Friday, September 21, 2007

ત્રીમુર્તી

ત્રીમુર્તી - ચીરાગ પટેલ Sep 21, 2007

આપણાં શાસ્ત્રોમાં અને પુરાણોમાં ત્રીમુર્તી કેન્દ્રસ્થાને રહી છે. ત્રીમુર્તી એટલે બ્રહ્મા, વીષ્ણુ અને મહેશ (શંકર). જ્યારે આ બ્રહ્માંડની ઉત્પતી થઈ ત્યારે તેનાં વીવીધ સંચાલન માટે ત્રીમુર્તીનો પણ ઉદ્ભવ થયો હતો. બ્રહ્માંડ અને ત્રીમુર્તીની ઉત્પત્તી કેવી રીતે અને ક્યારે થઈ હતી એની ચર્ચા ફરી ક્યારેક કરીશું. આજે તો માત્ર ત્રીમુર્તીનું મારી દ્રષ્ટીએ પૃથક્કરણ કરીએ!

જગતનાં દરેક જડ-ચેતન પદાર્થોનો ઉદભવ બ્રહ્મામાંથી થયેલો માનવામાં આવે છે. બ્રહ્મા એટલે જગતપીતા! દરેક જ્ઞાનનાં આદી સ્વરુપ વેદોની ઉત્પત્તી પણ બ્રહ્મામાંથી થઈ છે. પુરાણોમાં દર્શાવેલાં કોઈ પણ રાજવંશનાં મુળમાં જગતપીતા બ્રહ્મા રહેલાં છે. આવી આદરણીય વીભુતી હોવા છતાં તેમનું મંદીર રાજસ્થાનનાં પુષ્કરક્ષેત્ર સીવાય હોવાનું જાણમાં નથી. તેનાં કારણરુપ ઘણી ઘણી વાર્તાઓ આપણાં પુરાણોમાં જાણવાં મળે છે. આવાં બ્રહ્માજીનું પ્રાગટ્ય વીષ્ણુનાં નાભીકમળમાંથી થયું હતું.

બ્રહ્મા પણ જેમાંથી પ્રગટ્યા એવા જગતના પાલન-લાલન કરનારાં વીષ્ણુ શેષશૈયા પર સુતાં-સુતાં બ્રહ્માંડની દરેક પ્રવૃત્તી પર ચાંપતી નજર રાખી રહ્યાં છે. વીષ્ણુને પરમાત્માનાં અંશરુપ અને સીધાં પ્રતીનીધી માનવામાં આવે છે. તેમણે જગતને ચલાવવા માટે કંઈ કેટલાંય પ્રશ્નોનું યુક્તીપુર્વક સમાધાન કર્યું છે.

શંકર, આદીદેવ, મહાદેવ, સાક્ષાત શીવ, આશુતોષ, ભોળા શંભુને બ્રહ્માંડનો વીનાશકર્તા માનવામાં આવે છે. તેમનું તાંડવનૃત્ય મોટાં ગ્રહોથી લઈને સુક્ષ્મ પરમાણુઓ સુધી બધાંનો વીનાશ કરી નાંખે છે. તેમનાં ડમરુંમાંથી શીવસુત્રજાળ સ્વરુપે આપણી ભાષા (સંસ્કૃત)નું બીજ નીકળ્યું હતું.

આપણે દરેક જુદાં જુદાં પ્રકારનાં પ્રાકૃતીક બળોને જાણીએ છીએ, જેમ કે, ગુરુત્વાકર્ષણબળ, ચુંબકીયબળ, વીદ્યુતબળ વગેરે. (વીજ્ઞાને જે બળનાં નામ નથી આપ્યાં એવાં પણ ઘણાં બળોનો આપણને અનુભવ છે!) ભૌતીકવીજ્ઞાને આ બધાં બળોમાંથી મુખ્ય ચાર બળોને અલગ તારવ્યાં છે. બાકીનાં બધાં જ આ ચાર પાયાનાં બળોનું જ સ્વરુપ છે. આવા પાયાનાં બળો છે: ગુરુત્વાકર્ષણબળ, વીદ્યુતચુંબકીયબળ, વીકફોર્સ, સ્ટ્રોંગફોર્સ.

વીશ્વનો દરેક પદાર્થ ઉર્જામાં રુપાંતરીત થઈ શકે છે. વીશ્વનું એ જ મુળભુત સ્વરુપ છે - ઉર્જા. જે પદાર્થ દેખાય છે એ બધાં અસ્થાયી સ્વરુપ છે. હવે, દરેક પદાર્થ ગુરુત્વાકર્ષણ ધરાવવાનો મુળભુત સ્વભાવ ધરાવે છે, જ્યારે ઉર્જા પોતે હંમેશાં વીદ્યુતચુંબકીય બળ સ્વરુપે પોતાનાં ચમકારાં બતાવતી રહે છે. જ્યારે ઉર્જામાંથી બ્રહ્માંડ બન્યું ત્યારે જ તેમાંથી ગુરુત્વાકર્ષણબળનો પણ સાથે જન્મ થયો. આ બળ સમયને પણ લાંધીને અનંત અંતરસુધી વીસ્તરેલું હોય છે. આમ, વીશ્વનો દરેક પદાર્થનું ગુરુત્વાકર્ષણબળ, બ્રહ્માંડની સીમા (જો હોય તો) હોય ત્યાં સુધી વીસ્તરેલું આપણે માની શકીએ! અને આમ દરેક પદાર્થનાં આવાં બળની ત્રીપરીમાણીય (કે વધારે પરીમાણધારી, કારણકે ગુરુત્વાકર્ષણબળ સમયને પણ પાર કરીને વીસ્તરેલું હોય છે) ચાદરમાં જ દરેક પદાર્થ અવલંબે છે, ટકી રહે છે. શું આ બળ જ વીષ્ણુ છે?

જ્યારે ગુરુત્વાકર્ષણથી ઘનીભુત થયેલું ઉર્જાનું વાદળ વલોવાય છે, હચમચે છે ત્યારે પ્રોટોન-ન્યુટ્રોન વચ્ચે સંઘભાવના જન્મે છે અને તેમનાં મુળભુત અપાકર્ષણને બદલે સ્ટ્રોંગફોર્સરુપી ભાઈચારો વ્યાપક બને છે, અને નાભીકમળમાંથી પ્રગટે છે પરમાણુ. આ સ્ટ્રોંગફોર્સને લીધે જ પરમાણુઓનું અસ્તીત્વ ટકી રહે છે અને આખું વીશ્વ આકાર લે છે. શું આ બળ એ જ બ્રહ્મા?

અમુક પદાર્થ, તેનાં પરમાણુઓમાં વીઘટીત થયેલો હોય ત્યારે (બાહ્યબળની ગેરહાજરીમાં પણ) તેનાં કેન્દ્રમાં રહેલાં પ્રોટોન-ન્યુટ્રોન ભારત-પાકીસ્તાનનું રુપ ધારણ કરે છે. તેમની ઉર્જાનું વીકીરણરુપી કારગીલ યુધ્ધ જામે છે, અને મુળભુત બંધારણ બદલાઈ જાય છે. પરમાણુમાંથી વીકીરણોનો ધોધ જન્માવતાં આ બળને વીકફોર્સ કહે છે. આખું બ્રહ્માંડ અમુક સમય પછી ધીરી-ધીરે પોતાનું ખોળીયું વીકફોર્સની અસરતળે સંકોરી લેશે. શું આ વીકફોર્સ એ જ શંકર મહાદેવ?

ૐ તત સત ૐ

No comments: