Saturday, June 28, 2008

દ્વીઅંકી ગણીત - 1

દ્વીઅંકી ગણીત - 1 - ચીરાગ પટેલ જુન 27, 2008

આજે આપણે કમ્પ્યુટરની કારભારને સમજવા એક ડગલું ઉપર ચઢીએ. આપણે દ્વીઅંકીના એકડા-બગડા શીખી લીધાં (કે એકડાં-મીંડાં) છે, એટલે હવે એમની ગાણીતીક પ્રક્રીયાઓ સમજીએ.

જેમ આપણે પહેલાં ધોરણમાં એકમના સ્થાન માટે સરવાળા-બાદબાકી શીખ્યાં હતાં એમ જ આજે સરવાળા-બાદબાકી દ્વીઅંકી પધ્ધતીમાં શીખીશું (ફરીથી, પહેલું ધોરણ?). તો, આ જુઓ.

0 + 0 = 0
0 + 1 = 1
1 + 0 = 1
1 + 1 = 1

આવું કેવી રીતે થાય? માળું, 1માં 1 ઉમેરીએ તો બમણાં ના થાય વળી? નીચેની આકૃતી જુઓ.

વીજસ્ત્રોત ----- સ્વીચ 1 ----- લૅમ્પ
|_______ સ્વીચ 2 ____|

અહીં, એક વીજસ્ત્રોતમાંથી બે વાયર દ્વારા એક લૅમ્પ જોડાયેલો છે એવું વીચારો. દરેક વાયરમાં વચ્ચે એક-એક સ્વીચ છે એવું જુઓ. હવે, સ્વીચ ચાલુ હોય તો 1 લખો અને સ્વીચ બન્ધ હોય તો 0 લખો. એ જ પ્રમાણે, લૅમ્પ પ્રકાશીત થાય તો 1 લખો અને લૅમ્પ બન્ધ રહે તો 0 લખો. વળી, વીજળીનો ગુણધર્મ એવો છે કે, ઉપરની આકૃતીમાં જણાવેલ જોડાણને આપણે "+"ની પ્રક્રીયા તરીકે સમજી શકીએ. અહીં, વીજળીનો કરંટ વહેંચાય છે અને વૉલ્ટૅજ સમાન રહે છે. લૅમ્પને ચાલુ થવા માટે પુરતાં વૉલ્ટેજની આવશ્યક્તા હોય છે.

તો, જો બન્ને સ્વીચ બન્ધ સ્થીતીમાં હોય તો, લૅમ્પ બન્ધ રહેશે, અને કોઈ પણ એક કે બન્ને સ્વીચ ચાલુ કરતાં લૅમ્પ સળગશે. હવે, આ અવલોકનને દ્વીઅંકી સરવાળાનાં કોઠા સાથે સરખાવો.

હવે, બાદબાકી જોઈએ.

0 - 0 = 0
1 - 0 = 1
1 - 1 = 0
0 - 1 = 1

છેલ્લું વીધાન તો કાંઈ જ સમજમાં ના આવે એવું લાગે છે! મને પણ એવું જ લાગે છે. પહેલાં ત્રણ વીધાન તો સરળતાથી સમજી શકાય છે. પણ, ચોથાં વીધાનમાં એવું વીચારો કે, જવાબ "-1" આવે છે અને એનો ઋણભાર કોઈક જગ્યે યાદ રાખવામાં આવે છે. આ બાબત સરળતાથી સમજવા માટે મને જો યોગ્ય ઉદાહરણ મળી આવે તો સમજાવીશ! પણ એવું માનો કે આપણે 2ની વદ્દી લીધી (હવામાંથી?) અને એટલે 0 - 1 ને બદલે 2 - 1 કર્યું.

આજ પુરતું આટલું રાખીએ. પછી વધુ સ્થાનના સરવાળા - બાદબાકી સમજીશું.

Saturday, June 21, 2008

સતોડીયું

સતોડીયું - ચીરાગ પટેલ Jun 21, 2008

નાનપણમાં 'સતોડીયું' તો ઘણાં બધાં રમ્યાં હશે! સાત નાના ઠીકરાં એક પર એક મુકીને પછી આપણે બે ટીમ પાડીને દડાથી સતોડીયું તોડવાની રમત રમતાં હતાં. પ્રકૃતી પણ સતોડીયાનો ખેલ બહુ બધી રીતે રમી રહી છે. આજે, આપણે આ બાબતે થોડુંક અવલોકન કરીએ.

થોડી ગણીતની ગમ્મતથી શરુઆત કરીએ. અપુર્ણાંકની રીતે 1 ને 7 વડે ભાગો. શો જવાબ આવ્યો? 0.142857142857... હવે, 2 ને 7 વડે ભાગો તો! 0.285714285714... આ જ પ્રક્રીયા 3, 4, 5, 6 પર કરીએ તો શું જોવા મળે છે?

1 / 7 = 0.142857
2 / 7 = 0.285714
3 / 7 = 0.428571
4 / 7 = 0.571428
5 / 7 = 0.714285
6 / 7 = 0.857142

હવે, આ લીંક પરની આકૃતી જુઓ: http://en.wikipedia.org/wiki/Image:Enneagram.svg

અહીં એનીયાગ્રામ ( Enneagram ) માં 1 થી 9 સુધીના અંકોને એકસરખા ખુણે લખવામાં આવ્યાં છે અને એમાં 1, 4, 2, 8, 5, 7 એ ક્રમમાં જોડવાથી બનતો આકાર દર્શાવવામાં આવ્યો છે. શરુઆત જો 1થી કરો તો 1/7 નો જવાબ મળશે. શરુઆત જો 2થી કરો તો 2/7 નો જવાબ મળશે. એ જ પ્રમાણે, 4થી શરુઆત કરતાં 3/7 વગેરેનો જવાબ મળશે. બાકી રહેલાં 3, 6, અને 9 ને જોડતો ત્રીકોણ જુઓ. આ એનીયાગ્રામ એ સાત તત્વો કે સાત ચક્રોનું પ્રતીનીધીત્વ કરે છે. એને થોડા વીસ્તારથી સમજીએ.

[ ચક્ર == બીજ == સ્થાન == તત્વ] નો કોઠો:
મુળાધાર - લં - કરોડનો સહુથી નીચેનો છેડો - પૃથ્વી
સ્વાધીષ્ઠાન - વં - જનનાંગના છેડે - જળ
મણીપુર - રં - નાભી - અગ્ની
અનાહત - યં - છાતી મધ્યે - વાયુ
વીશુધ્ધ - હં - ગળાના છેડે - આકાશ -
આજ્ઞા - ૐ - ભ્રુકુટી મધ્યે - માનસ
સહસ્ત્રાર - ૐ - શીખામુળ - મહત

મન જ્યારે આ જુદા જુદા તત્વો/ચક્રોમાં ઉપર ઉઠે છે ત્યારે એને જુદા જુદા આધ્યાત્મીક અનુભવો થતાં હોય છે. આ ઉપરાંત, નાકની નીચે બ્રહ્મ ગ્રંથી, પેટની શરુઆતના ભાગે વીષ્ણુ ગ્રંથી, અને મુળાધાર-સ્વાધીષ્ઠાનની વચ્ચે રુદ્ર ગ્રંથી હોય છે. એમને અનુક્રમે ઐઁ, હ્રીઁ, ક્લીઁ એ બીજમંત્રોથી કાર્યરત કરવામાં આવે છે. આપણે આખો મંત્ર જોઈએ તો સહસ્ત્રાર - બ્રહ્મ ગ્રંથી - વીષ્ણુ ગ્રંથી - રુદ્ર ગ્રંથી - મુળાધાર - સ્વાધીષ્ઠાન - મણીપુર - અનાહત - વીશુધ્ધ - આજ્ઞા એ ક્રમમાં "ૐ ઐઁ હ્રીઁ ક્લીઁ લઁ વઁ રઁ યઁ હઁ ૐ" એવા જાપથી ધ્યાન કરવામાં આવે છે. મુળમંત્ર કે નવાર્ણ મંત્રમાં પણ આ જ તત્વો/ચક્રોનું નીરુપણ છે - "ૐ ઐઁ હ્રીઁ ક્લીઁ ચામુંડાયૈ વીચ્ચે" એ રીતે ધ્યાન કરવામાં આવે છે.

કુદરત પ્રકાશીય કે ક્વૉંટમ ઘટનાઓમાં પણ સાત રંગોની રંગોળી પુરે છે. મેઘધનુષ, પ્રીઝમ વગેરેમાં જામ્બલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી, રાતો રંગ દેખાય છે. ઈલેક્ટ્રોનની સ્પેક્ટ્રલ લાઈનમાં પણ આ સાત રંગોનાં જ સપનાં હોય છે! પૃથ્વી પર સાત ખંડ (એશીયા, આફ્રીકા, યુરોપ, ઉત્તર અમેરીકા, દક્ષીણ અમેરીકા, ઑસ્ટ્રેલીયા, એંટાર્કટીકા), જ્યોતીષમાં મુખ્ય સાત ગ્રહો, વગેરેમાં પણ સાતનું જ સામ્રાજ્ય છે. અઠવાડીયાના વાર પણ સાત (રવી, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શની) છે. (આપની જાણ ખાતર, મારો જન્મ પણ 7મી જાન્યુઆરી છે, એટલે મને 7 પ્રત્યે વીશેષ અનુરાગ હોવો વ્યાજબી છે ને...)

Saturday, June 14, 2008

પીયુમીલન

પીયુમીલન - ચીરાગ પટેલ Oct 20, 1998

મન્દ મન્દ વાતો સમીર લાવે જ્યારે સન્દેશ પીયુનો;
જાગે દીલમાં ઉમંગ, એક જ અનેરી સૃષ્ટી મીલનની.

હવાની લહેરખી, બતાવે છે એના ચહેરાની સુરખી;
અકથ્ય, અવર્ણનીય તરંગો ઉઠે છે ત્યારે જ આ તનમાં.

ઘાટ-ઘાટના પાણી પીતો, આવ્યો છું તુજ સમીપે;
ઠેર-ઠેર ભટકતો પામ્યો છું મૃગજળને, ના છીપી તરસ.

એક જ ઉમળકો, એક જ આશા, પામું જીવનસંગીનીને;
પરીચય થતાં તુજ સંગ, મીઠી વીરડી દેખાણી તારામાં.

સાગરખેડુને અચાનક જ આવી મળી લીલીછમ ધરણી;
રોમ-રોમ પોકારી ઉઠ્યું, બસ હવે તો આ જ વીસામો.

હ્રદય પુલકીત થઈ પોકારી ઉઠ્યું, આ તો એ જ!
જન્મોજનમ જે આવી મળે, બે ઘડીના આશરાની સંગીની.

ત્યારે જ ન સમજાય એવો લય જન્મ્યો બ્રહ્માંડીય;
બે આત્માનું થયું મીલન, જરાયુક્ત દેહ થકી અનોખું.

ઓષ્ઠનું અધરથી, લોચનથી નયનનું, છાતીનું ઉરોજથી;
દેહનું તનથી 'ને લીંગનું યોનીથી, થયું એ અનોખું મીલન.

ત્યારે જ સમજાઈ, યોજના, પરમપીતાની સૃષ્ટી સાચવણીની;
સરજાઈ રહ્યું આત્મીક મીલન, સૃષ્ટીને સાચવવા સ્તો વળી.

શું રહ્યું પામવાનું બાકી ઈહલોકમાં? છે કાંઈ બાકી?
મનોહારીણીનો પ્યાર જ લઈ જશે બાકીના રસ્તે.

લાગે છે પ્રભુની ઇચ્છા પણ આ મીલનમાં સામેલ;
એ જ બધી બાજીઓ ગોઠવે છે આપણને નચવીને.

એને પામવાના લક્ષ્યમાં આ તો છે પાશેરામાં પહેલી પુણી;
તારો પ્રેમ ને તારી શક્તી, પહોંચાડશે બન્નેને ત્યાં સુધી.

Friday, June 13, 2008

લાલ

લાલ - ચીરાગ પટેલ ज़ुन 13, 2008

જો છે જ દરીયો, દીકરી, વ્હાલ તણો 'ને;
તો છે સમ આકાશ દીકો લાગણયોનો.

ભાવે રમવાં આતુર-શો લાડકવાયો;
જીદ્દી નટખટ, શ્યામ સમો લાલ મઝાનો.

થાતો હસતું તે ફુલ, લાગે કશું પ્યારું;
હેવાયો મ્હારો, જાણે ગાય વછોડું.

સારો બનજે, આશીષ અમારા સંગે;
હેતે તું ધપાવે ઉજળો વારસ જગમાં.

આપું નવ સંસ્કાર બધાં, બાળ અમારો;
પ્રાર્થું તમને 'મા', સથવારો તવ એક જ.

-------------------------------------------------
(મારા દીકરા 'વૃન્દ'ને સમર્પીત)
(છન્દ: ગાગાલ | લગાગાલ | લગાગાલ | લગાગા)

Saturday, June 07, 2008

ભારત - 1

ભારત - 1 - સ્વામી વિવેકાનન્દ

1. આપણી માતૃભુમી પ્રત્યે જગતનું રુણ અત્યંત મોટું છે. અને પ્રત્યેક દેશ સાથે સરખાવતાં ખ્યાલ આવશે કે જગત જેટલું આ સહનશીલ હીન્દુનું - નરમ હીન્દુનું રુણી છે તેટલું આ પૃથ્વી પરની બીજી કોઈપણ પ્રજાનું નથી.

2. ભારતીય વીચાર, ભારતીય રીતરીવાજો, ભારતીય ફીલસુફી અને ભારતીય સાહીત્ય ઘણા લોકોને પહેલી નજરે ઘૃણાસ્પદ લાગે; પરંતુ જો તેઓ ખંત કેળવે, અભ્યાસ ચાલુ રાખે અને આ વીચારોની પાછળ રહેલા મહાન સીધ્ધાંતોનો પરીચય મેળવે તો નવ્વાણું ટકા તો એમના જાદુઈ પ્રભાવ નીચે અવશ્ય આવી જાય અને મુગ્ધતાનો ભાવ અનુભવે.

3. પણ, જેમ જેમ હું વયમાં મોટો થતો જાઉં છું, તેમ તેમ ભારતની આ પ્રાચીન સંસ્થાઓને વધુ સારી રીતે હું સમજતો થાઉં છું એવું મને લાગે છે. એવો પણ સમય હતો કે જ્યારે હું માનતો હતો કે આમાંથી ઘણી ખરી સંસ્થાઓ નીરુપયોગી અને વ્યર્થ છે, પરંતુ જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે તેમ તેમ એમાંથી કોઈને પણ ઉતારી પાડવાનો મારો ઉત્સાહ મન્દ પડતો જણાય છે. કારણ કે આવી પ્રત્યેક સંસ્થા એ અનેક સૈકાઓના અનુભવોનું મુર્ત સ્વરુપ છે.

4. મારી આ વાતમાં શ્રધ્ધા રાખો કે બીજા દેશો તો ધર્મની મોટી ચર્ચા કરે છે, પરંતુ જેણે ધર્મને પોતાના જીવનમાં ઉતાર્યો છે એવો વ્યવહારદક્ષ ધર્મપુરુષ તો કેવળ ભારતીય જ જોવા મળશે.

5. મેં કહ્યું છે કે જગતને શીખવી શકીએ એવું કંઈક હજી પણ આપણી પાસે છે. સેંકડો વર્ષોના જુલ્મો અને હજારો વર્ષોથી પરદેશી શાસન અને સીતમો સહન કરીને પણ આ દેશ આજ સુધી ટકી રહ્યો છે તેનું એ જ કારણ છે. આ રાષ્ટ્ર હજી જીવંત છે; એના અસ્તીત્વનું હાર્દ એ છે કે હજી પણ ઈશ્વરને, ધર્મ અને આધ્યાત્મીક્તાના અમુલ્ય નીધીને વળગી રહ્યો છે.

6. આ દેશમાં હજી પણ ધર્મ અને આધ્યાત્મીક્તા એ એવા સ્ત્રોતો છે કે જેમણે પશ્ચીમનાં તેમજ અન્ય રાષ્ટ્રોમાં નવજીવન અને નવશક્તીનો સંચાર કરવા માટે ઉભરાઈને પુરની માફક આખા જગતમાં રેલાઈ જવું પડશે. રાજકીય મહત્ત્વકાન્ક્ષાઓ અને સામાજીક કાવાદાવાને કારણે આ રાષ્ટ્રો આજે લગભગ ઝુકી ગયેલાં, અધમુવાં અને પતીત બની ગયાં છે.

7. પણ ખ્યાલ રાખજો કે જો તમે એ આધ્યાત્મીક્તાને છોડી દેશો અને પશ્ચીમની જડવાદી સંસ્કૃતીનું અનુસરણ કરવા માટે એને બાજુએ હડસેલી મુકશો તો પરીણામ એ આવશે કે ત્રણ પેઢીની અન્દર એક જાતી તરીકે તમારી હસ્તી મટી જશે, જેના ઉપર રાષ્ટ્રની ઈમારતનું ચણતર થયું છે એ પાયો નબળો પડી જશે અને પરીણામે સર્વત્ર વીનાશ ફેલાઈ જશે.

8. ભૌતીક શક્તીનાં કેન્દ્ર સમું યુરોપ જો પોતાની સ્થીતીમાં પરીવર્તન કરવાની, પોતાનો આદર્શ બદલવાની સાવધાની નહીં દાખવે અને આધ્યાત્મીક્તાને પોતાના જીવનનો પાયો નહીં બનાવે તો પચાસ વર્ષોની અન્દર તે ધુળભેગું થઈ જશે; અને એમાંથી એને તારશે ઉપનીષદોનો ધર્મ.

9. આપણા ઉચ્ચ વર્ગના પુર્વજો એ દેશના સામાન્ય લોકોને એટલી હદે પોતાના પગ તળે કચડતા ચાલ્યા કે આ સામાન્ય લોકો લાચાર બની ગયા; એ બીચારા દરીદ્ર લોકો યાતના ભોગવી ભોગવીને લગભગ ભુલી ગયા કે અમે પણ માણસો છીએ. સૈકાઓ સુધી કેવળ લાકડાં કાપનારા કઠીયારા કે પાણી ખેંચનારા ભીસ્તીઓ તરીકે રહેવાની તેમના ઉપર ફરજ લાદવામાં આવી છે - અને તે એટલે સુધી કે તેઓ ઉપર એવી માન્યતા ઠોકી બેસાડવામાં આવી છે કે અમે તો ગુલામો, કઠીયારા કે ભીસ્તીઓ રહેવા માટે જ સર્જાયા છીએ.

10. ઉપનીષદનાં સત્યો તમારી સમક્ષ ખડાં છે. જો તેમને અપનાવશો, આચરણમાં ઉતારશો તો સમજી લેજો કે ભારતનો ઉધ્ધાર હાથવેંતમાં જ છે.


--------------------------------------------------
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર...

ગ્રીષ્મ

ગ્રીષ્મ - બંસીધર પટેલ

શું આહ્લાદક બની એ ગ્રીષ્મની સમી સાંજ.
વનસૃષ્ટી અરુ વીહંગતણો કલરવ પણ બન્યો સાજ.
આગઝરતી બપોરથી બનેલા વીહ્વળ, 'ને મળી શાતા.
લતાઓમાં સંતાઈ ગયેલી કળીઓ સહેજ ડોકાઈને લપાઈ.
અવનીથી રીસાયેલો અનીલ, ધીરેધીરે પ્રસર્યો સર્વત્ર.
નવશેકું બનેલું જળ, પામી રહ્યું પુનઃ સ્વસ્થીતી.

બેબાકળા બનેલા મનુષ્ય, હાશ અનુભવી રહ્યા લગીર.
ભુલકાં પણ ખેલી રહ્યાં, જાણે વીખરાયેલાં ચમન-પુષ્પ.
ગોરજનો સમય મહામુલો, ઉડાડી રહ્યો માદક રજ.
વીખરાયેલાં સહુ, દોડે - યથાસ્થાને મળવાની હોંશ.
બની આહ્લાદક સમીસાંજ, ના ભાસે લગીરે ગ્રીષ્મ પવન.
આ આવી, આ ગઈ, સાંજ, નીશાને મળવા ઉતાવળી.
રાત્રી જશે, સુપ્રભાત થાશે, ફરીથી આગઝરતો બપોર.
નીરવ શાંતીમાં અશાંતી, વીરોધાભાસ ખરો જીવનનો.

ઉષ્ણ, શીતળ કે સમશીતોષ્ણ, હોય સઘળાં એક.
જીવનતણાં ઘરનાં રુમ, જોડાયેલા ચક્ર-આરા અનેક.
મનની પાંખે ઉડવું સહેલું, વાસ્તવીક કઠોર શીલાલેખ.
ભદ્ર માણસ, અભદ્ર વર્તન, વીરોધાભાસનો આહલેક.
શુષ્ક જીવનને ભર્યું બનાવે, ઉષ્ણ અરુ શીત સંગમ.
સુખદુઃખનાં તાણાંવાણાં, તડકોછાંયનો આગમ.

Friday, May 30, 2008

પૉર્ટપુરાણ

પૉર્ટપુરાણ - ચીરાગ પટેલ May 30, 2008

કમ્પ્યુટરમાં તમે ઘણાં બધાં પેરીફેરલ ડીવાઈસ (Peripheral device) લાગેલાં જુઓ છો, જેમ કે કીબૉર્ડ, માઉસ, મોનીટર, વગેરે. તથા ટુંકા/લામ્બા કૅબલ(cable)થી ઈથરનેટ રાઉટર (Ethernet router), યુએસબી(USB - Universal Serial Bus) વેબ-કૅમ (Web Cam) વગેરે જોડાયેલાં હોય છે. આ બધાં લટકણીયાં જુદી-જુદી જાતનાં કૅબલથી કમ્પ્યુટરના જાત-જાતનાં પૉર્ટ (Port) સાથે જોડાય છે. કૅબલ અને પૉર્ટને મુશ્કેટાટ બાન્ધતાં કનેક્ટર(connector)માંથી જે ઉપસેલા ભાગનું હોય એને મેઈલ(male) કનેક્ટર અને જે ભાગ અન્દર તરફ દબાયેલો હોય એને ફીમેઈલ(female) કનેક્ટર કહે છે (દેખીતા કારણસર જ... ;-) ).

થોડાંક કનેક્ટરનાં પ્રકાર અને ઉપયોગ જોઈએ.

3.5એમએમ(3.5mm) - સ્પીકર(speaker), માઈક્રોફોન(microphone), લાઈન ઈન/આઉટ(Line In/Out) માટે
બીએનસી.(BNC - Beyonnet Network Connector) - કો-એક્સ્યલ(co-axial) કૅબલ માટે
ડીવીઆઈ-ડી ડ્યુઅલ લીંક(DVI-D Dual Link) - હૅંડીકૅમ(Handycam) કે ડીજીટલ કૅમેરા(Digital Camera) માટે (એને ફાયર વાયર(Fire Wire - IEEE 1492) પણ કહે છે)
એચડીએમઆઈ(HDMI) - હાઈ-ડેફીનીશન(Hi-Definition) કનેક્ટર (હાઈ-ડેફ ડીવીડી પ્લેયર(HD DVD Player) જેવા)
એચડી15(HD15) - મોટે ભાગે મોનીટર માટે
આરસીએ(RCA) - આરજીબી(Red-Green-Blue) વીડીયોવાળા સાધન માટે (ડીવીડી પ્લેયર જેવા)
એસ વીડીયો(S-Video) (4-પીન ડીન(4-pin DIN)) - ડીવીડી પ્લેયરમાં વધારે ગુણવત્તાવાળું દ્રશ્ય મેળવવા
ટૉસલીંક(TOSLINK) - ઑપ્ટીકલ લીંક(Optical Link) છે જે ડીજીટલ ઑડીયો(Audio) માટે વપરાય છે.
એફ ટાઈપ(F -Type) - ટીવી(TV), કૅબલ કનેકશન(Cable TV connection) માટે (F type??? really? :D )
બનાના પ્લગ(Banana Plug) - એમ્પ્લીફાયર(Amplifier)થી સ્પીકરના કૅબલ માટે
સ્પીકર પીન(Speaker Pin) - સ્પીકર માટે
એક્સએલઆર(XLR) - ધન્ધાકીય ઑડીયો ગુણવત્તાવાળાં સાધનોમાં
ડીબી9(DB9) - આરએસ-232(RS-232) સીરીયલ(Serial) પૉર્ટ માટે
ડીબી15(DB15) - ખાસ ઑડીયો સાધનોમાં
આરજે-45(RJ-45) - ઈથરનેટ (નેટવર્ક(Network)) પૉર્ટ માટે
આરજે-11(RJ-11) - ટેલીફોનને પીએસટીન(PSTN - Public Switch Telephone Network) લાઈન સાથે જોડવા માટે
કમ્પોઝીટ વીડીયો(Composite Video) - ઉચ્ચ ગુણવત્તાવાળું દ્રશ્ય મેળવવા (ડીવીડી પ્લેયર માટે)
આઈ ટ્રીપલ-ઈ - 488(IEEE 488) - ટેસ્ટીંગ(Testing) અને મેઝરમેંટ(Measurement) માટેના સાધનોમાં
ઇંફીનીબૅંડ(Infiniband) - (ઈથરનેટનો પીત્રાઈ ભાઈ છે) ઈંફીનીબૅંડ સાધનો માટે
સેંટ્રોનીક્સ(Centronics) - સેંટ્રોનીક્સ કમ્પનીના પ્લાસ્ટીક આવરણવાળા સ્કઝી(SCSI - Small Computer System Interconnect) સાઘનો માટે
યુએસબી(USB - Universal Serial Bus) - આધુનીક સીરીયલ કનેક્શન માટે
પાવર કનેક્ટર(Power connector) - ત્રણ પીનના કમ્પ્યુટર પ્લગ માટે જે વીજળીનો પુરવઠો પુરો પાડે છે.
પીએસ/2(PS/2) - કીબૉર્ડ/માઉસ માટે

કમ્પ્યુટરની અન્દર પણ વીવીધ કનેક્ટર હોય છે જે હાર્ડ ડીસ્ક/ડીવીડી/સીડી-રૉમના ડૅટા માટે અને પાવર માટે વપરાય છે.

બઝારમાં ઉપલબ્ધ સાધનો અને એમના માટેના કનેક્ટરની યાદી કરવા જઈએ તો ગાંડા થઈ જવાય એટલું વૈવીધ્ય છે (સ્ત્રીઓનાં મેક-અપનાં સાધનોની જેમ જ સ્તો વળી...).

Saturday, May 24, 2008

જાગ્યા પછી શું?

જાગ્યા પછી શું? - ચીરાગ પટેલ May 22, 2008

મેં 'જાગો' એ મથાળા હેઠળ પર્યાવરણનાં ભયસુચક સંકેતો તરફ અછડતો નીર્દેશ કર્યો હતો (http://parimiti.wordpress.com/2008/03/04/jaago/). આ લેખના અતીથીઓને 'જાગ્યા' પછી શું એ પ્રશ્ન ઉગ્યો હતો. આનો જો કે 'તુંડે તુંડે મતિર્ભીન્ના' ન્યાયે, જવાબ વ્યક્તીગત જુદો રહેવાનો. મારી દ્રષ્ટીએ આ જવાબ આપવા પ્રયત્ન કરું છું. અને, તમે એ પ્રમાણે તમારા તારણ કે જવાબ સુધી પહોંચી શકો છો.

માણસે પ્રગતીની આન્ધળી દોડમાં ભાન ભુલીને ટુંકાગાળાના જ લાભ અત્યાર સુધી લીધાં કર્યાં છે. પ્રગતીનો ઈનકાર જરાય ના હોઈ શકે. પરંતુ, એમાં પ્રમાણભાન ભુલી જવાથી કેવા દુઃષ્પરીણામ આવે એ સત્ય આપણને કુદરત બહુ જ કડવી દવા રુપે પાઈ રહી છે.

આપણી આખી સૃષ્ટી એક ચક્રમાં સંકળાયેલી છે. એક જીવનું અસ્તીત્વ બીજા જીવ પર નીર્ભર છે (જીવો જીવસ્ય ભોજનમ). આ સંતુલન ખુબ જ નાજુક દોરે જોડાયેલું છે. આ કાચા તાંતણાને મનુષ્ય કાયમ છેડતો આવ્યો છે. દુરનાં ભુતકાળમાં સૃષ્ટી પર કોઈને કોઈ પ્રાણી આધીપત્ય સ્થાપતું જ રહ્યું છે, અને કુદરતને છ્ંછેડવાની સજારુપે પોતાનાં અસ્તીત્વનું બલીદાન આપતું આવ્યું છે. માનવી પણ એ જ રસ્તે દોડી રહ્યો છે.

'ચિત્રલેખા' સાપ્તાહીકના 26 મે, 2008ના અંકમાં આદરણીય ગુણવંત શાહના 'કાર્ડિયોગ્રામ' લેખમાળામાંથી અવતરણ ટાંકું છું.

"આજે નહીં ને કાલે કે પરમ દીવસે આપણે આપણી જીવનશૈલી બદલવી પડશે. વીદ્યુતનો, કાગળનો, ગૅસનો અને પાણીનો બગાડ અટકાવવો પડશે. ઉર્જા કંઈ આપણા પરમ પુજ્ય પીતાશ્રીની માલીકીની નથી. પૈસા ખર્ચી શકે એવા માલદાર લલ્લુને ઉર્જાનો બગાડ કરવાની છુટ નથી. સ્વીચ ઑફ કરવામાં કેટલી તકલીફ પડે? જે ઓરડામાં કોઈ નથી એવા ઓરડામાં પણ એસી શા માટે ચાલ્યા કરે? જ્યારે પ્રધાનનું વીજળીબીલ સરકાર ભરતી હોય ત્યારે કોના ફાધરની દીવાળી?"

"સ્વામી સ્વચ્છતાનન્દજી પોતાના ઉપદેશમાં નાગરીકોને સ્વચ્છતા એ નવી ધાર્મીક્તા છે એવું ક્યારે સમજાવશે?"

"આપણી બગાડવૃત્તી અને લાપરવાહી હવે ભુતકાળની ચીજ બની જવી જોઈએ, કારણ કે પૃથ્વીને આપણે કંઈ માતા-પીતા પાસેથી વારસામાં નથી મેળવી. એ તો આપણને આપણાં સંતાનો તરફથી ઉછીની મળી છે. (ટાઈમ મેગેઝીન, ન્યુ યોર્ક, 3 ડીસેમ્બર, 1990)"

આ ઉપરાંત હું એક સામાન્ય કામગીરી પ્રત્યે ધ્યાન દોરવા માંગું છું. પૃથ્વીના સંતુલન માટે અને પ્રાણીઓના ખોરાક માટે વનસ્પતી એક ખુબ જ જરુરી અને પાયાનું અંગ છે. આપણે વૃક્ષોનું જે હદે નીકન્દન કાઢી રહ્યાં છીએ, એ ઘણી ઘણી જ ચીંતાજનક બાબત છે.

તો શું કરશો? જે લોકો ઝાડ કાપવા માંગે છે, તેમને સમજાવો. જો વૃક્ષનો થોડોક ભાગ કાપવાથી કામ ચાલતું હોય તો એટલું જ કરો. નવા નવા વૃક્ષો ઉછેરો અને એનું સંવર્ધન કરો. આપણી આસપાસ ઉગતાં વૃક્ષોની જાળવણી કરો. ગન્દકીને કટ્ટર ધાર્મીક્તાની રીતે દુર રાખો. દરેક પ્રસંગે એક વૃક્ષ ઉગાડીને એને સાચવવાનું પ્રણ બનાવો. જે દીવસે વૃક્ષની જાળવણી ના કરી શક્યા હો એ દીવસે પ્રાર્થના કરવાથી દુર રહો.

અમેરીકા સદભાગી છે કે ત્યાં વનસ્પતી અને પર્યાવરણની જાળવણી કરનારા કડક કાયદા બનાવી શક્યા છે. (ભલે પછી, દુનીયામાં સહુથી વધુ બગાડ અમેરીકનો કરતા હોય. હકીકત છે કે, એમેઝોન અને કોંગોના વનપ્રદેશની જેમ અમેરીકામાં રહેઠાણની આસપાસ બીલ્ડર વૃક્ષો ઉગાડી અને ઉછેરી શક્યા વગર ઘર નથી વેચી શકતો.) ભારતનું દુર્ભાગ્ય છે કે આવા કોઈ કાયદા નથી. અને લોકોને તો પર્યાવરણ અને ગન્દકીની જાણે પડી જ નથી. માત્ર બાહ્ય શુધ્ધીના દેખાડાથી જ આપણી ધાર્મીક્તા પોષાય છે. દરેક બાબતમાં સરકારનો દોષ જોવાને બદલે આપણે કોઈ નક્કર કામ કરી શકીશું?

--- આજનો લેખ મારા વડોદરાનાં ઘરને આંગણે ઉછરી રહેલાં વૃક્ષોને અર્પણ કરું છું. મારા સદભાગ્યે હું બાળપણનો મોટો સમય વાંસદા જેવા ગાઢ વનરાજીથી આચ્છાદીત સ્થળમાં વીતાવી શક્યો છું. અમારા ઘરને 'ઉપવન' બનાવવામાં મારા સદ્ગત પપ્પાની દુરન્દેશી કામ કરી ગઈ હતી.

Friday, May 16, 2008

જાતને ભાળતો

જાતને ભાળતો - ચીરાગ પટેલ May 16, 2008

રુંવે રુંવે રોમાંચ જાગ્યો, આતમની ડાળે મોરલો ગહેંક્યો;
દરીયાની લહેરોનો સમીર હેવાયો, હું નવો તારલો ઉગ્યો.

સંવત્સરીની રતુમડી આથમતી સાંજે, આજે એકાંત ઝંખતો;
લાગણીના મોજાંઓનાં ઘુઘવતા નાદે, હું પ્રીતડે ઝુલ્યો.

ઘુંટ બધાંય માણ્યાં જીવનમાં, બધુંય ભુલાવામાં નાંખતો;
જીવન-ઝરમરથી પોષાતી વનરાઈઓમાં, હું મનમર્કટે કુદ્યો.

ઝાંઝરના રણકારમાં ઝંખવાયો, ફુલોની સુગન્ધમાં ભટકતો;
પ્રીયાના ખોળે મીઠી નીન્દરમાં પોઢ્યો, હું લીસી ટાઢકે જાગ્યો.

અંતરનો ધોધ વછુટ્યો, રસાતળમાં બધી માયા ડુબતી જોતો;
સુનકાર દીલમાં થતાં જોઈ જાતને, હું આજે સાકારે પડઘાયો.

Saturday, May 10, 2008

સપ્તરંગી આશ

સપ્તરંગી આશ - બંસીધર પટેલ Jun 12

મઘમઘે સુવાસ અંતર મહીં સપ્તરંગી સૃષ્ટી તણી,
જાવું છે અગમ કેરા ધામ, ભાંગી ભ્રમ ભવનો ઘડી મહીં.

પીધાં છે પ્યાલાં ઝેરના, કરવા અંતર શુધ્ધ અણી અણી,
લાધ્યું છે અમૃત કરતારનું, પીવા દોડે મન ભણી ભણી.

ઝીલીને ઘણ-અથોડા કેરો ભાર, રુઝ્યાં છે દુઝતા ઘાવ તન મહીં,
બન્યું છે શીથીલ મન શુષ્કવનોમાં, વીચરતું મંડરાતું અહીં તહીં.

નીર્જન, ઉજ્જડ ભાસે સૃષ્ટી, આ પનોતી મન તણી,
ઝાલ્યો છે હાથ કેદારનો, ભાવ જગતના ઓડકાર થકી.

લસરી રહ્યું છે જીવન સારું, દીન, માસ, વરસ ભણી;
આથમતા સુરજને નીરખવા તલસી રહ્યું મન નભ મહીં.

ગગને વીચરતા વીહગને મળવા આતુર અંતર અહીં;
ધવલ, મૃદુ બરફના પહાડ શું- શાતા અમી તણી ભરી તહીં.

ભેંટવા, ભાગ્યની દેવીને, ઉચાટ ઘણેરો અંતર મહીં;
તનમન બની એકાકાર, અરૂપ, અશ્વ ઈન્દ્રીયનાં ઠરીઠામ મહીં.

હું તું, તું હું, અમે તમે - ના ઝુઝવા રૂપ પ્રતીબીમ્બ થકી;
બન્યું છે આજ સૃષ્ટીના સથવારે, મન મયુર અરંગ મહીં.

અલૌકીક

અલૌકીક - ચીરાગ પટેલ Jul 21, 1998

અજાણી છતાં ખુબ જાણીતીને પામ્યો છું હવે;
વેરાન આ જીન્દગીમાં વીસામો પામ્યો છું હવે.

અરે, થોડી વાર પહેલા જ તો ચાહ હતી કોઈકની;
'ને અતુટ બન્ધન બન્ધાઈ ગયું હવે સાથે કોઈકની.

દીલનો એક ટુકડો આપ્યો હતો ત્યારે કોને;
'ને દીલના કણેકણમાં વસી ગયું કોણ જોને.

પ્રીયા, છુપાવી હતી એ ચાહ જે રહેલી આ દીલમાં;
ઋણી બન્યો તારા આ પ્રેમે, જગ્યા બનાવી દીલમાં.

વસવસો રહી ગયો એક જ, કેવી હતી પ્રથમ પ્રીત;
કેમ પ્રભુએ ના બનાવી, આપણી આ પ્રીત પ્રથમ.

જેને પામવા મથતો હતો, હતી એ તો છેક જ લૌકીક;
જેને પામ્યો છું, જેની પ્રીત મળી, એ તો છે અલૌકીક.

પ્રભુને એક જ અભ્યર્થના, ચાહ મારી છે નીરંતર;
વધારજે એને અંત સુધી, તરસે છે એને મારું અંતર.

છે એક અભીલાષા મારા દીલમાં, આપજે મને;
જે ચાહ મને પ્રભુ આપે, માંગું છું તારી પાસે. આપીશને?

LOVE DOLLY

LOVE DOLLY - Chirag Patel Jul 21, 1998

Life, really, encircling and enchanting;
Other than God, merely disarming.
Vigour and joy - all grabbed back;
Eternal feeling of lust and passion.

Doing all that are unwanted;
Ostentatious looking I am, but
Long lasting desire that makes us
Love each other. Really, wanting
You and your love honey. Here I am! In Heart!
---------------
Dedicated to my lovely wife

Wednesday, May 07, 2008

પ્રેમ અને નીઃસ્વાર્થતા - 3

પ્રેમ અને નીઃસ્વાર્થતા - 3 - સ્વામી વિવેકાનન્દ

21. હું વારંવાર જન્મ ધારણ કરવા અને હજારો યાતનાઓ ભોગવવા ઈચ્છું છું કે, જેથી જેની એકની જ હસ્તી છે અને જે એકમાં જ મને શ્રધ્ધા છે એવા સર્વ જીવોની સમશ્ટીરુપ ઈશ્વરની હું પુજા કરી શકું; અને સૌથી વીશેશ તો સર્વ જાતીઓ અને સર્વ જીવોના દુશ્ટોમાં, દુઃખીઓમાં અને દરીદ્રોમાં રહેલો એવો મારો ઈશ્વર એ મારી વીશેશ પુજાનો વીશય છે.

22. જ્યારે આપણામાં સ્વાર્થવૃત્તીનો અભાવ હોય ત્યારે આપણું સર્વોત્તમ કાર્ય પરીપુર્ણ થાય છે અને આપણો શ્રેશ્ઠ પ્રભાવ સીધ્ધ થાય છે.

23. જગતના ધર્મો એ નીઃશ્પ્રાણ મશ્કરીઓ જેવા થઈ પડ્યા છે. જગતને જરુર છે ચારીત્ર્યની; જેમનું જીવન ઉત્કટ પ્રેમ અને નીઃસ્વાર્થતાથી પરીપુર્ણ હોય એવા મનુશ્યોની. એવો પ્રેમ પ્રત્યેક શબ્દને વજ્રની જેમ પ્રભાવ પાથરતો કરી મુકશે.

24. સર્વશ્રેશ્ઠ જીવનનો નીયમ છે આત્મત્યાગ, આત્માભીમાન નહી.

25. ઉત્કટ આત્મત્યાગમાંથી જ ધર્મનો ઉદય થાય છે. પોતાના કાજે કશી જ ઈચ્છા ન રાખો. અન્ય કાજે બધું જ કાર્ય કરો. આનું જ નામ ઈશ્વરમાં સ્થીતી, ગતી અને હસ્તી હોવી એ.

26. કોઈ પણ મનુશ્ય મુક્તી વીહોણો રહી જશે નહી. આખરે સૌને પુર્ણતાની પ્રાપ્તી થશે. અહર્નીશ ઘોશણા કરો: "આવો, મારા બન્ધુઓ! તમે નીર્મળતાના અનંત મહાસાગર છો! શીવરુપ બનો! તમારા ઈશ્વરરુપને પ્રગટ કરો!"

--------------------------------------------------
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર...

Tuesday, April 29, 2008

ફાઈલ

ફાઈલ - ચીરાગ પટેલ Apr 29, 2008

ફાઈલ (File) નામ કાને પડે એટલે તરત જ નજર સામે જાડા પુંઠાના કવરવાળી લામ્બી-પહોળી આકૃતી ઝબુકે. જનરેશન - ઝ (generation Z)ને તો કમ્પ્યુટરની ફાઈલ જ નજરે પડતી હશે! (સરકારી બાબુઓને તો ફાઈલ નામ સામ્ભળતાં જ ઉંઘ આવતી હશે!)

આજે આપણે વાત કરીશું ડીજીટલ ફાઈલ વીશે. આપણે બધાં માઈક્રોસોફ્ટ વર્ડ કે એક્સેલ સ્પ્રેડશીટ, નોટપૅડ કે વર્ડપૅડ, વગેરે ઍપ્લીકેશન વાપરતાં હોઈએ છીએ. જ્યારે, આ ઍપ્લીકેશન આપણું લખાણ સંગ્રહે (save) છે, ત્યારે એ ફાઈલ સ્વરુપે સંગ્રહે છે. ફાઈલ એ બાઈટના જથ્થાનું એક એકમ છે. હાર્ડ-ડ્રાઈવ કે ડીવીડી કે પેન-ડ્રાઈવમાં આ બધી ફાઈલો બાઈટનાં સંગ્રહ તરીકે હોય છે.

પણ, આ બાઈટરુપી માહીતીને સંગ્રહવામાં જે-તે ઍપ્લીકેશન બહુ મહત્વનો ભાગ ભજવે છે. MP3 ફાઈલને તમે વર્ડપૅડના લખાણની ફાઈલ તરીકે ખોલવા જાઓ તો કાંઈક ચીત્ર-વીચીત્ર લખાણ નજરે પડે. (ભઈ, આપણને તો કમ્પ્યુટર જ ચીત્ર-વીચીત્ર લાગે છે.) અને, એ જ પ્રમાણે, વર્ડપૅડની ફાઈલને મીડીયાપ્લેયરમાં પ્લૅ કરો તો એ એરર (error) બતાવશે. આનું એક કારણ છે ઍપ્લીકેશન! જ્યારે આપણે વર્ડપૅડમાં લખાણ લખીએ છીએ ત્યારે વર્ડપૅડ એ લખાણની સાથે સાથે એનું ફોર્મેટ (format) (ફોંટની માહીતી, લખાણનો વર્ગ, લખનારની માહીતી, વગેરે) પણ સ્ટોર કરે છે. વળી, અમુક ઍપ્લીકેશન માહીતીને કોમ્પ્રેસ (compress) કરીને કે એનક્રીપ્ટ (encrypt) કરીને સંગ્રહીત કરે છે. એટલે, જો કોઈ ઍપ્લીકેશન આ ફોર્મેટ ઉકેલી શકે તો એ ફાઈલમાં શું છે એ જાણી શકે. (આ બાબતને ડી.એન.એ. માટેના જીનોમ મૅપીંગ (genome mapping) પ્રોજેક્ટ સાથે સરખાવો.) (સ્ત્રીના મગજનું ફોર્મેટ કોઈ ઉકેલી શકશે ખરું???)

હવે, ફાઈલ કેવી રીતે સંગ્રહીત થાય છે, એ જે-તે ઑપરેટીંગ સીસ્ટમ (operating system) પર આધાર રાખે છે. આ બાબતને ફાઈલ સીસ્ટમ ફોર્મેટ (file system) કહે છે. વીંડોઝ (Windows) માટે ફૅટ (FAT12, FAT16, FAT32), એન.ટી.એફ.એસ. (NTFS - New Technology File System), એચ.પી.એફ.એસ. (HPFS - High Performance File System), લીનક્સ (Linux) માટે એક્સ્ટ* (ext2, ext3) જેવી ફાઈલ સીસ્ટમ છે. ડૅટાબૅઝ સર્વરને પણ પોતાની ફાઈલ સીસ્ટમ હોય છે. વધુ માહીતી: http://en.wikipedia.org/wiki/List_of_file_systems

Sunday, April 27, 2008

પ્રેમ અને નીઃસ્વાર્થતા - 2

પ્રેમ અને નીઃસ્વાર્થતા - 2 - સ્વામી વિવેકાનન્દ

11. આ જીવન અલ્પકાલીન છે, સંસારના મોજશોખો ક્ષણભંગુર છે; પણ જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે, બાકીના લોકો તો જીવતા કરતાં વીશેશ મરેલા છે.

12. જે ધર્મ કે જે ઈશ્વર વીધવાનાં આંસુઓ લુછી ન શકે કે અનાથના મુખમાં રોટીનો ટુકડો મુકી ન શકે એવા ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી.

13. પ્રેમ કદાપી નીશ્ફળ જતો નથી બેટા; આજ નહીં તો કાલે કે યુગો પછી, સત્યનો જય થશે જ! પ્રેમની જીત થવાની જ છે. શું તમે તમારા માનવબન્ધુઓને ચાહો છો?

14. ઈશ્વરની શોધ બીજે ક્યાં કરવા જશો? શું બધા દીન-દુઃખી અને દુર્બળ લોકો ઈશ્વરસ્વરુપ નથી? તો એમની પુજા પ્રથમ શા માટે ન કરવી? ગંગા કાંઠે કુવો ખોદવા શા માટે જવું?

15. પ્રેમની સર્વશક્તીમત્તામાં શ્રધ્ધા રાખો. શું તમારી પાસે પ્રેમ છે? તો તમે સર્વશક્તીમાન છો. શું તમે સમ્પુર્ણપણે નીઃસ્વાર્થી છો? જો એવું હોય તો કોઈપણ વ્યક્તી તમારો પ્રતીકાર કરી શકે નહીં. ચારીત્ર જ સર્વત્ર ફલદાયી નીવડે છે.

16. મારું હ્રદય લાગણીથી એટલું બધું ભરાઈ ગયું કે હું તેને વ્યક્ત કરી શકતો નથી; તમે એ જાણો છો, તમે એની કલ્પના કરી શકો છો. જ્યાં સુધી લાખો લોકો ભુખ અને અજ્ઞાનમાં જીવે છે ત્યાં સુધી એમના ભોગે કેળવણી પામીને એમના તરફ જે લેશમાત્ર પણ ધ્યાન આપતો નથી, ગરીબોને ચુસીને કમાણી કરતા, ભપકાથી દમામભેર ફરતા, તમામ લોકોને હું પામર ગણું છું. મારા બન્ધુઓ આપણે ગરીબ છીએ. આપણી કશી જ ગણના નથી, પરંતુ આવા જ મનુશ્યો હમ્મેશાં પરમાત્માના નીમીત્તરુપ બની રહે છે.

17. મને મુક્તી કે ભક્તીની કશી પરવા નથી; 'વસંતરુતુની જેમ (મુક રહીને) લોકહીત કરતાં કરતાં' હું લાખો નર્કોમાં જવા તૈયાર છું - આ છે મારો ધર્મ.

18. હું મૃત્યુ સુધી સતત કાર્ય કરતો રહીશ; અને મૃત્યુ પછી પણ જગતના કલ્યાણ માટે હું કાર્ય કરીશ. અસત્ય કરતાં સત્ય અનંતગણું વીશેશ પ્રભાવશાળી છે; અને ભલાઈનું પણ એવું જ છે. જો તમારી પાસે આ બે વસ્તુઓ હોય તો તેઓ કેવળ પોતાના પ્રભાવથી જ પોતાનો માર્ગ કાઢી શકશે.

19. વીકાસ એ જ જીવન અને સંકોચ એ જ મૃત્યુ. પ્રેમ એટલે વીકાસ અને સ્વાર્થ એટલે સંકોચ. એટલે પ્રેમ એ જીવનનો એકમાત્ર નીયમ છે. જે પ્રેમપુર્ણ છે તે જીવે છે; જે સ્વાર્થી છે તે મૃત્યુને આધીન થતો જાય છે. માટે પ્રેમ ખાતર પ્રેમ દાખવો, કારણ કે જે રીતે તમે જીવવા માટે શ્વાસ લ્યો છો એ જ રીતે પ્રેમ એ જીવનનો એકમાત્ર નીયમ છે. સ્વાર્થરહીત પ્રેમનું, સ્વાર્થરહીત કાર્યનું અને અન્ય તમામ વસ્તુઓનું એ જ રહસ્ય છે.

20. જગતને પ્રકાશ કોણ આપશે? આત્મસમર્પણ એ વીતી ગયેલા યુગોથી ચાલ્યો આવતો 'મહાનીયમ' છે; ખેર! ભાવી યુગોનો પણ એ મહાનીયમ થશે. 'બહુજન હીતાય, બહુજન સુખાય' પૃથ્વીના વીરતમ અને શ્રેશ્ઠ લોકોએ આત્મસમર્પણ કરવું પડશે. સનાતન પ્રેમ અને કરુણાથી પુર્ણ એવા સેંકડો બુધ્ધોની જરુર છે.

--------------------------------------------------
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર...

Wednesday, April 16, 2008

શબ્દોં કે જંગલમેં

શબ્દોં કે જંગલમેં

આ ગીત બહુ જ સુન્દર સ્વરોમાં શ્રી વિક્રમ હાઝરાએ ગાયું છે. તમે અહીં સામ્ભળી શકશો: http://www.youtube.com/watch?v=9frGc5beJPg

રચયીતા કોણ છે એ મને ખબર નથી. આપને જાણ હોય તો અહીં કોમેંટ મુકશો.
શબ્દાંકન:

શબ્દોં કે જંગલમેં તું ક્યું ફંસાં હૈં રે.
પરબ્રહ્મ કે રસ સે તેરા નસ નસ રમા હૈં રે.

શબ્દોં કે જંગલમેં તું ક્યું ફંસાં હૈં રે.
પરબ્રહ્મ કે રસ સે તેરા નસ નસ રમા હૈં રે.

આનન્દ તુ હી, પરમાનન્દ તુ હી.
આનન્દ તુ હી, પરમાનન્દ તુ હી.

ૐ મેં ખોકર, ૐ મેં રમ કર, ૐ મેં મીલના હૈં.

શબ્દોં કે જંગલમેં તું ક્યું ફંસાં હૈં રે.
પરબ્રહ્મ કે રસ સે તેરા નસ નસ રમા હૈં રે.

માન અપમાન હોતા કહાં રે, યે તો હૈં શબ્દોંકી પકડ.
માન અપમાન હોતા કહાં રે, યે તો હૈં શબ્દોંકી પકડ.

ભલે બુરે શબ્દ તુઝે હીલા દે, ઈતના તુ નહીં હૈં કમઝોર.

ૐ મેં ખોકર, ૐ મેં રમ કર, ૐ મેં મીલના હૈં.

શબ્દોં કે જંગલમેં તું ક્યું ફંસાં હૈં રે.
પરબ્રહ્મ કે રસ સે તેરા નસ નસ રમા હૈં રે.
પરબ્રહ્મ કે રસ સે તેરા નસ નસ રમા હૈં રે.

પલક

પલક - ચીરાગ પટેલ Nov 11, 1998

પલક ઝપકી, 'ને એક પ્રકાશ રેલાયો વીશ્વમાં.
પલક ઝપકી, 'ને બ્રહ્માંડ રચાયું ઘોર અન્ધકારમાં.
પલક ઝપકી, 'ને જીવાંકુર ફુટ્યું આ ધરણીમાં.
પલક ઝપકી, 'ને જીવન મહેંક્યું અફાટ સંસારમાં.
પલક ઝપકી, 'ને બે જીવ મળ્યાં અણદીઠેથી.
પલક ઝપકી, 'ને બે આત્મા એક થયાં તૃપ્તીથી.
પલક ઝપકી, 'ને એક શ્વાસ વધ્યો જીન્દગીમાં.
પલક ઝપકી, 'ને સ્નેહતણો રણકાર થયો દીલમાં.
પલક ઝપકી, 'ને રસહીન થયો આ સંસાર.
પલક ઝપકી, 'ને પ્રભુમીલન થયું જે નથી અસાર.

Friday, April 11, 2008

ચાતક

चातक वलखे मृगजळ जोई, ठंडक पामवा चान्दो जुए;
तरस छीपे नहीं छतांय कोई, आंसुबुन्दो छेवटे पीए.

Saturday, April 05, 2008

મોભ

મોભ - બંસીધર પટેલ Oct 01, 2002

ઉંચી આભલે અડતી ઈમારત ચણી, ખેંચ્યો દમ નીરાંતનો;
બોલાવ્યો રંગાટીને, પુરવા રંગ સોહામણા, કરવા વૃધ્ધી ભભકાની.
બની કૃતનીશ્ચયી ચઢ્યો એ પાલખ થકી, છેક ઉપરના મજલે;
મુક્યું ડબલું રંગ ભરેલું, હાથમાં લીધું આકર્શક બ્રશ એણે.
ઠોલી પાલખી! ખસ્યો પગ, આવ્યો નીચે લપસી એકદમ જ;
થયો ધબાકો, પડી નજર, દોરાયો સ્વરદીશાને પારખી હું.
થયું જોઈને ત્યાં તો, ના પડી ખબર કોઈ રંગની તેમાં;
ભળ્યા રંગ, લહુ પણ રેલાયું ખુબ ત્યાં, ટળવળતાં રંગાટીનું.
પારખવા રંગને મથ્યો હું ખુબ જ, ના મળ્યો લહુનો રંગ લાલ.
થયું મીશ્રણ, રેલાઈ ગયું, જીન્દગીના બદલાતા રંગોની જેમ;
ઉઠાવ્યો કાન્ધે, અમે બે મળી પકડી વાટ ત્રણગણા લય તણી.
ભાંગ્યો પગ, થયું નીદાન, સારવાર ચાલી ખુબ ત્વરાથી;
આવ્યાં બાળ, નાર અને ભગીની, જાણ્યું સત્ય કડવું ઘણું.
હતો એ એક જ આધાર, મોભી ઘરનો તુટ્યો એ પીછાણ્યું;
દ્રવી ઉઠ્યું ઉર, રડી રહ્યો આતમ માંહ્યે, ઘટી શું ઘટના અહીં.
ભુલથી પણ ઈશ્વર કદી, કરીશ ના શીક્ષા કોઈને આવી.
બની નરવો, થઈ સાજો, સીધાવ્યો ગૃહે સપરીવાર એ;
કરવા જેવી કરી સરભરા એની, યાદ સંઘરી અંતર મહીં.

નવરાત

નવરાત - બંસીધર પટેલ

આવ્યું રુપાળું નવલું પર્વ નવરાતનું,
ગોરી ગરબે ઘુમવા હાલ્યાં રે લોલ.

રુમઝુમ રુમઝુમ વાગે પગની પાયલ,
ઝાંઝરનો ઝંકાર સોહામણો રે લોલ.

ભાવ તણો ભરી ઘડુલો માથે મુકી,
નારીનું સોહામણું રુપ સોહાય રે લોલ.

સરખી સાહેલીઓ સહુ ટોળે વળી,
ગાય માનાં ગુણગાન ગુલતાન રે લોલ.

ધન્ય બન્યું જીવન, મળ્યો જનમ નારનો,
કે માતાજીની ભક્તીનો આધાર રે લોલ.

લાલ, લીલો, પીળો ને કેસરી રંગ દેખાય,
કે માની ચુન્દલડી અદભુત ઓઢાય રે લોલ.

તન મન બન્યું છે એકાકાર માના નામમાં,
ભુલી માયા સઘળી સંસારની રે લોલ.

અમ્બા, કાળી, દુર્ગા, મા તારા રુપ દેખાય,
નવલી નવરાતની રાત્રે રે લોલ.

નોન્ધ: સંયોગે, આવતી કાલે (એપ્રીલ 5, 2008) ચૈત્ર નવરાત્રી શરુ થાય છે.

Friday, April 04, 2008

EPR પૅરેડૉક્સ

EPR પૅરેડૉક્સ - ચીરાગ પટેલ Apr 04, 2008

EPR paradox એક સંશોધન પત્ર તરીકે બહોળી પ્રસીધ્ધી પામ્યો છે. એને લખનાર પ્રસીધ્ધ વૈજ્ઞાનીકો આલ્બર્ટ આઈંસ્ટાઈન (Einstein), બૉરીસ પોડોલ્સ્કી (Podolsky) અને નૅથન રોઝેન (Rosen)નાં પ્રથમ અક્ષરોને સાંકળીને બનતાં ત્રણ અક્ષરો EPR નામે પ્રચલીત છે. પૅરેડૉક્સ એટલે વીરાધાભાસ અથવા અસંગતતા અથવા તાર્કીક વીસંગતતા. એક રાજાએ પોતાના ગામમાં એક વાર ઢંઢેરો પીટ્યો કે, "આજ પછી ગામમાં કોઇ પણ વ્યક્તીએ જાતે હજામત ના કરવી, અને માત્ર ગામનાં વાળન્દ પાસે જ કરાવવી." આ ઢન્ઢેરા મુજબ પેલો વાળન્દ પોતાના વાળ કાપી શકે? આવી તાર્કીક વીસંગતતા માટે પૅરેડૉક્સ શબ્દ-પ્રયોગ થાય છે.

EPR પૅરેડૉક્સ ક્વોંટમ વીજ્ઞાન(Quantum physics)માં 1935ની સાલ સુધીમાં રહેલી વીસંગતા તરફ અંગુલીનીર્દેશ કરે છે. પછી તો, આ સંશોધનપત્ર એક નવા જ ખ્યાલને માટે નીમીત્ત બન્યો. આજે આપણે માત્ર આ પત્રમાં રહેલી માહીતીને સરળ ઉદાહરણથી સમજવા પ્રયત્ન કરીશું.

એક સીધી રેખામાં અમુક અંતરની કલ્પના કરો. ધારો કે, 10 મીટર. એના એક છેડે કનીશ્કાને બેઠેલી કલ્પો અને બીજે છેડે ખ્યાતીને બેઠેલી કલ્પો. ધારો કે, કનીશ્કા પાસે એક લોહચુમ્બક (magnet) હાથમાં પકડેલું છે. આ ચુમ્બક ધારો કે અંગ્રેજી C આકારનું છે, અને કનીશ્કાએ એની ખુલ્લી બાજુને નીચે તરફ રહે એ રીતે પકડેલું છે. એટલે કે, Cની પીઠ આકાશ તરફ રહે એમ પકડ્યું છે. હવે ધારો કે, ખ્યાતી પાસે ઈલેક્ટ્રોનનો ગતીપથ નોંધી શકાય એવો કૅમેરા છે. વળી, ધારો કે, 10 મીટરની કાલ્પનીક રેખાનાં મધ્યબીન્દુએ ઈલેક્ટ્રોનનું ઉદ્ગમસ્થાન છે. અને ઉદ્ગમ પણ પાછું એવું છે કે, એમાંથી માત્ર ઈલેક્ટ્રોન જોડકાં જ ઉદ્ભવે છે. ક્વૉંટમ સીધ્ધાંત મુજબ, એક જ ઉદ્ગમમાંથી ઉદ્ભવતાં કણો વીરુધ્ધ દીશામાં અને સરખી ઉર્જાથી ગતી કરે. એટલે, આપણે એવું ધારીએ કે, એક સાથે નીકળતાં જોડકાંમાંથી એક ઈલેક્ટ્રોન કનીશ્કાએ હાથમાં પકડેલાં ચુમ્બકની દીશામાં જાય છે, તો એ જ સમયે બીજો ઈલેક્ટ્રોન ખ્યાતીની દીશામાં જશે. બન્ને એક જ સમયે કનીશ્કા કે ખ્યાતી સુધી પહોંચશે.

હવે, કમાલ જોઈએ. ઈલેક્ટ્રોનનો એક ગુણધર્મ છે, વીજચુમ્બકીયબળોની અસર તળે ગતીપથ બદલવાનો. કનીશ્કાએ પકડેલાં ચુમ્બકમાંથી પસાર થવાની સાથે જ સીધી રેખામાં આવી રહેલો ઈલેક્ટ્રોન જમણી બાજુ પલટાઈ જશે. અને લો, બીજી બાજુ જ્યારે ખ્યાતી ફોટો પાડે છે ત્યારે, એ બાજુનો ઈલેક્ટ્રોન એ જ સમયે ડાબી બાજુ વળી જાય છે! હજી ક્લાઈમૅક્સ હવે આવે છે. એવું માની લઈએ કે, પ્રયોગની શરુઆતમાં દરેક સ્થીતી વીશેની માહીતી અસ્તીત્વમાં હતી - જેમ કે, કનીશ્કા અને ખ્યાતીનું અંતર અને દીશા, ચુમ્બકની સ્થીતી, વગેરે. પણ, ધારો કે, ઈલેક્ટ્રોનનું એક નવું જોડકું ઉદ્ગમમાંથી નીકળી ચુક્યું છે, અને કનીશ્કા એકાએક ચુમ્બક્ની પીઠને ફેરવીને ઉભી ગોઠવે છે (90 અંશની ફેરબદલ). તો આ સંજોગોમાં કનીશ્કાના ચુમ્બક પાસે આવેલો ઈલેક્ટ્રોન જમીન તરફની દીશામાં ફંટાઈ જશે! અને ખ્યાતીનો કૅમેરો જોશે કે એની તરફનો ઈલેક્ટ્રોન આકાશની દીશામાં ફંટાઈ જાય છે!!!

માની શકાય છે? પ્રાયોગીક રીતે આ બાબત ઘણાં વૈજ્ઞાનીકોએ સાબીત કરી છે. પણ આવું કેવી રીતે બની શકે? શું ઈલેક્ટ્રોન એકબીજા સાથે માહીતીની આપ-લે કરે છે? આ આપ-લે માટે એમણે પ્રકાશની ગતી કરતાં વધુ ઝડપે માહીતી મોકલવી પડે, જે પદાર્થનાં કણ માટે શક્ય નથી. તો શું ઈલેક્ટ્રોન ભુત છે? ના. વીચારજો. ફરી ક્યારેક આ બાબતે ચર્ચા કરીશું. EPR સંશોધનપત્રે એક નવી જ દીશાનાં દ્વાર ખોલી આપ્યાં હતાં.

વધુ માહીતી: http://en.wikipedia.org/wiki/EPR_paradox