સાપેક્ષ - ચીરાગ પટેલ Jul 19, 2007
આઈંસ્ટાઈન જેવો, અનુભવ નવલો, તાલ જામ્યો હવે આ;
સાપેક્ષવાદ લાધ્યો, ખળભળ જ મચ્યો, જ્ઞાનનાં સમુદ્રમાં.
મારી સામે જ જોયો, સમય મલપતો, જોડતો માપ મોટાં;
ઈલેક્ટ્રોને જણાવ્યો, સમય પળ મહીં, જોજનો લાખ લાંધ્યા.
મહીના થાય નાના, હર પળ છ ગણી, થાય મારી કસોટી;
સાપેક્ષવાદ ભાળ્યો, જળમય નયને, છેતરું પાળ બાંધી.
તારાઓનો નઝારો, ચમક ચમકતો, આંખને ઠારતો આ;
જ્યારે જોઉં સદેહે, અલક મલકનાં, ખેલ એવાં નઠારાં.
ધોળાં કાળાં ગર્તમાં, વમળ ઉમડતાં, થાય સ્ફોટો ઉર્જાનાં;
રાતાં પીળાં ચક્કરો, અણુ ભરમ થતાં, જોડતાં જાળ મોટાં.
વારી જાઉં છટાને, હર મહત તત્વ, ઝાકળે આભ સ્ફુરે;
સાપેક્ષે આમ શોધ્યો, જળ થળ નભમાં, આતમે તું જ સ્મરે!
--------------------------------------------------------------------------
છંદમાં કવીતા લખવાનો આ મારો પહેલો પ્રયાસ છે. આખી કવીતા 'સ્ત્રગ્ધરા' છંદમાં રચવા પ્રયત્ન કર્યો છે.
કુલ અક્ષરો: 21
યતી: 7, 14
બંધારણ: ગાગાગા ગાલગાગા, લલલલલલગા, ગાલગા ગાલગાગા
ભુલચુક સુધારશો.
No comments:
Post a Comment