Monday, December 24, 2007

લાજો મનુષ્ય

લાજો મનુષ્ય - બંસીધર પટેલ Apr 02, 1994

કાળનું વહેણ પલટાઈ રહ્યું, કે વખના વાયરા વાઈ રહ્યા.
વળી રહ્યું છે મીંડું કે સંસ્કાર સઘળા ધીમેથી લોપાઈ રહ્યા.
દુર-દર્શન હોય કે રેડીયો, સીનેમા; અશ્લીલતા ખુલ્લી નાચી રહી.
કુમળા બાળ-માનસ મુરઝાઈ રહ્યા, વડીલોના વાંકે શોષાઈ રહ્યા.

ભણતર બન્યું છે બદતર કે દફતરનું વહન વધી રહ્યું.
ગણતર વીનાનું ચણતર, પાયો કાચોકચ પડી રહ્યો.
થાશે શું આ સૃષ્ટીનું, મન મારું વીહ્વળ થઈ રહ્યું.
ના સુણે કોઈ કોઈનું, પ્રેમ-સ્નેહ-સગાઈ ફેંકાઈ રહી.

નારીના દેહતણું થાય છે લીલામ ખુલ્લા બજારમાં.
નીચી મુંડીએ નીરખી રહ્યા સહુ બનીને ભીષ્મ પીતામહ.
ખેંચાય છે વસ્ત્ર સચ્ચાઈના, નથી પડી કોઈ કોઈની સ્વાર્થમાં.
ભ્રષ્ટાચાર પથરાઈ ગયો, આચાર-વીચાર ગયા મહાસાગરમાં.

વીશ્વની જનેતા નાખે નીઃસાસા, નથી કોઈ તારણહાર.
કુદકે ને ભુસકે વધતી વસતી, ભાર ભોમનો અતી મારણહાર.
ભણેલા-અભણ સહુ વરતી રહ્યા, ગળાકાપ હરીફાઈ થકી.
ના રહેશે કોઈ કોઈનું ભલા, પ્રલય પણ થરથર કંપી રહ્યો.

બનીને રાંક ઓ મનુના વંશજ, શાને હરખાઈ રહ્યો?
રાંડ્યા પછીનું ડહાપણ તારું, ના લાગશે લગીરે કામ અહી.
ચેતી જા ભલા, પામર, દુષ્ટ માનવી, શરમાઈ રહી તારી ભોમકા.
પ્રભુ પણ પછતાઈ રહ્યો તારા થકી, ઓ વાનરના વંશજ આદી.

ઉગે છે સુર્ય પુર્વમાં, લઈને નવી ક્ષીતીજ પ્રકાશની.
લઈને કંઈક શીખ, ઓ મુરખ મનવા, મુક તમા જગતની.
રાત્રી-દીન, સવાર-સાંજ બસ ધારણા એક ઈશ્વરની.
ઉગારજો આ મનખ જનાવરને, કરીને માફ સર્વે થાયે ભલો.

No comments: