Sunday, September 30, 2007

મહિમા તારો - બંસીધર પટેલ

મહિમા તારો - બંસીધર પટેલ

દળે છે ખૂબ ઝીણું વ્હાલા, તારી ઘંટીનાં કરૂં શું વખાણ?
નથી લગારે અવાજ તારી લાકડીનો, છતાં મારે ધાર્યું નિશાન.
પંખીડાને શીખવ્યું ઉડતાં, બે પંખ પસારી દૂર ગગનમાં;
માણસને શીખવી સભ્યતા, સંસ્કાર તણા સિંચન થકી.

નદી, પર્વત, સાગર, સર્વ કાંઈ તારો મહિમા જ છે;
ઘેઘૂર વડલાં, ખૂબ લચેલી લતાઓ, તારા જ સંતાન છે.
ગગનમાં ઉગતા તારલાં, ચંદ્ર કે સૂરજ, તારાં મર્મસ્થાન છે;
પાતાળમાં ભરેલું મીઠું જળ, તારા સ્નેહનું કારણ છે.

સકળ જીવ સૃષ્ટિ, એ તારું સર્જન નિઃશંક છે;
નથી અર્થ વગરનું લગારે, સર્વ કાંઈ તારી માયા છે.
પ્રભુતા વિસ્તરેલી સર્વત્ર, નજરો મારી ઢળી પડે છે;
શું કરું હું તારા વખાણ, આ જીહ્વા પણ તારી દેન છે.

નથી સમય કોઈને, છતાં તું ના રિસાયો કદી;
આભાર-ધુત્કાર સર્વ કાંઈ, સહવાની તારી ટેવ છે.
શિક્ષા દેતો તે પણ કેવી, પંપાળી, મીઠાશનો રસ છે;
માવતર કમાવતર ના થાય કદી, એ કહેવત તને ખૂબ યાદ છે.

ભીંજાયેલા રૂદિયે કરૂં હું વિનતી તુજને ભોળિયા;
ભુલો પડ કદીક આ ભોમમાં, તારા નામની ખૂબ રટ છે.
જોતો ખરો તારી રચનાને, તું ખુશ છે કે નાખુશ ભલા;
આવશે હાસ્ય તુજને, તારી સૃષ્ટિના શું બેહાલ છે!

No comments: