Saturday, August 05, 2006

પહેલો દુશ્મન પડોશી - બંસીભાઇ પટેલ

પહેલો દુશ્મન પડોશી - બંસીભાઇ પટેલ Aug 27, 1986

સામાન્ય રીતે બાળકોના નાના-નાના ઝઘડાઓમાંથી પ્રથમ આડોશ-પાડોશમાં રહ્તી સ્ત્રીઓ લડતી હોય છે. અને પછી પોતપોતાના પતિદેવોને ઉશ્કેરણી કરી કેટલીક સ્ત્રીઓ પુરુષોની અનિચ્છા હોવા છતાં વેરનાં વાવતર કરાવી દે છે. આપણે જેમની વાત કરવી છે તે ભગવાન ઇશુખ્રિસ્તના અવતાર જેવા સુમનભાઇ આમતો પોસ્ટ ઓફિસમાં મુખ્ય સોર્ટરની જગ્યા ઉપર નોકરી કરે છે. પણ શાંત અને શરમાળ એવા કે ભાગ્યે જ કોઇની સાથે ઉંચા અવાજે વાત કરે.
પણ બન્યું એવું કે, બાજુવાળા ભાઇનો વચેટ વિહારી ભમરડાંની રમતમાં સુમનભાઇના શ્રીકાંત સાથે ઝગડી પડ્યો. અને બન્ને બથમબથ્થી આવી ગયા. આ દ્રષ્ય જોઇ સુમનભાઇનાં ઘરવાળાંથી રહેવાયુ નહિ. એટલે બન્ને સ્ત્રીઓ ઝગડવા લાગી. ઝગડાની શરુઆત સવારના નવ વાગ્યાથી ચાલી તે બપોરે અઢી વાગ્યા. પણ એકેય પક્ષ નમતું જોખે નહિ. ફળિયાના બીજા માણસો વિચારવા લાગ્યા કે બન્ને જણ સગી બહેન જેવી હોવા છતાં આજે ના કહેવાનું એકબીજાને કહેવા લાગી છે.
સાંજે સુમનભાઇ ઘરે આવ્યા. એટલે સુમતિબેને તેમની રેકર્ડ શરુ કરી. સુમનભાઇ ને લડવા માટે તૈયાર કરી દીધા, અને બાજુવાળા શંકરભાઇ સાથે પેટભરીને લડી લીધું. આ પછી બન્ને ઘર વચ્ચે અબોલા થયા. અને કોઇ વખત કચરો વાળવામાંથી તો કોઇવાર પાણીના નળમાંથી અવારનવાર ઝઘડો થવા લાગ્યો.

થોડા સમય પછી શંકરભાઇના મેડા ઉપર ભગતસિંહ નામના દરબાર રહેવા આવ્યા. શરૂઆતમાં નીચેથી ઉપર અને ઉપરથી નીચે પ્રેમના પ્રતિક સમી વાડકીઓનો વહેવાર જામ્યો. ટૂંક સમયમાં ઉપરનીચેવાળાં એકબીજાથી ખૂબ નજીક આવી ગયાં. હવે સુમનભાઇના ઘરની ખોદણી ખોદવાનું શરૂ થયું. અને એકબીજાની બળાપાવાળી હરિફાઇ શરૂ થઇ. સુમનભાઇ જ્યુસમિક્ષર લાવે, એટલે શંકરભાઇનાં ઘરે પણ મીક્ષર માટે માંગણી થાય. અને શંકરભાઇ ગમેતેમ કરીને પત્નિનું મન રાખવા દેખાદેખીથી (ઠંડાયુધ્ધને કારણે) નવું મીક્ષર લઇ આવે, અને તેનો ચેપ ભગતસિંહ દરબારના ઘરે પણ ચાલુ થાય. આમ, છ-એક મહિનામાં ઠંડુ યુધ્ધ એવું ફાલ્યું કે લોકો રશિયા-અમેરિકા ને પણ ભુલી ગયા. આ બધાની વચ્ચે ખૂબીની વાતતો એ બની કે ત્રણેય ઘરનાં બાળકો જાણે કંઇ જ બન્યું નથી તેમ પૂર્વવત પોતાની રમતો રમવામાં મશગુલ બની જતાં.
આ બધાની વચ્ચે ભગતસિંહ ત્રિપાંખીયા જંગમાં કરોળીયાના જાળને જેમ એવા ફસાયાં કે ન છુટકે એકવાર શંકરભાઇના ઘરવાળાંને કહી દેવું પડ્યું કે, જગદંબા- કાલીકા અમને માફ કરો અને અમને મહેરબાને કરીને છોડો. બસ, આટલી વાતમાં શંકરભાઇનાં ઘરવાળાંને એટલું તો માઠું લાગ્યું કે ભગતસિંહ જ્યારે-જ્યારે ઘરની બહાર જાય કે ઘરે પરત આવે ત્યારે-ત્યારે શ્રીમતિ શંકરભાઇ (બેન) કૂતરાં કે છોકરી પર છણકો કરી તણખાં કાઢે. અને આ જોઇ સુમતિબેન મનમાંને મનમાં મરક-મરક હસતાં કે, જો થઇ છે! મારા બેટાં, ખૂબ વહાલ કરતાં હતાં એકબીજાને!

આખરે સુમનભાઇની બદલી થઇ અને સામાન લઇને જવાની વિરહની પળ આવી પહોંચી. એટલે ફળિયાના બધાને મળવા જવાનો જૂનો રિવાજ મુજબ, સુમતિબેન તૈયાર થઇ સુમનભાઇ અને બન્ને છોકરાઓ મળવા જવા નિકળ્યાં. તેમના મનમાં એમ કે શંકરભાઇને ત્યાંથી કોઇ આવજો એટલું બોલે તો જુની દુશ્મની ભુલી જવી. પણ કોઇ ટસમાંથી મસ થયું નહી, એટલે અબોલા ચાલુ રહ્યા. પણ નાનો મુન્નો શંકરભાઇના ટાલિયાને ખૂબ પ્રેમથી આવજો કરી ભાવભીની વિદાય માંગવા લાગ્યો. અને આ તક જતી નથી કરવી એમ વિચારી સુમનભાઇ તથા સુમતિબેન અનિચ્છાએ પણ બાજુવાળાંના ઘરે મળવા ગયા. અને વરસ આખાનો દબાવી રાખેલો ઉભરો ઠાલવતાં બોલ્યા કે, “ભાઇ, આપણે અહીં શું વહેંચવાનું હતું? આ તો તમે ના બોલો એટલે અમે પણ મૂંગા રહીએ. બાકી, પડોશમાં રહીએ એટલે એકબીજાના પગ તો અથડાય. પણ હશે. ગઇ ગુજરી વાત ભૂલી જાવ.” એમ કહી, આંખો ભીની કરી, વિદાય લીધી.

સામાન સાથેની ટ્રકમાં ગોઠવાયેલાં બે ટાબરિયાં , અને સુમતિબેન બેઠાં, સુમનભાઇ પણ સાથે જ હતાં. અને ટ્રક પુરપાટ ચાલવા લાગી. અને સુમતિબેને વળી પાછું સુમનભાઇને પૂછ્યું કે, “જ્યાં આપણે જઇએ છીએ તે નવાનગરનાં મકાનની બાજુમાં કોણ રહે છે? માણસો તો સારા છે કે ખરાબ?” એટલે સુમનભાઇએ શીખામણનાં ગંભીર સ્વરોમાં ઉપદેશાત્મક ઢબે કહ્યું કે, “ આપ ભલા તો જગ ભલા. લવ ધાય નેઇબર એઝ યુ લવ યોરસેલ્ફ્.” અને સુમતિબેને મનમાં આ શબ્દોની ગાંઠ વાળી, એટલામાં ટ્રક અટકી ગઇ.

બોલો, દુનિયા આખીમાં કેટલાં પાડોશી પહેલા દુશ્મન હશે? અને કયા પહેલા સગાંનાં દુશ્મનવાળી કતારમાં તમારો નંબર નથી તેની ખાત્રી કરી લેજો.

No comments: