Sunday, September 03, 2006

ભગવાન શ્રીરામકૃષ્ણ - બંસીધર પટેલ

ભગવાન શ્રીરામકૃષ્ણ - બંસીધર પટેલ

ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં આપેલ અભયવચન અનુસાર ભારતની પવિત્ર ભૂમિ ઉપર અઢારમી સદીમાં કલકત્તા, બંગાળના એક નાનાશા ગામમાં રામ અને કૃષ્ણના સમંવય સ્વરૂપ એવા શ્રીરામકૃષ્ણદેવનો જન્મ થયેલો. બાળપણ ખૂબ જ સામાન્ય વીતેલું. પરંતુ આધ્યાત્મિક્તા તરફ ખૂબ જ અભિરૂચી અને સાધુસંતોનો સહવાસ કાયમ આકર્ષતો. આર્થિક પરિસ્થિતિ સામાન્ય હોવા છતાં કદાપિ કોઇ પણ ભૌતિક વસ્તુની લાલસા તેમને સતાવતી નહિ. ઉંમર વધવા સાથે ઇશ્વર પ્રત્યેનો પ્રેમ અને અલૌકિક ભક્તિ તરફનો અભિગમ દિન-પ્રતિદિન વધવા માંડ્યો. મોટાભાઇ રામકુમાર સાથે કલકત્તા કાલી મંદિરમાં પૂજારી તરીકે જવાની તક મળી. કહોકે માએ જ નિર્માણ કરેલું હતું તે મુજબ એક પછી એક પ્રક્રિયાઓમાંથી ભાવિ રામકૃષ્ણનું ઉત્થાન થવા લાગ્યું. યુવાનીના નાજુક દોરમાં ભવેભવના સહધર્મચારિણી , જગદંબાનો અવતાર શ્રી શારદામણિ સાથે લગ્ન થયું. દિવ્યભક્તિ, દિવ્યજીવન અને દિવ્યદંપતિનો ત્રિવેણી સંગમ એટલે રામકૃષ્ણ-શારદામણિદેવીનું લગ્નજીવન. પરણ્યાની પ્રથમ રાત્રિએ પત્નીમાં જગદંબાને નિરખી તેનું ષોડષોપચાર પૂજન-અર્ચન કરવું એ ઇશ્વરકક્ષાના મનુષ્ય સિવાય કોણ કરી શકે?

મા કાલીની ભક્તિ અને માના પ્રત્યેનું ખેંચાણ એટલું તિવ્ર બનવા લાગ્યું કે કેટલીક વખત દેહભાન ભૂલી, માના પોકાર પાડી, આજે પણ માનું દર્શન ના થયું - કરી, ઉદાસિનતા વ્યક્ત કરનાર ભગવાન શ્રીરામકૃષ્ણદેવના જીવનની એ અણમોલ ઘડી આવી પહોંચી. અને મા જગદંબાએ સાક્ષાત દર્શન આપી તૃપ્ત કર્યાં. સાથેસાથે માને હરહંમેશ સાથે રહેવા માટે તથા અવારનવાર દર્શન દઇ, માર્ગદર્શન આપવા સારૂં વિનવણી કરી. આધ્યાત્મિક બાબતમાં જ્યારે પણ શ્રીરામકૃષ્ણદેવને મુંઝવણ થતી ત્યારે મા અચૂક હાજર થઇ માર્ગદર્શન આપતાં. તેમના આધ્યાત્મિક જીવનમાં શ્રીશારદામ્બા હંમેશા તેમની સારસંભાળ રાખી તેમની બાહ્યાવશ્યક્તાઓની કાળજી લેતાં.

ઉપરોક્ત પૂર્વભૂમિકા બાદ હવે તેમના જીવનના અન્યપાસાનો વિચાર કરીએ અને તાત્વિક દ્રષ્ટિએ ભારતીય અધ્યાત્મ વિચારધારાને તેમણે આપેલ અમૂલ્ય ફાળા વિશે ચર્ચા કરીએ. આમતો તેમનું જીવન એક સામાન્ય માણસ જેવું જ હતું, પરંતુ અંદર જે તત્વ હતું તે દિવ્ય ઇશ્વરીય તત્વ હતું. જે આધ્યાત્મિક મૂડી તેમની પાસે જમા હતી, તેમાથી તેમણે તેમની સમક્ષ આવતાં જિજ્ઞાસુ-જ્ઞાનપિપાસુ લોકો વચ્ચે વહેંચીને દરેકની કક્ષા અનુસાર તૃપ્ત કર્યાં હતાં. આમાંથી જ સ્વામિ વિવેકાનંદ જેવા પ્રખર રાષ્ટ્રવાદી સન્યાસીનો ઉદ્ભવ થયો હતો. આપણા શાસ્ત્રોનું કથન છે કે ભગવાન જ્યારે આ પૃથ્વી પર અવતાર લે છે, ત્યારે તેમનાં સહચરો પણ એજ કાળમાં અન્યત્ર જન્મ લે છે; અને જ્યારે સમય પાકે ત્યારે એક જ આધ્યાત્મિક વૃક્ષ નીચે એકત્ર થઇ, તેમનું જીવન કવન પૂર્ણ કરે છે.

યોગિક દ્રષ્ટિએ શ્રીરામકૃષ્ણદેવ એક પરમોચ્ચ પદે પહોંચેલા યોગી હતાં, સાચા ગુરુ હતાં. શક્તિપાત દ્વારા આધ્યાત્મિક ચેતના ફેલાવનાર સક્ષમ દિવ્યયોગી હતાં. કંઇકના જીવનપરિવર્તન કરવા તેમણે આ શક્તિનો ઉપયોગ કરેલો. બલ્કે જીવનના ઉંધા પાટે ચઢેલા કેટલાય મનુષ્યોને આધ્યાત્મિક પથ ઉપર ચઢાવી સન્માર્ગે વાળેલાં. ખૂદ સ્વામિ વિવેકાનંદ એટલે કે પૂર્વાર્ધના નરેન્દ્રદત્ત એક દ્વિધામાં ફસાયેલો યુવાન, કે જેનું જીવન નાવ હાલક ડોલક થયું ત્યારે બરાબર તે જ વખતે ઇશ્વરનો પ્રત્યક્ષ પુરાવો આપી ભવિષ્યના વિવેકાનંદને આધ્યાત્મિક જીવન તરફ યથાયોગ્ય બીબાંમાં ઢાળનાર પરમગુરુદેવ રામકૃષ્ણ જ હતાં. વિવેકાનંદ એટલે હાલતું ચાલતું ઉચ્ચતમ શક્તિનું જનરેટર, કે જે મરેલાં મડદામાં પ્રાણસંચાર કરાવી શકે તેવા મેઘાવી, પ્રખર રાષ્ટ્રભક્ત, ઉચ્ચ કક્ષાનાં યોગી અને સંસ્કૃતિનાં સાચા રક્ષક. શ્રીરામકૃષ્ણદેવે પોતાના જીવનમાં કદાપિ કોઇની પાસે કોઇ પણ વસ્તુની યાચના કરેલ નહોતી. કામિની અને કંચનથી સદાય અસ્પૃશ્ય.

ભગવદગીતામાં વર્ણવેલ તમામ યોગો, જેવા કે, જ્ઞાનયોગ, ભક્તિયોગ, રાજયોગનો સમંવય અને તે દ્વારા કેટલાંય મનુષ્યોના જીવનમાં આમૂલ પરિવર્તન , આ સઘળું એક જ જીવનમાં કરવું કેટલું દુર્લભ! રામાયણમાં એક ચોપાઇ છે કે, “જનમ જનમ મુનિ કરાહી, રામનામ મુખ આવત નાહિ.” ભગવાનની અનુભૂતિ , બલ્કે પ્રત્યક્ષ દર્શન એ એમના જીવનનો મુખ્ય ઉદ્દેશ હતો.

જીવનના અલગ અલગ તબક્કે, વિભિન્ન સાધનાઓ દ્વારા અને પ્રત્યક્ષ અનુભૂતિ દ્વારા એ સાબિત કરી બતાવ્યું કે ઇશ્વરનાં નામ અલગ હોઇ શકે, રૂપ અલગ હોઇ શકે. પરંતુ પરમાત્મા એક જ છે. ઇશ્વર, અલ્લાહ, ઇશુખ્રિસ્ત, રામ, કૃષ્ણ, કાલી, અંબા, લક્ષ્મી, તમામ ઇશ્વરીય સ્વરૂપ એક જ ઉચ્ચ શક્તિના ધ્યોતક છે. ભક્તની રુચિ અનુસાર અલગ અલગ અનુભૂતિ તથા રૂપો ધરે છે.

પોતાના સાધનાકાળ દરમ્યાન સગુણ તથા નિર્ગુણ બન્ને પ્રકારની ઉપાસનાઓ દ્વારા સકામ તથા નિર્વિકલ્પ બન્ને પ્રકારની સમાધિની અનુભૂતિ , અરે તંત્ર ઉપાસના દ્વારા ઇશ્વરને પ્રાપ્ત કરવાનો સુભગ સમંવય સાધનાર પણ એ જ પ્રભુશ્રી રામકૃષ્ણદેવ પરમહંસ હતાં. શું કાળ હતો એ દિવ્ય અનુભૂતિઓની પરંપરાનો? કેટલાં બડભાગી હશે એ કાળનાં સ્ત્રી-પુરુષો? કેટલો ભાગ્યવાન ભારત દેશ? કેટલી ગહન અને દિવ્ય ભારતીય પુરાતન સંસ્કૃતિ? પંચમહાભૂતમાં પડેલો બ્રહ્મ સુધ્ધાં રડે, એ ઉક્તિને યથોચિત ઠરાવવાં પ્રભુશ્રી રામકૃષ્ણદેવે સને 1886ના વર્ષમાં આ ભૌતિક દેહ ત્યાગી સ્વધામમાં પધાર્યાં. પરંતુ પાછળ પોતાના આધ્યાત્મિક વારસદાર એવા પ્રખરયોગી સ્વામિ વિવેકાનંદને તૈયાર કરીને મૂકતાં ગયા. શૂન્યમાંથી સર્જન કરનાર સ્વામી વિવેકાનંદ ની સાથે ગુરુમાતા શારદામણિદેવી સદાય માર્ગદર્શક બની જરૂરી દોરવણી આપાતાં રહેતાં. આખરે શ્રીરામકૃષ્ણદેવની પરમ કૃપાથી બેલૂરમઠની સ્થાપના થઇ અને ભારતના લાખો નરનારીઓના આધ્યાત્મિક ઉત્થાનનું સ્થાયી સ્થળ બન્યું જે હાલમાં દુનિયાભરમાં એક વટવૃક્ષની જેમ ફેલાઇને આધ્યાત્મિક ચેતનાનો પ્રવાહ વહાવી રહેલ છે.

શ્રીરામકૃષ્ણદેવના સ્વધામ પછી પણ એવા કેટલાંય દાખલાં બન્યા છે કે જેમાં તેમણે પ્રત્યક્ષ દર્શન આપી મુંઝવણનો ઉકેલ અથવા તો માર્ગદર્શન આપેલું જણાય છે, જેની ચર્ચા અત્રે અસ્થાને લેખાય. કારણ કે ઇશ્વરીય અવતારો પોતાની લીલા સંવરણ સમેટી સ્વધામમાં પધારે છતાં પણ તેમની દિવ્ય ચેતના આ સૃષ્ટિમંડળમાં અહર્નિશ વ્યાપ્ત હોય છે.

બેલુરમઠની સ્થાપના સાથે શ્રીરામકૃષ્ણ મિશન અસ્તિત્વમાં આવ્યું, જેનું મુખ્ય કાર્ય સમાજોપયોગી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા રાષ્ટ્રની સેવા તથા જ્ઞાન-ભક્તિ-કર્મના ત્રિવેણી સંગમ દ્વારા વ્યક્તિનું આધ્યાત્મિક ઉત્થાન અને તે દ્વારા વ્યક્તિ, સમાજ, રાષ્ટ્રની અમર સંસ્કૃતિનું રક્ષણ. સ્વામી વિવેકાનંદ અમેરિકાથી સ્વદેશ પરત આવ્યા ત્યારે આપણાં દેશની હાલત જોઇ તેમનું હ્રદય દ્રવી ઉઠ્યું. અને ગરીબી અને ભૂખમરાથી સબડતાં લાખો દેશવાસીઓ પ્રત્યે અનુકંપા જાગી અને દરિદ્રને નારાયણના સંબોધનથી “દરિદ્રનારાયણ” શબ્દને યથાર્થ કરતી પ્રવૃત્તિઓનો આરંભ કર્યો જે આજે પણ અવિરતપણે ચાલુ જ છે.

શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદનું જીવન કર્મ, યોગ, ભક્તિ આપણને પ્રખર રાષ્ટ્રવાદી બનાવી; ન્યાત, જાત, ધર્મ, સંપ્રદાયોના વાડાઓમાંથી બહાર કાઢવાનું અનુપમ ઉદાહરણ પૂરું પાડે છે. આ કોઇ સંપ્રદાય નથી; સ્વધર્મમાં રહી આધ્યાત્મિક દિવ્યચેતનાને જીવનમાં ઉતારી દરિદ્રોની, સમાજની, દેશની, દુનિયાની સેવા કરી વસુધૈવ કુટુમ્બની ભાવના સાચા અર્થમાં ચરિતાર્થ કરવાની સદાય પ્રેરણા આપતી એક જીવંત સંસ્થા છે કે જેમાં દરેકને આધ્યાત્મિક જલસાગરમાંથી પિવાય તેટલું અમૃત પીવાની છૂટ આપે છે.

અંતમાં, જ્ઞાન-કર્મ-ભક્તિનો સુભગ ત્રિવેણી સંગમ એટલે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ.
જયશ્રી રામકૃષ્ણ - સ્વામી વિવેકાનંદ! પુનઃ ભારતની દિવ્યભૂમિને પાવન કરવા ક્યારે પધારશો?

No comments: