Sunday, July 29, 2007

aachaar sanhitaa - Bansidhar Patel

આચાર સંહીતા - બંસીધર પટેલ

આજ સુધી દુનીયાના જેટલા સંત, મહાત્મા, પયગંબર, ઓલીયા, ફીલસુફ થઈ ગયા તે તમામ; અરે ભગવાન શ્રીકૃષ્ણે પણ વીશ્વના મહાન ગ્રંથ 'ભગવદ ગીતા' દ્વારા કર્મના સીધ્ધાંતો દુનીયા સમક્ષ મુક્યા. ખરેખર આચાર સંહીતા એ સાપેક્ષ બાબત છે. તમામ ધર્મોનાં મુળમાં સ્વીકૃત આધાર સ્થંભ સમાન છે. સૃષ્ટીની ઉત્પત્તીથી આધુનીક દુનીયાની વાસ્તવીક પ્રગતીમાં પણ આચાર સંહીતા પાયાનો સીધ્ધાંત રહેલો છે. ભગવાન શ્રીમહાવીરે આચાર પ્રથમો ધર્મ ગણી જૈન વીચારધારામાં આચાર સંહીતાને પ્રમુખ સ્થાન આપેલું છે. ભગવાન બુધ્ધે પણ આચાર અથવા કર્મયોગના સીધ્ધાંતને મુખ્ય ગણ્યો છે.

ધર્મ હોય કે રાજકારણ આચાર સંહીતા એ મુખ્ય અને મુળભુત સર્વસ્વીકૃત સીધ્ધાંત છે. આપણા પ્રશનન શાસ્ત્રોમાં પણ એવા કેટલાય અગણીત દાખલાઓ મોજુદ છે, કે જેમણે આચાર-વીચાર ખાતર પોતાના પ્રાણનું પણ બલીદાન આપેલ છે. જેમકે રાજા હરીશ્ચન્દ્ર સત્યની ખાતર પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું. આધુનીક સમયમાં મહાત્મા ગાંધીજી, લાલ બહાદુર શાસ્ત્રી, ડૉ. રાધાકૃષ્ણન કે શ્રીમદ રાજચન્દ્ર જેવા ભારતના મહાન સપુતોએ અણીશુધ્ધ આચાર સંહીતાનું પાલન કરી બતાવ્યું છે. અરે ભારતના રાજ્ય બંધારણમાં પણ આચાર સંહીતાને પ્રાધાન્ય આપવામાં આવેલ છે. રાજકારણી નેતા હોય કે કર્મચારી અધીકારી હોય, સામાન્ય નાગરીક હોય કે કોઈ સામાજીક કાર્યકર હોય, સર્વેના આચાર સંહીતાના પાયાની બાબત છે. એટલું જ નહી આચરણ વગર મનુષ્ય અસામાજીક બની જાય છે. એવું અત્યારના દુષીત વાતાવરણ ઉપરથી સ્પષ્ટ જણાય છે. કોમી હુલ્લડો, સાંપ્રદાયીક અસામાંજસ્ય, વેરભાવ, દુષીત રાજકારણ, બેકારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર વગેરે અનીષ્ટ માટે શું આચાર સંહીતા જવાબદાર નથી? મારી દ્રષ્ટીએ સદ્આચરણ કે અનુશાશન રાષ્ટ્રના ઘડતરમાં અમુલ્ય ફાળો આપી શકે તેમ છે. પરંતુ પાટલે મોટી ખોડ છે. આપણા સંસ્કાર અને આચાર સંહીતા રુપી અમૃતનું પાન કરાવવામાં નહી આવે તો ભવીષ્યમાં એ નવી દાનવસૃષ્ટીનું સર્જન કરી તાંડવલીલા આચરશે એ નીઃશંક હકીકત છે.

દેશ આખામાં સદીઓથી મહાનપુરુષો, કથા, વાર્તા, સત્સંગ દ્વારા મનુષ્યનું આચરણ સુધારણા બાબત પર ભાર મુક્તા આવ્યા છે. સાહીત્યના વીદ્વાનોએ પણ તેમની મૌલીક રચનાઓ દ્વારા લોકશીક્ષણમાં આચાર સંહીતા ઉપર સેંકડો પુસ્તક પ્રજા સમક્ષ મુક્યા છે. છતાં કળીયુગ તેનો પ્રભાવ વધારતો જ જાય છે. આવું કેમ? એ સૌના મનનો વીકટ સવાલ છે. તો આના માટે પાયાની વાત આપણે વીચારીએ.

આપણામાં કહેવત છે કે અન્ન તેવું મન અને જળ એટલા પ્રમાણમાં પ્રદુષીત છે કે ખાતર અને રસાયણના ઝેરથી અન્ન જળ સાત્વીક મટીને તામસી બની ગયાં છે. બીજું પૈસા પાછળની આંધળી દોટ, સ્વાર્થવૃત્તી પણ આચાર સંહીતાના સીધ્ધાંત પર કુઠારાઘાત સમાન છે. ત્રીજું ધર્મથી વીમુખ થવું , દુર જવું અથવા કોઈ પણ ધર્મ કે મઝહબના પાયાના સીધ્ધાંતોને તોડી મરોડી સગવડભર્યા આધુનીક ધર્મમાં પરાવર્તન કરવું.

આચાર સંહીતા એ વ્યક્તીગત બાબત છે. છતાં પણ તેમાં ઉપરોક્ત પરીબળો ભાગ ભજવી શકે છે. અને મનુષ્ય સારા આચાર-વીચારો દ્વારા સમાજ તથા દેશને એક સારા નાગરીક તરીકે પોતાનું યોગદાન આપી શકે છે. વ્યક્તી, સમાજ અને રાષ્ટ્ર એક સુત્રમાં બંધાઈને ધરતી પરનું સ્વર્ગ બની શકે.

No comments: