નવરાત - બંસીધર પટેલ
આવ્યું રુપાળું નવલું પર્વ નવરાતનું,
ગોરી ગરબે ઘુમવા હાલ્યાં રે લોલ.
રુમઝુમ રુમઝુમ વાગે પગની પાયલ,
ઝાંઝરનો ઝંકાર સોહામણો રે લોલ.
ભાવ તણો ભરી ઘડુલો માથે મુકી,
નારીનું સોહામણું રુપ સોહાય રે લોલ.
સરખી સાહેલીઓ સહુ ટોળે વળી,
ગાય માનાં ગુણગાન ગુલતાન રે લોલ.
ધન્ય બન્યું જીવન, મળ્યો જનમ નારનો,
કે માતાજીની ભક્તીનો આધાર રે લોલ.
લાલ, લીલો, પીળો ને કેસરી રંગ દેખાય,
કે માની ચુન્દલડી અદભુત ઓઢાય રે લોલ.
તન મન બન્યું છે એકાકાર માના નામમાં,
ભુલી માયા સઘળી સંસારની રે લોલ.
અમ્બા, કાળી, દુર્ગા, મા તારા રુપ દેખાય,
નવલી નવરાતની રાત્રે રે લોલ.
નોન્ધ: સંયોગે, આવતી કાલે (એપ્રીલ 5, 2008) ચૈત્ર નવરાત્રી શરુ થાય છે.
No comments:
Post a Comment