Saturday, June 21, 2008

સતોડીયું

સતોડીયું - ચીરાગ પટેલ Jun 21, 2008

નાનપણમાં 'સતોડીયું' તો ઘણાં બધાં રમ્યાં હશે! સાત નાના ઠીકરાં એક પર એક મુકીને પછી આપણે બે ટીમ પાડીને દડાથી સતોડીયું તોડવાની રમત રમતાં હતાં. પ્રકૃતી પણ સતોડીયાનો ખેલ બહુ બધી રીતે રમી રહી છે. આજે, આપણે આ બાબતે થોડુંક અવલોકન કરીએ.

થોડી ગણીતની ગમ્મતથી શરુઆત કરીએ. અપુર્ણાંકની રીતે 1 ને 7 વડે ભાગો. શો જવાબ આવ્યો? 0.142857142857... હવે, 2 ને 7 વડે ભાગો તો! 0.285714285714... આ જ પ્રક્રીયા 3, 4, 5, 6 પર કરીએ તો શું જોવા મળે છે?

1 / 7 = 0.142857
2 / 7 = 0.285714
3 / 7 = 0.428571
4 / 7 = 0.571428
5 / 7 = 0.714285
6 / 7 = 0.857142

હવે, આ લીંક પરની આકૃતી જુઓ: http://en.wikipedia.org/wiki/Image:Enneagram.svg

અહીં એનીયાગ્રામ ( Enneagram ) માં 1 થી 9 સુધીના અંકોને એકસરખા ખુણે લખવામાં આવ્યાં છે અને એમાં 1, 4, 2, 8, 5, 7 એ ક્રમમાં જોડવાથી બનતો આકાર દર્શાવવામાં આવ્યો છે. શરુઆત જો 1થી કરો તો 1/7 નો જવાબ મળશે. શરુઆત જો 2થી કરો તો 2/7 નો જવાબ મળશે. એ જ પ્રમાણે, 4થી શરુઆત કરતાં 3/7 વગેરેનો જવાબ મળશે. બાકી રહેલાં 3, 6, અને 9 ને જોડતો ત્રીકોણ જુઓ. આ એનીયાગ્રામ એ સાત તત્વો કે સાત ચક્રોનું પ્રતીનીધીત્વ કરે છે. એને થોડા વીસ્તારથી સમજીએ.

[ ચક્ર == બીજ == સ્થાન == તત્વ] નો કોઠો:
મુળાધાર - લં - કરોડનો સહુથી નીચેનો છેડો - પૃથ્વી
સ્વાધીષ્ઠાન - વં - જનનાંગના છેડે - જળ
મણીપુર - રં - નાભી - અગ્ની
અનાહત - યં - છાતી મધ્યે - વાયુ
વીશુધ્ધ - હં - ગળાના છેડે - આકાશ -
આજ્ઞા - ૐ - ભ્રુકુટી મધ્યે - માનસ
સહસ્ત્રાર - ૐ - શીખામુળ - મહત

મન જ્યારે આ જુદા જુદા તત્વો/ચક્રોમાં ઉપર ઉઠે છે ત્યારે એને જુદા જુદા આધ્યાત્મીક અનુભવો થતાં હોય છે. આ ઉપરાંત, નાકની નીચે બ્રહ્મ ગ્રંથી, પેટની શરુઆતના ભાગે વીષ્ણુ ગ્રંથી, અને મુળાધાર-સ્વાધીષ્ઠાનની વચ્ચે રુદ્ર ગ્રંથી હોય છે. એમને અનુક્રમે ઐઁ, હ્રીઁ, ક્લીઁ એ બીજમંત્રોથી કાર્યરત કરવામાં આવે છે. આપણે આખો મંત્ર જોઈએ તો સહસ્ત્રાર - બ્રહ્મ ગ્રંથી - વીષ્ણુ ગ્રંથી - રુદ્ર ગ્રંથી - મુળાધાર - સ્વાધીષ્ઠાન - મણીપુર - અનાહત - વીશુધ્ધ - આજ્ઞા એ ક્રમમાં "ૐ ઐઁ હ્રીઁ ક્લીઁ લઁ વઁ રઁ યઁ હઁ ૐ" એવા જાપથી ધ્યાન કરવામાં આવે છે. મુળમંત્ર કે નવાર્ણ મંત્રમાં પણ આ જ તત્વો/ચક્રોનું નીરુપણ છે - "ૐ ઐઁ હ્રીઁ ક્લીઁ ચામુંડાયૈ વીચ્ચે" એ રીતે ધ્યાન કરવામાં આવે છે.

કુદરત પ્રકાશીય કે ક્વૉંટમ ઘટનાઓમાં પણ સાત રંગોની રંગોળી પુરે છે. મેઘધનુષ, પ્રીઝમ વગેરેમાં જામ્બલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી, રાતો રંગ દેખાય છે. ઈલેક્ટ્રોનની સ્પેક્ટ્રલ લાઈનમાં પણ આ સાત રંગોનાં જ સપનાં હોય છે! પૃથ્વી પર સાત ખંડ (એશીયા, આફ્રીકા, યુરોપ, ઉત્તર અમેરીકા, દક્ષીણ અમેરીકા, ઑસ્ટ્રેલીયા, એંટાર્કટીકા), જ્યોતીષમાં મુખ્ય સાત ગ્રહો, વગેરેમાં પણ સાતનું જ સામ્રાજ્ય છે. અઠવાડીયાના વાર પણ સાત (રવી, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શની) છે. (આપની જાણ ખાતર, મારો જન્મ પણ 7મી જાન્યુઆરી છે, એટલે મને 7 પ્રત્યે વીશેષ અનુરાગ હોવો વ્યાજબી છે ને...)

No comments: