ભારતીય સંગીત - ચિરાગ પટેલ Apr 18, 2007
પ્રાચીન - આર્વાચીન ભારતીય જીવનમાં સંગીતનું ઘણું જ મહત્વ રહ્યું છે. આપણાં દરેકના જીવન સાથે આધ્યાત્મિક, શાસ્ત્રીય, ફિલ્મી કે આધુનિક - દરેક પ્રકારનું સંગીત વણાઇ ગયું છે. ઘણાં લોકોએ સંગીત દ્વારા સમાધિ પણ પ્રાપ્ત કરી છે. ઘણાં લોકોએ સંગીત દ્વારા ચમત્કાર પણ કરી બતાવ્યાં છે. સંગીત જુદાં-જુદાં વાદ્યો દ્વારા કે જીવોના અવાજ દ્વારા પ્રગટ થતું રહ્યું છે. બ્રહ્માંડના દરેક કિરણોત્સર્ગ અને ધ્વનિમોજાંઓમાં સંગીતનો નાદ ઉત્પન્ન થાય છે. એને અલગ પ્રકારનાં માધ્યમોથી ઝીલી શકાય છે. દરેક પદાર્થ - જીવંત કે નિર્જીવ, તારાઓ જેવો મોટો કે પરમાણુ જેટલો નાનો, પોતાનું સંગીત રેલાવતો રહ્યો છે, જેને ચોક્કસ ઉપકરણો દ્વારા સાબિત કરી શકાય છે. આ સંગીત કે લય એ જ જીવંતતાનો કે પ્રાણશક્તિનો પુરાવો છે.
આ નિબંધ - An Autobiography of a Yogi - Swami Yoganand, પર આધારિત છે.
ભારતમાં સંગીત, ચિત્ર અને નાટકો કે નૃત્ય ને દિવ્યકળાનો દરજ્જો મળેલો છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ - એ ત્રિમૂર્તિને પહેલાં સંગીતકારો તરીકે ઓળખવામાં આવે છે. દિવ્ય નૃત્યકાર શિવ એમનાં નૃત્યની સાથે સાથે નાદનાં અનંત ભાવસાગરનાં ઉત્પન્નકર્તા મનાયા છે. એમનાં ડમરૂંના નાદ પરર્થી શિવસૂત્રજાળની રચના થઇ છે, જેના પરથી શબ્દ-ધ્વનિની અને સંસ્કૃતના શબ્દોની રચના થઇ છે. બ્રહ્માએ સમયમાં સ્પન્દન જગાવ્યું હતું. વિષ્ણુએ મૃદંગ કે ઢોલ વડે અવાજ ઉત્પન્ન કર્યો. આમ, સૃષ્ટિની રચના અને લાલન-પાલન થયું. સરસ્વતી હંમેશા વીણા સાથે જોવા મળે છે જે તંતુવાદ્યોની જનક છે. સામવેદમાં સહુથી પહેલા સંગીતવિજ્ઞાનની છણાવટ થયેલી જોવા મળે છે.
ભારતીય સંગીતનો પાયો 'રાગ' કે સ્કેલ તરીકે ઓળખાય છે. મુખ્ય 6 રાગ એ 126 શાખાઓમાં કે જે રાગિણી અને પુત્ર તરીકે ઓળખાય છે, વિભાજીત થાય છે. દરેક રાગમાં ઓછામાં ઓછા 5 સ્વર કે નોટ હોય છે: એક વાદી અથવા પ્રમુખ, એક સંવાદી અથવા પ્રધાન, ઘણાં અનુવાદી અથવા સંત્રી, અને એક વિવાદી અથવા શત્રુ.
દરેક મુખ્ય રાગ ચોક્કસ સમયગાળા સાથે સંબંધિત છે. રાગ ઋતુઓ સાથે અને ચોક્કસ દેવ સાથે પણ સંકળાયેલાં હોય છે.
હિંડોળા રાગ - વસંતના પરોઢિયા સમયે ગવાય છે, શાશ્વત પ્રેમની અનુભૂતિ આપે છે.
દિપક રાગ - ઉનાળાની સાંજે ગવાય છે, તીવ્ર આવેગ સાથે સંકળાય છે.
મેઘ રાગ - ચોમાસાની બપોરે ગવાય છે, વીરત્વ કે હિમ્મતનો વર્ધક છે.
ભૈરવી રાગ - ઓગસ્ટ, સપ્ટેમ્બર કે ઓક્ટોબરની સવારે ગવાય છે, શાંતિની અનુભૂતિ આપે છે.
શ્રી રાગ - પાનખરની સાંજ માટે છે, પૂર્ણ પ્રેમની પ્રાપ્તિ થાય છે.
માલકૌંસ રાગ - શિયાળાની મધ્યરાત્રિએ ગવાય છે, બહાદુરી કે વીરતાનો વર્ધક છે.
પ્રાચીન ઋષિઓએ પ્રકૃતિ અને જીવ વચ્ચેનું સંગીતમય જોડાણ શોધી કાઢ્યું હતું. બ્રહ્માંડની રચના ઓમથી જ થઇ હતી જે પ્રાથમિક સ્પંદ કે ધ્વનિ છે. મનુષ્ય ચોક્કસ મંત્ર કે જે ધ્વનિનું ચોક્કસ બંધારણ છે, એના દ્વારા પ્રકૃતિનાં તત્વો પર કાબૂ મેળવી શકાય છે.
ભારતીય સંગીત ઓક્ટેવ કે ધ્વનિ શૃંખલાંને 22 શ્રૂતિઓમાં વિભાજીત કરે છે. પાશ્ચાત્ય સંગીત માત્ર 12 શ્રૂતિઓ જ ધરાવે છે. ઓક્ટેવના સાત સ્વર છે. દરેક સ્વર ચોક્કસ રંગ અને પ્રાણીનું પ્રતિનિધિત્વ કરે છે.
સા - ડો - લીલો - મોર
રે - રે - લાલ - ચંડોળ (skylark)
ગ - મી - સુવર્ણ - બકરી
મ - ફા - પીળાશ પડતો સફેદ - બગલો (heron)
પ - સો - કાળો - બુલબુલ
ધ - લા - પીળો - ઘોડો
નિ - ટિ - બધાં રંગોનો મેળ - હાથી
પાશ્ચાત્ય સંગીતમાં માત્ર 3 સ્કેલ છે - મેજર, હાર્મોનિક માઇનર, મેલોડીક માઇનર. જ્યારે ભારતીય સંગીતમાં કુલ 72 થાટ કે સ્કેલ છે. મુખ્ય રાગ-રાગીણી અને થાટમાં સંગીતકાર પોતાની કલ્પના અને ભાવનું અનોખું સંમિશ્રણ કરીને અવનવો રાગ રજૂ કરી શકે છે. સંગીતકાર દરેક સમયે મુખ્ય બંધારણમાં નવી શ્રેણી, ભાર અને પુનરાવૃત્તિ ઉમેરીને રજૂ કરી શકે છે.
સંસ્કૃત સાહિત્ય 120 તાલ કે ટાઇમ-મેઝરનું પણ વર્ણન કરે છે. એવું કહેવાય છે કે, પ્રાચીન ભારતીય સંગીતના પ્રણેતા, ભરત છે જેમણે ચંડોળ પક્ષીના ગાનમાંથી 32 તાલ રચ્યાં હતાં. તાલને રિધમ પણ કહે છે. તાલ મનુષ્યના હાલચાલ પર આધાર રાખે છે - ઝડપી ચાલ, દ્રૂત ચાલ, શ્વાસોચ્છવાસનો ઊંઘમાં ત્રણગણો સમય, વગેરે. ભારત હંમેશા મનુષ્યના અવાજને સંગીતની રચના માટે ઉત્તમ વાદ્ય ગણતું આવ્યું છે. એટલે જ, ભારતીય સંગીતમાં સૂરમેળાપ (harmony - relation of simultaneous notes) કરતાં સ્વરમાધુર્ય (melody - relation of successive notes)ને મહત્વ આપે છે.
પ્રાચીન ઋષિઓ ગાયક કે વાદકને બ્રહ્માંડિય ગાન સાથે એકરૂપ કરવાં માંગતાં હતાં. આ બ્રહ્માંડિય ગાન કે લય કે સ્પંદ કે પ્રાણશક્તિના પ્રવાહને કુંડલિની શક્તિના પ્રવાહને ઉર્ધગામી કરવાથી સાંભળી શકાય છે - જે કાનમાં સતત રણકાર સ્વરૂપે અનુભવી શકાય છે.
ભારતીય સંગીત આત્મલક્ષી, આદ્યાત્મિક અને વ્યક્તિગત કળા છે, જે માત્ર ઉત્તમ સંગીત રચના જ નહિ પરંતુ દિવ્યાત્મા સાથેના સાક્ષાત્કારનું લક્ષ ધરાવે છે. સંસ્કૃતમાં સંગીતકારને "ભગવતાર" કહે છે, અર્થાત "જે પ્રભુની પ્રશસ્તિનું ગાન કરે છે". સંકિર્તન કે સંગીતમય ભક્તિ એ યોગ કે આદ્યાત્મિક શિસ્તનું અસરકારક માધ્યમ છે, જેમાં ઉત્તમ ધ્યાન અને વિચારોની ગાઢ સમજ અને ધ્વનિ જરૂરી છે. મનુષ્ય પોતે સર્જક શબ્દ (ઓમ)ની નીપજ છે, તેથી જ ધ્વનિ એના પર સહુથી શક્તિપૂર્વક અને ત્વરિત અસર કરે છે, અને એને પોતાના દિવ્ય મૂળતત્વની અનુભૂતિ કરાવે છે.
1 comment:
ગુજરાતી પાનુ હોટમેઇલમાં જોવા માંગુ let me check.
Post a Comment