પાયાનું ઘડતર - ચિરાગ પટેલ Dec 25, 2006
થોડા સમય પહેલા એક સરસ પુસ્તક વાંચવામાં આવ્યું - The Monk Who Sold His Ferrari by Robin Sharma. થોડું જુનું પુસ્તક છે, પરંતુ એમાં લખેલી બાબતો હંમેશા પ્રસ્તુત છે, તેથી એનો સારાંશ મેં અહીં મુકવાનો પ્રયત્ન કર્યો છે. સારાંશમાં મેં જો કે મારો પોતાનો અભિપ્રાય અને અર્થઘટન ઉમેર્યા છે.
મૂળ પુસ્તક ખૂબ જ રસપ્રદ શૈલીમાં એક વાર્તા સ્વરૂપે રજુ થયું છે. એમાં એક ખૂબ જ નામાંકિત વકીલ, સફળ વકીલ તેના જીવનમાં આવેલ રોચક વળાંક વિશે એક મિત્ર વકીલને સમજાવે છે. એ પોતાના અનુભાવો અને સમજણોને એક નવી દ્રષ્ટિએ મૂલવે છે અને નવા સિધ્ધાંતો જીવનમાં પ્રસ્થાપિત કેવી રીતે કરવા તેનું વિસ્તૃત વર્ણન કરે છે. લેખક શર્માએ ભારતીય સંસ્કાર અને જીવનમૂલ્યોને આ વાર્તા દ્વારા સમજાવવા કોશિશ કરી છે. મારી દ્રષ્ટિએ આ સિધ્ધાંતો આપણે દરેક જાણીએ છીએ. આપણી પાસે ઘણો મોટો આધ્યાત્મિક અને તત્વ/સત્વ ચિંતનનો ખજાનો છે. પરંતુ, ખેદની વાત એ છે કે આપણે એ બધું ભૂલી ગયા છે. ભારતની આર્થિક પ્રગતિમાં એ બધાં મૂલ્યોનું સતત ધોવાણ થતું ચાલ્યું છે. યુવાવર્ગ સવાયો અમેરિકન થઇ રહ્યો છે, અને એમાં ગૌરવ અનુભવે છે. આવું થવાના ઘણાં બધાં કારણો છે, પરંતુ એ બધી ચર્ચા ફરી ક્યારેક કોઇ લેખમાં કરીશું.
પુસ્તકમાં વર્ણવેલાં સાત પાયાનાં સિધ્ધાંતો:
1. મનને કેળવો
મનનો સ્વભાવ છે, એને મળતી માહિતીનું પૃથક્કરણ. અને મનને નિરંતર કોઇને કોઇ માહિતી મળ્યા જ કરતી હોય છે. આપણી બધી ઇંદ્રિયો, અવયવો હરહંમેશ એમનું કાર્ય બજાવતી હોય છે. હર એક પળ આપણે આપણી જાણ બહાર કે આપણી જાણમાં કોઇને કોઇ કાર્ય કરતાં જ હોઇએ છીએ. મન મર્કટ એમાં જ અટવાયા કરતું હોય છે. જો મન આ બધામાં અટવાયા કરવાને બદલે કોઇ નક્કર ધ્યેયમાં પરોવાયેલું રહે તો આપણે ઘણાં અણધાર્યાં પરિણામો ધારીને મેળવી શકીએ.
મનને યોગ્ય કુદરતી ખાતર/પાણી આપો. એનું બાળકોને ઉછેરતાં હો એવી રીતે લાલન-પાલન કરો. તમે મનને કાબુમાં રાખો, નહિ કે મન તમને કાબુમાં રાખે.
જ્યારે તમે કોઇ અયોગ્ય વિચાર કરો કે તરત જ એનાથી વિરુધ્ધ વિચાર કરો. જેમ કે, મન કોઇની નિંદા કરતું હોય તો તરત જ તમે મન પર કાબુ કરીને એ વ્યક્તિની સારી બાબતો વિચારવાનું શરૂં કરો.
સફળ અને સંતુલિત જીવન એ સફળ અને સંતુલિત વિચારોનું પરિણામ હોય છે.
નિષ્ફળતાઓને એક શિખામણ તરીકે જુઓ. એકની એક ભુલ ફરી ના થાય એનો પ્રયત્ન કરો. નિષ્ફળતાઓને વ્યક્તિગત અને આધ્યાત્મિક પ્રગતિના સોપાન ગણો.
2. ધ્યેયને અનુસરો
સમજો કે, ધ્યેય પ્રેરિત જીવન એ જ જીવનનો ધ્યેય છે. જીવનમાં કરવા લાયક કાર્યોને શોધવા, જાણવા અને માણવાં એ શાશ્વત સંતોષનાં સાધન છે. એટલે જ, એક કાગળ ઉપર તમારાં વ્યક્તિગત, સામાજીક, આર્થિક, વ્યાવસાયિક અને આધ્યાત્મિક ધ્યેય નક્કી કરીને લખો. આ ધ્યેયનું રોજ પઠન કરો અને તમારી જાતને એ ધ્યેય પામ્યા પછીની સ્થિતીમાં જુઓ. આ બધાં ધ્યેય મેળવવા કામ કરવાની હિમ્મત કેળવો.
તમારા ધ્યેયના પરિણામો વિશે સ્પષ્ટતા કેળવો. તમે ધ્યેયને જેટલો વધુ બારીકાઇથી વર્ણવી શકો એટલો એ વધુ નજીક. દા. ત., ગાડી ધરાવવી અને ડાર્ક બ્લ્યુ રંગની બી.એમ. ડબ્લ્યુ. 760 એલ આઇ લેવી એ બેમાં બહુ મોટો ફેર છે.
ધ્યેય પામવા પોતાના પર હકારાત્મક દબાણ ઉભું કરો.
દરેક ધ્યેયને પામવા માટે ચોક્કસ સમય મર્યાદા નક્કી કરો.
કોઇ પણ પ્રવૃત્તિ સતત 21 દિવસ સુધી કરો. આમ કરવાથી કોઇ પણ પ્રવૃત્તિ એક આદત બની જશે. અને આદત એ આપણી રોજિંદી ક્રિયાનો એક ભાગ બની જાય છે.
જીવનને માણો.
3. સતત અવિરત સુધારો કરો
રામકૃષ્ણ પરમહંસ કહેતાં કે મન તાંબાના લોટા જેવું છે. જો એને રોજ ઘસીને સાફ ના કરીએ તો એ કાળું પડી જાય. મનની વૃત્તિ જ હોય છે ખરાબ આદતોને જલ્દી અપનાવવાની. સારી આદતો એ જલ્દી ભુલી જાય છે. એટલે આપણે મનને સતત કાબુમાં રાખવું પડે છે.
જે કામ કરતાં મન પાછું પડે એ પહેલાં કરો. સહેલું કામ તો તમે ગમે ત્યારે કરી શકો એમ છો.
રોજ થોડો સમય એકાંતવાસ ગાળો. જાતને ઓળખવાનો, સમજવાનો પ્રયત્ન કરો.
નિયમિત યોગ/પ્રાણાયામ/કસરત કરો. એના માટે રોજ સ્નાન કરતાં પહેલા 15 મિનિટ ફાળવો. શરીરની શુધ્ધિ સાથે મનની શુધ્ધિ માટે પણ પ્રયત્નશીલ રહો.
શુધ્ધ સાત્વિક ખોરાક લો. ભગવાન ગીતામાં કહે છે કે તમે મને પત્ર, પુષ્પ, ફ્ળ અથવા પાણી પ્રસાદ તરીકે પ્રેમથી આપો. સાત્વિક ખોરાક પણ આ જ હોવો જોઇએ.
જે સારી બાબત શીખો એને અમલમાં મૂકો.
નિયમિત વાંચન કરો. હકારાત્મક અને સકારાત્મક વાંચન બહુ અગત્યનું છે.
રોજ રાત્રે ઉંઘતા પહેલાં દિવસમાં કરેલાં કામનું પૃથક્કરણ કરો અને શેમાં સુધારો થઇ શકતો હતો એ વિચારો.
રોજ 6 કલાકની ઉંઘ લો. સુર્ય ઉગે એ સાથે તમે જાગો. દરેકને સ્વસ્થ રહેવા માટે 6કલાકની ગાઢ ઉંઘ પૂરતી હોય છે.
હળવું સંગીત સાંભળો. હસો. નાનું બાળક રોજ 300 વખત હસતું હોય છે, જ્યારે વયસ્ક 15 વખત! આપણે હસવાનું જાણે ભૂલી જ જઇએ છીએ.
નિયમિત મંત્રજાપ કરો. મંત્ર એટલે મનને મુક્ત કરવું. નિયમિત જાપના સંસ્કાર બહુ ગાઢ હોય છે.
ચારિત્ર્યનું ઘડતર કરો. દરેક બાબત સંયમિત અને સંતુલિતપણે કરો. કાર્ય, વિચારની નીપજ છે. આદત, કાર્યની નીપજ છે. ચારિત્ર્ય, આદતનીનીપજ છે. ભવિષ્ય, ચારિત્ર્યની નીપજ છે. એટલે જ, સારા વિચાર કરો. જીવનમાં ઉદ્યમ, કરૂણા, દયા, ધીરજ, પ્રમાણિક્તા, હિંમત જેવાં સદગુણો વિકસાવો.
સરળ/સાદું જીવન જીવો.
4. શિસ્ત કેળવો
શિસ્ત એટલે જ યોગ્ય કેળવણીનું લક્ષણ. શિસ્ત સમયનો અયોગ્ય બગાડ પણ અટકાવશે.
મનોબળ કેળવો. શિસ્ત આપોઆપ આવશે.
મંત્રજાપ મનોબળ કેળવશે.
એકાંતને પિછાણો.
5. સમયને માન આપો
પળે પળે તમે એક બહુ અમૂલ્ય ભેંટ ગુમાવી રહ્યા છો એ જાણો. આપણને ગમતી પ્રવૃત્તિમાં તલ્લીન થતાં આપણે સમયને ભૂલી જઇએ છીએ. અણગમતી પ્રવૃત્તિ આપણને એક પળ કેટલી મોટી છે એ સમજાવે છે. કોઇ પણ પરિસ્થિતિ મનને વિચલિત ના કરે એનું ધ્યાન રાખો. સભાનપણે સમયને અનુસરવું બહુ જરૂરી છે.
જીવનમાં અગત્યની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો અને સંતુલન જાળવો. જીવનમા બનતી ઘટનાઓની પ્રતિક્રિયા આપતાં જીવવા કરતાં અગત્યની બાબતોને કેન્દ્રિત રાખી જીવન વ્યતિત કરો.
જીવનને સરળ બનાવો.
'ના' કહેતાં શીખો. જીવનમાં ઘણી અણગમતી પ્રવૃત્તિ અને સમયનો બગાડ અટકી જશે:)
મૃત્યુશૈયા પર છો એવી ભાવના કેળવો. જ્યારે માણસ અંતિમ ક્ષણોમાં હોય ત્યારે જે સહુથી અગત્યની બાબત છે એ કરશે. અને એ પણ સમયનો સહેજ પણ બિનજરૂરી બગાડ કર્યા સિવાય. આપણે જો આ ભાવના હંમેશ માટે રાખીએ તો સમયનો બગાડ અટકી જશે.
એક બહુ સામાન્ય હકીકત છે કે, જીવનના 80% પરિણામો 20% કાર્યોની નીપજ હોય છે. બાકીના 80% કાર્યોમા ઘણો વધારે સમય વ્યતિત થતો હોય છે.
સમયની ચોરી કરતાં શીખો. આજનાં ધમાલિયાં જીવન માટે આ બહુ અગત્યતા ધરાવે છે. જે લોકો સમય ન હોવાની ફરિયાદ કરતાં હોય છે એ જ સહુથી વધુ સમયનો બગાડ કરતાં હોય છે. જે લોકો વ્યસ્ત જીવન ગાળે છે,એ લોકો સમયની ચોરી કરીને પણ મહત્વનાં કાર્યોને અગત્યતા આપવાનું ભૂલતાં નથી.
6. નિઃસ્વાર્થ ભાવે સેવા કરો
જ્યારે માણસ સેવામાં નિઃસ્વાર્થ ભાવના કેળવે છે, ત્યારે એ આધ્યાત્મિક પંથ પર ઘણી મોટી પ્રગતિ સાધે છે. ગીતામાં ભગવાને ઠેર ઠેર આવી ભાવના કેળવવાની ભલામણ કરી છે. ભગવાન એવું પણ કહે છે કે દરેક કાર્ય મને અર્પણ કરીને કર, એનું ફળ પણ મને જ અર્પણ કરો. હું તને પાપમુક્ત કરવાનું વચન આપું છું. હું તને મુક્તિ આપી મારા સાન્નિધ્યમાં રાખવાનું વચન આપું છું.
સારું જીવન સારા યોગદાનથી મેળવાય છે.
જે મદદ માંગે છે એને અવશ્ય કરો.
બીજાને જીવનને ઉન્નત બનાવવાથી આપણે જીવનનાં એક સર્વોચ્ચ પરિમાણને પામી શકીએ છીએ.
7. વર્તમાનને અપનાવો
વ્યક્તિનો મોટા ભાગનો સમય ભવિષ્યના આયોજનમાં, એનાં સપનાં જોવામાં અને ભૂતકાળને વાગોળવામાં જ વ્યતિત થઇ જાય છે. માણસ વર્તમાનને માણવાનું તો જાણે ભૂલી જ જાય છે.
"આ પળ"માં જીવો.
તમારા બાળકનું બાળપણ જીવો. બાળકમાં જીવનને જોવાને આગવી, સરળ અને નિઃસ્વાર્થ દ્રષ્ટિ હોય છે. એને જે સીધું છે એ દેખાય છે. એ કોઇ બીજો દ્રષ્ટિકોણ નહિ કેળવે. એ કોઇ બીજો ખોટો વિચાર નહિ કરે.
દરેક દિવસ જીવનનો છેલ્લો દિવસ છે એવું ગણીને જીવો. જો આવું માનીને જીવી શકાય તો જીવનમાં બહુ મોટો પલટો આવી જાય.
ભવિષ્યનું ઘડતર કરો. આપણું ભવિષ્ય કોઇ બીજું ઘડતું નથી, ઘડી શકે નહિ.
આ સાત સુત્રો જીવન ઘડતરમાં બહુ મોટા સહાયક થઇ શકે એમ છે. આપણા આઇ.ક્યુ. કરતાં "હું કરી શકીશ" એવી ભાવના વધુ અગત્યની છે. આ ભાવના જીવન સાર્થક કરવા માટેનું મોટું પ્રેરણાસ્તોત્ર બની શકે એમ છે. શરીર, મન અને આત્માની શક્તિ/ક્ષમતામાં વધારો કરો. એને મુક્ત થવા દેવું જરૂરી છે. વિચારોને વિસ્તૃત કરો. બહુ વાસ્તવવાદી કે ગણતરીબાજ બનવા કરતાં જીવનમાં જે કરવું છે એ કરો. જ્ઞાન મેળવવા કરતાં વિચારશીલતાં કેળવવી વધુ અગત્યની છે.
આપના પ્રતિભાવ જણાવશો. આ સિધ્ધાંતો અમલમાં મુકવાની હિંમત કેળવીને એના પ્રયોગોનું પરિણામ શું આવે છે એ મને જરૂરથી જણાવશો. હું પણ આ અને આના જેવા બીજાં સારાં સિધ્ધાંતો પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરી રહ્યો છું.
1 comment:
મને તમારા પાયાનું ઘડતરનો લેખ ગમ્યો.
ના પાડતા શીખો ખૂબજ સાચી વાત છે અને અપનાવવા જેવી છે.
આપ યોગ અને પ્રાણાયમનાં હિમાયતી છો તો એના વિષે લખો.
નીલા કડકિઆ
મેઘધનુષ
http://shivshiva.wordpress.com/
Post a Comment