Monday, February 25, 2008

કમ્પ્યુટર મોનીટર

કમ્પ્યુટર મોનીટર - ચીરાગ પટેલ Feb 25, 2008

કમ્પ્યુટર શબ્દ બોલાય એટલે તરત જ આપણા મગજમાં એના મોનીટર (monitor) કે ડીસ્પ્લે ટેર્મીનલ (display terminal) નજર સમક્ષ આવે. (આવે જ ને ભાઈ, સુન્દર મુખડું કોને ના ગમે?) મોનીટરમાં પણ પ્રોસેસરની માફક કેટલાંય પરીવર્તન આવી ગયા છે. પહેલાં તો ભારેખમ પીક્ચર ટ્યુબ (picture tube) કે સી.આર.ટી.(CRT - cathode ray tube) મોનીટર ને સમ્ભાળવા પડતાં હતાં. હવે, સ્લીક અને સેક્સી એલ.સી.ડી. (LCD - liquid crystal display) કે પ્લાઝ્મા (plasma) મોનીટર આવી ગયા છે. (હીન્દી ફીલમની માફક જ સ્તો વળી... હવેની બધી હીરોઈન સ્લીમ-ટ્રીમ જ હોય છે ને...) બે વર્શ રાહ જુઓ, પછી તો પાતળી પદમણી જેવાં ઓલેડ (OLED - organic light emitting diode) ડીસ્પ્લે આવી જશે.

સી.આર.ટી. વધારે પાવર ખાતાં હતાં (તો જ તોસ્તાન બને...), એલ.સી.ડી. એ બાબતે હમ્મેશાં ડાયેટીંગ કરતાં હોય છે. વળી, એટલે જ, CRTથી સલામત અંતર રાખીને કામ કરવું સલાહભર્યું હતું ક, જેથી આંખોને વધુ નુકશાન ના થાય (એ તો LCD હશે તો પણ થશે જ, કારણ, લોકો એની સાથે વધારે સમય પસાર કરવા ઈચ્છશે!!!). ઘણી બધી બાબતોમાં દરેક પ્રકારનાં ડીસ્પ્લેમાં ફેર હોય છે.

કોંટ્રાસ્ટ રેશીયો (contrast ratio) - સહુથી પ્રકાશીત ટપકું (સફેદ) અને સહુથી ઘેરું ટપકું (કાળું) વચ્ચે પ્રતીદીપ્તી (લ્યુમીનંસ- luminance) ની સરખામણી. LCDમાં આ રેશીયો ઘણો ઓછો હોય છે. જો કે, સેમસંગના LCD મોનીટરનો રેશીયો ઘણો સારો હોય છે.

રીફ્રેશ રેઈટ (refresh rate) - એક વાર સ્ક્રીન રચવામાં લાગતો સમય. આ બાબતે પણ CRT ઘણાં સારા હોય છે. સેમસંગ (samsung) કે એલ.જી. (LG) LCD નો રીફ્રેશ રેઈટ પ્રમાણમાં ઘણો સારો હોય છે. (જો જો ભાઈ, હું સેમસંગ કે એલ.જી.ના માર્કેટીંગ માટે કામ નથી કરતો...)

અસ્પેક્ટ રેશીયો (aspect ratio) - હોરીઝોંટલ (horizontal) અને વર્ટીકલ (verticle) માપનું પ્રમાણ. અત્યાર સુધી 4:3 ના મોનીટર આવતાં હતાં, હવે 16:9 જેને વાઈડ સ્ક્રીન (wide screen) કહે છે, એવાં મોનીટર મળે છે. ધારો કે 1024 પીક્સેલ (pixel) અર્થાત ટપકાં જેટલી પહોળાઈ ધરાવતાં મોનીટરનો અસ્પેક્ટ રેશીયો જો 4:3 હોય તો,
એની ઉંચાઈ 768 પીક્સેલ હશે, જ્યારે 16:9 વાળા મોનીટરની ઉંચાઈ 576 પીક્સેલ હશે.

રીઝોલ્યુશન (resolution) - મોનીટરમાં કેટલાં પીક્સેલ છે એનું માપ. જેમ કે, 1024 x 768 વગેરે. વધુ માહીતી માટે આ લીંક જુઓ: http://en.wikipedia.org/wiki/Display_resolution

હવે તો, LCD કે પ્લાઝ્મા ટીવીનો પણ કમ્પ્યુટર સ્ક્રીન તરીકે ઉપયોગ કરી શકાય છે. આ માટે, જે તે ટીવીમાં વી.જી.એ. કનેક્ટર (VGA - video graphics adapter) હોય છે. તો સામે, કમ્પ્યુટરમાં પણ ટીવી ટ્યુનર (TV tuner) કાર્ડ નાંખીને, કેબલ લગાડી શકાય છે અને ટીવીની માફક જ ચેનલ નીહાળી શકાય છે.

પીક્સેલ રચવા માટે CRT લાલ-લીલો-ભુરો (RGB) રંગનાં કીરણો મીશ્રીત કરીને જે તે રંગ નીપજાવે છે. જ્યારે, LCDમાં પીક્સેલને ઈલેક્ટ્રીકલ સીગ્નલ આપવામાં આવે છે અને એ પીક્સેલ જે તે રંગ ધારણ કરે છે. (માણસને રંગ બદલવા માટે બહારનાં કોઈ સીગ્નલની આવશ્યક્તા હોતી નથી.)

એકથી વધુ મોનીટરને એક કમ્પ્યુટર સાથે પણ જોડી શકાય છે, અને જો સોફ્ટવેર કે ડ્રાયવર એ પ્રમાણે હોય તો દરેક મોનીટરમાં દેખાતાં દ્રશ્યને વહેંચી શકાય છે.

કમ્પ્યુટર કે લેપટોપમાં ઘણી વાર S-Video કનેક્ટર હોય છે, જેનાથી ટીવી પર કમ્પ્યુટરનો આઉટપુટ આપી શકાય, પરંતુ ટીવીમાં જો VGA કનેક્ટર હોય તો એ વાપરવું હીતાવહ છે. એનાથી દ્રશ્ય વધારે સારું દેખાશે.

No comments: