Sunday, December 10, 2006

પરમહંસ શ્રી રામ્કૃશ્ણ બાવની - પદ્મા ત્રિવેદી

પરમહંસ શ્રી રામ્કૃશ્ણ બાવની - પદ્મા ત્રિવેદી

જય ભારત ભૂમિનો ભાર, ઉતારવા પ્રગટ્યા ભગવાન!
રામકૃશ્ણ ગુરુ કૃપાનિધાન, તુ જ એક જગમાં પ્રતિપાળ,
રામચંદ્ર તુ જ તાત સ્વરૂપ, ચન્દ્રાદેવી મા બહુરૂપ.

કામારપુકુરમાં પ્રગટ થયા, ચમત્કાર તુ જ સાથ રહ્યા,
અવતરતાં ઘસી ભસ્મ તને, દર્શનથી ધની ધન્ય બને,
પાંચ વર્ષના બાળ ગોપાળ, ધ્યાનમાં દેવી દર્શન થાય.

અંતરમાં ગંગા પ્રગટી, જ્ઞાન ભક્તિ વૈરાગ્ય તણી,
પોથીને થોથાં માન્યાં, ગંગાજળમાં પધરાવ્યાં,
કલકત્તા રૂડું છે ગામ, દક્ષિણેશ્વર પુનિત ધામ.

દક્ષિણેશ્વર આવ્યા નાથ, કાલિને માન્યાં છે માત,
જગવી પંચવટીમાં અલખ, કણ કણ વ્યાપી રહ્યાં અપલક,
નિશદિન ગંગા-જમના ધાર, કાલિ વિરહે વહેતી આંખ.

કઠિન સાધના કરતાં રાજ, રાત દિવસ ના રહેતું ભાન,
માત શારદાનો સ્વીકાર, કાલિ સ્વરૂપે અંતર માંહ્ય,
સાથ શારદા માત રહ્યાં, ઠાકુર કેરાં સ્વપ્ન ફળ્યાં.

પ્રેમ ત્યાગના વારિ જેમ, મેંહકી જીવન ક્યારી તેમ,
અનેક સાધી સાધના ત્યાં, બ્રહ્માણી ગુરુ માન્યાં મા,
દ્વિરંગી ફૂલ એક જ ડાળ ઉગાડી, કીધો એ ચમત્કાર.

સંગ્રહણીનો રોગ અપાર, જગદંબાનો કીધો સાર,
આવ્યાં પોથી પંડિત સાથ, વાદવિવાદે કરવા વાત,
કેવળ લઇ કાલિ આધાર, જીત સદા ભક્તોની થાય.

રાધા ભાવે કૃષ્ણ ભજ્યા, ચમત્કાર કંઇ અનેક થયા,
વિશાળ સ્તને ખૂન વહ્યાં, વૈજ્ઞાનિક સહુ ચકિત થયા,
દ્રુમે દ્રુમે કૂદતાં જાય, રામ રામ કરી દર્શન થાય.

ઉગી પૂચ્છ બની હનુમાન, રામ સીતાને પ્રણામ વાર,
જઇ મસ્જિદે અલ્લા બાંગ, દિદાર કરતાં મહમદના જ,
ઇશુ ખ્રિસ્તનાં દર્શન થાય, ભક્ત ભાવના પૂર્ણ જ થાય.

કાલિ કાલિ રટતાં જાય, ભેદ ભરમનાં તૂટતાં જાય,
રામકૃષ્ણ રૂપે તે એમ, લીલાઓ કંઇ કીધી તેમ,
શ્રીરામકૃષ્ણ ગુરુ નામ જપાય, ત્રિતાપમાંથી ઊગરી જવાય.

આધિ વ્યાધિ ઉપાધિ સર્વ, ભગાડીને ઉજવી દે પર્વ,
ઋષિમુનિ ધરે તારું ધ્યાન, નાનાં મોટાં કરે પ્રણામ,
નિરાકાર દિક્ષા પામ્યા, તોતાપુરી આનંદ વાધ્યા.

ગુરુશિષ્યનો કેવો સાથ, ગુરુ કરતાં ચેલો હાથ,
અનુગ્રહે તવ શિષ્યો અનેક, વિવેકાનંદ નિરંજન એ જ,
દેશવિદેશે ધર્મ પ્રચાર, નામ ઉજાળ્યાં ગુરુનાં કાજ.

વિરાટ રૂપે પ્રગટ થયા, ચિન્મય રૂપે વ્યાપિ રહ્યા,
સંતોષ્યા નિજ ભક્ત સુજાત, આપી પરચાઓ સાક્ષાત,
બ્રહ્મા-વિષ્ણુ-શિવ અવતાર, શરણાગતનો તારણહાર.

એવી તારી કૃપા અગાધ, સુણી લે જે મારો સાદ,
કાલોઘેલો ભક્ત સુજાત, આવ્યો શરણે બાળ અજાણ,
કીધો આજે કેમ વિલંબ, તું જ વિણ મુજને ના આલંબ.

તું જ રામ ને કૃષ્ણ ગોપાળ, ગ્રંથ પંથના છોડ્યા સાથ,
દેહધરી દેહાતીત થઇ, જ્ઞાનની ગંગા વહેતી ગઇ,
તૃષાતુર સૌ તૃપ્ત થયાં, અંતરનાં સૌ ભાવ ખિલ્યા.

જાતભાતની તને ન ચીડ, ભાંગે સૌ ભક્તોની ભીડ,
રિધ્ધિસિધ્ધિ દાસી થઇ, વંદન કરતાં ઉભી રહી,
બાવન ગુરુવારે જીત નેમ, પાઠ કરે બાવન સપ્રેમ.

સુધરે તેનાં બંને લોક, મુક્તિ મળે ન રહેતો શોક,
શ્રીરામકૃષ્ણ ગુરુ મારા, સરસિજને કરજો ન્યારા,
સકળ જગતનાં સ્વામીનાથ, વંદન તમને વારંવાર.
------------------------------------------------------------
આ બાવની “ધર્મસંદેશ” સામયિકના તા. 15 સપ્ટેમ્બર 1986 નો રોજ પ્રગટ થયેલ અંકમાં પ્રસિધ્ધ થઇ હતી.

No comments: