ધર્મ - બંસીધર પટેલ
ધર્મના નામે સંસારીઓને છેતરતાં, ઢોંગી, ધુતારાં સન્યાસીઓ સંસ્કૃતિના રક્ષક નહિ બક્ષક છે. ઉપરથી વેશ સાધુનો પણ અંદરથી મન સંસારીનું; બાહ્ય દેખાવ, ડોળ, વિતરાગીનો પણ ભીતરથી હ્રદય કાચા માટલા જેવું; ક્યારે શું કરી બેસે તેનું કોઇ ઠેકાણું નહિ. બેચાર સ્તોત્ર, સંસ્કૃતના શ્લોકો અને થોડાક ધર્મના પુસ્તકોનું પોપટીયું જ્ઞાન, ભલાભોળા લોકોને છેતરવાનું હાથવગું સાધન બની જાય છે. હજી આજે પણ એવા કેટલાય લોકો આવા માટીપગા સાધુઓની ચુંગાલમાં ફસાયેલા - અટવાયેલા હશે. તેમને માનસિક રીતે ત્રસ્ત કરતાં આ નરાધમો, કંઇ કેટલાયે ગેરલાભ ઉઠાવતા ફરતા હશે જેની ગણના કરાવી શકાય તેમ નથી.
“સંસારી એ જ સાચો યોગી” એવી શાસ્ત્રોક્ત ઉક્તિ ફરી એકવાર સાચી ઠેરવવા નીકળેલા બાવાઓ તમારા વાંકે જ કંઇ કેટલાયે ધર્મયુધ્ધો ખેલાઇ ગયાં. કંઇ કેટલાય લોકોનું રૂધિર રેડાયું અને છતાં ધર્મ ઉપર ઉઠવાને બદલે ઊંડી ખાઇમાં વધારે ગબડતો ગયો. ધર્મને નુકશાન કરનાર કોણ? એ એક પેચીદો અને વણઉકેલ્યો પ્રશ્ન છે. તેમ છતાં પ્રવર્તમાન સંયોગો એ વાતની સાક્ષી પુરે છે કે ધર્મને સંસારીઓ નુકશાન કરતા નથી. પરંતુ તેમનાથી વિશેષતો કહેવાતા ધર્મરક્ષકો, ધર્મઝનુનીઓને હાથા બનાવી સમગ્ર પ્રજાને નચાવે છે.
આધુનિક મનુષ્યના અધઃપતન માટે જેટલો વિજ્ઞાન કે સમાજને દોષ દેવાય છે, એટલો જ બલ્કે એનાથી વિશેષ ધર્મના રક્ષકોનો છે. કારણ કે, સમાજે તેમને સોંપેલું સુકાન દિશાહીન બનાવી, ધર્મની આખી નૌકાને અગર-ડગર કરી નાંખી છે.
No comments:
Post a Comment