વસંત - ચિરાગ પટેલ Mar 02, 1999
વાસંતી વાયરો વાયો ‘ને હૈયું હિલોળે ચઢ્યું;
લાગ્યું હાથ આજે એક અણમોલ રતન સુવર્ણમઢ્યું.
રક્તરંજિત હૈયું કેવું ભીંજાયું આજે પ્રેમ-રંગમાં;
ધબકતું, અનુભવતું ઉલ્લાસ એવું આજે ઉમંગમાં.
મહેંકે છે કેસૂડો ‘ને ફૂટે છે મોરલા આંબાં પર;
મલકે છે આ ધરા, ચહેકે છે પંખીડાં ડાળીઓ પર.
કેવી આ અનુભૂતિ ‘ને કેવી આ સૃષ્ટિ નવી જ જાણે;
પ્રિયાની યાદ છે ‘ને પ્રિયા આ રહી પાસે જ જાણે.
હૈયાંનો રણકાર ગાજે છે, હૈયું પોકારે છે આજે;
આવી રે આવી રૂડી વસંત, એવી પ્રેમની ઋતુ આજે.
ચાલ સખી, ચાલ મારી સાથે, રખડીએ આભમાં;
પામીએ સુખને, માણીએ પરમાત્માને સાથમાં.
ખળખળ વહે છે નીર ઝરણામાં, એવું જ છે આ હૈયામાં;
મનનો રાગ થંભી ગયો જાણે, પ્રેમ વહે હૈયામાં.
શું જીતવી આ માયાને, જકડી રાખે ભવ-બંધનમાં જાણે;
પામીએ અંતિમ સત્યને, ચાલને છોડીને બધું કોરાણે.
No comments:
Post a Comment