જાગ્યા પછી શું? - ચીરાગ પટેલ May 22, 2008
મેં 'જાગો' એ મથાળા હેઠળ પર્યાવરણનાં ભયસુચક સંકેતો તરફ અછડતો નીર્દેશ કર્યો હતો (http://parimiti.wordpress.com/2008/03/04/jaago/). આ લેખના અતીથીઓને 'જાગ્યા' પછી શું એ પ્રશ્ન ઉગ્યો હતો. આનો જો કે 'તુંડે તુંડે મતિર્ભીન્ના' ન્યાયે, જવાબ વ્યક્તીગત જુદો રહેવાનો. મારી દ્રષ્ટીએ આ જવાબ આપવા પ્રયત્ન કરું છું. અને, તમે એ પ્રમાણે તમારા તારણ કે જવાબ સુધી પહોંચી શકો છો.
માણસે પ્રગતીની આન્ધળી દોડમાં ભાન ભુલીને ટુંકાગાળાના જ લાભ અત્યાર સુધી લીધાં કર્યાં છે. પ્રગતીનો ઈનકાર જરાય ના હોઈ શકે. પરંતુ, એમાં પ્રમાણભાન ભુલી જવાથી કેવા દુઃષ્પરીણામ આવે એ સત્ય આપણને કુદરત બહુ જ કડવી દવા રુપે પાઈ રહી છે.
આપણી આખી સૃષ્ટી એક ચક્રમાં સંકળાયેલી છે. એક જીવનું અસ્તીત્વ બીજા જીવ પર નીર્ભર છે (જીવો જીવસ્ય ભોજનમ). આ સંતુલન ખુબ જ નાજુક દોરે જોડાયેલું છે. આ કાચા તાંતણાને મનુષ્ય કાયમ છેડતો આવ્યો છે. દુરનાં ભુતકાળમાં સૃષ્ટી પર કોઈને કોઈ પ્રાણી આધીપત્ય સ્થાપતું જ રહ્યું છે, અને કુદરતને છ્ંછેડવાની સજારુપે પોતાનાં અસ્તીત્વનું બલીદાન આપતું આવ્યું છે. માનવી પણ એ જ રસ્તે દોડી રહ્યો છે.
'ચિત્રલેખા' સાપ્તાહીકના 26 મે, 2008ના અંકમાં આદરણીય ગુણવંત શાહના 'કાર્ડિયોગ્રામ' લેખમાળામાંથી અવતરણ ટાંકું છું.
"આજે નહીં ને કાલે કે પરમ દીવસે આપણે આપણી જીવનશૈલી બદલવી પડશે. વીદ્યુતનો, કાગળનો, ગૅસનો અને પાણીનો બગાડ અટકાવવો પડશે. ઉર્જા કંઈ આપણા પરમ પુજ્ય પીતાશ્રીની માલીકીની નથી. પૈસા ખર્ચી શકે એવા માલદાર લલ્લુને ઉર્જાનો બગાડ કરવાની છુટ નથી. સ્વીચ ઑફ કરવામાં કેટલી તકલીફ પડે? જે ઓરડામાં કોઈ નથી એવા ઓરડામાં પણ એસી શા માટે ચાલ્યા કરે? જ્યારે પ્રધાનનું વીજળીબીલ સરકાર ભરતી હોય ત્યારે કોના ફાધરની દીવાળી?"
"સ્વામી સ્વચ્છતાનન્દજી પોતાના ઉપદેશમાં નાગરીકોને સ્વચ્છતા એ નવી ધાર્મીક્તા છે એવું ક્યારે સમજાવશે?"
"આપણી બગાડવૃત્તી અને લાપરવાહી હવે ભુતકાળની ચીજ બની જવી જોઈએ, કારણ કે પૃથ્વીને આપણે કંઈ માતા-પીતા પાસેથી વારસામાં નથી મેળવી. એ તો આપણને આપણાં સંતાનો તરફથી ઉછીની મળી છે. (ટાઈમ મેગેઝીન, ન્યુ યોર્ક, 3 ડીસેમ્બર, 1990)"
આ ઉપરાંત હું એક સામાન્ય કામગીરી પ્રત્યે ધ્યાન દોરવા માંગું છું. પૃથ્વીના સંતુલન માટે અને પ્રાણીઓના ખોરાક માટે વનસ્પતી એક ખુબ જ જરુરી અને પાયાનું અંગ છે. આપણે વૃક્ષોનું જે હદે નીકન્દન કાઢી રહ્યાં છીએ, એ ઘણી ઘણી જ ચીંતાજનક બાબત છે.
તો શું કરશો? જે લોકો ઝાડ કાપવા માંગે છે, તેમને સમજાવો. જો વૃક્ષનો થોડોક ભાગ કાપવાથી કામ ચાલતું હોય તો એટલું જ કરો. નવા નવા વૃક્ષો ઉછેરો અને એનું સંવર્ધન કરો. આપણી આસપાસ ઉગતાં વૃક્ષોની જાળવણી કરો. ગન્દકીને કટ્ટર ધાર્મીક્તાની રીતે દુર રાખો. દરેક પ્રસંગે એક વૃક્ષ ઉગાડીને એને સાચવવાનું પ્રણ બનાવો. જે દીવસે વૃક્ષની જાળવણી ના કરી શક્યા હો એ દીવસે પ્રાર્થના કરવાથી દુર રહો.
અમેરીકા સદભાગી છે કે ત્યાં વનસ્પતી અને પર્યાવરણની જાળવણી કરનારા કડક કાયદા બનાવી શક્યા છે. (ભલે પછી, દુનીયામાં સહુથી વધુ બગાડ અમેરીકનો કરતા હોય. હકીકત છે કે, એમેઝોન અને કોંગોના વનપ્રદેશની જેમ અમેરીકામાં રહેઠાણની આસપાસ બીલ્ડર વૃક્ષો ઉગાડી અને ઉછેરી શક્યા વગર ઘર નથી વેચી શકતો.) ભારતનું દુર્ભાગ્ય છે કે આવા કોઈ કાયદા નથી. અને લોકોને તો પર્યાવરણ અને ગન્દકીની જાણે પડી જ નથી. માત્ર બાહ્ય શુધ્ધીના દેખાડાથી જ આપણી ધાર્મીક્તા પોષાય છે. દરેક બાબતમાં સરકારનો દોષ જોવાને બદલે આપણે કોઈ નક્કર કામ કરી શકીશું?
--- આજનો લેખ મારા વડોદરાનાં ઘરને આંગણે ઉછરી રહેલાં વૃક્ષોને અર્પણ કરું છું. મારા સદભાગ્યે હું બાળપણનો મોટો સમય વાંસદા જેવા ગાઢ વનરાજીથી આચ્છાદીત સ્થળમાં વીતાવી શક્યો છું. અમારા ઘરને 'ઉપવન' બનાવવામાં મારા સદ્ગત પપ્પાની દુરન્દેશી કામ કરી ગઈ હતી.
No comments:
Post a Comment