શ્રીમદ સ્વામી વિવેકાનન્દ - બંસીધર પટેલ
ભારતમાં જ્યારે અંગ્રેજોનું શાશન ચાલતું હતું ત્યારે ભારતવર્ષના પૂર્વના સિમાડે બંગાળના સિમળા નામના પરગણામાં ભારતના ભાવિ - સ્વામી વિવેકાનંદનો જન્મ થયો. બાળપણથી જ નરેન્દ્રમાં વિચક્ષણ બુધ્ધિની આભા દ્રશ્યમાન થતી. ભણવામાં હંમેશા અગ્રેસર. તોફાનમાં પણ ખરાં. સાધુ સંતો પ્રત્યે દયાભાવ પણ ખરો. ઉંમર વધવાની સાથે થોડી પરિપક્વતા આવી અને ધર્મના ગૂઢ રહસ્યોથી ઇશ્વર દર્શન પામવા સુધીની ઉત્કંઠા જાગૃત બની. મિત્રો, સહાધ્યાયી સાથે કંઇ કેટલાંય સાધુસંતોના સંપર્કમાં આવ્યાં. પરંતુ બધું જ મિથ્યા, કારણ કે કોઇપણ સાધુ-યોગીને તેઓ ઇશ્વર અનુભવ અંગે પુછતાં એટલે પેલાં સાધુ-યોગી લાચાર બની નિરુત્તર રહેતા. આખરે વિધિએ નિર્માણ કરેલ ઘડી આવી પહોંચી અને મિત્ર સાથે દક્ષિણેશ્વર કાલી મંદિરના સીધા સાદાં સંત શ્રીરામકૃષ્ણદેવના દર્શને ગયા. મનનું સમાધાન થયું. જે જોઇએ છીએ તે તમામ વાતો આ અભણ છતાં દિવ્યજ્ઞાની સંતમાં જોઇ અને કાયમી ધોરણે શિષ્ય બની ગયા. અને નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદનો આવિર્ભાવ થયો કે જેણે પોતાના જ્ઞાનથી દુનિયા આખીને પાયામાંથી હચમચાવી મુકી.
સ્વામીજીના અલ્પ જીવનકાળમાં આપણને એક વાત ઉડીને આંખે વળગે એવી સ્પષ્ટ દેખાય છે કે, મહાન કાર્યો કરવા લાંબી ઉંમરની જરૂર નથી પડતી કે કાળ તેઓના દિવ્ય કાર્યને અટકાવી શકતો નથી. એ તો મરઘી જેમ ઇંડાને સેવે તેમ સમય આવે બધું ગોઠવાયેલું હોય છે જ. સ્વામીજીએ શિકાગો સર્વધર્મ પરિષદમાં પોતાના સર્વ પ્રથમ ભાષણમાં જ્યારે લોકોના દિલ જીતી પોતાની જ્ઞાનગંગા વહાવી ત્યારે ખરે જ લોકો સ્વામીજીને સાંભળવા, જોવા પાગલ બની ગયા હતાં એ વાત નિર્વિવાદ છે. સ્વામીજીનો પ્રભાવ જ એવો અદ્ભૂત હતો કે વાણી મરેલાં મડદાંને બેઠું કરી શકે એવી અદભૂત હતી. વૈદિક ધર્મ અને માનવજીવન વિશે તાત્વિક, તલસ્પર્શી અભ્યાસ અને તે દ્વારા કંઇ કેટલાંયનું હ્રદય પરિવર્તન એ કાંઇ ઓછી સિધ્ધિ ના લેખાય.
સ્વામીજીને હંમેશા ગરીબ - દરિદ્ર ખૂબ જ ગમતાં. ભારતની ગરીબી અને દરિદ્રતા જોઇ તેમનું હ્રદય દ્રવી ઉઠતું અને તેમના ભલા માટે પ્રયત્નો કરતાં. તેમણે દરિદ્રને નારાયણ કહી સમાજસેવાનું ધર્મ દ્વારા કર્મનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડેલું અને ખરો ધર્મ દરિદ્રની સેવામાં છે એનું સમાજને ભાન કરાવેલું.
સ્વામીજીના વિવિધ વિષયોના ભાષણો દ્વારા જાણવા મળે છે કે તેમના માટે ધર્મ કરતાં પણ રાષ્ટ્રપ્રેમ મુખ્ય હતો. વ્યક્તિ, સમાજ, દેશ અને દુનિયા આ એમની કર્મની સીડી હતી. દેશપ્રેમ એ જીવનની સૌથી પહેલી આવશ્યક્તા છે એમ તેઓ માનતાં. અને જુદા જુદા સમાજના, જ્ઞાતિના લોકોને રાષ્ટ્રપ્રેમના પાઠ ભણાવતા.
સ્વામીજી ધર્મની સાથે આધુનિક વિજ્ઞાનને પણ ખૂબ જ મહત્વ આપતા. બલ્કે, ધર્મ અને વિજ્ઞાન એક જ સિક્કાની બે બાજુઓ છે એમ તેઓ માનતા. ધર્મમાંથી અંધશ્રધ્ધાને દૂર કરી માનવ ઉત્કર્ષ માટે વિજ્ઞાનની ખૂબ જ આવશ્યકતા છે અને ધર્મ પણ વૈજ્ઞાનિક (અંધશ્રધ્ધા સિવાયનો) હોવો જોઇએ તથા ધર્મ અને વિજ્ઞાન એ પરસ્પર વિરોધી નહિ પરંતુ એકબીજાના પૂરક છે એમ તેઓ કહેતાં. તેમના જીવનકાળ દરમ્યાનના સંજોગો જોતાં ખરેખર આવા મહાન રાષ્ટ્રપ્રેમી, પ્રખર સંત, સાચા વૈરાગી મહાત્મા ભારતભૂમિને પાવન કરી ગયા એ ભારતવાસીનું સદભાગ્ય છે. તેમણે આપેલો સંદેશ આપણને આજે પણ જીવનની હરેક સમસ્યા સામે લડવાની પ્રેરણા આપી સમાધાનકારક ભૂમિકા પ્રદાન કરે છે.
સ્વામી વિવેકાનંદ ભગવાન શ્રી કૃષ્ણએ આપેલા ગીતા ઉપદેશ અનુસાર સૃષ્ટિ ઉપર જન્મ લેતા ઇશ્વરી અવતાર પૈકીનો એક અવતાર હતા એમ કહેવામાં કોઇ જ અતિશયોક્તિ નથી.
No comments:
Post a Comment