Saturday, September 08, 2007

સરળ રાજયોગ 1

સરળ રાજયોગ 1 - ચીરાગ પટેલ Sep 08, 2007

ઘણાં વખતથી મારે રાજયોગ વીશે લખવું હતું, પરંતુ યોગ્ય સમયની રાહ જોતો હતો. અને ગઈકાલે જ સુરેશદાદાની એ વીશેની પૃચ્છાએ આ લેખ લખવા મને ઇંધણ પુરું પાડ્યું.

ઋષી પતંજલીએ આજથી લગભગ 2500 વર્ષ પહેલાં 'યોગસુત્ર' લખ્યાં છે, જેમાં રાજયોગનાં સીધ્ધાંતો પ્રતીપાદીત કરવામાં આવ્યાં છે. શ્વેતાશ્વતર ઉપનીષદમાં પણ સમાધી, કૈવલ્યપદ વગેરેની સુક્ષ્મ સમજુતી આપવામાં આવી છે. સ્વામી વીવેકાનંદે એમનાં 'રાજયોગ' પુસ્તકમાં દરેક સીધ્ધાંતોની વીસ્તૃત ચર્ચા કરી છે. અહીં હું એમના પુસ્તકનો આધાર લઈને સરળ રાજયોગની પધ્ધતી જણાવું છું. સાથે, મારા પોતાના અનુભવો પણ વર્ણવીશ.

રાજયોગ દ્વૈત અથવા અદ્વૈત બન્નેનાં અંતીમ ધ્યેયને પ્રાપ્ત કરવાનાં ઘણાં સાધનોમાંનો એક છે. ભક્તી, સંન્યાસ, કર્મ વગેરે અનેક જુદાં જુદાં રસ્તાઓ અંતે તો એક જ બની જાય છે. શરુઆતમાં દરેક રસ્તા અલગ અલગ જણાય છે, પરંતુ એકનું ચુસ્ત પાલન આપોઆપ અંતે તો એક જ સામાન્ય માર્ગે દોરી જાય છે.

રાજયોગનાં આઠ પગથીયાં:

1. યમ:
જેમાં સત્ય - હકીકત જેવી છે તેવી જણાવવી, અહીંસા - કોઇ પણ પદાર્થ/જીવને હાની ના પહોંચાડવી, અસ્તેય - કોઇની વસ્તુ પડાવી ના લેવી, અપરીગ્રહ - ગમે તે સંજોગોમાં કોઇની પાસેથી દાન ના લેવું, બ્રહ્મચર્ય - ઇંદ્રીયોનો સંયમ (દમન નહીં) જેવાં પાંચ કર્મ આધારીત પદ છે. દરેક પદ વીશે ઘણું લખી શકાય તેમ છે, પરંતું અંતે તો એ જે તે પાલનકર્તાની વીવેકબુધ્ધી અને સામાજીક નીયમો પર આધારીત છે. અહીંસામાં દ્રઢ થવાથી વૈરભાવ નીકળી જાય છે. સત્યમાં પ્રતીષ્ઠીત થવાથી કર્મો કર્યા વીના કર્મોનું ફળ પ્રાપ્ત થાય છે. અસ્તેયમાં દ્રઢ થવાથી સર્વ રત્નો પ્રાપ્ત થાય છે. બ્રહ્મચર્યમાં સ્થીર થવાથી શક્તી મળે છે. અપરીગ્રહમાં દ્રઢ થવાથી પાછલા જન્મોની સ્મૃતી થાય છે.

2. નીયમ:
જેમાં તપ - શારીરીક કષ્ટ સહન કરવાં, સ્વાધ્યાય - સતત શાબ્દીક/અર્ધશાબ્દીક/માનસીક જપ, શૌચ - બાહ્ય (શારીરીક) અને આંતરીક (માનસીક) શુધ્ધી, સંતોષ - હકીકત જેવી છે તેવી સ્વીકારવી, ઇશ્વર પ્રણીધાન - ભજન, કીર્તન, પ્રાર્થના, પુજા, અર્ચના; એમ પાંચ પદ છે. ફરીથી, આ દરેક પાલનકર્તાની વીવેકબુધ્ધી, સામાજીક નીયમો અને દેશ-કાળ પર આધાર રાખે છે. તપ વડે શરીર અને ઈંદ્રીયોની સીધ્ધીઓ આવે છે. શૌચથી ચીત્તની શુધ્ધી, પ્રસન્નતા, એકાગ્રતા, ઈન્દ્રીયજય અને આત્મદર્શનની યોગ્યતા આવે છે. સંતોષથી સર્વોત્તમ સુખ પ્રાપ્ત થાય છે. સ્વાધ્યાય વડે ઈષ્ટદેવનો સાક્ષાત્કાર થાય છે. ઈશ્વર પ્રણીધાનથી સમાધી પ્રાપ્ત થાય છે.

3. આસન:
ગરદન, માથું, કરોડ ટટ્ટાર રાખીને એક સ્થીતીમાં લાંબા સમય સુધી બેસવું. દરેકને પોતાની પ્રકૃતી પ્રમાણે પદ્માસન, સુખાસન, સીધ્ધાસન, મુળબંધનાસન, વજ્રાસન વગેરે આસનોમાંથી એક અનુકુળ આવી શકે છે. આસનથી દ્વંદ્વોની અસર નાબુદ થાય છે.

4. પ્રાણાયામ:
આપણે ત્રણ નાડીઓ દ્વારા શ્વાસ લઇએ છીએ: ઇડા (સુર્ય, ડાબી), પીંગળા (ચંદ્ર, જમણી), સુશુમ્ણા (મધ્ય). વારાફરતી દરેક નાડી દ્વારા શ્વાસોચ્છવાસની પ્રક્રીયા ચાલતી રહે છે. શ્વાસ અંદર લેવાની પ્રક્રીયાને પુરક કહે છે. શ્વાસ શરીરની બહાર કાઢવાની પ્રક્રીયાને રેચક કહે છે. શ્વાસને શરીરની અંદર રોકવાની પ્રક્રીયાને આંતરીક કુંભક કહે છે, અને શ્વાસને શરીરની બહાર રોકવાની પ્રક્રીયાને બાહ્ય કુંભક કહે છે. પ્રાણાયામ જો માનસીક મંત્રજાપ સાથે કરવામાં આવે તો તેને 'સગર્ભ' પ્રાણાયામ કહે છે, મંત્રજાપ વગરનાં પ્રાણાયામને 'અગર્ભ' પ્રાણાયામ કહે છે. પ્રાણાયામ કરતાં પહેલાં નાડીશુધ્ધી કરવી જરુરી છે. અને 'સગર્ભ' પ્રાણાયામ કફ વગેરે દુર કરવામાં સહાયભુત થાય છે. પ્રાણાયામથી મન ધારણા માટે યોગ્ય બને છે.

5. પ્રત્યાહાર:
ઇંદ્રીયોનો પોતાના વીષયોનો ત્યાગ અને તેમને મનની અંદર વાળવાની ક્રીયા. ધ્યાનની સાધનામાં પ્રથમ પગથીયું છે. તેનાથી ઈન્દ્રીયો પર કાબુ આવે છે.

6. ધારણા:
12 સેકંડ સુધી કોઇ એક લક્ષ્ય પર મન એકાગ્ર થાય તો તેને ધારણા કહે છે.

7. ધ્યાન:
3 મીનીટ સુધીની મનની એકાગ્રતા એટલે ધ્યાન.

8. સમાધી:
30 મીનીટ સુધીની મનની એકાગ્રતા સમાધી છે. સમાધીના ઘણાં બધાં પ્રકાર છે.

ચુંટેલા વાક્યો: ---------------------------------------

- ધર્મ પ્રાચીન કાળના અનુભવો પર રચાયેલો છે એટલું જ નહીં, પણ જ્યાં સુધી એ અનુભવોને પોતે પ્રાપ્ત કરે નહીં ત્યાં સુધી કોઈ પણ માણસ ધાર્મીક થઈ શકે નહીં.

- યોગ્ય પૃથક્કરણ વીના કોઈ પણ વીજ્ઞાન નકામું નીવડવાનું - એ માત્ર સીધ્ધાંતનીરુપણ જ રહેવાનું.

- સઘળાં દુ:ખનું મુળ છે ભય, અતૃપ્ત વાસના.

- રાજયોગના સઘળા ઉપદેશોનું ધ્યેય એ છે કે મનને કેવી રીતે એકાગ્ર કરવું, ત્યાર પછી આપણા પોતાના મનનાં ઊંડામાં ઊંડા રહસ્યોને કેવી રીતે શોધી કાઢવાં, ત્યાર પછી તે બધા વીષયો પરથી સામાન્ય નીયમો કેવી રીતે તારવવા; અને તેમના પરથી આપણા પોતાના નીર્ણયો કેવી રીતે બાંધવા.

ધર્મના ક્ષેત્રમાં પણ જે કંઈ તમને નબળા બનાવે તે બધાનો ત્યાગ કરો, તેની સાથે કશો સંબંધ ન રાખો. રહસ્યમયતાનો શોખ મનુષ્યના મગજને નબળું બનાવે છે. યોગવીદ્યા કે જે એક ભવ્ય વીજ્ઞાન છે, તેનો રહસ્યમયતાએ લગભગ નાશ કરી નાંખ્યો છે.

- બધી સાધનાઓનો હેતુ, અંતીમ ધ્યેય તો આત્માની મુક્તી છે. પ્રકૃતી પર સંપુર્ણ કાબુ, અને એથી ઓછું જરાય નહીં, એ ધ્યેય હોવું જોઈએ.

- મધ્યમ વર્ગના મનુષ્યોમાંથી જ દુનીયાના મહાન પુરુષો આવે છે.

- જ્યારે યોગી પુર્ણ બને છે ત્યારે કુદરતમાં એવું કંઈ જ નથી રહેતું કે જે તેના કાબુ નીચે ન આવે.

- પ્રાણાયામ એટલે શ્વાસ લેવાની ક્રીયા નહીં, પણ ફેફસાંને ચલાવનારી માંસપેશીની શક્તી પર કાબુ મેળવવો.

- કુદરતને પોતાને પ્રચંડ પ્રવાહોને મોકલવા કોઈ તારની જરુર નથી પડતી. તાર વીના ચલાવી શકવાની આપણી અશક્તી જ તાર વાપરવાની આપણને ફરજ પાડે છે.

- અજ્ઞાન અને સંપુર્ણ જ્ઞાન બન્નેમાં જ્ઞાતાની સ્થીતી સરખી જ હોય છે, પરંતુ એ બન્ને અવસ્થામાં ઘણો ઘણો ફેર છે.

- ઈશ્વર ગુરુઓનો પણ ગુરુ છે અને ૐ તેનો બોધક શબ્દ છે.

- નવા વીચારો અને નવી ઘટના મગજમાં નવા ચીલા પાડે છે, તેને ખળભળાવી મુકે છે; અને મન એને સ્વીકારવાની ના પાડે છે.

- યોગની સચ્ચાઈ વીશે શંકાશીલ હોય તે થોડા અભ્યાસ પછી અનુભવે તેની શંકાઓ મટી જશે.

- તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણીધાનને 'ક્રીયાયોગ' કહે છે.

- ધારણા, ધ્યાન અને સમાધી એક જ વસ્તુ પર કરવામાં આવે, ત્યારે તેને 'સંયમ' કહે છે.

ધ્યાનના પ્રકારો: -------------------------------------

- ભ્રુકુટી મધ્યે આજ્ઞાચક્રમાં

- હ્રદયની કમળરુપે કલ્પના કરો અને ધ્યાન કરો

- મનને હજાર પાંખડીનું કમળ ધારી એનું ધ્યાન

- હ્રદયમાં જ્યોતીરુપે આત્મા અને તેની મધ્યે પરમ જ્યોતી ધારીને ધ્યાન કરો

- કોઈ પણ પરમાણુથી માંડી પરમ મહત સુધી મનગમતી અને પવીત્ર વસ્તુ પ્રત્યે ધ્યાન કરો

જાપ અને પ્રાણાયામમાં સહાયભુત મંત્રો: ----------------------------

1. ૐ

2. સોડ્મ

3. ૐ તત સત ૐ

4. ૐ ઐં હ્રીં ક્લીં સૌં શ્રીં ૐ

No comments: