Tuesday, April 29, 2008

ફાઈલ

ફાઈલ - ચીરાગ પટેલ Apr 29, 2008

ફાઈલ (File) નામ કાને પડે એટલે તરત જ નજર સામે જાડા પુંઠાના કવરવાળી લામ્બી-પહોળી આકૃતી ઝબુકે. જનરેશન - ઝ (generation Z)ને તો કમ્પ્યુટરની ફાઈલ જ નજરે પડતી હશે! (સરકારી બાબુઓને તો ફાઈલ નામ સામ્ભળતાં જ ઉંઘ આવતી હશે!)

આજે આપણે વાત કરીશું ડીજીટલ ફાઈલ વીશે. આપણે બધાં માઈક્રોસોફ્ટ વર્ડ કે એક્સેલ સ્પ્રેડશીટ, નોટપૅડ કે વર્ડપૅડ, વગેરે ઍપ્લીકેશન વાપરતાં હોઈએ છીએ. જ્યારે, આ ઍપ્લીકેશન આપણું લખાણ સંગ્રહે (save) છે, ત્યારે એ ફાઈલ સ્વરુપે સંગ્રહે છે. ફાઈલ એ બાઈટના જથ્થાનું એક એકમ છે. હાર્ડ-ડ્રાઈવ કે ડીવીડી કે પેન-ડ્રાઈવમાં આ બધી ફાઈલો બાઈટનાં સંગ્રહ તરીકે હોય છે.

પણ, આ બાઈટરુપી માહીતીને સંગ્રહવામાં જે-તે ઍપ્લીકેશન બહુ મહત્વનો ભાગ ભજવે છે. MP3 ફાઈલને તમે વર્ડપૅડના લખાણની ફાઈલ તરીકે ખોલવા જાઓ તો કાંઈક ચીત્ર-વીચીત્ર લખાણ નજરે પડે. (ભઈ, આપણને તો કમ્પ્યુટર જ ચીત્ર-વીચીત્ર લાગે છે.) અને, એ જ પ્રમાણે, વર્ડપૅડની ફાઈલને મીડીયાપ્લેયરમાં પ્લૅ કરો તો એ એરર (error) બતાવશે. આનું એક કારણ છે ઍપ્લીકેશન! જ્યારે આપણે વર્ડપૅડમાં લખાણ લખીએ છીએ ત્યારે વર્ડપૅડ એ લખાણની સાથે સાથે એનું ફોર્મેટ (format) (ફોંટની માહીતી, લખાણનો વર્ગ, લખનારની માહીતી, વગેરે) પણ સ્ટોર કરે છે. વળી, અમુક ઍપ્લીકેશન માહીતીને કોમ્પ્રેસ (compress) કરીને કે એનક્રીપ્ટ (encrypt) કરીને સંગ્રહીત કરે છે. એટલે, જો કોઈ ઍપ્લીકેશન આ ફોર્મેટ ઉકેલી શકે તો એ ફાઈલમાં શું છે એ જાણી શકે. (આ બાબતને ડી.એન.એ. માટેના જીનોમ મૅપીંગ (genome mapping) પ્રોજેક્ટ સાથે સરખાવો.) (સ્ત્રીના મગજનું ફોર્મેટ કોઈ ઉકેલી શકશે ખરું???)

હવે, ફાઈલ કેવી રીતે સંગ્રહીત થાય છે, એ જે-તે ઑપરેટીંગ સીસ્ટમ (operating system) પર આધાર રાખે છે. આ બાબતને ફાઈલ સીસ્ટમ ફોર્મેટ (file system) કહે છે. વીંડોઝ (Windows) માટે ફૅટ (FAT12, FAT16, FAT32), એન.ટી.એફ.એસ. (NTFS - New Technology File System), એચ.પી.એફ.એસ. (HPFS - High Performance File System), લીનક્સ (Linux) માટે એક્સ્ટ* (ext2, ext3) જેવી ફાઈલ સીસ્ટમ છે. ડૅટાબૅઝ સર્વરને પણ પોતાની ફાઈલ સીસ્ટમ હોય છે. વધુ માહીતી: http://en.wikipedia.org/wiki/List_of_file_systems

Sunday, April 27, 2008

પ્રેમ અને નીઃસ્વાર્થતા - 2

પ્રેમ અને નીઃસ્વાર્થતા - 2 - સ્વામી વિવેકાનન્દ

11. આ જીવન અલ્પકાલીન છે, સંસારના મોજશોખો ક્ષણભંગુર છે; પણ જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે, બાકીના લોકો તો જીવતા કરતાં વીશેશ મરેલા છે.

12. જે ધર્મ કે જે ઈશ્વર વીધવાનાં આંસુઓ લુછી ન શકે કે અનાથના મુખમાં રોટીનો ટુકડો મુકી ન શકે એવા ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી.

13. પ્રેમ કદાપી નીશ્ફળ જતો નથી બેટા; આજ નહીં તો કાલે કે યુગો પછી, સત્યનો જય થશે જ! પ્રેમની જીત થવાની જ છે. શું તમે તમારા માનવબન્ધુઓને ચાહો છો?

14. ઈશ્વરની શોધ બીજે ક્યાં કરવા જશો? શું બધા દીન-દુઃખી અને દુર્બળ લોકો ઈશ્વરસ્વરુપ નથી? તો એમની પુજા પ્રથમ શા માટે ન કરવી? ગંગા કાંઠે કુવો ખોદવા શા માટે જવું?

15. પ્રેમની સર્વશક્તીમત્તામાં શ્રધ્ધા રાખો. શું તમારી પાસે પ્રેમ છે? તો તમે સર્વશક્તીમાન છો. શું તમે સમ્પુર્ણપણે નીઃસ્વાર્થી છો? જો એવું હોય તો કોઈપણ વ્યક્તી તમારો પ્રતીકાર કરી શકે નહીં. ચારીત્ર જ સર્વત્ર ફલદાયી નીવડે છે.

16. મારું હ્રદય લાગણીથી એટલું બધું ભરાઈ ગયું કે હું તેને વ્યક્ત કરી શકતો નથી; તમે એ જાણો છો, તમે એની કલ્પના કરી શકો છો. જ્યાં સુધી લાખો લોકો ભુખ અને અજ્ઞાનમાં જીવે છે ત્યાં સુધી એમના ભોગે કેળવણી પામીને એમના તરફ જે લેશમાત્ર પણ ધ્યાન આપતો નથી, ગરીબોને ચુસીને કમાણી કરતા, ભપકાથી દમામભેર ફરતા, તમામ લોકોને હું પામર ગણું છું. મારા બન્ધુઓ આપણે ગરીબ છીએ. આપણી કશી જ ગણના નથી, પરંતુ આવા જ મનુશ્યો હમ્મેશાં પરમાત્માના નીમીત્તરુપ બની રહે છે.

17. મને મુક્તી કે ભક્તીની કશી પરવા નથી; 'વસંતરુતુની જેમ (મુક રહીને) લોકહીત કરતાં કરતાં' હું લાખો નર્કોમાં જવા તૈયાર છું - આ છે મારો ધર્મ.

18. હું મૃત્યુ સુધી સતત કાર્ય કરતો રહીશ; અને મૃત્યુ પછી પણ જગતના કલ્યાણ માટે હું કાર્ય કરીશ. અસત્ય કરતાં સત્ય અનંતગણું વીશેશ પ્રભાવશાળી છે; અને ભલાઈનું પણ એવું જ છે. જો તમારી પાસે આ બે વસ્તુઓ હોય તો તેઓ કેવળ પોતાના પ્રભાવથી જ પોતાનો માર્ગ કાઢી શકશે.

19. વીકાસ એ જ જીવન અને સંકોચ એ જ મૃત્યુ. પ્રેમ એટલે વીકાસ અને સ્વાર્થ એટલે સંકોચ. એટલે પ્રેમ એ જીવનનો એકમાત્ર નીયમ છે. જે પ્રેમપુર્ણ છે તે જીવે છે; જે સ્વાર્થી છે તે મૃત્યુને આધીન થતો જાય છે. માટે પ્રેમ ખાતર પ્રેમ દાખવો, કારણ કે જે રીતે તમે જીવવા માટે શ્વાસ લ્યો છો એ જ રીતે પ્રેમ એ જીવનનો એકમાત્ર નીયમ છે. સ્વાર્થરહીત પ્રેમનું, સ્વાર્થરહીત કાર્યનું અને અન્ય તમામ વસ્તુઓનું એ જ રહસ્ય છે.

20. જગતને પ્રકાશ કોણ આપશે? આત્મસમર્પણ એ વીતી ગયેલા યુગોથી ચાલ્યો આવતો 'મહાનીયમ' છે; ખેર! ભાવી યુગોનો પણ એ મહાનીયમ થશે. 'બહુજન હીતાય, બહુજન સુખાય' પૃથ્વીના વીરતમ અને શ્રેશ્ઠ લોકોએ આત્મસમર્પણ કરવું પડશે. સનાતન પ્રેમ અને કરુણાથી પુર્ણ એવા સેંકડો બુધ્ધોની જરુર છે.

--------------------------------------------------
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર...

Wednesday, April 16, 2008

શબ્દોં કે જંગલમેં

શબ્દોં કે જંગલમેં

આ ગીત બહુ જ સુન્દર સ્વરોમાં શ્રી વિક્રમ હાઝરાએ ગાયું છે. તમે અહીં સામ્ભળી શકશો: http://www.youtube.com/watch?v=9frGc5beJPg

રચયીતા કોણ છે એ મને ખબર નથી. આપને જાણ હોય તો અહીં કોમેંટ મુકશો.
શબ્દાંકન:

શબ્દોં કે જંગલમેં તું ક્યું ફંસાં હૈં રે.
પરબ્રહ્મ કે રસ સે તેરા નસ નસ રમા હૈં રે.

શબ્દોં કે જંગલમેં તું ક્યું ફંસાં હૈં રે.
પરબ્રહ્મ કે રસ સે તેરા નસ નસ રમા હૈં રે.

આનન્દ તુ હી, પરમાનન્દ તુ હી.
આનન્દ તુ હી, પરમાનન્દ તુ હી.

ૐ મેં ખોકર, ૐ મેં રમ કર, ૐ મેં મીલના હૈં.

શબ્દોં કે જંગલમેં તું ક્યું ફંસાં હૈં રે.
પરબ્રહ્મ કે રસ સે તેરા નસ નસ રમા હૈં રે.

માન અપમાન હોતા કહાં રે, યે તો હૈં શબ્દોંકી પકડ.
માન અપમાન હોતા કહાં રે, યે તો હૈં શબ્દોંકી પકડ.

ભલે બુરે શબ્દ તુઝે હીલા દે, ઈતના તુ નહીં હૈં કમઝોર.

ૐ મેં ખોકર, ૐ મેં રમ કર, ૐ મેં મીલના હૈં.

શબ્દોં કે જંગલમેં તું ક્યું ફંસાં હૈં રે.
પરબ્રહ્મ કે રસ સે તેરા નસ નસ રમા હૈં રે.
પરબ્રહ્મ કે રસ સે તેરા નસ નસ રમા હૈં રે.

પલક

પલક - ચીરાગ પટેલ Nov 11, 1998

પલક ઝપકી, 'ને એક પ્રકાશ રેલાયો વીશ્વમાં.
પલક ઝપકી, 'ને બ્રહ્માંડ રચાયું ઘોર અન્ધકારમાં.
પલક ઝપકી, 'ને જીવાંકુર ફુટ્યું આ ધરણીમાં.
પલક ઝપકી, 'ને જીવન મહેંક્યું અફાટ સંસારમાં.
પલક ઝપકી, 'ને બે જીવ મળ્યાં અણદીઠેથી.
પલક ઝપકી, 'ને બે આત્મા એક થયાં તૃપ્તીથી.
પલક ઝપકી, 'ને એક શ્વાસ વધ્યો જીન્દગીમાં.
પલક ઝપકી, 'ને સ્નેહતણો રણકાર થયો દીલમાં.
પલક ઝપકી, 'ને રસહીન થયો આ સંસાર.
પલક ઝપકી, 'ને પ્રભુમીલન થયું જે નથી અસાર.

Friday, April 11, 2008

ચાતક

चातक वलखे मृगजळ जोई, ठंडक पामवा चान्दो जुए;
तरस छीपे नहीं छतांय कोई, आंसुबुन्दो छेवटे पीए.

Saturday, April 05, 2008

મોભ

મોભ - બંસીધર પટેલ Oct 01, 2002

ઉંચી આભલે અડતી ઈમારત ચણી, ખેંચ્યો દમ નીરાંતનો;
બોલાવ્યો રંગાટીને, પુરવા રંગ સોહામણા, કરવા વૃધ્ધી ભભકાની.
બની કૃતનીશ્ચયી ચઢ્યો એ પાલખ થકી, છેક ઉપરના મજલે;
મુક્યું ડબલું રંગ ભરેલું, હાથમાં લીધું આકર્શક બ્રશ એણે.
ઠોલી પાલખી! ખસ્યો પગ, આવ્યો નીચે લપસી એકદમ જ;
થયો ધબાકો, પડી નજર, દોરાયો સ્વરદીશાને પારખી હું.
થયું જોઈને ત્યાં તો, ના પડી ખબર કોઈ રંગની તેમાં;
ભળ્યા રંગ, લહુ પણ રેલાયું ખુબ ત્યાં, ટળવળતાં રંગાટીનું.
પારખવા રંગને મથ્યો હું ખુબ જ, ના મળ્યો લહુનો રંગ લાલ.
થયું મીશ્રણ, રેલાઈ ગયું, જીન્દગીના બદલાતા રંગોની જેમ;
ઉઠાવ્યો કાન્ધે, અમે બે મળી પકડી વાટ ત્રણગણા લય તણી.
ભાંગ્યો પગ, થયું નીદાન, સારવાર ચાલી ખુબ ત્વરાથી;
આવ્યાં બાળ, નાર અને ભગીની, જાણ્યું સત્ય કડવું ઘણું.
હતો એ એક જ આધાર, મોભી ઘરનો તુટ્યો એ પીછાણ્યું;
દ્રવી ઉઠ્યું ઉર, રડી રહ્યો આતમ માંહ્યે, ઘટી શું ઘટના અહીં.
ભુલથી પણ ઈશ્વર કદી, કરીશ ના શીક્ષા કોઈને આવી.
બની નરવો, થઈ સાજો, સીધાવ્યો ગૃહે સપરીવાર એ;
કરવા જેવી કરી સરભરા એની, યાદ સંઘરી અંતર મહીં.

નવરાત

નવરાત - બંસીધર પટેલ

આવ્યું રુપાળું નવલું પર્વ નવરાતનું,
ગોરી ગરબે ઘુમવા હાલ્યાં રે લોલ.

રુમઝુમ રુમઝુમ વાગે પગની પાયલ,
ઝાંઝરનો ઝંકાર સોહામણો રે લોલ.

ભાવ તણો ભરી ઘડુલો માથે મુકી,
નારીનું સોહામણું રુપ સોહાય રે લોલ.

સરખી સાહેલીઓ સહુ ટોળે વળી,
ગાય માનાં ગુણગાન ગુલતાન રે લોલ.

ધન્ય બન્યું જીવન, મળ્યો જનમ નારનો,
કે માતાજીની ભક્તીનો આધાર રે લોલ.

લાલ, લીલો, પીળો ને કેસરી રંગ દેખાય,
કે માની ચુન્દલડી અદભુત ઓઢાય રે લોલ.

તન મન બન્યું છે એકાકાર માના નામમાં,
ભુલી માયા સઘળી સંસારની રે લોલ.

અમ્બા, કાળી, દુર્ગા, મા તારા રુપ દેખાય,
નવલી નવરાતની રાત્રે રે લોલ.

નોન્ધ: સંયોગે, આવતી કાલે (એપ્રીલ 5, 2008) ચૈત્ર નવરાત્રી શરુ થાય છે.

Friday, April 04, 2008

EPR પૅરેડૉક્સ

EPR પૅરેડૉક્સ - ચીરાગ પટેલ Apr 04, 2008

EPR paradox એક સંશોધન પત્ર તરીકે બહોળી પ્રસીધ્ધી પામ્યો છે. એને લખનાર પ્રસીધ્ધ વૈજ્ઞાનીકો આલ્બર્ટ આઈંસ્ટાઈન (Einstein), બૉરીસ પોડોલ્સ્કી (Podolsky) અને નૅથન રોઝેન (Rosen)નાં પ્રથમ અક્ષરોને સાંકળીને બનતાં ત્રણ અક્ષરો EPR નામે પ્રચલીત છે. પૅરેડૉક્સ એટલે વીરાધાભાસ અથવા અસંગતતા અથવા તાર્કીક વીસંગતતા. એક રાજાએ પોતાના ગામમાં એક વાર ઢંઢેરો પીટ્યો કે, "આજ પછી ગામમાં કોઇ પણ વ્યક્તીએ જાતે હજામત ના કરવી, અને માત્ર ગામનાં વાળન્દ પાસે જ કરાવવી." આ ઢન્ઢેરા મુજબ પેલો વાળન્દ પોતાના વાળ કાપી શકે? આવી તાર્કીક વીસંગતતા માટે પૅરેડૉક્સ શબ્દ-પ્રયોગ થાય છે.

EPR પૅરેડૉક્સ ક્વોંટમ વીજ્ઞાન(Quantum physics)માં 1935ની સાલ સુધીમાં રહેલી વીસંગતા તરફ અંગુલીનીર્દેશ કરે છે. પછી તો, આ સંશોધનપત્ર એક નવા જ ખ્યાલને માટે નીમીત્ત બન્યો. આજે આપણે માત્ર આ પત્રમાં રહેલી માહીતીને સરળ ઉદાહરણથી સમજવા પ્રયત્ન કરીશું.

એક સીધી રેખામાં અમુક અંતરની કલ્પના કરો. ધારો કે, 10 મીટર. એના એક છેડે કનીશ્કાને બેઠેલી કલ્પો અને બીજે છેડે ખ્યાતીને બેઠેલી કલ્પો. ધારો કે, કનીશ્કા પાસે એક લોહચુમ્બક (magnet) હાથમાં પકડેલું છે. આ ચુમ્બક ધારો કે અંગ્રેજી C આકારનું છે, અને કનીશ્કાએ એની ખુલ્લી બાજુને નીચે તરફ રહે એ રીતે પકડેલું છે. એટલે કે, Cની પીઠ આકાશ તરફ રહે એમ પકડ્યું છે. હવે ધારો કે, ખ્યાતી પાસે ઈલેક્ટ્રોનનો ગતીપથ નોંધી શકાય એવો કૅમેરા છે. વળી, ધારો કે, 10 મીટરની કાલ્પનીક રેખાનાં મધ્યબીન્દુએ ઈલેક્ટ્રોનનું ઉદ્ગમસ્થાન છે. અને ઉદ્ગમ પણ પાછું એવું છે કે, એમાંથી માત્ર ઈલેક્ટ્રોન જોડકાં જ ઉદ્ભવે છે. ક્વૉંટમ સીધ્ધાંત મુજબ, એક જ ઉદ્ગમમાંથી ઉદ્ભવતાં કણો વીરુધ્ધ દીશામાં અને સરખી ઉર્જાથી ગતી કરે. એટલે, આપણે એવું ધારીએ કે, એક સાથે નીકળતાં જોડકાંમાંથી એક ઈલેક્ટ્રોન કનીશ્કાએ હાથમાં પકડેલાં ચુમ્બકની દીશામાં જાય છે, તો એ જ સમયે બીજો ઈલેક્ટ્રોન ખ્યાતીની દીશામાં જશે. બન્ને એક જ સમયે કનીશ્કા કે ખ્યાતી સુધી પહોંચશે.

હવે, કમાલ જોઈએ. ઈલેક્ટ્રોનનો એક ગુણધર્મ છે, વીજચુમ્બકીયબળોની અસર તળે ગતીપથ બદલવાનો. કનીશ્કાએ પકડેલાં ચુમ્બકમાંથી પસાર થવાની સાથે જ સીધી રેખામાં આવી રહેલો ઈલેક્ટ્રોન જમણી બાજુ પલટાઈ જશે. અને લો, બીજી બાજુ જ્યારે ખ્યાતી ફોટો પાડે છે ત્યારે, એ બાજુનો ઈલેક્ટ્રોન એ જ સમયે ડાબી બાજુ વળી જાય છે! હજી ક્લાઈમૅક્સ હવે આવે છે. એવું માની લઈએ કે, પ્રયોગની શરુઆતમાં દરેક સ્થીતી વીશેની માહીતી અસ્તીત્વમાં હતી - જેમ કે, કનીશ્કા અને ખ્યાતીનું અંતર અને દીશા, ચુમ્બકની સ્થીતી, વગેરે. પણ, ધારો કે, ઈલેક્ટ્રોનનું એક નવું જોડકું ઉદ્ગમમાંથી નીકળી ચુક્યું છે, અને કનીશ્કા એકાએક ચુમ્બક્ની પીઠને ફેરવીને ઉભી ગોઠવે છે (90 અંશની ફેરબદલ). તો આ સંજોગોમાં કનીશ્કાના ચુમ્બક પાસે આવેલો ઈલેક્ટ્રોન જમીન તરફની દીશામાં ફંટાઈ જશે! અને ખ્યાતીનો કૅમેરો જોશે કે એની તરફનો ઈલેક્ટ્રોન આકાશની દીશામાં ફંટાઈ જાય છે!!!

માની શકાય છે? પ્રાયોગીક રીતે આ બાબત ઘણાં વૈજ્ઞાનીકોએ સાબીત કરી છે. પણ આવું કેવી રીતે બની શકે? શું ઈલેક્ટ્રોન એકબીજા સાથે માહીતીની આપ-લે કરે છે? આ આપ-લે માટે એમણે પ્રકાશની ગતી કરતાં વધુ ઝડપે માહીતી મોકલવી પડે, જે પદાર્થનાં કણ માટે શક્ય નથી. તો શું ઈલેક્ટ્રોન ભુત છે? ના. વીચારજો. ફરી ક્યારેક આ બાબતે ચર્ચા કરીશું. EPR સંશોધનપત્રે એક નવી જ દીશાનાં દ્વાર ખોલી આપ્યાં હતાં.

વધુ માહીતી: http://en.wikipedia.org/wiki/EPR_paradox