Tuesday, July 08, 2008

મૃત્યુની પાર

મૃત્યુની પાર - ચીરાગ પટેલ જુલ. 08, 2008

મહાભારતના એક પ્રસંગમાં આવે છે એ મુજબ, જ્યારે યક્ષ ધર્મરાજ યુધીષ્ઠીરને પ્રશ્ન કરે છે કે, "સંસારનું સહુથી મોટું આશ્ચર્ય શું છે?" ત્યારે ધર્મરાજ જવાબ આપે છે કે, "મનુષ્ય જાણે છે કે એક દીવસ મૃત્યુ આવવાનું છે, છતાં પોતે અમર હોવાનો ડોળ કરે છે. આથી વધુ મોટું આશ્ચર્ય કયું હોઈ શકે?" જો કે, આજનું વીજ્ઞાન મૃત્યુ તો ઠીક, જીવનને પણ અટકાવવા પ્રયત્નશીલ છે! આપણે મૃત્યુની પેલે પારના જીવન વીશે પણ ઘણી બધી દંતકથાઓ અને વાર્તાઓ અને વીચારો કરીએ છીએ. ઘણીવાર, મૃત્યુ પછીના અસ્તીત્વની કલ્પનાએ આ જીવનને સારા ગુણોથી ભરવામાં મદદ કરી છે. આજે, હું મૃત્યુ પછીના અસ્તીત્વને મારી દૃષ્ટીએ સમજાવવા પ્રયત્ન કરીશ. હું પણ કેમ બાકી રહું? :))

છેક પુરાતન કાળથી આપણે પુનર્જન્મ અને જીવનથી અલગ આત્માના અસ્તીત્વને સ્વીકારતાં આવ્યાં છીએ. આપણે આપણા હાલના જીવનમાં ઘટતી બીનાઓને પુર્વજ્ન્મનાં કર્મોનું ફળ માનીએ છીએ, અને હાલના જીવનના કર્મોનું ફળ આ જન્મમાં ના મળે તો નવા જન્મમાં મળે છે એવું માનીએ છીએ! આ છે કર્મનો સીધ્ધાંત, જેનું પ્રતીપાદન શ્રીકૃષ્ણએ ગીતામાં બહુ સચોટ રીતે કર્યું છે. આપણે જેમ રોજેરોજ કપડાં બદલીએ છીએ એ જ રીતે આત્મા પણ જુદાં - જુદાં શરીર બદલે છે અને પોતાનાં પ્રગતી-પથ પર ગતી કરતો અંતે પરબ્રહ્મમાં લીન થઈ જાય છે! આ બધી વીગતોની વ્યાપક ચર્ચા ફરી ક્યારેક કરીશું. આ લેખમાં માત્ર અને માત્ર મૃત્યુ અને નવા જન્મ વચ્ચેની સ્થીતીનો વીચાર કરીશું.

દરેક ધર્મમાં વત્તે-ઓછે અંશે મૃત્યુ પછી સ્વર્ગ કે નર્કની કલ્પના કરવામાં આવી છે. સમગ્ર સૃષ્ટીને માટે સારાં ગણવામાં આવેલાં કર્મો કરવાથી સ્વર્ગ મળે અને ખરાબ કર્મો કરવાથી નર્ક મળે! સ્વર્ગ કે નર્કમાં પણ અમુક સમય સુધી રહીને કર્મોનો ક્ષય થતાં ફરી પાછાં આ મઝાની પૃથ્વી ભેગાં!!! સ્વર્ગની અપેક્ષાએ તો સમાજનો મોટો ભાગ દુષ્કૃત્યો કરવાથી દુર રહે છે. (જો કે, ઓસામા બીન લાદેન જુદાં રસ્તે સ્વર્ગ મેળવવાની લાલચ આપે છે!)

હવે, જેનું મૃત્યુ થયું છે એ કદી પાછા આવીને કશું કહી શકતા નથી, અને અજાણ્યા આપણે તો માત્ર કલ્પના જ કરવી રહી.

પરંતુ, તાજેતરનાં ઈતીહાસમાં અમુક એવાં ઉદાહરણ જાણવા મળે છે કે, જેમણે મૃત્યુ પછી શું થાય છે એને હકીકતરુપે વર્ણવી છે. પરમહંસ યોગાનન્દનાં ગુરુ શ્રીયુક્તેશ્વર દેહત્યાગ પછી યોગાનન્દને મળે છે અને મૃત્યુ પછીની સ્થીતીનું વર્ણન કરે છે. જુઓ: http://www.crystalclarity.com/yogananda/chap43.html

હીન્દુ શાસ્ત્રો મુજબ, આપણાં ત્રણ પ્રકારનાં શરીર હોય છે: ભૌતીક શરીર (physical body), મનોમય શરીર (astral body), અને કારણ શરીર (causal body). અને, આ સર્વેથી પર હોય છે આત્મા - શુધ્ધ, સચ્ચીદાનન્દનો અંશ, પવીત્ર, શાશ્વત.

આપણાં માટે ભૌતીક શરીરનો નાશ એ મૃત્યુ છે. પણ મનોમય શરીર ભૌતીક શરીરના નાશ બાદ 12 દીવસ સુધી રહે છે (એટલે જ મૃત્યુ પછી બારમું-તેરમું વગેરે વીધી હોય છે). ત્યારબાદ, આત્મા મનોમય શરીરનો પણ ત્યાગ કરે છે, અને માત્ર કારણ શરીર રહે છે. મનોમય શરીર છોડતાં આત્માને કષ્ટ પડતું હોવાનું કહેવાય છે. માટે, જો કોઈ વ્યક્તી મૃત્યુ પામે તો એના સગાંવ્હાલાંઓએ માત્ર રડવાં કરતાં ભજન-પ્રાર્થના પર વધુ ધ્યાન આપવું જોઈએ અને તેની શાંતી માટે પ્રાર્થના કરવી જોઈએ. આ વખતે આત્માનાં એ જન્મનાં સંબંધો નાશ પામે છે. જો તેને આ સંબંધોનું ખેંચાણ રહે તો મનોમય શરીર સહેલાઈથી નહીં છોડી શકે!

(નોંધ: હું આવી બધી બાબતોમાં માનતો નહીં. પણ, પપ્પાના મૃત્યુ પછી જે અનુભવો થયા એ પરથી હું એ સ્વીકારતો થયો છું.)

કારણ શરીર આત્માને પાછલાં જન્મોનું જ્ઞાન કરાવે છે અને છેલ્લા જન્મનું સરવૈયું તૈયાર કરે છે. ત્યાર બાદ, તે આત્મા પછી નવો જન્મ કેવી રીતે લેવો, ક્યાં લેવો અને કેવો અનુભવ પ્રાપ્ત કરવો એ નક્કી કરે છે. અને, નવો જન્મ ધારણ કરે છે! અહીં ક્યાંય યમદુતો કે સ્વર્ગ-નર્ક કે ચઢતી-ઉતરતી યોનીનો કોઈ સવાલ જ નથી આવતો.

જે વ્યક્તી પોતાનાં દૈહીક જન્મમાં કર્મોનો ત્યાગ કરવામાં સફળ થઈ હોય, તેનું કારણ શરીર પણ નાશ પામતું હોય છે. માત્ર અને માત્ર આત્મા રહી જાય છે અને એ પરબ્રહ્મની જ્યોતીમાં વીલીન થઈ જાય છે.

શ્રીઅરવિન્દે "પુર્ણયોગની સમીક્ષા" પુસ્તીકામાં આ વાત લખી છે.

ઘણાં બધાં સાયકાયાટ્રીસ્ટે ડીપ-ટ્રાંસના પ્રયોગો કર્યાં છે અને પોતાનાં અનુભવોની નોંધ પણ પ્રગટ કરી છે. આવાં એક વૈજ્ઞાનીક - ડૉક્ટર છે, જોએલ વ્હીટન (Dr Joel Whitton). નેટ પર એમની ઘણીબધી નોંધ મળી આવશે. તેમણે દેશ-જાતી-ધર્મ-આયુષ્ય-પુનર્જન્મમાં માનતા/ના માનતા વેગેરે વીવીધતાં ધરાવતાં ઘણાં લોકો પર પ્રયોગો કર્યાં હતાં. તેમની અભ્યાસનોંધમાંથી કેટલાંક અવતરણો:

- જન્મ પહેલાંની અને મૃત્યુ પછીની સ્થીતીનું વર્ણન એકસરખું મળતું આવે છે.
- આત્મા એક ઘણી જ પ્રકાશીત જગ્યાએ પહોંચે છે. આ પ્રકાશ આંજી દેતો પણ સહેજે કષ્ટદાયક લાગતો નથી.
- એ જગ્યાએ તે આત્મા પોતાના પુર્વજન્મનાં ઘણાં સ્નેહીઓને ઓળખી પાડે છે. પછી, એ પુર્વજ્ન્મ કોઈ પ્રાણી કે વનસ્પતીનો ભલે હોય!
- આત્મા નવા જન્મનાં પૃથક્કરણ વખતે સ્ત્રી કે પુરુષ તરીકે અવતરવું એ નક્કી કરે છે. વળી, ક્યાં અને કેવો અનુભવ લેવો એ પણ નક્કી કરી લે છે. એક કીસ્સામાં એક સ્ત્રીએ વ્હીટનને એવું કહ્યું હતું કે, પોતાના પર 34 વર્ષની ઉમ્મરે બળાત્કાર થાય એ તેણે પહેલાંના જન્મોમાં બાકી રહી ગયેલા એક કર્મ સંબંધે નક્કી કર્યું હતું!
- જો આત્મા નક્કી કરેલી યોજના મુજબ અનુભવ મેળવી ના શકે તો નવા જન્મમાં એ માટેના સંજોગો ઉભાં કરે છે.
- આત્મા પૃથક્કરણ કરતી વખતે જાણે કોઈ અજાણી શક્તીના દોરીસંચારથી, પોતાની જાતે જ દુઃખ કે સુખનાં અનુભવો નક્કી કરે છે. દરેક ઘટનાનું સમ્પુર્ણ તટસ્થભાવે અવલોકન કરે છે.

હું પોતે માનું છું કે પ્રાણના મહાસાગરનાં એક નાના-શાં તરંગ આપણે, દરેક ઘટનાની પાછળ એક ચોક્કસ કારણને જાણવું જોઈએ. પોતાની જાતને કદી દુઃખી કે દુર્બળ માનવી ના જોઈએ. હમ્મેશાં સારાં કર્મો કરવાં અને બને ત્યાં સુધી કર્મફળનો ત્યાગ કરવો. જેમ, ખોટાં કર્મો આપણને બાન્ધે છે, એ જ રીતે સારાં કર્મો પણ આપણને બાન્ધે છે. શ્રીકૃષ્ણના કહ્યાં મુજબ આપણે દરેક પ્રકારનાં કર્મોના ફળને શ્રીના ચરણોમાં અર્પણ કરવાં જોઈએ. પછી, આ ચક્રમાં કેવી રીતે રહેવું અને એમાંથી ક્યારે બહાર આવવું એ બધી એની જવાબદારી થઈ પડે છે! મોરારીબાપુએ કહ્યું છે ને કે, જો ગમતું થાય તો હરીકૃપા, ગમતું ના થાય તો હરીઈચ્છા! કર્મ કર્યાં વગર તો આપણે રહી શકીએ એમ નથી, એટલે એનાં ફળનો ત્યાગ કરીએ.

જે ઘણાં ધાર્મીક લોકો બીવડાવે છે કે, ખોટાં કામ કરવાથી પશુયોનીમાં જન્મવું પડશે, એ લોકો કંઈક અંશે સાચું કહે છે. પણ, સાથે એ પણ સાચું છે કે, આ આત્મા પરબ્રહ્મનો અંશ છે અને તેની પોતાની પાસે જ પ્રગતીની ચાવી છે. જે અનુભવો આત્મા લેવા માંગે છે, એ તટસ્થભાવે અનુભવો અને આત્માને એટલો ઉચ્ચ આવૃત્તી પર લઈ જાઓ કે જેથી તે આ ચક્રનું આવરણ ભેદી શકે. એના માટે શુધ્ધ ભક્તી જેટલો સહેલો અને સચોટ ઉપાય નથી.

No comments: