રહસ્ય - બંસીધર પટેલ
પુષ્પકની પાંખે પ્રસારી ઉડું હું ઉંચા આકાશે,
નિરખું બ્રહ્માંડનાં રહસ્યો, સૂરજમંડળનાં અંગઉપાંગો.
ભાસે છે વિશાળ વિશ્વ ધવલગંગાની કટીમેખલામાં,
જલ, સ્થળ, ઉદધિ, મહાસાગર, દિસે એક ઉચ્છ્રુંગલ એકાકાર.
ના ભાસે કોઇ ધરમ, મરમ, જાતિ, વિજાતિ કે ઉપજાતિ,
એક સંસાર, એક સાગર, એક સરીતા, ઐક્ય એવું અદીઠ.
એકમાં અનેક, અંતમાં અનંત, ના મનનાં ઉતાર ચઢાણ કહીં,
ઉંચા ઉંચા પર્વતો પણ નમી ગયા, સમાઇ ગયા જાણે સાગર મહીં.
વાણી જ્યાં સ્થંભન પામે, સકળ સૃષ્ટિતણાં અકળ મૌનમાં,
હ્રદયતણાં તાર ઝણઝણે, એવું અગોચર સૂરસંગમ.
મન મરકટ કરી બંધ બધા તરખટ શાંત નિરવ એકાગ્ર બને,
નિતાંત અંધકાર મહીં ભાસે ઉર મહીં અદીઠ ઉજાસ અતિ.
હતું સપનું કે સચ્ચાઇ તણું દ્રશ્ય? પળમાં શુંનું શું થઇ ગયું,
મન તોખાર હણહણે, અદીઠ ભોમકાને પામ્યા વળી વળી.
પ્રગાધ શાંત, શૂન્યમનસ્ક, એ અકલ્પ્ય અવસર લાધે પુનઃપુનઃ.,
કરું હું વિભુને પ્રાર્થના, મળે ફરી વિભાવના એ સફરતણી.
No comments:
Post a Comment