Saturday, January 05, 2008

શક્તીદાયી વીચાર 1

શક્તીદાયી વીચાર 1 - સ્વામી વીવેકાનંદ

1. તમે તો ઈશ્વરનાં સંતાનો છો, અક્ષય સુખના અધીકારી છો, પવીત્ર અને પુર્ણ આત્માઓ છો. અરે ઓ પૃથ્વી પરના દીવ્ય આત્માઓ! તમે પાપી? મનુષ્યને પાપી કહેવો એ જ પાપ છે, મનુષ્ય-પ્રકૃતીને એ કાયમી લાંછન લગાડવા જેવું છે. અરે ઓ સીંહો! ઉભા થાઓ અને 'અમે ઘેટાં છીએ' એવા ભ્રમને ખંખેરી નાખો; તમે અમર આત્માઓ છો, મુક્ત છો, ધન્ય છો, નીત્ય છો; તમે જડ પદાર્થ નથી, શરીર નથી; જડ પદાર્થ તમારો દાસ છે, તમે એના દાસ નથી.

2. જે મનુષ્યને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તીક છે. જુના ધર્મોએ કહ્યું: 'જેને પ્રભુમાં શ્રદ્ધા નથી, તે નાસ્તીક છે.' નવો ધર્મ કહે છે: 'જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તીક છે.'

3. શ્રદ્ધા, શ્રદ્ધા, પોતાની જાતમાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા - આ છે મહાનતાનું રહસ્ય. તમારા તેંત્રીસ કરોડ દેવતાઓમાં તમે શ્રધ્ધા ધરાવો અને પરદેશીઓએ તમારી સમક્ષ આણેલા તમામ દેવતાઓમાં તમે શ્રદ્ધા રાખો - અને એમ છતાં તમારી જાતમાં કશી શ્રદ્ધા ન ધરાવો તો તમને મુક્તીની પ્રાપ્તી થઈ શકે નહીં. આત્મશ્રદ્ધા કેળવો; એ શ્રદ્ધાના પાયા ઉપર ઉભા રહો અને બળવાન બનો.

4. જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દ્રઢ ઈચ્છાશક્તી હોવાં જોઈએ. ખંતીલો માણસ કહે છે: 'હું સાગરને પી જઈશ, મારી ઈચ્છા થતાંવેંત પર્વતો કડડભુસ થઈને તુટી પડશે.' આવા પ્રકારની શક્તી પ્રાપ્ત કરો, આવા પ્રકારની ઈચ્છાશક્તી દાખવો. જો તમે પુરુષાર્થ કરશો તો જરુર તમે ધ્યેયને પામી શકશો.

5. મહત્ત્વનો મુદ્દો આ છે; બળ એટલે જીવન; નીર્બળતા એટલે મૃત્યુ. બળ એટલે સુખ, શાશ્વત, અમર જીવન; નીર્બળતા એટલે સતત તાણ અને યાતના; નીર્બળતા એટલે જીવનનો ક્ષય.

6. જગતને થોડાં વીર સ્ત્રીપુરુષોની જરુર છે. એવી વીરતાનું આચરણ કરો, જે 'સત્ય'ને જાણવાનું સાહસ કરે, જીવનમાં તેને પ્રગટ કરવાની હીંમત દાખવે, જે મૃત્યુ સમક્ષ થરથર ધ્રુજે નહીં - પણ તેનું અભીવાદન કરે અને મનુષ્યને પ્રતીતી કરાવે કે એ પોતે અમર આત્મા છે અને સમગ્ર બ્રહ્માંડમાં કોઈ તેને હણી શકે નહીં, ત્યારે તમે મુક્ત થશો.

7. કાર્ય કરવું એ ઘણું સારું છે. પરંતુ તે વીચારમાંથી આવે છે... માટે મસ્તીષ્કને ઉન્નત વીચારોથી, સર્વોચ્ચ આદર્શોથી ભરી દો; તેમને અહર્નીશ તમારી દ્રષ્ટી સમક્ષ રાખશો તો તેમાંથી જ મહાન કાર્યોનો જન્મ થશે.

8. જગતની દુષ્ટતાની અને તેનાં પાપોની વાત નહીં કરો. હજી તમારે એ દુષ્ટતા જોવી પડે છે એથી ખેદ અનુભવો. હજી પણ સર્વત્ર તમારે પાપનું દર્શન કરવું પડે છે એથી આંસુ સારો; અને તમારે જો જગતને સહાય કરવી જ હોય તો તમે તેની નીંદા નહીં કરો, તેને વધુ કમજોર નહીં બનાવો. આખરે તો પાપ કે દુઃખ એટલે શું? એ બધું કમજોરીનું પરીણામ નહીં તો બીજું શું છે? આવા ઉપદેશો જગતને દીનપ્રતીદીન વધુ ને વધુ કમજોર બનાવી રહ્યા છે.

9. બાલ્યકાળથી જ એમનાં મસ્તકમાં નીશ્ચીત, દ્રઢ અને સહાયક વીચારોનો પ્રવેશ થવા દો. આવા વીચારો પ્રત્યે તમારી જાતને અભીમુખ કરો, જીવનને કમજોર અને નીષ્ક્રીય બનાવે એવા વીચારો પ્રત્યે નહીં.

10. નીષ્ફળતાઓની ચીંતા કરશો નહીં; તેઓ તદ્દન સ્વાભાવીક છે, જીવનમાં સૌંદર્યરુપ છે. એમના વગરનું જીવન કેવું હોય? જો સંઘર્ષો ન હોય તો જીવનની પ્રાપ્તીનું પણ કશું જ મુલ્ય નથી. એમના વીના જીવનનું કાવ્ય પણ ક્યાં હોય? સંઘર્ષોની, ભુલોની પરવા કરશો નહીં. મેં કોઈ ગાયને જુઠું બોલતી કદાપી સાંભળી નથી, પણ એ તો ગાયની કોટી થઈ, માણસની નહીં. એટલે આ નાની નાની નીષ્ફળતાઓની, નાનાં નાનાં સ્ખલનોની, પરવા કરશો નહીં. તમારા આદર્શને હજારવાર ઉંચો ધરી રાખો અને જો હજારવાર નીષ્ફળતા સાંપડે તો વધુ વખત પ્રયત્નો ચાલુ રાખો.
-------------------------------------------
સાભાર, 'શક્તિદાયી વિચાર - સ્વામી વિવેકાનંદ' શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી લીધેલ અંશો.

No comments: