Saturday, August 12, 2006

પ્રેમ પદારથ - બંસીભાઇ પટેલ

પ્રેમ પદારથ - બંસીભાઇ પટેલ

પ્રેમ શબ્દ એટલો તો ચલણી બની ગયો છે કે એની કિંમત ચવાણું ખાઇને ફેંકી દીધેલા ચીકણા પસ્તીના કાગળ જેટલી પણ નથી રહી. અર્થશાસ્ત્રની ભાષામાં જેનો ઉપયોગ વધે તેની કિંમત પણ વધતી જાય. પણ પ્રેમ જેવા ભાવનાના જળમાં નહાઇને આવતા શબ્દ માટે એથી સાવ ઉલટું છે. હાલતાં-ચાલતાં ને સહેજ આંખ મળતાં પ્રેમ થઇ જાય ને તરત જ યુવાન ફિલ્મી જબાનમાં એકરાર કરી દે “આઇ લવ યુ”. આવું થાય ત્યારે ખુદ પ્રેમનો અઢી અક્ષરી શબ્દ પણ ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડતો હશે. ભાવનાનો પાકો રંગ જામતાં ખૂબ વાર લાગે છે. સમય એને ઊંડાણ આપે છે. પ્રેમ તાત્કાલીક જવાબ આપતો નથી. દૂરના ભવિષ્યમાં તેની અસર પડે છે, તે ખૂબ ગાઢ અને ઊંડી હોય છે. ફિલમીયો પ્રેમ માત્ર સંવાદનો એક નાનકડો ટૂકડો જ છે. તારીખીયા તો ફાટતા પતાકડાની જેમ તેનું આયુષ્ય કલાકો કે મિનીટોમાં ગણાય છે. ફલાણી યુવતી સાથે મારે પ્રેમ થઇ ગયો છે, એવી જાહેરાત જ્યારે યુવાન કરે ત્યારે એ કાંઇ ભયંકર છેતરપિંડી કરી રહ્યો છે. એવી બૂમ સાંભળનારને આવ્યા વગર રહેતી નથી. અને એકાદ એવી મનચલી યુવતી એનો સ્વીકાર કરે તો પણ વચ્ચેનું પ્રેમ-સંધાન કશાક કાવતરાની દહેશત સાથે જુએ છે.

આવો પ્રેમ એક આકસ્મિક ગોઠવણ હોય છે. અમરતાનું વરદાન પામેલું ચિરંજીવ અમૃત નહિ. ગીતોની કડીના ગુંજનમાં છીછરા પાત્રોની શબ્દજાળમાં , દેહસ્પર્શના સુંવાળા ગલગલિયામાં કે રસ્તે ચાલતાં વાગતી સીટીઓમાં થોડી વાર માટે ખોવાઇ જઇને જીંદગીનું છીછરાપણું છતું કરે છે.

“નહિ પરણું, નહિ પરણું, નહિ પરણું. પપ્પા કહેશે એને કદી નહિ પરણું. મારા પ્રેમ પર તને વિશ્વાસ નથી? આપઘાત કરીશ, ઝેર ઘોળીશ, કૂવો-હવાડો પૂરીશ. પણ તારા સિવાય બીજા કોઇ સાથે લગ્ન નહિ કરું.” એક યુવતિ પોતાના યુવાન પ્રેમી સમક્ષ ઘુઘવાટા મારતા શબ્દોમાં ખાતરી આપે છે ને ફરી થી કહે છે, “ચાલ નાસ્તો કરાવી દે. કેંટીનના એકાદ છાનાં ખૂણામાં કે થિયેટરનાં અંધારામાં પ્રેમનો નકાબી ચહેરો મીઠું-મીઠું મલકે છે ને મૂંછમાં હસે છે. નાસ્તાના બિલમાં કે સિનેમાની ટીકીટોમાં પ્રેમ મરકલડાં લે છે , ને પછી ટિકીટ ફાટી જાય છે, બિલ કચરાની ટોપલીમાં ફેંકાઇ જાય છે. પ્રેમ પણ ફાટીને ટૂકડે-ટૂકડાં થઇ જાય છે.

જો કોઇ યુવક યુવતિને પ્રશંશાભરી આંખોથી જોઇ લે તો બીજા જ દિવસથી પેલી યુવતિના બદલાવા લાગી જાય છે. તેનામાં ગજબનું પરિવર્તન આવી જાય છે. પોશાક અને પ્રસાધનોમાં નવીનતાની તેને આવશ્યક્તા લાગે છે. તેના અવાજમાં પણ પરિવર્તન આવે છે. તેના બોલવામાં ને ચાલવામાં ને યુવકો તરફ નજર નાંખવામાં પણ નવી ગરિમા ઉત્પન્ન થાય છે. આવું યુવકની બાબતમાં પણ બને છે. રૂપાળી યુવતિની અહોભાવભરી નજર તેને બદલી નાંખે છે. તેનામાં એકાએક કવિતા ગુંજી ઉઠે છે. રૂપસૌંદર્યની સહજ તૃષ્ણા તેને અરીસા સુધી ખેંચી જાય છે.

આયના સામે ઉભીને વારંવાર કાંસકા વડે સ્ટાઇલ બદલતા, ધીમું ધીમું ગીત ગુંજતા એક યુવાનને અચાનક આવી ચઢેલો તેનો મિત્ર પૂછે છે, “કેમ આજે આટલો બધો થનગનાટ આવી ગયો છે? કોઇને વાયદો તો નથી આપ્યો ને?” પ્રેમ વાયદાના બજારમાં જીવે ત્યારે તેને તેજી-મંદીનો આંચકો લાગ્યા વગર પણ ન રહે! વેપારીના ચોપડાની જેમ એક ખાતું ખતવાઇ જાય, એટલે ચોપડો અભરાઇએ ચઢાવી દેવાનો. પણ ઇંકમટેક્ષ અધિકારીનો દરોડો પડે એટલે આ બે નંબરનો ચોપડો ફાડી નાંખવાનો, સંતાડી દેવાનો કે સળગતા આગબંબામાં એને બાળી મુકવાનો! આવો પ્રેમ સંતાઇ, સંતાઇને ફરે છે. ને વડીલોની નજર પડતાં છુપાઇ, છુપાઇને ફફડે છે.

સસ્તો અને ચલણી પ્રેમ ચાંદીની આખડીઓ ઉપર ચઢીને ચાલે છે. રૂપિયાની પોટલી માથે મુકીને મોંઘીદાટ હોટલોમાં છરી કાંટા વડે ઉતારાય છે. પણ બહાર નીકળતાં ખાલી ખિસ્સામાં પડેલા કાણામાં થઇને ફર્શ ઉપર ઢોળાઇ જાય છે. ચલણી સિક્કો ઉછળે તેમ ઉછળે છે, ને પછી સિક્કો ખોટો છે, તેની ખાતરી થતાં પોક મુકીને રડે છે. આવો પ્રેમ સોહાગરાતની સફેદ ચાદર ઉપર ડાઘા પાડે છે. ને ફૂલ ઢાંક્યા ચંદન ઢોળિયાના ઓશિકા ઉપર આંસું સારે છે!

ઉછળતી યુવતિને ત્વચાની સુંદરતા લોલુપ લાલસાનો જ્વાળામુખી જગાવી આગની પથારીમાં , આળોટવા મજબૂર બનાવે છે. સ્પર્શ માટે વલખાં મારતી ખાઉધરી ભૂખ એની આંખો ઉપર અંધારાના ડાબલાં પહેરાવી દે છે. માત્ર થોડોક પરિચય, નાનકડાં સ્મિત, બોલકણી નગરીમાં ખેંચી જાય છે. ને તે ખૂબ સહેલાઇ થી પશુતાનો પાડોશી બની જાય છે. જે માણસ પશુતાથી જેટલો દૂર છે, તે કામના સૂક્ષ્મ સુખોનો એટલો વધારે આનંદ માણે છે.

એક યુવાન જુવાનીને જાળવીને બેઠેલી એક પ્રૌઢ મહિલાના પ્રેમમાં પડ્યો. ખરેખરતો એ પ્રેમમાં પડ્યો નહોતો; તેની કામુક આંખો, પેલી મહિલાએ ફેંકેલી જાળમાં નિર્દોષ સસલાની જેમ ફસાઇ ગઇ હતી. અખબારોને મસાલો મળી ગયો, ગરમાગરમ મસાલો. પત્રકારો સાથેની મુલાકાતમાં બન્ને એ જાહેર કર્યું હતું , “અમારો પ્રેમ ઉંમરની દિવાલોને ઓળંગી ગયો છે. અમે પ્રેમમાં પડ્યાં છીએ, કારણકે અમારા દિલમાં પ્રેમ જાગ્યો છે. અમારા પ્રેમે, જન્મતારીખની લાંબી ખીણને પુરી દીધી છે, ને પ્રેમનો પાતાળકૂવો ખોદ્યો છે. ઉંમરને ઓગાળી નાંખીને અમે અમર પ્રેમનું વરદાન પામ્યા છીએ!” એમની જાહેરાત વાસ્તવમાં તો શબ્દછળ હતું. કારણકે બીજે જ વરસે પેલી મહિલાએ તેના ડ્રાઇવરની બરછટ છાતીમાં પ્રેમનો પતાળકૂવો ખોદી નાંખ્યો હતો, ને પેલો યુવાન એની ઉંમરના પ્રમાણપત્રને છાતીએ વળગાડીને વાસનાભુખી વીંછણના વાગેલા ડંખની વેદનાને કારણે ચીસાચીસ કરતો હતો.

જીવનમાં સૂક્ષ્મ આનંદ અને નિરૂદ્દેશ્ય સુખનાં જેટલા ઝરણાં છે, તે ક્યાંકને ક્યાંક કામના પર્વતમાંથી ફૂટી નીકળે છે. ક્યાંક રૂપિયાની સીડી ઉપર ચઢીને માનવીની આ ભૂખ પ્રેમનું ચામડું ઓઢીને પડેલી નાગણને અડકી જાય છે. ને રગરગમાં કાતિલ ઝેરનું પ્રવાહી ભરીને “હું આનંદમાં છું” એવા ચલણી શબ્દોને જાહેરાતના બીબામાં રમતાં મુકે છે. ખરેખરતો તે આત્મવંચનામાં જીવે છે. ને ધોખાબાજીના જગતમાં શ્વાસ લે છે. વાસનાની લહેર કે રૂધિરના ઉત્તાક્ષ સિવાય ત્યાં કશું જ નથી! યાદ રાખો કે જીવનની મોંઘી ક્ષણો જુગારમાં ખોઇ નાંખવા માટે હરગીઝ મળી નથી. એ પણ બરાબર સમજી લો કે હ્રદયના ઉંડાણમાંથી પ્રગટતો પ્રેમ શબ્દ અર્થ, કામ કે ઇન્દ્રિયસુખોની લોલુપતાના હુંફાળા ધાબળા નીચે લપકીને ચંચળતાના રાગ કદી આલાપતો નથી. પ્રેમમાં ડૂબકી લગાવતા પહેલાં જરા એ સવાલનો જવાબ તો આપતા જાવ કે તમારે મન પ્રેમ ટાઢ ઉડાવવાની સગડી છે કે એકમેકમાં જાતને ખોઇ નાખવાની કુરબાનીની કવિતા?

ઢાઇ અક્ષર પ્રેમકા...

1 comment:

manvant said...

પ્રેમ એ સગડી પણ નથી ને કવિતા પણ નથી.
સ્ત્રી પુરુષ વચ્ચે ઉપજતી સ્વયંભૂ નિપજ છે.લેખક
સ્વાનુભવ તો નથી વર્ણવતાને ?એવો પ્રશ્ન સાહજિક થાય !છેવટ સુધી કોઠી જ ધોયા જેવું લાગ્યું !આભાર !