પંક્તિઓ - બંસીધર પટેલ
1. કંઇક એવી રીતે તમારી અલ્લડ લટોમાં હ્રદય રમે છે;
રમે છે જાણે અબૂધ બાળક સરપની સાથે સરપનાં દરમાં.
2. નથી લેવા મને ઇચ્છા સમરકંદ બુખારા;
ખરા લાગણીનાં આંસું માંગું છું હું ખારાં.
3. પાંપણે મોતી પરોવી મૌનનાં એકાંતમાં;
કોઇને સંભારવું એ પણ અનોખો લ્હાવ છે.
4. ધીમી હૈયાની ધડકનને હોઠોના હળવા કંપનને;
નયનોના ગુરુ નિમંત્રણને કોઇ શું સમજે, કોઇ શું જાણે?
5. મને આજે ફરી રજની રૂપાળી યાદ આવે છે;
તમે ઉભા હતાં પાંપણને ઢાળી યાદ સતાવે છે.
6. ભલે ના ફૂલને દડૂલે રમાડે બાગમાં તારા;
મને તારા ખીલેલાં ફૂલના કાંટે રમાડી જા.
ભલે લહેરી બની વહેલી સવારે તું પધારે ના;
બની મધરાતની અંધાર આંધી તું જગાડી જા.
7. ખબર શી હતી દિલને દેતાં પહેલા;
તમે ખુશ રહેશો સતાવી સતાવી.
8. અરે, ત્યાં અભાગણ ઉષા આવી પહોંચી;
મઝા જ્યાં સ્વપ્ન કેરી આવી ન આવી.
9. એ અધવચથી જ મારાં દ્વાર પર પાછા ફરી આવે;
જો એવું માર્ગમાં કંઇ અપશુકન જેવું થઇ જાય તો સારૂં.
10. એ રીતે રહું છું હું સદા એના સંગમાં;
રસ્તો રહે છે જેમ જનારાની સાથમાં.
11. જિગરને જાગવું છે, આંખને મીંચાઇ જાવું છે;
ભ્રમરને ખેલવું છે, પુષ્પને બીડાઇ જાવું છે.
ભલા શું હાથતાળીમાં જ આ પૂરૂં થશે જીવન?
અમારે શોધવાં છે, આપને સંતાઇ જાવું છે?
12. મેં એનાં સંસ્મરણોની ચાંદની આંખોમાં આંજી છે;
પછી ડર હોય ક્યાંથી કે નિશા ઘનઘોર આવે છે.
નયનને કઇ દિશામાં ઠેરવું એ ગમ નથી પડતી;
મને લાગી રહ્યું છે તેઓ ચારેકોર આવે છે.
13. સાચવીને માંડ સાવન આંખમાં રાખ્યો હતો;
મોરલા શો કંઠ ગહેકાવી તમી ભારે કરી.
14. કોમળ ન હોય આટલું મારૂં હ્રદય કદી;
માનું છું કે આ તારું હ્રદય હોવું જોઇએ.
ઉત્સાહ દિલને થાય છે કાં આજ આટલો;
લાગે છે કોઇ દર્દ નવું મળવું જોઇએ.
15. સમજણ પડતી નથી કે હું ભૂલ્યો છું ભાન કે;
આવી ગયો છું ભાનમાં તમને મળ્યાં પછી.
પાછા તમે મળો ન મળો સરખું છે હવે;
કોઇ વાત છે ક્યાં ધ્યાનમાં તમને મળ્યાં પછી.
16. કૈં નહોતી ખબર ક્યાં ક્યાં જઇ અટકત આ વિચારો;
લો સારું થયું આપ મને આવી ગયા યાદ.
17. હાથ જ્યાં મૂક્યો અમે સુંદર તમારા હાથમાં,
ત્યાં જ બસ આવી ગઇ દુનિયા અમારા હાથમાં.
રંગ મહેંદીના ચૂમું શું હાથમાંથી એમ તો;
મેં મરૂતથી દીધું આ સર તમારા હાથમાં.
No comments:
Post a Comment