Saturday, July 29, 2006

સ્વૈરવિહાર - ચિરાગ પટેલ

સ્વૈરવિહાર - ચિરાગ પટેલ 1998

શમણું એક, ઘેરી નિંદરમાં છે મુજ દિલ મહીં,
સૂણી છે શૈશવકાળથી, એક અધૂરી અનકહી.
માયાથી અલિપ્ત થઇ, જ્યારે હું અર્ધસમાધિ માંગતો,
ટમટમતાં તારલિયાં’ને રુડાં ચાંદામા ત્યારે જોતો.
ચક્કર-ચક્કર ઘૂમતું બ્રહ્માંડ, મને ભૂલાવામાં નાંખતું,
વણમાંગ્યું’ને અણકલ્પ્યું, ત્યારે જ ઘણું બધું દેખાતું.
બનવા માંગતો, ત્યારે એ વણખેડાયેલ વિશ્વનો કપ્તાન,
છોડી દઉં બધી દુન્યવી માયા, આવે જ્યારે તાન.
તન અને મન ત્યારે લાગતાં, મને થતાં એકાકાર,
દેહ, ત્રુષ્ણા, વાસના બધું વિસારે પાડી બનું નિરાકાર.
એનો સાદ સૂણતો-સૂણતો ભાગું હું ચારેકોર,
ભટકવા ના દઉં આ મનને, બની હું ચકોર.
ચારેકોર નીહાળી ઉર્જા, બની ગયો હું પ્રકાશમય,
સંભળાયો મને, ત્યારે જ ખરો બ્રહ્માંડીય લય.
વિલાયો પ્રકાશ’ને ઘેરી વળ્યો અચાનક અંધકાર,
મચી રહ્યો ત્યારે દિલમાં, શૂન્યનો હાહાકાર.
ખરું ભાન આવ્યું, સમજાયું ત્યારે જ એક સત્ય,
શોધતો’તો જેને બ્રહ્માંડમાં, હતો વાસ તેનો મુજમાં નિત્ય.

No comments: