અર્થવીસ્તાર: અવતારની લીલા સમાપ્તી - ચીરાગ પટેલ Dec 02, 2007
મેં "અવતારની લીલા સમાપ્તી" પર જે કલ્પના લખી હતી, એનો અર્થવીસ્તાર નીચે રજુ કરી રહ્યો છું. દરેક પંક્તી મુળ લેખમાંથી લઈને નીચે એનો અર્થ સમજાવ્યો છે.
-------------------------------
ઘનઘોર વાદળો.
કાજળઘેરી રાત.
શ્યામ રંગે ઉંઘતુ આકાશ.
કલ્પનાની શરુઆત થાય છે શ્યામલ વાદળો આકાશમાં છવાય છે. કોઈ પણ સમયે મેઘીલ વાદળો એક પ્રકારનો રોમાંસ જન્માવતા હોય છે. એના લાગણી-પ્રવાહથી કોણ અછુતો રહી શકે? અને એવાં શ્યામલ મેઘભરી અમાસની રાત્રીએ પૃથ્વી પરથી આકાશ કેવું ભાસે? જાણે કે, આખું આકાશ શ્યામરંગી ધાબળો ઓઢીને ઉંઘી રહ્યું હોય! એવા સમયે, સીધ્ધ/સંત/અવતાર પુરુષ/સ્ત્રી પોતાનો ક્ષર-દેહ ત્યજીને અક્ષર-પડાવે ગંતવ્ય થાય છે.
શીતળતા બક્ષતો ચન્દ્રમા.
શરમના શેરડા પાડતો સુર્ય.
ટમટમતા તારલા.
થોડી ગતી બાદ, એ આત્મા આકાશને પાછળ છોડીને અવકાશમાં પ્રવેશ કરે છે. ત્યારે તેને શું દેખાય છે? ચન્દ્રનો શીતળ પ્રકાશ એક બાજુ રેલાઈ રહ્યો છે, અને સુર્યનો નારંગી/પીળો પ્રકાશ બીજી બાજુ રેલાઈ રહ્યો છે. સુર્ય જાણે શરમીંદગી અનુભવતો લાગે છે. અવકાશના અનંત વીસ્તૃત પટમાં નાના-નાના અસંખ્ય તારાઓ ટમટમે છે.
ઝબકીને ઝાકળવત જીવતી ઉલ્કાઓ.
અવકાશમાં આગળ ગતી કરતો એ આત્મા ક્ષણાર્ધમાં નાશ પામતી ઉલ્કાઓના સંસર્ગમાં આવે છે.
નવ ગ્રહોથી અનુપમ શોભતી માળા.
ધુમકેતુઓની ધુમ્રસેરોનો પડાવ.
પ્રવાસી આગળ અને આગળ વધતો સુર્યમાળાના છેલ્લા ગ્રહ 'પ્લુટો' કે 'યમ'ને વળોટી રહ્યો છે. એવે વખતે, તે નવ ગ્રહો જાણે કોઈ માળાનાં મણકાં હોય, એવું જોઈ રહ્યો છે. હજુ આગળ વધતાં, તેને 'ઉર્ટ'ના વાદળ તરીકે ઓળખાતા લાખો ધુમકેતુઓનાં સ્થાનનો ભેટો થાય છે. આ વાદળમાંથી કેટલાંય ધુમકેતુ સુર્ય તરફ આકર્ષાઈને લંબવર્તુળીય કક્ષામાં ભ્રમણ શરું કરતા હોય છે.
મનોહારીણી આકાશગંગાનો ઝગમગતો પટ.
અબજો ટન ઓહીયા કરતા કૃષ્ણ-વીવરો.
શક્તીનો મહાવીસ્ફોટ કરતા શ્વેત-વીવરો.
ઉર્ટના વાદળને પાર કરતાં જ, પ્રવાસી બાહ્યાવકાશમાં પ્રવેશે છે. વાહ, કેવો અદ્ભુત નઝારો! કેટકેટલી આકાશગંગાઓ તેને જોવા મળે છે. ક્યાંક-ક્યાંક આજુબાજુના પદાર્થો (સુર્ય જેવા તારાઓ)ને નીગળી જતાં કૃષ્ણ-વીવરો (બ્લેક હોલ) તે જુએ છે. ઘણી જગ્યે તો આ કૃષ્ણ-વીવર અને શ્વેત-વીવર (વ્હાઈટ હોલ) જોડાયેલાં બોગદા જેવા ભાસે છે. શ્વેત-વીવરો, કૃષ્ણ-વીવરોથી ઉલટું એટલે કે, નવાં-નવાં પદાર્થોને જન્મ આપવાનું કામ કરે છે. જાણે કે, પ્રચંડ ઉર્જાનાં સ્ફોટ થતાં હોય એવું જગત ભાસી રહ્યું છે.
ગુરુત્વાકર્ષણની ચાદરથી બન્ધાયેલુ વીશ્વ.
આખું બ્રહ્માંડ ગુરુત્વાકર્ષણની અનંત અંતર સુધી વીસ્તૃત એવી અદ્રશ્ય ચાદરથી ઝીલાયેલું હોય તેવું લાગે છે.
શુન્યમા અનુભવાતી સુક્ષ્મ ઉષ્ણતા.
આપણે સેલ્સીયસ કે ફેરનહાઈટમાં તાપમાન માપીએ છીએ. પરંતુ, વૈજ્ઞાનીકો કેલ્વીનમાં તાપમાન માપતા હોય છે. સેલ્સીયસ તાપમાનમાં 273 ઉમેરતાં કેલ્વીનમાં આંકડો મળે. જેમ કે, 0 સેલ્સીયસ (પાણીના બરફનું તાપમાન) એટલે 273 કેલ્વીન અને 100 સેલ્સીયસ (પાણીની વરાળ) એટલે 373 કેલ્વીન. 0 કેલ્વીન એટલે કે -273 સેલ્સીયસ તાપમાને પદાર્થમાં રહેલાં સબ-એટમીક પાર્ટીકલ (ઈલેક્ટ્રોન) ગતી કરતાં અટકી જાય છે (પદાર્થની આ અવસ્થાને 'બોઝ-આઈંસ્ટાઈન કંડેંસેટ' કહે છે). વૈજ્ઞાનીકોએ એવું સાબીત કર્યું છે કે, બ્રહ્માંડની પૃષ્ઠભુમી (બેકગ્રાઉંડ)નું તાપમાન 3 કેલ્વીન જેટલું હોય છે, અર્થાત એ ઓછામાં ઓછું આટલું ગરમ (?) હોય છે. આપણા પ્રવાસીને બ્રહ્માંડના શુન્યાવકાશમાં આ ગરમીનો એહસાસ થાય છે!
વણજોયેલુ અનુભવાતુ મહત-તત્વ.
બ્રહ્માંડનો મોટોભાગ મહત-તત્વમાંથી બનેલો છે. પરંતુ, એ તત્વ કોઈ પણ રીતે આપણે જોઈ કે અનુભવી શકતા નથી. આત્માને આ તત્વનો ભાસ થવા લાગે છે. સૃષ્ટીનું રહસ્ય જાણે તેની સમક્ષ પ્રગટ થવા મથી રહ્યું છે.
અફાટ અને વીરાન એકલતામા અસ્તીત્વનો આભાસ.
ક્યાંય પણ કોઈ પણ સાથી વગર, પ્રવાસી આત્મા ગંતવ્ય સ્થાન તરફ ધસમસી રહ્યો છે. તેને પોતે કોણ છે, એનો અનુભવ થવા લાગે છે. મુળ સ્વરુપ તેની આગળ પ્રગટ થવા જ આવી રહ્યું છે.
દુર-સુદુર સમ્ભળાતો ચીર-પરીચીત શાશ્વત શાંતીનો આંતર્નાદ.
હ્રદય વગર અનુભવાતુ આનન્દોર્મીઓનુ દોલન.
શાશ્વત શાંતીમાં પણ અનહદ આનંદ હોય છે. આ જ આનંદ એક પ્રકારના ભાવ જગતને આંદોલીત કરતો હોય છે. આંદોલન જે વમળો જન્માવે છે, એ એક પ્રકારના અવાજનાં કંપનો જેવાં કંપનો જ હોય છે. આ કંપનો હવે આત્મા સાંભળી શકે છે! કોઈ પણ બાહ્ય-ઈન્દ્રીયો વગર આ કંપનો અનુભવાય છે!
મન વગર દેખાતો અસ્તીત્વને ઝમકોરતો સર્વસ્વનો પ્રકાશ.
એક વીશાળ પરપોટા જેવુ દેખાતુ બ્રહ્માંડ.
એને ભેદીને એક સમુદ્રમા ઉઠતી અગનજ્વાળા.
એ અગ્નીશાખાનુ અધોગમન અને ઓમકારના ‘મ’ ધ્વનીનુ શમન.
એક સીધ્ધ, સંત કે અવતારનો ઉદ્ભવ અને ઉદ્દેશ્ય પુર્ણ થતા સ્વગ્રુહે આગમન.
પ્રવાસી હવે બ્રહ્માંડની પરીમીતી ઓળંગવાની તૈયારીમાં છે. તેને થોડે જ દુર સમગ્ર સ્થાનને ભરી દેતો અને સંચાલીત કરતો પ્રકાશ દેખાય છે. એ જ છે સર્વ-શક્તીમાન, પરમ-આત્મા, પ્રભુ, ઈશ્વર, કૃષ્ણ, જગદંબા? આવો આ પ્રકાશ એક વીશાળ સમુદ્ર જેવો ભાસે છે. આ સમુદ્રમાં બ્રહ્માંડ જાણે તરી રહ્યું હોય એમ લાગે છે. આ બ્રહ્માંડની સીમાને ભેદીને હવે પ્રવાસી આત્મા એક અગ્ની-શીખા સો લાગી રહ્યો છે. આ અગ્ની-શાખા પ્રકાશ-સમુદ્રમાં ભળી જાય છે. પ્રવાસનો અંત આવે છે. ઓમકારનાં 'મ'કારનું કંપન પુરું થાય છે. અહીં, એવી કલ્પના કરવામાં આવી છે કે, જ્યારે જ્યારે પ્રકાશ-સમુદ્રમાં 'અ'કારનાં કંપનો જન્મે છે, ત્યારે અનંત-પ્રકાશ-સમુદ્ર પૃથ્વી પર કોઈ સીધ્ધ/સંત/અવતારને જન્મ આપે છે. 'ઉ'કારન કંપનો રહે ત્યાં સુધી એનું જીવન રહે છે. અને 'મ'કારની શરુઆત થતાં જ તે દેહ છોડીને 'મ'કારનાં કંપનો પુરા થતાં જ પાછો અનંતમાં ભળી જાય છે.
No comments:
Post a Comment