Saturday, August 04, 2007

kalajug - Bansidhar Patel

કળજુગ - બંસીધર પટેલ

કળજુગનાં કાળાં વાદળ ઘેરાયાં ચહુદીશ, દૈત્ય બની માનવ ઘુમે સંસાર;
કરવા આરાધના શક્તી દુર્ગા કાળીની, કરે હડાહ્ડ અપમાન નારી જાતી તણું.

પુજવા જાય મંદીરમાં દેવ દર્શન કરવા, ઘરનાં દેવ સમાં મા-બાપ ભુખે ટળવળે;
રચી માયા સંસારની કરોળીયાની જેમ, ભુલો પડી ભવરણે ભટકે ભોમકામાં.

હતો જ્યારે બાળક, અરે માના ગર્ભ મહીં સંતાયેલો, દીધેલા કોલ સહુ વીસરી ગયો;
માન્યુ જેને સુખ તે તો ખાણ દુઃખથી ભરી, ચુંથ્યા ચર્મદેહ ન મળ્યો હાશકારો.

ભાઈ-બહેન, પત્ની, બાળકો, સમાજ અને સંસાર, નથી સાચા સાથી જગતનાં;
ભુલ્યો કેમ, ભરથારને, કાળી ડાળી વૃક્ષતણી, જ્યાં હતો બેઠેલો વીશ્રામમાં.

મદ્રાંચલ ચળી જશે, વા વંટોળ થકી થશે વીનાશ, સાગર મુકી માઝા જગતની;
ફરી વળશે આરો સર્વત્ર વીનાશનો પંજો, નથી રોકાવાનું જે થવાનું હશે નક્કી.

વળી જા, માની જા, ઓ માનવી કાળા માથાના, પાછો જે દીશાએ તું જઈ રહ્યો;
પસ્તાઈશ તું ભર પેટ, જ્યારે સમય ગયો હશે હાથમાંથી સરી.

પશ્ચાતાપ થાશે ઘણો, નથી સુણવાનું કોઈ તારું, ઘડાઈ જશે ઘાટ તારો પછી;
શું કરીશ તું? થાય છે મને ચીંતા ઘણી, હું પણ છું તારા જેવો માનવી.

શરણ સ્વીકારી ઈશ્વરનું, કર સમર્પણ સ્વજાતનું, કર્મ, અકર્મ, સકળનું;
થાશે બેડો પાર જ તારો, થવાનું હતું તે થયું, ઉગી નવી સવાર આજથી.

પંક્તી:--------------------------------
ફુલો ઉપર બેઠેલાં પતંગીયાં, કરે છે પમરાટ અસામંજશ;
ભાષા એમની કોણ સમજે? છે એ પ્રેમનાં સમર્પીત પુષ્પો બધાં.

karo haasya - Bansidhar Patel

કરો હાસ્ય - બંસીધર પટેલ

રોઈ રહ્યો છે માનવી, ચોધાર આંસુએ આજ;
વાવીને બબુલ કેરાં વૃક્ષ, લણી રહ્યો છે કંટકો આજ.
નહોતી લગીરે ખબર કે, આવશે ભેંકાર નઠારી આજ;
કરીને નાશ પર્યાવરણનો, બનાવ્યાં જળ, વાયુ ઝેરી આજ.

ભુગર્ભ, ધરા કે અંબર, નથી છોડ્યું કશુંય બેખબર;
ફીણી ફીણીને ભુ-ધરા, રહ્યું છે હાડપીંજર બેહાલ.
પાડી કાણાં આભ મોજાર, ભળ્યો છે વાયુ ઝેરી બેસુમાર;
હવે તો પહોંચી ગયો ગ્રહો ભીતર, નથી છોડવું કશુંય.

કાલ વીતાવી હોત જો સારી, ઉગ્યું હોત ઉજળું પ્રભાત આજ;
નજીવા સ્વાર્થની ખાતર, કર્યું નુકશાન પારાવાર બેહદ.
ન કરશે લગીરે માફ, ભાવી પેઢી થાશે જ્યારે બેહાલ;
હજી પણ થોભી વીચારે સહુ, સોના જેવી સાંભળવાની વાત.

બંધ કરો અટકચાળા, અટકાવો પ્રકોપ કુદરતનો તત્કાળ;
વધારીને વૃક્ષો વનો, કરો આબાદ ધરતીને સહુ સાથ.
પર્યાવરણ હશે જો શુધ્ધ, થાશે સુખ, સમૃધ્ધી જગમાં બેસુમાર;
આવરણ સાચું જગ તણું, પર્યાવરણ વીંટળાયેલું અનહદ.

તહેવાર ઉજવાશે અસ્તીત્વનો, મનુષ્ય, ધરતી આકાશનો;
બચવું હોય જો મનુષ્યને, તો સાચવવું પર્યાવરણ નીઃશંક.
ખુશહાલ નર-નાર-સહુ, જીવ-જગત-જંતુ દેતાં સહુ આશીષ;
ઘર-બહાર, ઉપર-નીચે, ચારેકોર, કરો જયકાર, વનસંપદા તણો.

Monday, July 30, 2007

guru purnima - Chirag Patel

ગુરુ પુર્ણીમા - ચીરાગ પટેલ Jul 30, 2007

વીવેકાનંદ સ્વામી હે, છે રામકૃષ્ણ પામતાં |
આકાશે તમ સપ્તર્ષી, અવતરણ પામતાં ॥

ભારતનાં સપુતોમાં, ક્રાંતીકારી તમે જ છો |
ભવ્યતમ જતીઓમાં, ગુણનીધી તમે જ છો ॥

સભાઓ ગજવી જ્યારે, બધાંને ભાવ થાય છે |
ઉપનીષદ અમૃતે, નીચોવી આપ પાવ છો ॥

પીરસ્યું રાજયોગે જે, નીખાર્યું પ્રેમયોગમાં |
નીરખ્યું કર્મયોગે જે, નીતાર્યું ભક્તીયોગમાં ॥

શુભ નીષ્ઠા વીચારોમાં, કાર્યોમાં પણ પ્રગટે |
ચીનગારી જગાવ્યામાં, સાચી ફોરમ પ્રગટે ॥

વીરમું તમને આજે, ગુરુ તમે અમાપ છો |
અંબા શરણ રાખો હે, વંદન વારંવાર હો ॥

---------------------------------------------------------
આજે ગુરુ પુર્ણીમા નીમીત્તે અનુષ્ટુપ છંદમાં સ્વામી વીવેકાનંદને અર્પણ.

બંધારણ:
8 અક્ષરના એવા ચાર ચરણ
દરેક ચરણમાં 5મો 'લ', 6ઠ્ઠો 'ગા'
પહેલા/ત્રીજા ચરણમાં 7મો 'ગા'
બીજા/ચોથા ચરણમાં 7મો 'લ'

Sunday, July 29, 2007

ghantnaad - Bansidhar Patel

ઘંટનાદ - બંસીધર પટેલ

મંદીરની ઘસી પગથારો, તોય હરી નવ મળ્યો;
ઘસ્યા મંજીરા, સાજ બેહદ, તોય વ્હાલો નવ રીઝ્યો.
કર્યું શાસ્ત્ર અધ્યયન અતી, તોય પ્રભુ નવ પીગળ્યો;
ધોઈ મુર્તીઓ સવાર સાંજ, તોય વાલમ નવ ઝુક્યો.

હવે છોડો એ જીદ, ઘંટના સુર થયા બેસુર;
લળી લળી લાગો છો પાય, એ વીસરેના કસુર.
રાત દીન કર્યા બહુ ઉજાગરા, પથ્થર કેમે રીઝે;
ભજન-કીર્તન કેરા નાદ, પહોંચ્યા સહેજે ના ઈશ્વર.

કર્યું તપ-મંત્ર-જાપ વારંવાર, તોય પાણીમાં પુરુ થાય;
બહારી દુનીયામાં ભટક્યો, અહી તહી તોય સર્વ વીફળ.
કીધું નવ અંતર દર્શન, કાઢ્યો ના મનનો મેલ;
સાચી પુજા-ભક્તી એક જ, મન ચંગા તો કથરોટમાં ગંગા.

ઈશ્વર એ તો વરેલો ઈશને, સર્વ મર્મજ્ઞ સચરાચર;
ભુલો કદી નવ પડે, નીરખે જગતનું અંતરમન.
હ્રદય જો હોય નીર્મળ, વ્હાલો દોડે ખુલ્લ પાદ;
પામવો જો હોય ઈશને, તો નીર્મળ મનવચન કરો.

aachaar sanhitaa - Bansidhar Patel

આચાર સંહીતા - બંસીધર પટેલ

આજ સુધી દુનીયાના જેટલા સંત, મહાત્મા, પયગંબર, ઓલીયા, ફીલસુફ થઈ ગયા તે તમામ; અરે ભગવાન શ્રીકૃષ્ણે પણ વીશ્વના મહાન ગ્રંથ 'ભગવદ ગીતા' દ્વારા કર્મના સીધ્ધાંતો દુનીયા સમક્ષ મુક્યા. ખરેખર આચાર સંહીતા એ સાપેક્ષ બાબત છે. તમામ ધર્મોનાં મુળમાં સ્વીકૃત આધાર સ્થંભ સમાન છે. સૃષ્ટીની ઉત્પત્તીથી આધુનીક દુનીયાની વાસ્તવીક પ્રગતીમાં પણ આચાર સંહીતા પાયાનો સીધ્ધાંત રહેલો છે. ભગવાન શ્રીમહાવીરે આચાર પ્રથમો ધર્મ ગણી જૈન વીચારધારામાં આચાર સંહીતાને પ્રમુખ સ્થાન આપેલું છે. ભગવાન બુધ્ધે પણ આચાર અથવા કર્મયોગના સીધ્ધાંતને મુખ્ય ગણ્યો છે.

ધર્મ હોય કે રાજકારણ આચાર સંહીતા એ મુખ્ય અને મુળભુત સર્વસ્વીકૃત સીધ્ધાંત છે. આપણા પ્રશનન શાસ્ત્રોમાં પણ એવા કેટલાય અગણીત દાખલાઓ મોજુદ છે, કે જેમણે આચાર-વીચાર ખાતર પોતાના પ્રાણનું પણ બલીદાન આપેલ છે. જેમકે રાજા હરીશ્ચન્દ્ર સત્યની ખાતર પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું. આધુનીક સમયમાં મહાત્મા ગાંધીજી, લાલ બહાદુર શાસ્ત્રી, ડૉ. રાધાકૃષ્ણન કે શ્રીમદ રાજચન્દ્ર જેવા ભારતના મહાન સપુતોએ અણીશુધ્ધ આચાર સંહીતાનું પાલન કરી બતાવ્યું છે. અરે ભારતના રાજ્ય બંધારણમાં પણ આચાર સંહીતાને પ્રાધાન્ય આપવામાં આવેલ છે. રાજકારણી નેતા હોય કે કર્મચારી અધીકારી હોય, સામાન્ય નાગરીક હોય કે કોઈ સામાજીક કાર્યકર હોય, સર્વેના આચાર સંહીતાના પાયાની બાબત છે. એટલું જ નહી આચરણ વગર મનુષ્ય અસામાજીક બની જાય છે. એવું અત્યારના દુષીત વાતાવરણ ઉપરથી સ્પષ્ટ જણાય છે. કોમી હુલ્લડો, સાંપ્રદાયીક અસામાંજસ્ય, વેરભાવ, દુષીત રાજકારણ, બેકારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર વગેરે અનીષ્ટ માટે શું આચાર સંહીતા જવાબદાર નથી? મારી દ્રષ્ટીએ સદ્આચરણ કે અનુશાશન રાષ્ટ્રના ઘડતરમાં અમુલ્ય ફાળો આપી શકે તેમ છે. પરંતુ પાટલે મોટી ખોડ છે. આપણા સંસ્કાર અને આચાર સંહીતા રુપી અમૃતનું પાન કરાવવામાં નહી આવે તો ભવીષ્યમાં એ નવી દાનવસૃષ્ટીનું સર્જન કરી તાંડવલીલા આચરશે એ નીઃશંક હકીકત છે.

દેશ આખામાં સદીઓથી મહાનપુરુષો, કથા, વાર્તા, સત્સંગ દ્વારા મનુષ્યનું આચરણ સુધારણા બાબત પર ભાર મુક્તા આવ્યા છે. સાહીત્યના વીદ્વાનોએ પણ તેમની મૌલીક રચનાઓ દ્વારા લોકશીક્ષણમાં આચાર સંહીતા ઉપર સેંકડો પુસ્તક પ્રજા સમક્ષ મુક્યા છે. છતાં કળીયુગ તેનો પ્રભાવ વધારતો જ જાય છે. આવું કેમ? એ સૌના મનનો વીકટ સવાલ છે. તો આના માટે પાયાની વાત આપણે વીચારીએ.

આપણામાં કહેવત છે કે અન્ન તેવું મન અને જળ એટલા પ્રમાણમાં પ્રદુષીત છે કે ખાતર અને રસાયણના ઝેરથી અન્ન જળ સાત્વીક મટીને તામસી બની ગયાં છે. બીજું પૈસા પાછળની આંધળી દોટ, સ્વાર્થવૃત્તી પણ આચાર સંહીતાના સીધ્ધાંત પર કુઠારાઘાત સમાન છે. ત્રીજું ધર્મથી વીમુખ થવું , દુર જવું અથવા કોઈ પણ ધર્મ કે મઝહબના પાયાના સીધ્ધાંતોને તોડી મરોડી સગવડભર્યા આધુનીક ધર્મમાં પરાવર્તન કરવું.

આચાર સંહીતા એ વ્યક્તીગત બાબત છે. છતાં પણ તેમાં ઉપરોક્ત પરીબળો ભાગ ભજવી શકે છે. અને મનુષ્ય સારા આચાર-વીચારો દ્વારા સમાજ તથા દેશને એક સારા નાગરીક તરીકે પોતાનું યોગદાન આપી શકે છે. વ્યક્તી, સમાજ અને રાષ્ટ્ર એક સુત્રમાં બંધાઈને ધરતી પરનું સ્વર્ગ બની શકે.

Thursday, July 19, 2007

pankti 07 - Chirag Patel

મરજીવા વિજ્ઞાનીકો, શતશત અંજલિ આ;
જોયું જીવન કષ્ટ છો, વિશાળ દ્રષ્ટિ તવ છે.
—————————–
થોડી છુટ-છટ સાથે અનુષ્ટુપ છંદમાં રચવા પ્રયત્ન કર્યો છે.
8 અક્ષરનાં ચાર ચરણ.
દરેક ચરણમાં 5મો ‘લ’, 6ઠ્ઠો ‘ગા’.
પ્રથમ/ત્રુતિય ચરણમાં 7મો ‘ગા’.
દ્વિતિય/ચતુર્થ ચરણમાં 7મો ‘લ’

Jul 19, 2007

saapex - Chirag Patel

સાપેક્ષ - ચીરાગ પટેલ Jul 19, 2007

આઈંસ્ટાઈન જેવો, અનુભવ નવલો, તાલ જામ્યો હવે આ;
સાપેક્ષવાદ લાધ્યો, ખળભળ જ મચ્યો, જ્ઞાનનાં સમુદ્રમાં.

મારી સામે જ જોયો, સમય મલપતો, જોડતો માપ મોટાં;
ઈલેક્ટ્રોને જણાવ્યો, સમય પળ મહીં, જોજનો લાખ લાંધ્યા.

મહીના થાય નાના, હર પળ છ ગણી, થાય મારી કસોટી;
સાપેક્ષવાદ ભાળ્યો, જળમય નયને, છેતરું પાળ બાંધી.

તારાઓનો નઝારો, ચમક ચમકતો, આંખને ઠારતો આ;
જ્યારે જોઉં સદેહે, અલક મલકનાં, ખેલ એવાં નઠારાં.

ધોળાં કાળાં ગર્તમાં, વમળ ઉમડતાં, થાય સ્ફોટો ઉર્જાનાં;
રાતાં પીળાં ચક્કરો, અણુ ભરમ થતાં, જોડતાં જાળ મોટાં.

વારી જાઉં છટાને, હર મહત તત્વ, ઝાકળે આભ સ્ફુરે;
સાપેક્ષે આમ શોધ્યો, જળ થળ નભમાં, આતમે તું જ સ્મરે!

--------------------------------------------------------------------------

છંદમાં કવીતા લખવાનો આ મારો પહેલો પ્રયાસ છે. આખી કવીતા 'સ્ત્રગ્ધરા' છંદમાં રચવા પ્રયત્ન કર્યો છે.

કુલ અક્ષરો: 21
યતી: 7, 14
બંધારણ: ગાગાગા ગાલગાગા, લલલલલલગા, ગાલગા ગાલગાગા

ભુલચુક સુધારશો.

Saturday, July 14, 2007

થયું કુદરતને કે... - બંસીધર પટેલ

થયું સુરજને કે ઘડી હું આરામ લઉં,
પણ થાશે શું જગતનું વીચારી રહ્યો.

થયું પવનને કે ઘડી લહેર બંધ કરું,
પણ જીવશે કે કોઇ વીચારી રહ્યો.

થયું જળને કે હું ધરાથી વીલાઇ જઉં,
પણ તરસે મરશે જગત વીચારી રહ્યું.

થયું આતમરામને કે ઘડીક બહાર જઉં,
પણ ખોળીયાની કીંમત શું વીચારી રહ્યો.

થયું કુદરતને કે ઘડીક આરામ લઉં,
પણ ક્રમ સૃષ્ટીનો નહી ચાલે વીચારી રહી.

થયું કવીને કે કલમ હેઠી મુકી દઉં,
પણ કવીતા વીના જગત શુન્ય વીચારી રહ્યો.

થયું કોકીલાને કે મીઠો સ્વર બંધ કરું,
પણ ગરીમા કુદરતની કોણ ગાશે વીચારી રહી.

થયું મનુષ્યને કે હું માણસ મટી જાઉં,
પણ જગત થાશે મરુસ્થલ વીચારી રહ્યો.

panktio

પંક્તીઓ - બંસીધર પટેલ

1--->
ઉતારવા થાક પુરા દીનનો, આવી સંધ્યા, મીલનની હોંશથી;
નીશાના ઓછાયા ઉતરશે કાળા ડીબાંગ, ડરી જશે બીચારી સંધ્યા.
2--->
નમસ્તે સદા વત્સલે માતૃભુમે
ત્વયા હીંદુભુમે સુખમ વસ્ધીતોડહમ ॥
મહામંગલે પુણ્યભુમે ત્વદર્થે
પતત્વેષ કાર્યો નમસ્તે નમસ્તે ॥
અર્થ: હે વત્સલ માતૃભુમી, હું તને સદાય પ્રણામ કરું છું. હે હીંદભુમી, તેં જ મને સુખમાં ઉછેર્યો છે. હે મહામંગલમય પુણ્યભુમી, તારા માટે મારું આ શરીર અર્પીત છે. તને હું અનેકવાર પ્રણામ કરું છું.
3--->
જામી છે રમત અવકાશે, નક્ષત્રો, તારા, સુરજ, ગ્રહો મહીં;
પકડદાવની શરુઆત થતાં જ, મચી છે બ્રહ્માંદમાં હવે ભાગંભાગી.
નથી આવતું હાથે, કોઇ કોઇની પકડમાં, અઠંગ ખેલાડી બળીયા સહુ;
આ રહ્યો, પેલો ગયોની મચી છે બુમરાણ;
નીહાળે છે તારકસહુ પ્રેક્ષક બની, હારજીતનો નથી પ્રશ્ન.

shaayaree 2 - Jigna Patel

જીજ્ઞા પટેલ - Jul 02, 2007

આજ મારી આંખમાં વેરાન આખો બાગ છે,
શું કહું હૈયા મહીં શેની આ આગ છે;
જોઇ કાળો તલ ગુલાબી ગાલ પર હરખાઓ ના,
દીલ બળી તણખો ઉડ્યો છે તેનો આ દાગ છે...
જીજ્ઞા પટેલ - Jun 30, 2007

પાણી બની ને હું તો વહેતી ગઇ,
ખાડા ટેકરા સહેતી ગઇ;
સમુંદરની ઝંખના કરતી ગઇ,
પણ કોણ જાણે કેમ રણમાં સમાતી ગઇ...

નીરાશા ભરી નજરોએ જોઉં ઉજ્જડમાં જડ,
થોડું આગળ વધી જાણ્યું એ મૃગજળ;
કહે છે લોક આશા અમર,
તો કેમ આમા મારા ભાગ્યમાં વમળ...

કહું છું સાગરને ચાલ કરીએ બેડો પાર,
પણ ના સમજે એ મારો ભરથાર;
કુદરતની લીલા અપરંપાર,
બતાવે કંઇક રસ્તો ફરી એક વાર...

ખુશીની ધારા બની હું વહી ગઇ,
સાગરને ઇશારે રેત પર હું ઢળી ગઇ;
શ્યામની કૃપાએ સફરને હું સહી ગઇ,
અંતે પહેચાન ગુમાવી સાગરમાં હું ભળી ગઇ...

Saturday, July 07, 2007

kharo raahabar - Bansidhar Patel

ખરો રાહબર - બંસીધર પટેલ Sep 14, 1992

ઉડું હું બની વીહગ, ઉંચા અનેરા નીલ ગગનમાં;
વીહાર કરું હું દુર-સુદુર, અથાગ પરીશ્રમનાં ભાવ વીના.

નીરખું હું પુનઃ પુનઃ, સૃષ્ટી તણા સકળ સૌંદર્યને;
ભર્યા ભર્યા સમંદર જોયાં, રંગબેરંગી ઉપવન ઘણાં.

નગર, શહેર, અને મરુસ્થળ જોયાં, નદીનાળાં અનેક;
નથી સ્પર્શી માયા મને, નથી કશાયનો ઉદગાર.

જળકમળ બની નીરખું મનભાવન વીશ્વ ભરી;
હશે નીયમ એવો કંઇક, સાધુ તો ચલતા ભલા નો.

અનુસરું હું નીયમ તેવો, તેથી કંઇ સાધુ નથી.
મનની મલીનતા છોડી બધી, ભર્યો નીર્દોષ મધુર પ્રેમ;

મંઝીલ મારી ખબર નથી, રાહ બન્યો રાહબર.

vasant - Bansidhar Patel

વસંત - બંસીધર પટેલ Sep 14, 1992

ખીલી છે વસંત પુરબહાર, નાચે મયુર પપીહા.
અજંપો દીલમાં ભરી, મન ઉચાટ અનુભવ કરે.
પમરાટ કીટક-જંતુઓનો, ભાંભરતો ગીરીરાજ.
ખળખળ વહેતું ઝરણું સાથે, નથી ઉષ્મા તાલમાં.
વાગે છે દુર વાંસલડી, કરે હ્રદયમાં ઝણઝણાટ.
સુંદરતા ઠાંસી ભરી, વન લલીતા સોહામણી અતી.
મળવા પ્રાણ પ્યારા પ્રીતમને, તરસી રહી બુલબુલ.
અવાચક બની નીરખી રહ્યો, ઉપર આભ, ગગન રસાતળ.
ખોવાઇ ગયો હું ભુતકાળમાં, વાગોળવા કોઇ પ્રસંગ.
શમી ગયો ઉચાટ મનનો, પુલકીત બની નાચી રહ્યો.
માન્યો પહાડ કુદરતનો, ભરી ભરી નીરખું એ દ્રશ્ય.
ખોવાયેલા, ઘવાયેલા મનને, મળ્યો ખરો સહવાસ.

maaNasaai - Bansidhar Patel

માણસાઇ - બંસીધર પટેલ Sep 14, 1992

શયતાનો ફરે છે બધાં, છુટાં હરાયાં ઢોર જેવાં.
હશે કોઇ બાંધવા ખીલે, રોકવા સ્મશાન બનતું આ સંસારને!
ઉડી ગઇ છે અમી બધી, આંખો બની નીસ્તેજ ઘણી.
આવ્યો છે જમાનો એવો, કળીયુગનો કાળ બની.

નથી ભલાની જીંદગી, છે એ શયતાનોની.
વીવેકબુધ્ધી તારું નામ નથી, માણસાઇ બધી ખાડે પડી.
બન્યો છે મનુષ્ય લોહી તરસ્યો વરુ, બનીને સાકી પીએ છે રુધીર.
દુર ક્ષીતીજમાં ઉગ્યો તારલો, નથી થયો નીરાશ, આશાનું કીરણ ઉગ્યું.

shaishav nee jhankhanaa - Bansidhar Patel

શૈશવની ઝંખના - બંસીધર પટેલ Sep 14, 1992

મળે જો શૈશવ પાછું અમોને,
નથી આશા હવે ભવીષ્યનાં જીવનની.
જે વીતાવ્યું જીવન અમે,
ઘાણીના બળદથી શું એ કમ હતું?
રડી હસીને કાઢ્યાં દીવસો,
સંસારની સરગમ ગાવા અમે.
થાય છે અતી ઉચાટ મનમાં,
યાદ કરતાં જીંદગી ભુતકાળની.
વહાવી દીધું યૌવન અમે,
પાણીના મુલે અલ્પકાળમાં.
જોયા છે મરદ અમે ઘણાં,
જીવી ગયા શી ભલી જીંદગી.
રહસ્ય એનું પામવા અમે,
જોયા કંઇક ભડવીરને.
પીછાણ્યું એક સત્ય અમે,
જીવ્યા એ બાળક સમ નીર્દોષતાથી.
એટલે જ સ્તો અમે પણ,
માગીએ, શૈશવ મળે ફરી.

maaraa ishTa - Bansidhar Patel

મારા ઇષ્ટ - બંસીધર પટેલ Sep 14, 1992

રસ્તાઓ માપી બધા, અચરજ થાય શેં વાતનું?
છે આ જ રસ્તા જીંદગીના જટીલ કઠીન.
વટાવી કંટકો રાહના, ભાગ્યા દોડ્યા કાયમ સહુ,
નથી ઉચ્ચાર્યો હરફ સુધ્ધાં, સહન સહુ સીતમ કર્યા.
મળ્યા છો રાહબર સાચા ભેરુ, તાલમેલ સુર બધાં,
કરીશું સહન હશે જે કંઇ કષ્ટ ઘણાં બધાં.
નથી ભાગવાનો આશય અમારો,
ભલે હો આસમાની કે સુલતાની.
કર્યો છે એક અડગ નીર્ધાર,
મરીશું, મરીશું પણ કરીશું બેડો પાર.
મળી છે મદદ હંમેશાં તમારી,
મારી જ્યારે હાક, ઉઠ્યા છો સફાળા.
તમે ઇશ્વર નથી તો કોણ છો?
હશે જે કંઇ તે, મારે મન તો ઇષ્ટ છો.

saurabh suman - Bansidhar Patel

સૌરભ સુમન - બંસીધર પટેલ Sep 14, 1992

મહેંક ઓશીયાળી નથી પુષ્પોની
છે પુષ્પોમાં સમાયેલી મહેંક અહર્નીશ.
નથી પુષ્પોએ માગી કદી સૌરભ
કે લીધી ઉછીની અન્યની પાસે.
અનુભુતીનો આભાસ છે ખરો
સ્વર્ગની આહ્લાદક્તા પ્રસરતી બધે.
માદકતા ભરી રગેરગમાં સુમન
નીરખતાં ઠરે આંખો ભર્યા ભદર્યા ચમનમાં.
કરે છે તરોતાજા વાતાવરણને
વેરી પણ દોસ્ત બને છે ફોરમથી.
અંગોમાં નીતરી રહ્યું સૌંદર્ય અનુપમ
વીલસી રહી ગહન શાલીનતા મદમસ્ત.
પ્રગાઢ પ્રેમનું પ્રતીક પુષ્પ
સૌરભ થકી બન્યું ઉજ્જ્વળ જીવન જેનું.

maanav mandir - Bansidhar Patel

માનવ મંદીર - બંસીધર પટેલ Sep 14, 1992

કરવા માનતા પુરી, જતાં હતાં મંદીરે ભગવાનના;
ક્યાં ખબર હતી અમોને, ભાવી તારા પેટાળમાં શું છુપાયું?

દોડતી આવી સામે, મોત બની માતેલા સાંઢ સમી;
પળ બેપળમાં ઝડપથી, આવી ગયાં અંધારા, આંખે ન દેખાયું કશું.

ફરી વળી અથડાઇને, અધીરી બની, જેમ ત્રાટકે, ઝબુકે આકાશે વીજળી;
હશે નસીબ કોનું, પુણ્ય વળી પુર્વે તણું, કે આવનાર ભાવી બાળકનું ભલા.

જોયું હશે મુખ સવારે ઉઠતાં, કોઇ સુહાગન નારનું કે ખરા સજ્જનનું;
ઉગરી ગયા સહેજમાં અમે બન્ને, થયું અચરજ તમામ જોનારને.

જાન બચી લાખો પાયે, ઇશ્વર તણો લાખેણો ઉપકાર ખરો;
-----------------------------------------------------------------------
વાગે છે બાણ કદીક, બની અરમાનોના અશ્વ કદી;
ભુગર્ભમાં બની જ્વાળા, નીકળે છે લાવા કુવચનો બની.
----------------------------------------------------------------------
ભોંકાયો કંટક દીલમાં, આહ એક સરી પડી;
અરેરાટી વ્યાપી ગઇ, વ્યાપી ગયો વીષાદ.
---------------------------------------------------------------------
સમીકરણ સંસારનાં, મેળવ્યાં મથી મથી;
સમુદ્રમંથન જેવો ઘાટ, અમૃત વીષ મળ્યું ખરું.

Sunday, June 24, 2007

ગાંધીજી - બંસીધર પટેલ

મળે જો ગાંધીબાપા, દીસશે નયન અશ્રુભરેલાં.
થાશે ખુબ પસ્તાવો તેમને, ક્યાં અપાવી મેં આઝાદી તમને.

ભારતનાં જોશે ભાંગેલાં હાલ, ચીંથરે વીંટેલી મુર્દા લાશ;
ગઇ ફોગટ મારી બધી તપસ્યા, પુરા આઠ દશકની.

જે દીશામાં જયાં જુઓ ત્યાં, મારામારી કાપાકાપીનાં દ્રશ્ય.
કપાયા હશે કંઇ કેટલાંય ગાંધી, પડી છે કોને કોની દેશમાં?

હરણ થયાં હશે વસ્ત્રોનાં કંઇ કેટલીય દ્રૌપદીનારનાં.
ખેંચાયાં હશે કંઇ કેટલાંય કેશ અરમાનભરી વધુઓનાં.

વધી છે કેટલી બધી મોંઘવારી, હવે નથી થતી સહન આ કાળમાં.
બન્યો છે વેરી માણસ માણસનો, નથી માનવતાનું કોઇ નીશાન.

મરે છે કંઇ કેટલાંય ભુલકાંઓ, પુરતા પોષણની ખામીઓથી.
મોત પણ ગયું છે કંટાળી, આ દેશનાં નીચ નરાધમોથી.

હોત જો ગાંધીજી હયાત આ કાળમાં, શું રહેત એ જીવતાં કદી?
લાખો નીરાશામાં છુપાયું છે એક કીરણ અમર આશા તણું.

વીસર્જન પછી નવસર્જનનું, અવતરશે સાચો માનવ.
ઇશ્વર નથી થયો નીરાશ માનવજાતથી, જન્મે છે શીશુ અહીં.

કહેજો 'રામ રામ' ગાંધીબાપાને, ભુલે ચુકે ના ભટકે આ દેશમાં ફરી.

desh - Bansidhar Patel

દેશ - બંસીધર પટેલ

ભારેલા અગ્ની સમી આ દુનીયાની નેમ છે.
ણમાં પણ વ્રુક્ષો ઉગાડવાની હવે તાતી જરુરત છે.
પતાં સુરજને સ્રુષ્ટી ભણી આવતો રોકવાની હામ છે.

મારા માટીમાં સદાય એક્કા રહેવાની બુટી નીયત છે.
રોતા કરવાનાં કંઇ ભુલકાંને, યુધ્ધની બુરી દાનત છે.

દેશદાઝને દઝાડવા પુરી ફોજ તૈયાર કરવાની નેમ છે.
મ્ભુંમેળા ઉભા નસાડવા લોકશાહીને ભીડી બાથ છે.

લક આખાને ઘેરી વળવા આતંકવાદની કતાર છે.
હાલ ભારતના કરવા ખરાબ, કોમવાદ કમર કસી ખબરદાર છે.
સીબ હશે જેનું બચી જાશે નહીંતર નાશ થવાની ઘડી નજદીક છે.

છે કોઇ ગાંધી, સરદાર કે સુભાષ, બચાવવા દેશને સોગંધ લેવા તૈયાર?
----------------------------------------------------

ઉગતી પ્રભાતનું પહેલું કીરણ બની, બીડાયેલા પુષ્પને;
આપે છે એક સંદેશ, ઉઠ હવે ખીલી, મસ્ત બની જા.

Sunday, June 17, 2007

માની આરતી - ચીરાગ પટેલ જુન 17, 2007

જય આદ્યા શક્તી, જય અખીલેશ્વરી; મા જય અખીલેશ્વરી.
ભાવ ન જાણું, ભક્તી ન જાણું, નવ જાણું સેવા. મા જય જગદમ્બે મા.

જગન્માતા ઐંકારી, પ્રતીપાલીકા હ્રીંકારી; મા પ્રતીપાલીકા હ્રીંકારી.
સંહાર કરતી ક્લીંકારી, સચરાચર વ્યાપી તુ. મા જય જગદમ્બે મા.

નવરાત્રીનાં પુજન, શીવરાત્રીના અર્ચન કીધાં હર બ્રહ્મા; મા કીધાં હર બ્રહ્મા.
બ્રહ્મા વીષ્ણુ સદાશીવ, ગુણ તારા ગાતાં. મા જય જગદમ્બે મા.

સકળ જીવોની સ્વામીની, છે તું જ પરમાત્મા; મા છે તું જ પરમાત્મા.
હંમેશા વસતી મમ હ્રદયે, કૃપા તારી અનરાધાર. મા જય જગદમ્બે મા.

ભાવ ભક્તી કંઇ આપો, ચતુરાઇ કંઇ આપો; સીંહવાહીની માતા.
વશીષ્ઠ દેવે વખાણ્યાં, માર્કંડ મુનીએ વખાણ્યાં, ગાઇ શુભ કવીતા. મા જય જગદમ્બે મા.

અણુ-અણુમાં સમાણી તું, અક્ષરધામની વાસીની; મા અક્ષરધામ નીવાસીની.
આપ મને તારી ભક્તી, આપ મને તારુ શરણું. મા જય જગદમ્બે મા.

જય આદ્યા શક્તી, જય અખીલેશ્વરી; મા જય અખીલેશ્વરી.
ભાવ ન જાણું, ભક્તી ન જાણું, નવ જાણું સેવા. મા જય જગદમ્બે મા.
મા જય જગદમ્બે મા. મા જય જગદમ્બે મા.

-------------------------------------------------
નોંધ - આ આરતી, હાલની પ્રચલીત આરતી અને મને સમજાયેલાં સત્વ પર આધારીત છે.
એનો રાગ વગેરે મઠારવા માટે મને તમારા પ્રતીભાવોની અત્યંત આવશ્યક્તા છે.