Wednesday, June 13, 2007

navo cheelo - Bansidhar Patel

નવો ચીલો - બંસીધર પટેલ

હિરાપુર ગામ એ આમ તો ખીજલપુર શહેરથી આઠેક ગાઉના અંતરે વસેલ હતું. વસ્તી લગભગ ત્રણેક હજારની ખરી. આમાં મુખ્યત્વે પટેલ, ક્ષત્રિય અને થોડાંક ઘર વાણિયા તથા ઇતર કોમનાં હશે. વડીલોની હાજરી સમા પાંચ-પાંચ ઘેઘૂર વડલાં ગામની ભાગોળે આવેલા સુંદર સરોવરને કિનારે સેંકડો વરસથી સાક્ષીભૂત બની વિરાજમાન છે. એક તરફ ધોરણ 7 સુધીની પ્રાથમિક શાળા, તેની બાજુમાં પંચાયતનો ચોરો અને પડોશમાં સરકારી દવાખાનું - આ ગામની મુખ્ય સગવડો હતી.

નિશાળેથી પરત આવતાં બાળકો તળાવના આરે પોતાનાં દફતરો મુકી, તળાવમાં ન્હાવાનો નિર્દોષ આનંદ
લૂટતાં. તો બીજી તરફ વગડાંમાં ચરાવા લઇ જવાયેલ ઢોર પોતાના ગભાણમાં જવાની ઉતાવળે આવતાં હોય. કેટલો નિર્દોષ આનંદ અને કેવું સમંવિત વાતાવરણ!

હિરાપુર ગામ સંવત 1200ની આસપાસ હિરા રબારીએ વસાવેલું, જેની સાક્ષી રૂપે આજે પણ વિશળમાતાનું સ્થાનક મૂક સાક્ષી બની ઉભેલું હતું. તેની પૂજા આજે પણ ઘણાં લોકો પુરી આસ્થાથી કરે છે.
નિરંજન આજ ગામની ગોધુલીમાં ઉછરી મોટો થયો હતો. બાળપણ ખૂબ જ સાહજિક્તાથી વીતેલું. માથે મા-બાપની છત્રછાયા, પિતા ખેતી કરે અને તેમાંથી સુખેથી રોટલો ખાતું આ નાનું પણ સંતોષી કુટુમ્બ ખૂબ જ સંસ્કારી. પણ મા-બાપની એક મહેચ્છા કે એકનો એક નિરૂ ભણીગણીને કંઇક બને એટલે સાતમા ધોરણની ફાઇનલ પરીક્ષા પાસ કર્યા બાદ નજીકના ખીજલપુર શહેરમાં માધ્યમિક શાળાના ભણતર માટે દાખલ કરાવેલ. સદનસીબે નિરૂના મામા ખીજલપુરની શેઠ પિતાંબરદાસ હાઇસ્કુલમાં શિક્ષક. એટલે ભાણાના અભ્યાસમાં પુરતી કાળજી રાખતાં. નિરૂએ સુખેદુ:ખે મેટ્રીકની પરીક્ષા 64% ગુણ સાથે પસાર કરી ખીજલપુર કેન્દ્રમાં સર્વપ્રથમ નંબરે ઉત્તીર્ણ થયો. મા-બાપે ગોળ-ધાણાં વહેંચી ખુશી મનાવી નિરંજનને ખૂબ જ હોંશથી કોલેજમાં દાખલ કર્યો. કોલેજમાં ભણતાં વિદ્યાર્થી માટે તે જમાનામાં કેટલું માન-પાન હતું તેની આજે કલ્પના જ કરવી રહી. કેટ-કેટલાં માગાં આવે. પણ નિરૂના મા-બાપ દિકરો ભણીગણીને તૈયાર ના થઇ જાય ત્યાં સુધી લગ્ન બાબતે કાંઇપણ વિચાર કરવો નહિ એવું નક્કી કરીને બેઠાં હતાં.

સમય પસાર થતો ગયો. નિરંજન બી.એ.માં પ્રથમ વર્ગમાં પાસ થયો. હવે તેના લગ્ન સંબંધે વિચાર કરવો એમ મા-બાપ વિચારતાં હતાં. એટલામાં બાજુના વાસનપુર ગામનાં શામળભાઇ આવ્યા. બન્ને બચપણના મિત્રો એટલે જીવાભાઇ (નિરૂના પપ્પા), અને શામળભાઇ ખૂબ જ હેતભાવથી ભૂતકાળની વાતો વાગોળતાં, પરસ્પર ખબર અંતર પૂછતાં, ચા-પાણી કર્યા બાદ, હૂકો લઇને બેઠાં. ગામડામાં હૂકા-પાણીનું ખૂબ જ મહત્વ - ખાવાનું ના હોય તો ચાલે પણ મહેમાનોના સ્વાગતમાં હૂકારાજાનું પ્રથમ સ્થાન હોય. વાતોવાતોમાં શામળભાઇએ નિરૂના લગ્ન સંબંધી પૂછપરછ કરી અને પોતાની એકલ દિકરી આનંદી અંગે વાતનો અણસાર કરી દીધો.

આનંદી આમ તો સાત ધોરણ સુધી જ ભણેલી અને ગામડાની છોકરી એટલે વાતચીત, વ્યવહારકુશળ અને ખૂબ જ મહેનતુ, પણ પગે સહેજ ખોડ. એટલે ઘણી જગ્યાએ વેવિશાળ માટે પૃચ્છા કરવા છતાં શામળભાઇને કોઇ જગ્યાએ મેળ બેસતો નહોતો. એકવડા બાંધાની, દેખાવે સુંદર, સ્વભાવે ચતુર અને ઘઉંવર્ણો દેહ, પણ પગે થોડી ખોડ. એટલે તેનું નસીબે બે ડગલાં પાછળ ચાલે અને આમને આમ દિકરીની જાત રાત્રે ના વધે એટલી દિવસે વધે. એમ ખરેખર ઉંમર વીસની હોવા છતાં દેખાવમાં ત્રીસી વટાવી ચુકી હોય તેવું લાગે. આમતો પહેલાં ગામડાંમાં રિવાજ હતો કે ચૌદ વર્ષની કન્યા અને સોળ વર્ષના પુત્રનો વિવાહ થઇ જવો જોઇએ. પણ આ કિસ્સામાં ખોડીલી કન્યા અને ભણતરમાં રચ્યો-પચ્યો રહેતો યુવાન મુરતિયો. એટલે ઉંમર વધવા છતાં વિવાહ નહિ કરવાના સબળ કારણોને લીધે સમાજ ચુપ રહેતો. પણ હવે સમાજ જીવાભાઇ અને ડાહીબેન (નિરૂની મા)ની કોઇ વાત સાંભળવા તૈયાર નહોતો.

વાતવાતમાં થયેલી વાતથી ડઘાઇ ગયેલા જીવાભાઇ હૂકાનો લાંબો લચક કશ લઇને ધીમેથી હુંકાર કરતા હોય તેમ બોલ્યા, "કંઇ વાંધો નહિ." આ શબ્દોએ શામળભાઇના કાનમાંથી સોંસરવા હ્રદયના તાર ઝણઝણાવી મૂક્યા. ખુશીની એક લકીર તેમના વદન ઉપર અંકિત થઇ ગઇ. અને પોતાનું 50% કામ થઇ ગયું હોય તેમ વાત આગળ વધારતાં બોલ્યાં, "શુકનના શ્રીફળ અને રૂપિયો ક્યારે આપવા આવું?" ત્યારે જીવાભાઇ ઘરના ઓરડામાં નજર કરી ડાહીબેન તરફ ડોકું ખેંચવા લાગ્યા, "અરે, સાંભળો છો? આ શામળભાઇ કંઇ કહેવા બોલાવે છે." એટલે ડાહીબેન દાળ હલાવતાં - હલાવતાં હાથમાં પકડેલા ડોયાને લઇ સીધાં જ બહાર આવ્યાં, "કેમ? મને કંઇ કહ્યું?" એટલે શામળભાઇએ પોતાની દિકરી આનંદીના, નિરૂ સાથેના વેવિશાળ અંગે સઘળી વાત કરી. પણ ડાહીબાએ સુંદર જવાબ આપ્યો, "ભાઇ, મારે નિરૂને પુછવું પડે." એટલામાં જ ખેતરે ડાંગરના નિંદામણ માટે રાખેલા મજુરો ઉપર દેખરેખ રાખવા ગયેલો નિરંજન પરત ઘરે આવી પાટ ઉપર બેઠેલા શામળકાકાને નમન કરી પાટના ખૂણે એકતરફ પગ લટકાવી બેઠો. કેટલો શાંત, ધીર, ગંભીર અને મહેનતુ છોકરો મારી કોડીલી કન્યા માટે આજે ઉત્તમ મુરતિયો બન્યો છે, એવું મનોમન વિચારતા શામળભાઇ, જીવાભાઇએ ધરેલ હૂકાને પોતાના તરફ ખેંચતા વિચારવા લાગ્યા. એટલામાં રસોડામાંથી ડાહીબેનની બૂમ પડી, "એ... ચાલો. જમવાનું તૈયાર થઇ ગયું છે. હાથ-પગ ધોઇ લ્યો." દાળ, ભાત, શાક, કંસાર (શુકનનો?) પીરસાયો. ત્રણેય જમવા બેઠા. શામળકાકાનો ચહેરો વાંચતો હોય તેમ નિરંજન ધીમા પણ મક્કમ અવાજે બોલ્યો, "કાકા, શાંતિથી જમજો. આ તમારું જ ઘર છે." શામળભાઇ મનમાં વિચારવા લાગ્યા કે, "આ મારી દિકરીનું ઘર છે. એટલે પરોક્ષ રીતે મારું જ કહેવાય. પણ... તું જો હા પાડે તો..." જમી-પરવારી બધાં થોડી વાર આડે પડખે થયા. ધીમેથી ડાહીબેને નિરંજનને અંદર બોલાવી સઘળી વાત કરી. એટલે નિરંજન મૂક સંમતિ આપતો હોય તેમ "જેવી તમારી ઇચ્છા" કહી બહાર નીકળી આવ્યો.
બપોર પછી વિદાય લેતાં શામળભાઇએ જીવાભાઇને "રામ, રામ" કરતાં, ફરીથી મમરો મૂક્યો "વાત પાકીને?" જીવાભાઇ થોડું હસી અર્ધસંમતિ આપી "પછીથી કહેવડાવીશું" કહી શામળભાઇને વિદાય આપી. સાંજે ત્રણેય જણ વાળું કરવા બેઠાં એટલે ડાહીબેને કહ્યું કે, "આમ તો આનંદી આપણા માટે અજાણી નથી. તેમ છતાંય છોકરો-છોકરી પરસ્પર નજર તળે કાઢીએ તો સારૂં. જીવન એમને સાથે વિતાવવાનું છે." ત્યારે રૂઢિચુસ્ત, પણ સુધારાવાદી જીવાભાઇએ જાણે ડાહીબેનના સ્વરમાં સંમતિ આપતા હોય તેમ જોવા-મુકવાનું નક્કી કરતા પહેલા "જોવું જરૂરી છે" એમ જણાવી, એના માટે "દહાડોવાર નક્કી કરી શામળભાઇને જાણ કરીશું" એવું કહી, હૂકાની ચલમ ભરવા વરંડામાં આવેલ ભરસાળ તરફ જતા રહ્યા. સારા દિવસે નિરંજનના મામાને ત્યાં ખીજલપુર છોકરીને જોવાનું નક્કી થયું તે મુજબ બન્ને તરફનાં નજીકનાં સગાં-વ્હાલાં ભેગાં મળ્યાં. કેટલાકે છોકરીની તરફેણમાં કહ્યું, તો કેટલાકે તેના પગની ખોડ બાબતે અણછાજતો ઉલ્લેખ કર્યો. પણ સારાંશમાં અંતે બધો નિર્ણય નિરંજન ઉપર છોડવામાં આવ્યો.

નિરંજન ભણેલો-ગણેલો અને સંસ્કારી છોકરો એટલે બાહ્ય કરતાં આંતરિક ગુણ-સંસ્કારને વધુ પ્રાધાન્ય આપતો. આનંદીના ગુણ-સંસ્કાર ઉત્તમ, એટલે પગની ખોડ એના માટે ગૌણ બાબત હતી. એટલે લગ્ન માટે સહમતિ આપી "હા" ભણી દીધી. સારા મુહુર્તમાં લગ્ન નક્કી થયું. લગ્ન લેવાઇ ગયું. બન્નેના મા-બાપ પોતાના બાળકો ખૂબ જ સુખી થાય એવા આશીર્વાદ આપી જીંદગીની મુખ્ય જવાબદારીમાંથી જાણે મુક્ત થયા હોય તેમ સંતોષની લાગણી અનુભવતા સ્વગૃહે વિદાય થયા.

નિરંજને જે દાખલો આપણી સમક્ષ મૂક્યો છે એ આજની 21મી સદીમાં પણ કેટલો ક્રાંતિકારી છે, એ આપ સમજી જ શક્યા હશો. આજથી 30 વર્ષ પહેલાંની આ વાત તો કેટલી અનોખી રહી હશે? જીવાભાઇ અને ડાહીબેન પણ શત શત ધન્યવાદને પાત્ર છે. એમણે પોતાના પુત્રને નિર્ણય લેવાની સ્વતંત્રતા આપી તો જ આ વાર્તા આપણને મળી. નિરંજન અને આનંદી અત્યારે એમનું જીવન પ્રસન્નતાથી પસાર કરી રહ્યાં છે. સંજય, નિરુપમા અને દિપક એમના પ્રસન્ન દાંપત્યજીવનને વધુ ખુશી બક્ષી રહ્યાં છે.

Saturday, May 26, 2007

panktio 0705 - Bansidhar Patel

પંક્તિઓ - બંસીધર પટેલ

1. કંઇક એવી રીતે તમારી અલ્લડ લટોમાં હ્રદય રમે છે;
રમે છે જાણે અબૂધ બાળક સરપની સાથે સરપનાં દરમાં.

2. નથી લેવા મને ઇચ્છા સમરકંદ બુખારા;
ખરા લાગણીનાં આંસું માંગું છું હું ખારાં.

3. પાંપણે મોતી પરોવી મૌનનાં એકાંતમાં;
કોઇને સંભારવું એ પણ અનોખો લ્હાવ છે.

4. ધીમી હૈયાની ધડકનને હોઠોના હળવા કંપનને;
નયનોના ગુરુ નિમંત્રણને કોઇ શું સમજે, કોઇ શું જાણે?

5. મને આજે ફરી રજની રૂપાળી યાદ આવે છે;
તમે ઉભા હતાં પાંપણને ઢાળી યાદ સતાવે છે.

6. ભલે ના ફૂલને દડૂલે રમાડે બાગમાં તારા;
મને તારા ખીલેલાં ફૂલના કાંટે રમાડી જા.
ભલે લહેરી બની વહેલી સવારે તું પધારે ના;
બની મધરાતની અંધાર આંધી તું જગાડી જા.

7. ખબર શી હતી દિલને દેતાં પહેલા;
તમે ખુશ રહેશો સતાવી સતાવી.

8. અરે, ત્યાં અભાગણ ઉષા આવી પહોંચી;
મઝા જ્યાં સ્વપ્ન કેરી આવી ન આવી.

9. એ અધવચથી જ મારાં દ્વાર પર પાછા ફરી આવે;
જો એવું માર્ગમાં કંઇ અપશુકન જેવું થઇ જાય તો સારૂં.

10. એ રીતે રહું છું હું સદા એના સંગમાં;
રસ્તો રહે છે જેમ જનારાની સાથમાં.

11. જિગરને જાગવું છે, આંખને મીંચાઇ જાવું છે;
ભ્રમરને ખેલવું છે, પુષ્પને બીડાઇ જાવું છે.
ભલા શું હાથતાળીમાં જ આ પૂરૂં થશે જીવન?
અમારે શોધવાં છે, આપને સંતાઇ જાવું છે?

12. મેં એનાં સંસ્મરણોની ચાંદની આંખોમાં આંજી છે;
પછી ડર હોય ક્યાંથી કે નિશા ઘનઘોર આવે છે.
નયનને કઇ દિશામાં ઠેરવું એ ગમ નથી પડતી;
મને લાગી રહ્યું છે તેઓ ચારેકોર આવે છે.

13. સાચવીને માંડ સાવન આંખમાં રાખ્યો હતો;
મોરલા શો કંઠ ગહેકાવી તમી ભારે કરી.

14. કોમળ ન હોય આટલું મારૂં હ્રદય કદી;
માનું છું કે આ તારું હ્રદય હોવું જોઇએ.
ઉત્સાહ દિલને થાય છે કાં આજ આટલો;
લાગે છે કોઇ દર્દ નવું મળવું જોઇએ.

15. સમજણ પડતી નથી કે હું ભૂલ્યો છું ભાન કે;
આવી ગયો છું ભાનમાં તમને મળ્યાં પછી.
પાછા તમે મળો ન મળો સરખું છે હવે;
કોઇ વાત છે ક્યાં ધ્યાનમાં તમને મળ્યાં પછી.

16. કૈં નહોતી ખબર ક્યાં ક્યાં જઇ અટકત આ વિચારો;
લો સારું થયું આપ મને આવી ગયા યાદ.

17. હાથ જ્યાં મૂક્યો અમે સુંદર તમારા હાથમાં,
ત્યાં જ બસ આવી ગઇ દુનિયા અમારા હાથમાં.
રંગ મહેંદીના ચૂમું શું હાથમાંથી એમ તો;
મેં મરૂતથી દીધું આ સર તમારા હાથમાં.

Tuesday, May 22, 2007

mahaarathee - Bansidhar Patel

મહારથી - બંસીધર પટેલ

તરવરીયો તોખાર હણહણે મંજીલો પામવા,
યૌવન ચઢ્યું હીલોળે, પુરબહાર ઝગારા મારતું,
દીપક દશે દીશા તણા, પ્રગટ્યાં અંતરમાં ઉર્મી ભરી,
અણદીઠી ભોમકા ભમવા, કર્યો સળવળાટ સંગે મળી.

ભાંગ્યો ભરમ ભુલોકનો, વહેમના વમળ મહીં,
સોને મઢ્યો શ્રુંગાર, ભવાટવી નથી ઉગારવી,
સુશીલ, સુંદર, સુકોમળ, નીલકમળ શી પાંખુડીઓ,
ગજરાજ શીરે શોભંતો, આરુઢ મહારથી મોંઘેરો.

શું દીઠો ભરમાર જગનો, વીતક વીતી વસમી,
અગણ્ય તારલાંનું વ્રુંદ લળી લળી લાગે પાય,
અનંતોના અંત પામવા, તરંગો માનવી તણા,
વલખાંનો વલોપાત વલોવી, નીચવ્યું જીવન પુરું.

Tahuko - Bansidhar Patel

ટહુકો - બંસીધર પટેલ

કોયલડી ટહુકી 'ને મોરલો નાચી ઉઠ્યો કે,
મન મારુ ડોલી ઉઠ્યું.
પ્રસરી રહી સોડમ ચારેકોર બેસુમાર કે,
દીલ મારું ડોલી ઉઠ્યું.
આકાશે ઝબુકી વીજળી, ધકાધક બેહદ કે,
માંહ્યલો મુંઝાઇ ગયો.
મેહુલીયો વરસ્યો બેસુમાર પારાવાર કે,
તન મારું ભીંજાઇ ગયું.
દુર ગગનમાં ચમક્યો એક તારલો કે,
આતમ ચમકી ઉઠ્યો.
શક્તીના મળ્યા અણસાર વારંવાર કે,
ભવસાગર તરી ગયો.

Wednesday, May 16, 2007

chandaravo - Bansidhar Patel

ચંદરવો - બંસીધર પટેલ

આસમાને પથરાયો એક ચંદરવો, એમાં ઝીણા ઝીણા તારલાં;
પકડવા ભાગ્યો જાય પથિક, પણ નથી પકડાતો એનો છેડલો આભમાં.
કોણે રચેલો આ ચંદરવો, શી રૂડી રૂપાળી એની ભાત રે!
નથી આકાર છતાં છે સાકાર, આ તો કુદરતની કરામત રે.
નથી જોયો રચયિતાને મારી નજરે, આ રચના ઉપકાર રે;
મૃગજળ શાં ઝાંઝવાંનાં નીર, આ દુનિયાનાં નથી જોવાં એને રે.
સાચ નજરે નિરખું હું ચંદરવો, સાચની અનુભૂતિ અદ્ભૂત રે;
હોય જો નિરવની પરખ, મળે કુદરતનો અણસાર એ જ ક્ષણ રે.
જોગ-સંજોગ હું કાંઇ ના જાણું, રાત-દિન નીરખું ગગન રે;
ચંદરવો એવો પાથર્યો પ્રભુએ કે મનડું હરખાય મગન રે;
જોઇને એ રચના પ્રભુની થાય વારંવાર મનવા એનો ઉપકાર રે.
ઇશ આપજે એવી દ્રષ્ટિ કે તારા કામને પામું વારંવાર રે;
તારી આ રમત બની છે રહસ્ય, ના પમાય એનો તાગ રે.
મથી મથી થાક્યા હાર્યા આ માનવો, ના મધ્યે બિન્દુ સિંધુ તણું રે;
હોય જો મરજી તારી, તુ જ દેખાડ કે આ રચના તારી કેવી સોહાય રે.
મારે શું પ્રયોજન એ ભાંજગડનું કે કોણે કેવી કરી રચના;
હું અનુમતિનો પામી અણસાર, નમું તને વારંવાર રે!

rang kasumbal - Bansidhar Patel

રંગ કસુંબલ - બંસીધર પટેલ

લાગણીના રંગે રંગેલ આ ચુંદડી કસુંબલ;
રક્ત, ધવલ, પીળા, રતુંબડા રંગવાળી.
ઓઢશે કોણ આ ભરત ગુંથેલી, આભલાની ઓઢણી કસુંબલ,
મધમાતા, તરોતાજા પારજામલી તાર ઝીણા વણી.
પારખુ પરદેશી ભીંજાઇ જાશે, ભુલી જાશે ભાન કસુંબલ;
નયનબાણ મારી, ફેંકશે દ્રષ્ટિ પારદર્શક.
રંગરંગીલી આ ચુંદલડી, ભાવ ભરેલી સ્નેહ કસુંબલ;
મન તરંગે તનને રંગે, સાજ સજી ઉસ સંગે.
આભલાના તારલા ઉતાર્યા, સૂરજચંદ્રની સાથે કસુંબલ;
ઉભરાયું સઘળું સુંદરધામ, ભીની પલકે કસુંબલ.
પથરાયું અજવાળું, ઓઠનાં અનુપમ ચુંદડી કસુંબલ;
ભવના રંગે, નાચે સરગમ સર્વદિશ કસુંબલ.
ધરણી હસતી, નભ મુસકાયે, દિગ દિશાઓ ગાએ મધુરમ;
સર્વત્ર વ્યાપેલ ઉજાસ કોણે ઓઢી મદમાતી કસુંબલ?

andhaaraa - Bansidhar Patel

અંધારા - બંસીધર પટેલ

દ્રષ્ટિહીન સમાજને જોઉં છું જ્યારે,
યાદ તમ તણી આવી જાય છે.
ભવરો ઉચી નીચી થાય જ્યારે,
અણસાર તમ તણો આવી જાય છે.
સૌંદર્યથી ઉભરાતી મારકણી આંખો જોઉં છું જ્યારે,
હ્રદય કમળ પુલકિત થઇ જાય છે.
અંધારા ઉલેચીને મેળવેલી દ્રષ્ટિથી નયનો ભીંજાય છે જ્યારે,
શોકમગ્ન બનેલ મન આંસું ખૂબ પ્રસારે છે.
સૂર્યચન્દ્ર સમા નયનો થકી આભલાંને નિરખવા જાય છે જ્યારે,
શૂન્ય બને છે દ્રષ્ટિ, સૃષ્ટિના સૌંદર્યને પામવાની.
અહોભાગ્ય અમારા કે બંધ પલકોમાં મૂર્તિરૂપીણી દેખાય છે જ્યારે,
બસ કરો પ્રભુ, હવે નથી ખોલવાં નયન બિડાયેલ ભલે રહે.

ujaas - Bansidhar Patel

ઉજાસ - બંસીધર પટેલ

અહા, ધડકશે હૈયાં, મલકશે મનડાં, ત્યાગી ભ્રમણા ભીતરની;
થાશે ઉજાસ, પથરાશે પ્રકાશ, નયનો ઉઘડશે ભીનાશથી.
પ્રફુલ્લિત, પુલકિત થાશે હ્રદિયું, ઉતાપિ તાપો મનના બધા;
મળશે છાયા, શીતળતા, શાતા મટશે સંતાપ સંસારના.
હારેલો થાકેલો મનવા પામશે કિરણ ઉદ્દીપનનું;
તિમીર જાશે, તમસ જાશે, અંતરની કાલીમા પણ.
શ્રધ્ધાના દિપ અજવાળે, આતમ જ્ઞાનના ઉચ્ચ સથવારે;
કપાશે મજલ, જીવતરની બનશે ધન્ય અંતિમ પળો.
ચિત્રપટ આ જીવતર તણું, થાશે સમાપ્ત આખરે;
ચિર નિંદ્રામાં પોઢી જાશે, અમર ધામમાં જાશે આતમ.

sansaar - Bansidhar Patel

સંસાર - બંસીધર પટેલ

ખૂંદી વળ્યો સંસાર સકળ, એમ કે મળે આદમી ખરો;
બનાવ્યો કુદરતે મનુષ્યને, ભમવા ભોમકા અવનવી.
આદમી નથી સુધરવાનો, ભલે થાય પ્રલય સૃષ્ટિતણો;
છોને સરિતાઓ બધી મચી પડે પખારવા થાશે શું તન ઉજળાં?
ભેદ પારખવાનો ભલા-બૂરા તણો, દૃષ્ટિ ગુમાવી માનવે;
નયનો તેનાં બની રહ્યાં જેમ ડોળા ઉઘાડા કાચનાં.
સૃષ્ટિ સકળ ભાસે તને, દ્રષ્ટિ બની ક્ષીણ સાચ નિરખવાની;
અહો સત્ય લાધશે કોક દિ', એ અમી ભરી આશ ઉજાસની.

Monday, May 07, 2007

Myself explained

નીચે એક લિંક મુકી છે, ઇંગ્લીશમાં છે. એ ઓટોબાયોગ્રાફી ઓફ એ યોગી માંથી લીધેલ છે.

આ ચેપ્ટરમાં સૃષ્ટિ અને આપણાં અસ્તિત્વને બહુ સરસ રીતે સમજાવ્યું છે. એમાંથી મુક્ત કેવી રીતે થવાય એ પણ સમજાવ્યું છે. જરુરથી વાંચો.

http://www.crystalclarity.com/yogananda/chap43.html

Sunday, May 06, 2007

પ્રકૃતિ - બંસીધર પટેલ

પ્રકૃતિની પાંખે ઉડીને, નિરખું કરિશ્મા કુદરતનો;
સર્જનહારની ભલી છે રચના, નિતનિત કરું વખાણ ભીતરનું.
નાની શી ચીંટી કરે છે વહન, એની રસમય જીંદગાનીનું;
મોટા પેટવાળો હસ્તી પણ ભરે છે પેટ, ગજા બહારનું.

રહે છે સંપથી સહુ વન્યપ્રાણી, જનાવરો ભૂતલે;
કેમ થયો સન્નિપાત આ કળિના વંશજ બાળને.
કરે છે ઉધામા, કઇ કેટલીય ઉથલપાથલો કરે, કરાવે;
ના લાદ્યું તોય ફળ, જે પરલોક ગમને દે સથવારો.

બંધાવી ઉંચી મેડીઓ, કઇ કેટલાય અરમાનો થકી;
જર-ઝવેરાત પણ કર્યું છે એકઠું ના દીઠું પાછળ કદી.
છોરાં-છૈયાંને પોષ્યાં, ખૂપ્યો માયાના કળણમાં ઘણો;
બૈયર મારી ખૂબ રુપાળી, કરી ફરતો, તાવ દઇને મૂછે હસતો.

ના મળ્યું એ જ્ઞાન કદીયે, કે નથી કોઇ સાથ જગતનો;
કરેલાં કરમ ભોગવી, સીધાવીશ દૂર-સુદૂર ગમનમાં.
ના આવશે કંઇ સાથમાં તારી, રહેશે પડ્યું અહી સર્વ કઇ.
ગુરુકિલ્લી લીધી હોત એક, ખરા અંતર મહીં ઉતારી;
ઇશનો સાથ એ જ સાચો સાથ, અન્ય વાતો નિરર્થક તાણી.

પળે પળ મળી બને છે જીંદગી પૂરી;
ભલાઇ, સાદાઇ અને ભાવના હોય જો સાચી.
ખરી કમાણી આ જગતતણી - આવશે સંગાથે ધણી ગણી;
ચેતી જજે ઓ નર સુજાણ, કરી ગણતર ઘણું ભણી ગણી.

પ્રભુ છે પ્યારો, એ છે સહુથી ન્યારો;
જગતો વિસામો, ધરણીનો આધારો.
મળી છે આ પળ ગુમાવીશ ના વરથમાં-
મળી લે પ્યારા, સ્મરીને વ્હાલાને લેજે વિસામો.

ફરીથી મળે જ્યારે જનમ જગતમાં;
હસીને લેજે વિસામો, પ્રભુનો પ્યારો.
છૂટે જેથી ભવ-ભવનાં બંધન;
કદી ના હોય ફરી આ બંધી યારો!

kaanaa - Bansidhar Patel

કહાના - બંસીધર પટેલ

બંસરીમાં મોહ્યું મનડું મારું, લાગે લાખેણાં રુપ કાના તારાં;
શાને છેડે તું મનમોહન, વાત તારી કરવાની સહુને જરુર.
ધરમ મારો એક જ વ્હાલા, સદા રહુ નિઃમગ્ન તારા નાદસૂરમાં;
રહે જીવન કે જાય ભલે, પામવા અમૃત વીરસંતુ નવ અધરનું.

પ્રથમે મને પહેરાવી ઓઢણી ત્યાગી, ગયો કુંજગલી મોજાર;
ટહેલ નાંખી વૃન્દાવન ધામ, ન મળ્યો તું કે તારી કોઇ ભાળ.
લગની લગાડી શું વ્હાલા તારા નેહની, સદા ભાસે હ્રદયકુંજ;
વન વગડે વાગે વાંસલડી, દોડે ગોપ-ગોપી ગૌમાતા અનેક.

વલોવાઇ જાય હૈયાં ડોલતાં, માખણચોર ના મળીયો આજ;
દલડું વલોવી કીધું ભક્તિનું માખણ, વ્હાલો પધારો તત્કાળ.
રાસ રમવા ઘેલી સહુ ગોપી, મુરલીધર પધારો વેલુડા અમ પાસ;
ભૂખંડે ખેલતો અખંડ રાસ, પ્રભુ આ નિત્ય લીલાનો આ ખાસ ધામ.

panktio - Bansidhar Patel

પંક્તિઓ - બંસીધર પટેલ

1. વીંઝાયેલો કોરડો કાળનો, લેશે ભોગ કંઇ કેટલાંકનો 'ને;
અકસ્માત, આગ કે તોફાનો, એ તો સદા નિમિત્તમાત્ર છે.

2. રાત્રી મહીં વીતેલ સપનું, સુંદર - અતી સુંદર ભાસે;
વાસ્તવીક્તા હો પડદા ઉપર, ઝાંઝવાનું નીર ભાસે.

3. હોય છો ને દુર મંઝીલ, લડવાની હામ ભરી છે;
ભીડી છે બાથ અમે જ્યારે, ન હઠવાના પાછાં કદી.

4. નથી તોડવા ફળ કાચાં, પાક થવાની આશ કદી;
પાક્યા પછી તો બદલેલો રંગ, પારખ-પરોખની રાખજો શક્તી;
નહીંતર સડી જઇ પામશો, કીડી-મંકોડાંની ઉજાણી તમો.

Sunday, April 22, 2007

aartanaad - Bansidhar Patel

આર્તનાદ - બંસીધર પટેલ

ઝીલ્યા છે ઘા એરણ બની, જીવનમાં હથોડ તણા;
ખેડી છે સફર અફાટ સમંદરની, બની સાગરખેડૂ સખા.
નથી ભાર્યા દિન કે રાત, કરી દોડમદોડ અહર્નિશ અવિરત;
વેઠીને કષ્ટ બેહદ, કરવા સુખી સ્વજનને હરહંમેશ.
હાંફતાં હાંફતાં લીધી રે વાટ, કિનારો હવે લાગે નજદીક;
ભૂલીને સમયની સરગમ, છેલ્લે બન્યા રાંક ફકીર.

ભર્યોભાદર્યો નિરખી સંસાર, અમ અંતર ખીલે પુરબહાર;
નાના-મોટા બાળકોને કર્યા છે પ્રેમ સદાબહાર.
ખાય છે ચાડી ઉંમર અમારી, અવસ્થા તણી ઘડી ઘડી;
ભલે હો પાનખર અમે ખીલવીશું વસંત બહાર નવી.
પડ્યા છોને ઘાવ અમ પર, ના ડરવાના કોથી લગીર;
અર્પીશુ અમૃત ખુદ પચાવી સોમલ, જીવન મંથન મહી.

લીધો છે યોગ અનાસક્ત તણો નથી અન્ય આશા લગારે;
છો ને આવે મોત કાલે ભેટીશું દોડીને હરખભેર જતા તહી.
હસે છે વડ નીરખી વડવાઇઓ, અમ હસ્યા આ સુતર્ક થકી;
ભલે બદલાયો કાળ, નથી અમે બદલાયા, દઇશું આશિષ અંતરની.
નથી વિસાત અમોને માન-અપમાન તણી, કરી અદા ફરજ સદા;
નાચે જ્યમ મયૂર વસંત મહી, માંહલો અમતણો થનગને સદા.

ખાયો ઓડકાર અમીરસ તણો પલટાવી પાનખરને વસંત મહી;
વદી છે વિતકકથા, માને જો કોઇ, ભેરૂ ભાઇબંધ ખરો;
માનવીના માનવી તારે શિરે, પણ લાગશે ખપ તો પાનખર કાળે.

spand - Chirag Patel

સ્પંદ - ચિરાગ પટેલ Aug 22, 1999

મળ્યાં બે ધબકાર અને પ્રકાશ્યું એક જીવન;
પ્રગટી ચેતના, સૂણ્યો ત્યાં જ શાશ્વત સ્પંદ.

ખળખળ વહેતી અલખનંદા, મળી મહાસાગરને;
ઊભરી મેઘગર્જના, સૂણ્યો ત્યાં જ શાશ્વત સ્પંદ.

પુષ્પ પાંગર્યું આ વનરાવનની લતાશ્રેણીઓમાં;
પ્રગટી સુગંધ, સૂણ્યો ત્યાં જ શાશ્વત સ્પંદ.

લીલુડી ધરતી પર ઝરમર છાંટણાં વર્ષાનાં;
મ્હેંકી અવની, સૂણ્યો ત્યાં જ શાશ્વત સ્પંદ.

ઝબૂકી વીજળી, જઇ મળી પેલી નાની પહાડીને;
પ્રગટી ઉષ્મા, સૂણ્યો ત્યાં જ શાશ્વત સ્પંદ.

વિરહી બન્યું હૈયું, અંતર રહ્યું પ્રિયજનથી;
ઊઠી વરાળ, સૂણ્યો ત્યાં જ શાશ્વત સ્પંદ.

જાણ્યું અંતરમન, પ્રેમ વ્યાપ્યો રોમેરોમ;
સૂણ્યો અંતર્નાદ, પામ્યો ત્યાં જ શાશ્વત સ્પંદ.

Wednesday, April 18, 2007

Indian Music - Chirag Patel

ભારતીય સંગીત - ચિરાગ પટેલ Apr 18, 2007

પ્રાચીન - આર્વાચીન ભારતીય જીવનમાં સંગીતનું ઘણું જ મહત્વ રહ્યું છે. આપણાં દરેકના જીવન સાથે આધ્યાત્મિક, શાસ્ત્રીય, ફિલ્મી કે આધુનિક - દરેક પ્રકારનું સંગીત વણાઇ ગયું છે. ઘણાં લોકોએ સંગીત દ્વારા સમાધિ પણ પ્રાપ્ત કરી છે. ઘણાં લોકોએ સંગીત દ્વારા ચમત્કાર પણ કરી બતાવ્યાં છે. સંગીત જુદાં-જુદાં વાદ્યો દ્વારા કે જીવોના અવાજ દ્વારા પ્રગટ થતું રહ્યું છે. બ્રહ્માંડના દરેક કિરણોત્સર્ગ અને ધ્વનિમોજાંઓમાં સંગીતનો નાદ ઉત્પન્ન થાય છે. એને અલગ પ્રકારનાં માધ્યમોથી ઝીલી શકાય છે. દરેક પદાર્થ - જીવંત કે નિર્જીવ, તારાઓ જેવો મોટો કે પરમાણુ જેટલો નાનો, પોતાનું સંગીત રેલાવતો રહ્યો છે, જેને ચોક્કસ ઉપકરણો દ્વારા સાબિત કરી શકાય છે. આ સંગીત કે લય એ જ જીવંતતાનો કે પ્રાણશક્તિનો પુરાવો છે.
આ નિબંધ - An Autobiography of a Yogi - Swami Yoganand, પર આધારિત છે.

ભારતમાં સંગીત, ચિત્ર અને નાટકો કે નૃત્ય ને દિવ્યકળાનો દરજ્જો મળેલો છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ - એ ત્રિમૂર્તિને પહેલાં સંગીતકારો તરીકે ઓળખવામાં આવે છે. દિવ્ય નૃત્યકાર શિવ એમનાં નૃત્યની સાથે સાથે નાદનાં અનંત ભાવસાગરનાં ઉત્પન્નકર્તા મનાયા છે. એમનાં ડમરૂંના નાદ પરર્થી શિવસૂત્રજાળની રચના થઇ છે, જેના પરથી શબ્દ-ધ્વનિની અને સંસ્કૃતના શબ્દોની રચના થઇ છે. બ્રહ્માએ સમયમાં સ્પન્દન જગાવ્યું હતું. વિષ્ણુએ મૃદંગ કે ઢોલ વડે અવાજ ઉત્પન્ન કર્યો. આમ, સૃષ્ટિની રચના અને લાલન-પાલન થયું. સરસ્વતી હંમેશા વીણા સાથે જોવા મળે છે જે તંતુવાદ્યોની જનક છે. સામવેદમાં સહુથી પહેલા સંગીતવિજ્ઞાનની છણાવટ થયેલી જોવા મળે છે.

ભારતીય સંગીતનો પાયો 'રાગ' કે સ્કેલ તરીકે ઓળખાય છે. મુખ્ય 6 રાગ એ 126 શાખાઓમાં કે જે રાગિણી અને પુત્ર તરીકે ઓળખાય છે, વિભાજીત થાય છે. દરેક રાગમાં ઓછામાં ઓછા 5 સ્વર કે નોટ હોય છે: એક વાદી અથવા પ્રમુખ, એક સંવાદી અથવા પ્રધાન, ઘણાં અનુવાદી અથવા સંત્રી, અને એક વિવાદી અથવા શત્રુ.

દરેક મુખ્ય રાગ ચોક્કસ સમયગાળા સાથે સંબંધિત છે. રાગ ઋતુઓ સાથે અને ચોક્કસ દેવ સાથે પણ સંકળાયેલાં હોય છે.

હિંડોળા રાગ - વસંતના પરોઢિયા સમયે ગવાય છે, શાશ્વત પ્રેમની અનુભૂતિ આપે છે.
દિપક રાગ - ઉનાળાની સાંજે ગવાય છે, તીવ્ર આવેગ સાથે સંકળાય છે.
મેઘ રાગ - ચોમાસાની બપોરે ગવાય છે, વીરત્વ કે હિમ્મતનો વર્ધક છે.
ભૈરવી રાગ - ઓગસ્ટ, સપ્ટેમ્બર કે ઓક્ટોબરની સવારે ગવાય છે, શાંતિની અનુભૂતિ આપે છે.
શ્રી રાગ - પાનખરની સાંજ માટે છે, પૂર્ણ પ્રેમની પ્રાપ્તિ થાય છે.
માલકૌંસ રાગ - શિયાળાની મધ્યરાત્રિએ ગવાય છે, બહાદુરી કે વીરતાનો વર્ધક છે.

પ્રાચીન ઋષિઓએ પ્રકૃતિ અને જીવ વચ્ચેનું સંગીતમય જોડાણ શોધી કાઢ્યું હતું. બ્રહ્માંડની રચના ઓમથી જ થઇ હતી જે પ્રાથમિક સ્પંદ કે ધ્વનિ છે. મનુષ્ય ચોક્કસ મંત્ર કે જે ધ્વનિનું ચોક્કસ બંધારણ છે, એના દ્વારા પ્રકૃતિનાં તત્વો પર કાબૂ મેળવી શકાય છે.

ભારતીય સંગીત ઓક્ટેવ કે ધ્વનિ શૃંખલાંને 22 શ્રૂતિઓમાં વિભાજીત કરે છે. પાશ્ચાત્ય સંગીત માત્ર 12 શ્રૂતિઓ જ ધરાવે છે. ઓક્ટેવના સાત સ્વર છે. દરેક સ્વર ચોક્કસ રંગ અને પ્રાણીનું પ્રતિનિધિત્વ કરે છે.

સા - ડો - લીલો - મોર
રે - રે - લાલ - ચંડોળ (skylark)
ગ - મી - સુવર્ણ - બકરી
મ - ફા - પીળાશ પડતો સફેદ - બગલો (heron)
પ - સો - કાળો - બુલબુલ
ધ - લા - પીળો - ઘોડો
નિ - ટિ - બધાં રંગોનો મેળ - હાથી

પાશ્ચાત્ય સંગીતમાં માત્ર 3 સ્કેલ છે - મેજર, હાર્મોનિક માઇનર, મેલોડીક માઇનર. જ્યારે ભારતીય સંગીતમાં કુલ 72 થાટ કે સ્કેલ છે. મુખ્ય રાગ-રાગીણી અને થાટમાં સંગીતકાર પોતાની કલ્પના અને ભાવનું અનોખું સંમિશ્રણ કરીને અવનવો રાગ રજૂ કરી શકે છે. સંગીતકાર દરેક સમયે મુખ્ય બંધારણમાં નવી શ્રેણી, ભાર અને પુનરાવૃત્તિ ઉમેરીને રજૂ કરી શકે છે.

સંસ્કૃત સાહિત્ય 120 તાલ કે ટાઇમ-મેઝરનું પણ વર્ણન કરે છે. એવું કહેવાય છે કે, પ્રાચીન ભારતીય સંગીતના પ્રણેતા, ભરત છે જેમણે ચંડોળ પક્ષીના ગાનમાંથી 32 તાલ રચ્યાં હતાં. તાલને રિધમ પણ કહે છે. તાલ મનુષ્યના હાલચાલ પર આધાર રાખે છે - ઝડપી ચાલ, દ્રૂત ચાલ, શ્વાસોચ્છવાસનો ઊંઘમાં ત્રણગણો સમય, વગેરે. ભારત હંમેશા મનુષ્યના અવાજને સંગીતની રચના માટે ઉત્તમ વાદ્ય ગણતું આવ્યું છે. એટલે જ, ભારતીય સંગીતમાં સૂરમેળાપ (harmony - relation of simultaneous notes) કરતાં સ્વરમાધુર્ય (melody - relation of successive notes)ને મહત્વ આપે છે.

પ્રાચીન ઋષિઓ ગાયક કે વાદકને બ્રહ્માંડિય ગાન સાથે એકરૂપ કરવાં માંગતાં હતાં. આ બ્રહ્માંડિય ગાન કે લય કે સ્પંદ કે પ્રાણશક્તિના પ્રવાહને કુંડલિની શક્તિના પ્રવાહને ઉર્ધગામી કરવાથી સાંભળી શકાય છે - જે કાનમાં સતત રણકાર સ્વરૂપે અનુભવી શકાય છે.

ભારતીય સંગીત આત્મલક્ષી, આદ્યાત્મિક અને વ્યક્તિગત કળા છે, જે માત્ર ઉત્તમ સંગીત રચના જ નહિ પરંતુ દિવ્યાત્મા સાથેના સાક્ષાત્કારનું લક્ષ ધરાવે છે. સંસ્કૃતમાં સંગીતકારને "ભગવતાર" કહે છે, અર્થાત "જે પ્રભુની પ્રશસ્તિનું ગાન કરે છે". સંકિર્તન કે સંગીતમય ભક્તિ એ યોગ કે આદ્યાત્મિક શિસ્તનું અસરકારક માધ્યમ છે, જેમાં ઉત્તમ ધ્યાન અને વિચારોની ગાઢ સમજ અને ધ્વનિ જરૂરી છે. મનુષ્ય પોતે સર્જક શબ્દ (ઓમ)ની નીપજ છે, તેથી જ ધ્વનિ એના પર સહુથી શક્તિપૂર્વક અને ત્વરિત અસર કરે છે, અને એને પોતાના દિવ્ય મૂળતત્વની અનુભૂતિ કરાવે છે.

Sunday, April 15, 2007

pratixaa - Chirag Patel

પ્રતિક્ષા - ચિરાગ પટેલ Aug 01, 1999

જન્મોજન્મની પ્રતિક્ષા પછી થયું છે મિલન;
મિલનનનો હર્ષ પામ્યા પછી મળી છે પ્રતિક્ષા.

મદભરી એ ક્ષણોએ અનુભૂતિ કરાવી અનંતની;
હોય કાંઇ, ગમે છે આવી દર્દભરી ક્ષણો પણ.

સુવાસભરી એ હ્રુદિયામાં, મોટા અંતરાલથી;
ભીની-મીઠી ખુશ્બુ, તરબતર કરે છે મનને.

અવિચળ એવો હિમાલય, યાદ અપાવે હંમેશ;
ભલે હોય સંઘર્ષ, રાખો ઉન્નત મસ્તક પ્રેમથી.

થશે પાછું મિલન, ધડીઓ ઝડપથી વીતતાં;
સાક્ષી નબશે ઇતિહાસ, પિયુમિલનથી એમ જ.

માણીએ આવી પળોને, છે મધુરી જીંદગી;
છે આનંદ એમાંય, છે એની એક મસ્તી.

કૃપા છે હંમેશ, એવાં અનંત સર્જકની જો;
મસ્તી છે એની, ખેલ છે એનો, સ્વીકારીએ.

pralay - Bansidhar Patel

પ્રલય - બંસીધર પટેલ

ભાસે પ્રલય ભયંકર નજદીકમાં, ભાસે પ્રલય ભેંકાર;
જતી-સતીએ ભાખ્યા વેણ સાચ, જગમાં ભાસે પ્રલય ભેંકાર.
નવ નદીઓના નીર ચઢશે ઘોડાપૂર વિશાળ, ભાસે પ્રલય ભેંકાર;
વરસશે અગનગોળા આકાશથી, ભાસે પ્રલય ભેંકાર.

થાશે માંહેમાંહે યુધ્ધ કે ભાસે પ્રલય ભેંકાર;
ભાસે અણચિંતવ્યાં એંધાણ, ભાસે પ્રલય ભેંકાર;
અન્યોઅન્યનો રહેશે લગાર ના સાથ, ભાસે પ્રલય ભેંકાર.

ધરમ-કરમ સહુ જાશે રસાતળ કે નજીકમાં ભાસે પ્રલય ભેંકાર;
સાધુ-સતીનો કોઇ ઠામ મુકામ નહિ હોય, ભાસે પ્રલય ભેંકાર.
નહિ રહે બાપ-બેટામાં સંપ કે સાથ, ભાસે પ્રલય ભેંકાર;
માન-મર્યાદાનો થાશે ઘણો અતિ-લોપ કે ભાસે પ્રલય ભેંકાર.

ત્રાહિમામ પોકારી ધરણી જોડે બે હાથ કે જગતમાં ભાસે પ્રલય ભેંકાર;
સપ્તર્ષિનું વૃન્દ પણ કરે છે કરૂણાગાન કે ભાસે પ્રલય ભેંકાર;
ધરમીને ઘણું કષ્ટ ને અધર્મને લીલા લહેર કે ભાસે પ્રલય ભેંકાર.

ફૂંકાયો છે શંખ પ્રભુનો રહેજો સહુ તૈયાર કે નજીકમાં ભાસે પ્રલય ભેંકાર;
મનુષ્ય, જાનવર ને જીવસૃષ્ટિનો થાશે સર્વનાશ કે ભાસે પ્રલય ભેંકાર.
ચેતનવંતા હોય જો નર ચેતી જાય સુજાણ કે ભાસે પ્રલય ભેંકાર;
ધારેલું થાય ધણીનું એમાં લગીરે ના શક કે ભાસે પ્રલય ભેંકાર.

પ્રલય પણ જાય વિખરાય હોય જો તેની મરજી;
તણખલું પણ ના હાલે જો હોય ના તેની મરજી.
આપણે પણ રહીએ રાજી જેમાં હોય તેની મરજી;
નારાજીને તારાજી એ તો પ્રભુની મરજી.

Monday, April 09, 2007

prashasti - Chirag Patel

પ્રશસ્તિ - ચિરાગ પટેલ Sep 01, 1998

વિરહની પળ પળ છે વસમી, જીરવવી;
નાનકડું દિલ છે, એક આશ એને પકડવી.

અરે, કોણ ટહુકો કરી રહ્યું છે મનમંદિરમાં;
એ જાણે સંગીત રેલાવે છે આ સમંદરમાં.

યાદોની રેતથી ચણ્યો છે મોટો મહાલય;
ક્યારેક તો આવ, મેંહકાવ આ આલય.

દિશાઓ સઘળી ઊમટી રહી છે, બધેથી;
અશ્રુવર્ષા ભીંજવે છે, જોઇ રહી તું આઘેથી.

સહવાસની મધુર ક્ષણો, ખાલી રહી યાદોમાં;
ભીડ વચ્ચે સાંભળ, એ અવાજ ફરિયાદોમાં.

મલપતી, મલકાતી, ઘૂમતી, કલબલતી પરી;
કેટલું અંતર છે, એ જાણ, પાસ આવ તો ખરી.

આવી ના લે પરીક્ષા મારી બહુ અઘરી-અઘરી;
કહે તો હાલ જ મોકલી દઉં આતમ, અબઘડી.

જાણું છું અને સમજુ પણ છું, વસમી દૂરીને;
દિલ નથી માનતું, નાદાનને સમજાવું કેમ કરીને?

ત્યાં જ નટખટ દિલમાં આવે છે એક અવાજ;
હું તો અહીં છું, ને ક્યાં શોધું એને આમ જ.

હરઘડી છુપાઇ રહી તું આમ જ દિલમાં;
તડપાવીને, રડાવીને હવે બોલી તું દિલમાં.

--------------------------------------------------------------

છે આ જગત માયા, છોડ બધું બની જા સન્યાસી;
છે આ જ જગત, કરે છે ઉત્કર્ષ, બન સાચો સન્યાસી.

Sunday, March 25, 2007

safar - Chirag Patel

સફર - ચિરાગ પટેલ Sep 30, 1998

ચાલ પ્યારી બતાવું તને આ રંગરંગીલી દુનિયા,
જીવ્યાં કરતાં જોયું ભલું, ના જોનારા બધાં દુઃખિયા.

જોને પેલો તાજમહાલ, આરસમાં જાણે પ્રેમની મૂરત,
ઇજિપ્તનાં પિરામીડ અન્દ સ્ફિંક્સ, કેવાં એ ખૂબસૂરત.

આફ્રિકાની ગાઢ વનરાજી પર વિચરતાં આ વનરાજ,
એમેઝોનના જંગલોની આહ્લાદક્તા છે જીવનની હમરાઝ.

યુરોપની ભૂમિની સુંદરતા પર હું જાઉં ઓવારી,
અમેરિકાની છે અજબ એવી, અનોખી ખુમારી.

ઓસ્ટ્રેલિયાની ધરતી પર છે બેનમૂન એવી જીવસૃષ્ટિ,
અગ્નિએશિયાની અનેરી સુગંધ બતાવે નવી દ્રષ્ટિ.

એ રહી, પેલી ચીનની મહાન દિવાલ તરવરતી,
આજીજી સંભળાતી, એ એંટાર્ટિકા છે કરગરતી.

ધરતી પર જ્યાં સ્વર્ગ ઉતર્યું છે તે આ હિમાલય,
ઘૂઘવતો, અનેરા સાજ સજી, છે એ સાગરનો લય.

દુનિયા આખી બતાવી, પસંદ કર્યું આપણું આ ઘર,
ચાંદનીમાં નહાતું, ધરતીનો છેડો એવું એ ઘર.

----------------------------------------------------------------

- સમયની સરવાણી 'ને ઝાકળની અમૃતવાણી,
જોઉં તને, અનુભવુ તને તો લાગે મને ઉજાણી.

- હોય જો પાંખો મને, તો ઉડીને આવી પહોંચું,
ભલેને હોય દૂર, તો પણ કહું 'લવ યુ' સાચેસાચું.

Sunday, March 18, 2007

maayaajaaLa - Bansidhar Patel

માયાજાળ - બંસીધર પટેલ

શીતલ લહેરની આ લહેરખી લાવી સંદેશો એક,
પ્રભાતની પહેલી ઘડીએ ભીંજવ્યું દિલ સુમસામ એક.
હ્રદયની વીણા ઝણઝણી 'ને થયું અંતરદર્શન તત્કાળ,
વ્યાપેલ ગમગીની થઇ પરાવર્તિત આનંદમંગલ સત્કાર.
થઇ શરૂ ચહેલ-પહેલ પ્રભાતની, ઉડી ગઇ લહેર તણી લહેરખી ક્ષણમાંધ,
સકળ સંસારી જીવસૃષ્ટિ મહી આવી પડ્યો પુનઃ માયાજાળ માંહ્ય.