આર્તનાદ - બંસીધર પટેલ
ઝીલ્યા છે ઘા એરણ બની, જીવનમાં હથોડ તણા;
ખેડી છે સફર અફાટ સમંદરની, બની સાગરખેડૂ સખા.
નથી ભાર્યા દિન કે રાત, કરી દોડમદોડ અહર્નિશ અવિરત;
વેઠીને કષ્ટ બેહદ, કરવા સુખી સ્વજનને હરહંમેશ.
હાંફતાં હાંફતાં લીધી રે વાટ, કિનારો હવે લાગે નજદીક;
ભૂલીને સમયની સરગમ, છેલ્લે બન્યા રાંક ફકીર.
ભર્યોભાદર્યો નિરખી સંસાર, અમ અંતર ખીલે પુરબહાર;
નાના-મોટા બાળકોને કર્યા છે પ્રેમ સદાબહાર.
ખાય છે ચાડી ઉંમર અમારી, અવસ્થા તણી ઘડી ઘડી;
ભલે હો પાનખર અમે ખીલવીશું વસંત બહાર નવી.
પડ્યા છોને ઘાવ અમ પર, ના ડરવાના કોથી લગીર;
અર્પીશુ અમૃત ખુદ પચાવી સોમલ, જીવન મંથન મહી.
લીધો છે યોગ અનાસક્ત તણો નથી અન્ય આશા લગારે;
છો ને આવે મોત કાલે ભેટીશું દોડીને હરખભેર જતા તહી.
હસે છે વડ નીરખી વડવાઇઓ, અમ હસ્યા આ સુતર્ક થકી;
ભલે બદલાયો કાળ, નથી અમે બદલાયા, દઇશું આશિષ અંતરની.
નથી વિસાત અમોને માન-અપમાન તણી, કરી અદા ફરજ સદા;
નાચે જ્યમ મયૂર વસંત મહી, માંહલો અમતણો થનગને સદા.
ખાયો ઓડકાર અમીરસ તણો પલટાવી પાનખરને વસંત મહી;
વદી છે વિતકકથા, માને જો કોઇ, ભેરૂ ભાઇબંધ ખરો;
માનવીના માનવી તારે શિરે, પણ લાગશે ખપ તો પાનખર કાળે.
No comments:
Post a Comment