ભારત - 3 - સ્વામી વિવેકાનન્દ ઑગસ્ટ 08, 2008
21. હું માનું છું કે સામાન્ય જનોની ઉપેક્ષા એ આપણું ઘોર રાષ્ટ્રીય પાપ છે અને આપણાં પતનનાં કારણોમાંનું એ એક છે. જ્યાં સુધી ભારતનાં લોકોને એક વાર ફરીથી સારી કેળવણી, પુરતું અન્ન અને યોગ્ય સારસંભાળ ન મળે ત્યાં સુધી આપણું બધું રાજકારણ વ્યર્થ છે.
22. તમારી દ્રષ્ટી સામે આ મુદ્રાલેખ રાખો: 'જનતાની ધર્મભાવનાને અક્ષત રાખીને એમની ઉન્નતી.'
23. કેળવણી! કેળવણી! કેળવણી! બીજું કશું જ નહીં. યુરોપના નગરોનો પ્રવાસ કરીને અને ત્યાંનાં ગરીબ લોકોને પણ પ્રાપ્ત થતી સગવડો તથા કેળવણીનું નીરીક્ષણ કરીને, મને આપણા પોતાના ગરીબ લોકોની હાલતનો વીચાર આવતો અને પરીણામે હું આંસુ સારતો. આ ભેદનું કારણ શું? અને મને ઉત્તર મળ્યો કે તેનું કારણ છે 'કેળવણી.' કેળવણીથી મનુષ્યમાં આત્મશ્રધ્ધા જન્મે છે અને આ આત્મશ્રધ્ધા જ એ લોકોમાં મનુષ્ય-પ્રકૃતીને સહજ એવા બ્રહ્મભાવને જગાડી રહી છે, જ્યારે આપણા લોકોનો બ્રહ્મભાવ ધીમે ધીમે સુષુપ્ત દશાને પામતો જાય છે.
24. મારા જીવનની એકમાત્ર મહત્ત્વાકાન્ક્ષા એ છે કે એવું તંત્ર ગતીમાન કરવું કે જે ઉમદા વીચારોને દરેક માણસના ઘર સુધી પહોંચાડે, પછી ભલે સૌ સ્ત્રીપુરુષો પોતાના ભાગ્યનો નીર્ણય પોતે કરે. જીવનના સૌથી વીશેષ મહત્ત્વના પ્રશ્નો અંગે આપણા પુર્વજોએ તથા બીજા રાષ્ટ્રોએ શું વીચાર્યું છે એ બધું તેઓ ભલે જાણે, ખાસ કરીને બીજા લોકો અત્યારે શું કાર્ય કરી રહ્યા છે એનું જ્ઞાન તેઓ ભલે મેળવે અને પછી પોતાની મેળે કોઈ નીર્ણય ઉપર આવે.
25. હું ભવીષ્યમાં દૃષ્ટીપાત કરતો નથી અને મને એની પરવા પણ નથી. પરંતુ મારી દૃષ્ટી સામે પસાર થતાં જીવનની જેમ એક દૃશ્ય એ છે કે મારી આ પ્રાચીન માતૃભુમી પુનઃજાગ્રત થઈ છે અને પહેલાંના કરતાં વધુ ભવ્ય બનીને, નવશક્તી પ્રાપ્ત કરીને સીંહાસનને વીરાજી રહી છે. શાંતી અને આશીર્વાદના ધ્વની ગજાવીને તેના ગૌરવની સમગ્ર વીશ્વને જાણ કરો.
26. મારા જીવનની સમગ્ર નીષ્ઠાનું એકમાત્ર લક્ષ્ય છે, મારી આ માતૃભુમી; હે મારા દેશબંધુઓ! મીત્રો! જો હું હજારવાર જન્મ ધારણ કરું તો એ સારીએ શ્રેણીની પળેપળને તમારી સેવામાં અર્પણ કરું.
--------------------------------------------------
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર...
No comments:
Post a Comment