Tuesday, March 25, 2008

નવી ઘટના

નવી ઘટના - ચીરાગ પટેલ Mar 25, 2008

નવા ગાન ફુટે જો અધર આંગણે;
રચાયે નવલ છોડ હૈયે ફરી.

મનાવે દુધલ ચાંદ જો પ્રીતડે;
રચાયે નવલ આભ જીવને ફરી.

સમાવી બધી લાગણી જો ખુણે;
રચાયે નવલ બંધન તરલ ફરી.

સરકતી લતા થડ ઉપર જો વળે;
રચાયે નવલ પ્રેમ શ્વાસે ફરી.

વધાવે જગત જો વહેંચ્યું સકળ;
રચાયે નવલ સાદ આતમે ફરી.

નર્મદા તટે જો મળે કાનુડો;
રચાયે નવલ રાસ મનસે ફરી.

કલમ છોડું જો તીર સંધાનથી;
રચાયે નવલ જોમ ભોમે ફરી.

----------------------------------------------
છન્દ: લગાગા લગાગા લગાગા લગા

Saturday, March 22, 2008

ડીજીટલ રુપાંતરણ

ડીજીટલ રુપાંતરણ - ચીરાગ પટેલ Mar 22, 2008

આજે એક સીધી સાદી, પરંતુ એકદમ પાયાની બાબત પ્રત્યે મારું ધ્યાન ખેંચાયું. આપણે કમ્પ્યુટરનો આટલો બહોળો ઉપયોગ કરીએ છીએ, એમાં માહીતીનું ડીજીટાઈઝેશન (digitization) ઘણો જ મહત્વનો ભાગ ભજવે છે.

કોઈ પણ પ્રકારની માહીતી - ધ્વની, દ્રશ્ય કે કોઈ પણ પ્રકારનાં સીગ્નલ (signal) -ને ચોક્કસ સંખ્યા વડે દર્શાવવી એટલે ડીજીટાઈઝેશન. આ પધ્ધતીને સેમ્પલીંગ (sampaling) પણ કહે છે. જેમ કે, કમ્પ્યુટરના માઈક્રોફોન પર આપણે બોલીએ તો એનું ડીજીટલ સ્વરુપ કમ્પ્યુટરમાં રેકોર્ડ થાય છે. ડીવીડીમાં ચલચીત્રનું અંકન, કોઈ પત્રનું સ્કેનીંગ, કે તાપમાન, દબાણ, પ્રકાશ વગેરેની માહીતીને પણ ડીજીટલમાં ફેરવી શકાય છે. એ જ પ્રમાણે, ડીજીટલ માહીતીને પાછી જે તે પ્રકારનાં સીગ્નલમાં ફેરવી શકાય છે. આ પ્રક્રીયા માટે એનેલોગ-ટુ-ડીજીટલ (analog-to-digital) કે ડીજીટલ-ટુ-એનેલોગ (digital-to-analog) એવો શબ્દપ્રયોગ થાય છે. AtoDને એંકોડીંગ (encoding) અને DtoAને ડીકોડીંગ (decoding) પણ કહે છે.

આ પ્રક્રીયા સમજવા માટે એક ઉદાહરણ જોઈએ. અવાજનાં મોજાંને એક સ્થીતીસ્થાપક દોરી સ્વરુપે લો. એક ઉદ્ગમ સ્થાન કલ્પી લો, ત્યાંથી અમુક અંતરે એક રેકોર્ડર મુકેલું છે ત્યાં સુધી આ દોરી બાન્ધેલી છે. રેકોર્ડર દર એક સેકંડે એના તરફની દોરીનો છેડો કેટલો ઉંચે કે નીચે જાય છે, એની માપણી કરે છે. હવે, ઉદ્ગમ સ્થાનેથી કોઈ વ્યક્તી એ તરફનાં દોરીના છેડાને ઉપર-નીચે ઝુલાવે છે. આ ઝોલ ધીરે રહીને અમુક સમયે રેકોર્ડર સુધી પહોંચે છે. રેકોર્ડર દર સેકન્ડે જે માપ લે છે, એ ધારો કે આ મુજબ છે :

સેકંડ --- 1 ----- 2 ------ 3
ઝોલ --- 5cm - 2cm - 3cm

હવે, રેકોર્ડર આ માપને બાયનરી સ્વરુપે સંગ્રહે છે એમ વીચારો. આ પ્રક્રીયાને એનેલોગ-ટુ-ડીજીટલ કહેવાય છે. એનાથી વીરુધ્ધ પ્રક્રીયા (ડીજીટલ-ટુ-બાયનરી)માં રેકોર્ડર એના તરફની દોરીને જે તે સેકન્ડે અમુક સેંટીમીટરનો ઝોલ આપે છે.

હવે, રેકોર્ડર જેટલી વધુ ઝડપથી આ માહીતીને માપે એટલી વધુ ચોકસાઈ મળે. એક સેકંડમાં થતું આવું સેમ્પલીંગ એ સેમ્પલીંગ ફ્રીક્વંસી (sampling frequency) તરીકે ઓળખાય છે. રેકોર્ડરની સેમ્પલીંગ ફ્રીક્વંસી જેમ વધારે એમ મુળ માહીતીને વધુ ચોકસાઈથી ફરી રજુ કરી શકાય. વળી, રેકોર્ડર કેટલું ઝીણું માપી શકે છે, એ પણ માહીતીને સંગ્રહવામાં ભાગ ભજવે છે. એનેલોગ માહીતીના સીગ્નલનું કદ મહત્તમ કેટલુ હશે એ મુજબ કેટલા બીટનું સેમ્પલીંગ થાય છે, એ જુઓ. જેમ કે, એક થર્મોમીટર મહત્તમ 100 સેલ્સીયસ માપતું હોય અને જો આ માહીતી 8-બીટ તરીકે સંગ્રહીત થતી હોય, તો સામે આ જ થર્મોમીટરને 16-બીટની માહીતી તરીકે સંગ્રહવામાં આવે તો 1 ડીગ્રીના વધારે ચોક્કસ સ્થાન સુધીનું માપ મળી શકે.

આપણે એમપી3 ફાઈલથી પરીચીત છીએ. એમાં જુદાં-જુદાં બીટરેઈટ(bit rate)ને સરખાવી જુઓ. 196 kbits/s અને 256 kbits/s બીટરેઈટ વચ્ચેનો તફાવત સમજો. પ્રથમમાં 196000 બીટ્સ એક સેકંડમાં સંગહીત થાય છે, જ્યારે બીજામાં 256000 બીટ્સ એક સેકંડમાં સંગ્રહીત થાય છે. વળી, સેમ્પલીંગ ફ્રીક્વંસી 44.1 KHz અને 48 KHz સરખાવો. પ્રથમમાં એક સેકંડમાં 44100 વખત સેમ્પલીંગ થાય છે, જ્યારે બીજામાં 48000 વખત થાય છે. હવે, આ સેમ્પલીંગ 8-બીટનું એક એવું થાય અને 16-બીટનું એક એવું થાય, તો એ બે વચ્ચેનો તફાવત સમજો.

પ્રેમ અને નીઃસ્વાર્થતા - 1

પ્રેમ અને નીઃસ્વાર્થતા - 1 સ્વામી વિવેકાનન્દ

1. નીઃસ્વાર્થતા વધુ લાભદાયક છે, પરંતુ તેનું આચરણ કરવા જેટલું ધૈર્ય લોકોમાં હોતું નથી.

2. ઉચ્ચ સ્થાન ઉપર ઉભા રહીને અને હાથમાં થોડાક પૈસા રાખીને ગરીબ માણસને એમ નહીં કહો, "આવ, આ લે ભાઈ," પરંતુ ઉપકાર માનો કે ગરીબ માણસ સામે ખડો છે એટલે તમે તેને દાન આપીને તમારી જાતને જ સહાય કરી શકો છો. લેનાર નહીં પણ દેનાર જ ધન્ય છે. ઉપકાર માનો કે આ જગતમાં તમારી ઉદારતા તથા દયાની શક્તીને પ્રગટ કરવાનો અને એ રીતે શુધ્ધ અને પુર્ણ બનવાનો તમને અવસર પ્રાપ્ત થયો છે.

3. બીજાનું ભલું કરવાના સતત પ્રયત્નો કરીને આપણે પોતાની જાતને ભુલી જવા મથીએ છીએ; આ રીતે પોતાની જાતને ભુલી જવી એ જીવનમાં આપણે શીખવાનો એક મહાન બોધપાઠ છે. માણસ એવું માનવાની મુર્ખાઈ કરે છે કે પોતે પોતાને સુખી કરી શકશે, પણ વર્શોના સંઘર્શ પછી આખરે તેને સમજાય છે કે સાચું સુખ તો સ્વાર્થત્યાગમાં રહેલું છે. અને પોતાના સીવાય અન્ય કોઈ માણસ તેને સુખી કરી શકશે નહીં.

4. સ્વાર્થ એટલે અનીતી, અને સ્વાર્થત્યાગ એટલે નીતી.

5. ખ્યાલ રાખો કે સમગ્ર જીવન એટલે આપતાં રહેવું તે. પ્રકૃતી જ તમને આપતાં રહેવાની ફરજ પાડશે. એટલે રાજીખુશીથી આપો.... તમે સંગ્રહ કરવા માટે જીવન ધારણ કર્યું છે. મુઠ્ઠી ભરીને તમે બધું લઈ લેવા ઈચ્છો છો. પરંતુ પ્રકૃતીનો પંજો તમારા ગળા ઉપર પડે છે. અને તમારા હાથની મુઠ્ઠી ઉઘડાવે છે. તમે ઈચ્છો કે ન ઈચ્છો, તમારે આપવું જ પડશે. જે ક્ષણે તમે કહો છો 'હું નહીં આપું' તે જ ક્ષણે ફટકો પડે છે; તમે ઝખ્મી બનો છો, આ જગતમાં એવું કોઈ પણ નથી કે જેને આખરે તો બધું છોડી દેવાની ફરજ ન પડે.

6. તમામ પુજા-ઉપાસનાનો સાર છે - શુદ્ધ થવું અને બીજાનું ભલું કરવું. જે મનુશ્ય દીનદુર્બળ અને રોગી લોકોમાં શીવનું દર્શન કરે છે એ જ સાચા અર્થમાં શીવનો ઉપાસક છે; પરંતુ જો તે કેવળ મુર્તીમાં જ શીવનું દર્શન કરતો હોય તો તેની ઉપાસના કેવળ પ્રાથમીક દશાની છે.

7. નીઃસ્વાર્થવૃત્તી જ ધર્મની કસોટી છે. જે મનુશ્યમાં આવી નીઃસ્વાર્થવૃત્તી વધારે પ્રમાણમાં હોત તે વધુ આધ્યાત્મીક અને શીવ ભગવાનની વધુ સમીપ છે... જો કોઈ મનુશ્ય સ્વાર્થી હોય, પછી ભલે તે બધાય મન્દીરોમાં જતો હોય, ભલે બધાં તીર્થધામોની યાત્રા તેણે કરી હોય અને ભલે એ દીપડાની માફક પોતાની જાતને અનેક ટીલાંટપકાંથી શણગારી હોય, તો પણ ભગવાન શીવથી તે ઘણો ઘણો દુર છે.

8. હું કેવળ પ્રેમ અને પ્રેમનો જ ઉપદેશ આપું છું - અને પરબ્રહ્મની એકતા અને સર્વવ્યાપકતાનું વેદાંતનું મહાન સત્ય એ મારા ઉપદેશનો પાયો છે.

9. પહેલાં અન્ન પછી ધર્મ. જ્યારે ગરીબ લોકો ભુખે મરતા હોય છે ત્યારે આપણે તેના ઉપર વધુ પડતો ધર્મ લાદીએ છીએ. મતવાદોથી કંઈ ભુખની જ્વાળા શાંત પડે નહીં... તમે ભલે લાખો સીધ્ધાંતોની વાત કરો, તમે ભલે કરોડો સમ્પ્રદાયો ઉભા કરો, પણ જ્યાં સુધી તમારી પાસે સંવેદનશીલ હ્રદય ન હોય, વેદના ઉપદેશ પ્રમાણે જ્યાં સુધી એમના માટે લાગણી ન ધરાવો, જ્યાં સુધી તમને એવું ભાન ન થાય કે તેઓ તમારા શરીરના અંગરુપ છે, જ્યાં સુધી તમને એવું ભાન ન થાય કે તમે સૌ, રંક અને ધનીક, સંત અને પાપી એ તમામ, જેને તમે બ્રહ્મ કહો છો એવા એક અનંત વીરાટના ભાગરુપ છો, ત્યાં સુધી એ બધું વ્યર્થ છે.

10. દુઃખી મનુશ્યો માટે લાગણી ધરાવો અને એમને સહાય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરો - એવી સહાય અવશ્ય મળશે. મારા હ્રદય ઉપર આ ભાર રાખીને અને મારા મસ્તીશ્કમાં આ ખ્યાલનું સેવન કરીને મેં બાર બાર વર્શ સુધી ભ્રમણ કર્યું. કહેવાતા ધનીકો અને મોટા માણસોના બારણે હું ગયો. સહાયની શોધમાં લોહી નીંગળતે હ્રદયે અડધી દુનીયા ઓળંગીને હું આ અજાણી ભુમીમાં આવ્યો. પ્રભુ મહાન છે. હું જાણું છું કે એ મને સહાય કરશે. હું આ ભુમીમાં ઠંડી કે ભુખથી ભલે મૃત્યુ પામું. પરંતુ, હે નવયુવાનો, હું તમને વારસામાં ગરીબ, અજ્ઞાન અને પીડીત લોકો માટે આવી સહાનુભુતી, આવો સંઘર્શ મુકતો જાઉં છું.

-------------------------------------------------
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર...

Tuesday, March 04, 2008

જાગો

જાગો - ચીરાગ પટેલ Mar 04, 2008

થોડી ઘટનાઓ, જે આપણી ચોતરફ અને આપણી જાણબહાર ઘટી રહી છે (અથવા આપણે જાણતાં જ અજાણી કરી દીધી છે):

1. છેલ્લાં 2 વર્શથી ઉત્તર-પુર્વ અમેરીકામાં ફૉલ (Fall) રુતુનાં દીવસો ઘટી રહ્યાં છે. મુખ્યત્વે ગરમીના દીવસો વધવાથી આમ થયું છે.

2. ગ્રીનલૅંડમાં ગયા વર્શે 6 ઘન-માઈલ કદ ધરાવતો વીશાળકાય બરફનો ટુકડો તુટી પડ્યો અને એ 1 મીનીટનાં 42 ફુટને હીસાબે ધસી પડ્યો.

3. દુનીયાભરનાં વાતાવરણમાં છેલ્લા 3 વર્શથી અજબ-ગજબનાં રેકોર્ડ બની રહ્યાં છે.

4. કુદરતી જીવન ગાળતાં ઘણાં પશુ-પક્ષીની જાતીઓનું સામુહીક નીકન્દન નીકળી રહ્યું છે.

5. ગંગા નદી અને એવી ઘણી નદીઓ કે જેનું મુળ હીમનદી (Glacier) હોય; એવી હીમનદીઓનું કદ સતત ઘટતું જાય છે.


ગઈકાલે મને એક નાનકડો કીસ્સો જાણવા મળ્યો. એક ઍપાર્ટમેંટમાં રાત્રે અચાનક આગ લાગી. આપણાં કીસ્સાનો નાયક સફાળો જાગ્યો, અને તેણે બહાર કોલાહલ સામ્ભળ્યો. એક ફાયર ફાઈટર તેને ઉદ્દેશીને બહાર નીકળવા ઈશારો કરી રહ્યો હતો. નાયકે આજુબાજુ જોયું અને એક ક્ષણનો પણ વીચાર કર્યા વગર બહાર ભાગ્યો અને સલામત સ્થળે પહોંચી ગયો. 2-3 કલાકની જહેમત પછી આગ ઓલવાઈ અને નાયક ધીરેથી પોતાના ઍપાર્ટમેંટમાં પાછો ફર્યો.

આ કીસ્સાને થોડો ફેરબદલ કરીએ. માનો કે, નાયક તમે પોતે છો. વીશ્વભરનાં પર્યાવરણવીદો અથવા જે પરીસ્થીતીને સમજે છે એવા નીશ્ણાતો એ ફાયર ફાઈટર છે. જ્યાં આગ લાગી છે, એ ઍપાર્ટમેંટ આપણી મા-પૃથ્વી છે!!! હવે તમે શું કરશો? પેલા ફાયર ફાઈટરની વાત માનનારા તમે. આ પર્યાવરણને સમજતાં લોકોની વાત કાને ધરશો? કેટલાંય વર્શોથી આપણે આ વાત એક કાનેથી સામ્ભળીને નજર-અન્દાજ કરતાં રહ્યાં છીએ.

અને હવે એમ કહું કે, આ 'આગ' ઠંડી પડવાને બદલે વધારે ભયાનક સ્વરુપ પકડી રહી છે, તો???

ભારતીયો કે દરેક સનાતનધર્મીની આસ્થાનું એક સ્થળ એટલે - ગંગા. શુધ્ધ, પવીત્ર, નીર્મળ જળરાશી. આપણો શાસ્ત્રોમાં વર્ણવેલી આગાહી મુજબ, ગંગા કળીયુગમાં એક નદી તરીકે વહેતી નહીં હોય! પર્યાવરણવાદીઓ આ આગાહીને વૈજ્ઞાનીક પધ્ધતીથી સાચી ઠેરવે છે. આશરે ઈ.સ. 2025 સુધીમાં ગંગા એક નદી તરીકેનું અસ્તીત્વ ગુમાવી ચુકી હશે. એ માત્ર નાનાં ખાબોચીયાં સ્વરુપે ઠેકઠેકાણે રહી જશે. આનું કારણ છે, ગંગાનું મુળ, ગંગોત્રી કે અલખનન્દા, જે હીમનદી છે, એનું અસ્તીત્વ જોખમાવું! આવાં હાલ તો દુનીયાભરની કેટલીય નદીના થશે.

વૈજ્ઞાનીકો વીશ્વવ્યાપી પુરની ઘટના ઈ.સ. 2070માં બને એવું માનતા હતાં. ધ્રુવપ્રદેશનો બરફ ઓગળવાને કારણે સમગ્ર પાણીની સપાટી 14 ફુટ જેટલી વધી જશે. ગયા વર્શનું પૃથક્કરણ એવો અંગુલીનીર્દેશ કરે છે કે, આ ઘટના 2070ને બદલે 2020નાં વર્શ સુધીમાં દેખા દેશે!!! 'આગ' જોર પકડી રહી છે...

બરફ લગભગ 90% સુર્યપ્રકાશનું પરાવર્તન કરતો હોય છે. આ બરફનું પાણી બને ત્યારે, માત્ર 25% પ્રકાશનું પરાવર્તન થાય છે. બાકીનાં 50% એ પાણી શોશી લે છે, અને આપણાં વાતાવરણમાં ગરમીનો વધારો કરે છે.

મોટા બન્ધ બાન્ધવાથી બનતાં તળાવોનાં તળીયે સુક્ષ્મ લીલ અને બેક્ટેરીયાનું સંશ્લેશણ વધતું જાય છે. આ પ્રક્રીયા પુશ્કળ માત્રામાં અંગાર વાયુ (કાર્બન ડાયોક્સાઈડ) વાતાવરણમાં ઠાલવે છે.

ઠંડીનાં દીવસો ઘટતાં વનસ્પતીમાં ફલીનીકરણ વહેલું થતું જોવા મળ્યું છે. ઈયળો જે રુતુમાં જન્મે છે, એ રુતુમાં હવે એમને આ નવો ખોરાકી પુરવઠો મળવો શરું થયો છે. ઈયળો રહી આંકરાતીયો જીવ! એટલે, આવી ફુલ અને પાન્દડાં પર નભતી પક્ષીઓની ઘણી જાતો નાશ થવાને આરે છે.

આપણે હજી ગ્રીન-હાઉસ વાયુઓને વપરાશ અટકાવી દીધો નથી. ઉલટું, વસ્તીનો વધારો આ વપરાશ વધારતો જ રહ્યો છે. બહુ લામ્બાગાળાનું નુકશાન પહેલેથી જ થઈ ચુક્યું હતું, અને હજી પણ અટકવાનું નામ નથી લેતું.

આપણે શું કરી શકીએ? બને ત્યાં સુધી ઉર્જાના બીનપરમ્પરાગત સ્ત્રોતનો ઉપયોગ, પરમ્પરાગત ઉર્જાના સ્ત્રોતનો લઘુત્તમ અને વીવેકપુર્ણ ઉપયોગ, માનવસર્જીત પદાર્થોનો ખુબ જ વીવેકપુર્ણ ઉપયોગ, વનસ્પતીનું વાવેતર અને જાળવણી, કાગળ વગેરેનો લઘુત્તમ ઉપયોગ. આવાં ઘણાં પગલાં આપણે રોજીન્દા જીવનમાં લઈ શકીએ.

થોડી વીવેકબુધ્ધી આપણને માર્ગદર્શન આપશે. હવે તો જાગીશુંને???

Saturday, March 01, 2008

લગની

લગની - ચીરાગ પટેલ Feb 14, 2008

વાલમનો વલોપાત જાગ્યો ભીતરમાં;
પ્રેમનો વડવાનલ ભડભડ્યો અંતરમાં.

પગલે પગલે ઉશ્મા જગવી અડાબીડમાં;
રુંવે રુંવે અનોખો રોમાંચ રોપ્યો આ બોડમાં.

પ્રીયા, તારો સંગ હવે મારો છે હેવાયો;
પલ પલ જગવે છે સ્પન્દ, નથી ઓરમાયો.

સખી, જન્માંતરની લગની લાગી મને તારી;
ઉજવી છે હર હકીકત, પ્રમાંતરને વીસારી.

જગને જીતવાનો વીશ્વાસ છે, શ્વાસે શ્વાસે;
સહીયર તારો પ્રેમ સજાવે છે, હોંશે હોંશે.

નીતરી જાઉં પુરો તારા આ સૌન્દર્યમાં;
ખીલવી દઉં ગુલાબ અને પારીજાત દરીયામાં.

સુગન્ધી પ્રસરી રહી અનુપમ-શી, તપ્ત આતમે;
દોરી સંચાર કરતી, નજીક સરતી એ પરમ આતમે.