ છે. એ મુજબ યજુર્વેદમાં ઉલ્લેખેલ સમય 4400 વર્ષ પહેલાંનો હોવો જોઈએ.
http://www.harappa.com/script/maha9.html
9. કૃષ્ણનું મૃત્યુ થયું ત્યારે સાત મુખ્ય ગ્રહો રેવતી (Zeta Piscium) નક્ષત્રમાં હતાં. આ લીંક પર ક્લીક કરો: http://www.fourmilab.ch/cgi-bin/Solar . અને, એમાં જ્યાં UTC લખ્યું છે ત્યાં "-3102-02-18 12:00" નાંખો અને Update પર ક્લીક કરો. હવે, જે ગ્રહોનાં સ્થાન આવશે એમાં જુઓ કે લગભગ 3 કલાકનાં ગાળામાં 6 ગ્રહો આવી જાય છે. આનો અર્થ શું? એ જ કે, કૃષ્ણનું મૃત્યુ ઠીક ફેબ્રુઆરી 18, 3102 સન પુર્વ થયું હતું! આજથી 5210 વર્ષ પહેલાં!
10. ઋગ્વેદમાં ઠેકઠેકાણે 'સમુદ્ર'નો ઉલ્લેખ છે. સમુદ્ર એટલે સાગર કે મહાસાગર. મધ્ય એશીયામાં વસતાં આર્યો સમુદ્રને આટલું મહત્વ શા માટે આપે છે?
11. મધ્ય-પુર્વ એશીયામાં 3400 વર્ષ પહેલાં સુર્ય, મરુત, વરુણ, હીમાલય વગેરેની પુજા થતી હોવાનાં ઉલ્લેખ મળ્યાં છે. શું આર્યપ્રજાનો અમુક ભાગ ભારતને છોડીને મધ્ય-પુર્વ એશીયા (ઈરાન, મેસોપોટેમીયા) જઈ વસ્યો હતો?
12. પ્રાચીન ઈજીપ્તની ભાષામાં સુર્યને 'રા' કહે છે, અને એની પુજા કરવામાં આવી છે. સંસ્કૃતમાં પણ 'રા' એટલે સુર્ય.
13. મેહરગઢ અને ધોળાવીરામાંથી જે અવશેષ મળ્યાં છે એ 8000 વર્ષ જુનાં હોવાનું પુરવાર થયું છે.
14. બ્રાહ્મી લીપી અને હડપ્પન સંસ્કૃતીની મુદ્રાઓ પરની લીપી મળતી આવે છે.
15. ઋગ્વેદમાં વસંત વીષુવકાળ મૃગશીર્ષ (Orion) નક્ષત્રમાં થવાનો ઉલ્લેખ છે. તે મુજબ, ઋગ્વેદનો સમયગાળો 4300BCE (6300 વર્ષ પુર્વ) ગણીતજ્ઞોએ માન્યો છે.
16. દ્રવીડીય સંસ્કૃતીના સ્થાપક અગત્સ્ય ઋષી હતાં. તમીલ અને સંસ્કૃત ભાષાઓ વચ્ચે સામ્યતા વધુ છે, નહીં કે ભેદ.
આપણે પુરાતન મહાનતા પર રાચવું યોગ્ય નથી, પરંતું પુરાતન સંસ્કૃતીને સંતુલીતપણે સમજવાનો પ્રયત્ન તો કરીએ! આ લેખ એ દીશામાં એક નાનકડો પ્રયાસ છે. અહીં મારો એ કહેવાનો પ્રયાસ છે કે સીન્ધુખીણની સંસ્કૃતી કે દ્રવીડ લોકો અને આર્યજાતી એક જ છે, અને આર્યો ભારતમાં 8000 વર્ષથી તો વસવાટ કરતાં જ હતાં.
સન્દર્ભ:
1. Gods, Sages and Kings: Vedic Secrets of Ancient Civilization - David Frawley
2. http://www.harappa.com/indus/indus1.html
3. http://parimiti.wordpress.com/2007/08/16/krushna-ane-itihaas/
No comments:
Post a Comment