Sunday, September 30, 2007

કમ્પ્યુટરની અંકપધ્ધતી

કમ્પ્યુટરની અંકપધ્ધતી - ચીરાગ પટેલ Sep 30, 2007

આદરણીય જુગલકાકાએ મને કમ્પ્યુટર ક્ષેત્રે કાંઈક લખવા માટે પ્રેરકબળ પુરું પાડ્યું. એવું કાંઈક કે જે પાયાની માહીતી આપીને સામાન્ય વાચકને કમ્પ્યુટરનો ઉપયોગ કરવા માટે મજબુર કરી દે. આમ તો ઘણા સમયથી મારે C++ ભાષા (પ્રોગ્રામીંગની ભાષા) વીશે ગુજરાતીમાં લખવું શરું કરવું હતું, પરંતુ જુગલકાકાની વાતે મને એક નવી જ દીશા સુઝાડી! અને આ બ્લોગ તમારી સમક્ષ હાજર છે! તો હવે પડદો ઉંચકાય છે...

સૌપ્રથમ કમ્પ્યુટરનો અર્થ છે તે સમજીએ. કમ્પ્યુટરનો સરળ અર્થ છે: ગણતરી કરતું યંત્ર! પરંતું, કમ્પ્યુટર માત્ર ગણતરી કરીને અટકી જવાને બદલે આપણી સમક્ષ એક અવનવી દુનીયા ખડી કરી દે છે (મેટ્રીક્સ મુવીમાં દર્શાવ્યા મુજબ જ સ્તો!). માત્ર ગણતરી જ કરવી હતી તો 'કેલ્ક્યુલેટર' છે જ ને. જો કે, કમ્પ્યુટર જે પણ કામ કરતું હોય, અંતે તો કરે છે ગણતરી જ (નામ પ્રમાણે કામ તો કરવું જ પડે ભાઈ). તો ચાલો, કમ્પ્યુટર એવું તો શું અને વળી કેવી રીતે ગણે છે તેની સમજુતી જોઈએ.

આપણે ગુજરાતીઓ ગણતરીમાં પાકાં કહેવાઈએ છીએ (કઈ, એ તો સહુ સમજીએ જ છીએ!). તો મને કહો, દશઅંકી (decimel) પધ્ધતી એટલે શું? (સુરેશદાદા વઢશે: લ્યા છોકરા, મશ્કરી કરે છે?) દશઅંકી પધ્ધતી ભારતે દુનીયાને આપેલી મહાનતમ ભેટ છે. કોઈ પણ સંખ્યાને 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એમ કુલ દશ અંકો વડે દર્શાવવી એટલે દશઅંકી પધ્ધતી વાપરી એમ કહેવાય! (ભાઈ, દશઅંકી પધ્ધતી અને 10 જ ગાયબ થઈ ગયો? ના, 10 એટલે 0 અને 1 વડે બનતી સંખ્યા. એમ કાંઇ અમે કોઈને ખોટું લાગવા દઈએ?)

આ જ રીતે, કમ્પ્યુટર પોતાની ભાષામાં દ્વીઅંકી (binary) પધ્ધતીનો ઉપયોગ કરે છે. (બોલો ચતુરસુજાણો, દ્વીઅંકી પધ્ધતી એટલે શું?) (હવે ટપારવાનો વારો જુ.કાકાનો: ચીરાગ તમે અમને રસક્ષતી કરવાને બદલે, ભાષાને વહેવા દો અને અમને આકંઠ પાન કરવા દો.) એટલે કમ્પ્યુટર પોતાને માટે 0 અને 1 નો ઉપયોગ કરીને દરેક સંખ્યા બનાવે છે! (માથું ખંજવાળવું પડશે એવું લાગે છે? માફ કરજો. કમ્પ્યુટરનો 0 અને 1 માટેનો પ્રેમ આપણને કેવા નાચ નચાવે છે, નહીં?)

દરેક દશઅંકી સંખ્યાને દ્વીઅંકીમાં રુપાંતરીત કરવા તમને એક સાદો નીયમ જણાવું. 8-4-2-1 નો નીયમ. 0થી 15 સુધીની કોઈ પણ એક સંખ્યા ધારો. દા.ત., 12. હવે 8-4-2-1 નો ઉપયોગ કરીને 12 કેવી રીતે બને? 8+4 = 12. ઠીક? હવે, આપણે 12 બનાવવા માટે 8-4-2-1માંથી જે સ્થાન વાપર્યા હોય તેને બદલે 1 મુકો અને જે ના વાપર્યા હોય તેને સ્થાને 0 મુકો. શું બન્યું? 1-1-0-0 (8-4-2-1 નો ક્રમ જાળવવો અગત્યનો છે.). એટલે 12 (જે દશઅંકી છે)ને દ્વીઅંકીમાં 1100 કહેવાય. 1100ની સાથે 'b'નું છોગું લગાવી દો એટલે કોઈ ગુંચવાડો ઉભો ના થાય. (નહીંતર, ગુજરાતીઓ ગભરાઈ જશે કે, માળું મેં 12રુપીયા આપ્યા હોય તેના 1100 થઈ ગયા?) આમ, 12 = 1100b. ચાલો જોઉં, હવે થોડી પ્રેક્ટીસ કરો. 0થી 15 સુધીની બધી દશઅંકી સંખ્યાને દ્વીઅંકીમાં ફેરવો. (સુ.દાદા: ઠીક ભાઈ, હવે 15થી મોટી સંખ્યાને દ્વીઅંકીમાં કેવી રીતે ફેરવું?) 8ના બમણા કરીએ તો શું મળે? શાબાશ, 16. તો હવે, 0થી 31 સુધીની દશઅંકી સંખ્યાને દ્વીઅંકીમાં ફેરવવા 16-8-4-2-1નો નીયમ લગાવો. 16-8-4-2-1 વડે દર્શાવાતી મોટામાં મોટી સંખ્યા જાણવી હોય તો કરો સરવાળો: 16+8+4+2+1=31!

દ્વીઅંકી સંખ્યાને દશઅંકીમાં ફેરવવા માટે પણ આ જ નીયમનો ઉપયોગ કરો. દા.ત., 10110b = 16+4+2 = 22. આમ, કોઈ પણ મોટી સંખ્યાને આપણે દ્વીઅંકીમાં ફેરવી નાંખીએ. અથવા દ્વીઅંકી સંખ્યાને દશઅંકી સંખ્યામાં. હવે કમ્પ્યુટરની ભાષામાં દરેક અંકને બીટ (bit) કહે છે. અને 8 બીટને 1 બાઈટ (byte) કહે છે. થોડી વાર માથું ખંજવાળી નાંખો અને મને એ કહો કે 1 બાઈટવડે લખાતી મોટામાં મોટી સંખ્યા કઈ? ધત્ત, 1111 1111b! (પ્રશ્નમાં એવું થોડું કહ્યું કે દશઅંકી સંખ્યા કહો?) નોંધ્યું? 4 બીટનાં ગ્રુપ બનાવીને સંખ્યા લખવામાં આવે છે કે જેથી કોઈ લોસ્મોચો ના થાય!. એમ ત્યારે, બોલો જોઉં, 1 બાઈટ વડે લખાતી મોટામાં મોટી દશઅંકી સંખ્યા કઈ? હમમમ... 128-64-32-16 8-4-2-1 નો નીયમ લાગુ પડ્યો! કેલ્ક્યુલેટર લેવું પડશે? (હા, જો અમેરીકામાં સ્કુલ કરી હોત તો. પણ, આપણે તો રહ્યાં દેશી!) 128+64+32+16+8+4+2+1 = 255! આમ, એક બાઈટ વડે 0થી લઈને 255 સુધીની કોઈ પણ દશઅંકી સંખ્યા લખી શકાય.

આ જ નીયમને વીસ્તારતા જઈએ તો જણાશે કે, 2 બાઈટ વડે 256 * 256 = 65536 (ઓછા 1) થાય, એટલે 0થી 65535 સુધીની સંખ્યા દર્શાવી શકાય. 4 બાઈટ વડે? રહેવા દો હવે...

કમ્પ્યુટર પોતાના કોઈ પણ કામકાજ માટે આ બાઈટરુપી કક્કાનો ઉપયોગ કરે છે. પછી એ દ્રશ્ય હોય કે લખાણ, મેમરીનો સંગ્રહ કરવાનો હોય કે પ્રીંટર પણ લખાણ છાપવાનું હોય! અને ઈંટરનેટ પર આટલો બધો માહીતીનો ધોધ વહે છે તે પણ 0 અને 1નો જ ઉપયોગ કરીને. કઈ રીતે? શું આજે જ બધું ભણી લેવું છે? આવતા અઠવાડીયાની રાહ જુઓને?

(સુરેશદાદા, જુગલકાકા; કાંઈ પણ અવીનય કર્યો હોય તે બદલ ક્ષમા)

મારી મસ્તી - બંસીધર પટેલ

મારી મસ્તી - બંસીધર પટેલ

પાગલ ગણે છો મુજને, હું મસ્ત બનીને ઘૂમી રહ્યો;
આકાશ, પાતાળ કે અવની, છે મારો મુકામ જાણી રહ્યો.
ઉતારીને અભિમાનના વાઘા, નિર્મળ, નિતાંત બની રહ્યો;
અંધકાર ભેદીને અજ્ઞાનનો, ઉજાસ સર્વત્ર નિરખી રહ્યો.

મસ્ત, વ્યસ્ત અને ત્રસ્ત, જીવન વ્યતીત કરી રહ્યો;
પ્રજ્ઞાના પ્રકાશને સથવારે, કાળ કઠણ કાઢી રહ્યો.
બીજને સિંચીને જ્ઞાનના, વટવૃક્ષ હું બનાવી રહ્યો;
તોડીને બંધન માયાના, નિર્લેપ બની હું ભમી રહ્યો.

કરી છે ભુલો હું ગણી રહ્યો, ભૂતકાળ બનીને ભૂત ભમી રહ્યો;
નજર ના લાગે કોઈની, હું સર્વથી ઘણો જ છુપાઈ રહ્યો.
નથી કલાકાર છતાં, કલાનો દેખાવ, ડોળ કરી રહ્યો;
નાયક નથી, નાયીકા નથી, છતાં નાટક લાંબું હું ભજવી રહ્યો.

વિફરેલી વાઘણ સમો, રઘવાયો હું ભટકી રહ્યો;
લલનાના વિખરાયેલા કેશ જેવું, જીવનમંથન કરી રહ્યો.
નથી છાશ, દહીં કે માખણ, ઘીની મજા હું માણી રહ્યો;
ઉરમાં નથી કોઈ આશ, હું પાગલ બનીને ઘૂમી રહ્યો.

જે નથી તે દેખાવાનો, નકામો ડોળ હું કરી રહ્યો.

મહિમા તારો - બંસીધર પટેલ

મહિમા તારો - બંસીધર પટેલ

દળે છે ખૂબ ઝીણું વ્હાલા, તારી ઘંટીનાં કરૂં શું વખાણ?
નથી લગારે અવાજ તારી લાકડીનો, છતાં મારે ધાર્યું નિશાન.
પંખીડાને શીખવ્યું ઉડતાં, બે પંખ પસારી દૂર ગગનમાં;
માણસને શીખવી સભ્યતા, સંસ્કાર તણા સિંચન થકી.

નદી, પર્વત, સાગર, સર્વ કાંઈ તારો મહિમા જ છે;
ઘેઘૂર વડલાં, ખૂબ લચેલી લતાઓ, તારા જ સંતાન છે.
ગગનમાં ઉગતા તારલાં, ચંદ્ર કે સૂરજ, તારાં મર્મસ્થાન છે;
પાતાળમાં ભરેલું મીઠું જળ, તારા સ્નેહનું કારણ છે.

સકળ જીવ સૃષ્ટિ, એ તારું સર્જન નિઃશંક છે;
નથી અર્થ વગરનું લગારે, સર્વ કાંઈ તારી માયા છે.
પ્રભુતા વિસ્તરેલી સર્વત્ર, નજરો મારી ઢળી પડે છે;
શું કરું હું તારા વખાણ, આ જીહ્વા પણ તારી દેન છે.

નથી સમય કોઈને, છતાં તું ના રિસાયો કદી;
આભાર-ધુત્કાર સર્વ કાંઈ, સહવાની તારી ટેવ છે.
શિક્ષા દેતો તે પણ કેવી, પંપાળી, મીઠાશનો રસ છે;
માવતર કમાવતર ના થાય કદી, એ કહેવત તને ખૂબ યાદ છે.

ભીંજાયેલા રૂદિયે કરૂં હું વિનતી તુજને ભોળિયા;
ભુલો પડ કદીક આ ભોમમાં, તારા નામની ખૂબ રટ છે.
જોતો ખરો તારી રચનાને, તું ખુશ છે કે નાખુશ ભલા;
આવશે હાસ્ય તુજને, તારી સૃષ્ટિના શું બેહાલ છે!

Friday, September 21, 2007

ત્રીમુર્તી

ત્રીમુર્તી - ચીરાગ પટેલ Sep 21, 2007

આપણાં શાસ્ત્રોમાં અને પુરાણોમાં ત્રીમુર્તી કેન્દ્રસ્થાને રહી છે. ત્રીમુર્તી એટલે બ્રહ્મા, વીષ્ણુ અને મહેશ (શંકર). જ્યારે આ બ્રહ્માંડની ઉત્પતી થઈ ત્યારે તેનાં વીવીધ સંચાલન માટે ત્રીમુર્તીનો પણ ઉદ્ભવ થયો હતો. બ્રહ્માંડ અને ત્રીમુર્તીની ઉત્પત્તી કેવી રીતે અને ક્યારે થઈ હતી એની ચર્ચા ફરી ક્યારેક કરીશું. આજે તો માત્ર ત્રીમુર્તીનું મારી દ્રષ્ટીએ પૃથક્કરણ કરીએ!

જગતનાં દરેક જડ-ચેતન પદાર્થોનો ઉદભવ બ્રહ્મામાંથી થયેલો માનવામાં આવે છે. બ્રહ્મા એટલે જગતપીતા! દરેક જ્ઞાનનાં આદી સ્વરુપ વેદોની ઉત્પત્તી પણ બ્રહ્મામાંથી થઈ છે. પુરાણોમાં દર્શાવેલાં કોઈ પણ રાજવંશનાં મુળમાં જગતપીતા બ્રહ્મા રહેલાં છે. આવી આદરણીય વીભુતી હોવા છતાં તેમનું મંદીર રાજસ્થાનનાં પુષ્કરક્ષેત્ર સીવાય હોવાનું જાણમાં નથી. તેનાં કારણરુપ ઘણી ઘણી વાર્તાઓ આપણાં પુરાણોમાં જાણવાં મળે છે. આવાં બ્રહ્માજીનું પ્રાગટ્ય વીષ્ણુનાં નાભીકમળમાંથી થયું હતું.

બ્રહ્મા પણ જેમાંથી પ્રગટ્યા એવા જગતના પાલન-લાલન કરનારાં વીષ્ણુ શેષશૈયા પર સુતાં-સુતાં બ્રહ્માંડની દરેક પ્રવૃત્તી પર ચાંપતી નજર રાખી રહ્યાં છે. વીષ્ણુને પરમાત્માનાં અંશરુપ અને સીધાં પ્રતીનીધી માનવામાં આવે છે. તેમણે જગતને ચલાવવા માટે કંઈ કેટલાંય પ્રશ્નોનું યુક્તીપુર્વક સમાધાન કર્યું છે.

શંકર, આદીદેવ, મહાદેવ, સાક્ષાત શીવ, આશુતોષ, ભોળા શંભુને બ્રહ્માંડનો વીનાશકર્તા માનવામાં આવે છે. તેમનું તાંડવનૃત્ય મોટાં ગ્રહોથી લઈને સુક્ષ્મ પરમાણુઓ સુધી બધાંનો વીનાશ કરી નાંખે છે. તેમનાં ડમરુંમાંથી શીવસુત્રજાળ સ્વરુપે આપણી ભાષા (સંસ્કૃત)નું બીજ નીકળ્યું હતું.

આપણે દરેક જુદાં જુદાં પ્રકારનાં પ્રાકૃતીક બળોને જાણીએ છીએ, જેમ કે, ગુરુત્વાકર્ષણબળ, ચુંબકીયબળ, વીદ્યુતબળ વગેરે. (વીજ્ઞાને જે બળનાં નામ નથી આપ્યાં એવાં પણ ઘણાં બળોનો આપણને અનુભવ છે!) ભૌતીકવીજ્ઞાને આ બધાં બળોમાંથી મુખ્ય ચાર બળોને અલગ તારવ્યાં છે. બાકીનાં બધાં જ આ ચાર પાયાનાં બળોનું જ સ્વરુપ છે. આવા પાયાનાં બળો છે: ગુરુત્વાકર્ષણબળ, વીદ્યુતચુંબકીયબળ, વીકફોર્સ, સ્ટ્રોંગફોર્સ.

વીશ્વનો દરેક પદાર્થ ઉર્જામાં રુપાંતરીત થઈ શકે છે. વીશ્વનું એ જ મુળભુત સ્વરુપ છે - ઉર્જા. જે પદાર્થ દેખાય છે એ બધાં અસ્થાયી સ્વરુપ છે. હવે, દરેક પદાર્થ ગુરુત્વાકર્ષણ ધરાવવાનો મુળભુત સ્વભાવ ધરાવે છે, જ્યારે ઉર્જા પોતે હંમેશાં વીદ્યુતચુંબકીય બળ સ્વરુપે પોતાનાં ચમકારાં બતાવતી રહે છે. જ્યારે ઉર્જામાંથી બ્રહ્માંડ બન્યું ત્યારે જ તેમાંથી ગુરુત્વાકર્ષણબળનો પણ સાથે જન્મ થયો. આ બળ સમયને પણ લાંધીને અનંત અંતરસુધી વીસ્તરેલું હોય છે. આમ, વીશ્વનો દરેક પદાર્થનું ગુરુત્વાકર્ષણબળ, બ્રહ્માંડની સીમા (જો હોય તો) હોય ત્યાં સુધી વીસ્તરેલું આપણે માની શકીએ! અને આમ દરેક પદાર્થનાં આવાં બળની ત્રીપરીમાણીય (કે વધારે પરીમાણધારી, કારણકે ગુરુત્વાકર્ષણબળ સમયને પણ પાર કરીને વીસ્તરેલું હોય છે) ચાદરમાં જ દરેક પદાર્થ અવલંબે છે, ટકી રહે છે. શું આ બળ જ વીષ્ણુ છે?

જ્યારે ગુરુત્વાકર્ષણથી ઘનીભુત થયેલું ઉર્જાનું વાદળ વલોવાય છે, હચમચે છે ત્યારે પ્રોટોન-ન્યુટ્રોન વચ્ચે સંઘભાવના જન્મે છે અને તેમનાં મુળભુત અપાકર્ષણને બદલે સ્ટ્રોંગફોર્સરુપી ભાઈચારો વ્યાપક બને છે, અને નાભીકમળમાંથી પ્રગટે છે પરમાણુ. આ સ્ટ્રોંગફોર્સને લીધે જ પરમાણુઓનું અસ્તીત્વ ટકી રહે છે અને આખું વીશ્વ આકાર લે છે. શું આ બળ એ જ બ્રહ્મા?

અમુક પદાર્થ, તેનાં પરમાણુઓમાં વીઘટીત થયેલો હોય ત્યારે (બાહ્યબળની ગેરહાજરીમાં પણ) તેનાં કેન્દ્રમાં રહેલાં પ્રોટોન-ન્યુટ્રોન ભારત-પાકીસ્તાનનું રુપ ધારણ કરે છે. તેમની ઉર્જાનું વીકીરણરુપી કારગીલ યુધ્ધ જામે છે, અને મુળભુત બંધારણ બદલાઈ જાય છે. પરમાણુમાંથી વીકીરણોનો ધોધ જન્માવતાં આ બળને વીકફોર્સ કહે છે. આખું બ્રહ્માંડ અમુક સમય પછી ધીરી-ધીરે પોતાનું ખોળીયું વીકફોર્સની અસરતળે સંકોરી લેશે. શું આ વીકફોર્સ એ જ શંકર મહાદેવ?

ૐ તત સત ૐ

Sunday, September 16, 2007

સરદારના પ્રેરક પ્રસંગો 3

સરદારના પ્રેરક પ્રસંગો 3
('સરદાર' મુવીમાંથી લીધેલ અંશો)

======== * 1 * ========
ભારતનાં ભાગલા વીશે કારોબારીમાં ચર્ચા ચાલી રહી છે. મહંમદઅલી ઝીણા સુચવે છે કે, ભાગલા પછી દેશનાં નામ હીંદુસ્તાન - પાકીસ્તાન રાખવાં જોઈએ. સરદાર સાફ ના પાડતા કહે છે કે, એક દેશનો નાનો ટુકડો અલગ થઈ રહ્યો છે. મુસ્લીમ લીગ પોતાના ટુકડાનું જે નામ રાખવા ચાહે તે રાખી શકે છે. આ દેશનું નામ ઈંડીયા છે અને ઈંડીયા જ રહેશે. (જે લોકો ભારતને હીંદુસ્તાન તરીકે ઓળખાવે છે તે લોકો ઝીણાની વીચારસરણીને અનુસરી રહ્યાં છે?)

======== * 2 * ========
ભાગલા બાબતે ચર્ચા આગળ ચાલે છે. ઝીણા દરેક પ્રયોગશાળા, સરકારી સંસ્થાઓનાં બે ભાગ કરવા માંગે છે. સરદાર કહે છે, કોઈ સંસ્થાના બે ભાગ કરીએ તો એ ચાલી કેમ શકે? મહંમદઅલી ચૌધરી (જે મુસ્લીમ લીગ તરફથી ICS અફસર તરીકે બધી સરકારી બાબતોનાં સલાહકાર હતાં) કહે છે કે, એક નવો દેશ આ બધું ધરાવ્યાં વગર પ્રગતી કેમ કરી શકે? સરદાર કહે છે કે, ઠીક છે, જ્યાં સુધી તમે આ બધી સુવીધા ઉભી ના કરી શકો ત્યાં સુધી ભારત તમારી જરુરીયાતો પુરી પાડશે.

ત્યારબાદ, ઝીણા 200કરોડ રુપીયાનાં બે ભાગ કરવાનું સુચવે છે. સરદાર કહે છે, નાણાંનાં ભાગલા બન્ને દેશના ક્ષેત્રફળ અને વસ્તી મુજબ કરવામાં આવશે. તે મુજબ, ભારત તમને અત્યારે 20કરોડ અને સ્વતંત્રતા બાદ 55કરોડ આપશે. હવે, ભારત સરકારનું જે દેવું છે તેનાં ભાગ કરીએ. ઝીણા દેવું લેવાનો ઇનકાર કરી દે છે. સરદાર કહે છે કે, કદી ગોટલી વગરની કેરી મળી શકે ખરી? દેવામાં પણ તમારે તમારો હીસ્સો તો લેવો જ પડશે.

એ સાંજે, સરદારના ઘરે એચ.એમ. પટેલ (જે કોંગ્રેસ તરફથી સરકારી બાબતોનાં સલાહકાર હતાં) એવું જણાવે છે કે, સરદાર, ભારત સરકારનાં જે લેણદારો છે એમાંનાં મોટાભાગનાં ભારતની સરહદમાં વસે છો. હવે જો પાકીસ્તાનના ભાગનું દેવું ચુકતે કરવું હોય તો અગવડ તો આપણાં દેશનાં લોકોને જ પડશે ને? આખું વીશ્વ અત્યારે ભારતનાં ભગલાંની દરેક કાર્યવાહી પર નજર રાખી રહ્યું છે. શું આપણે થોડી ઉદારતા ના દાખવી શકીએ? સરદાર તોડ કાઢે છે કે, તો એવું કરીએ કે બધું દેવું ભારત સરકારને માથે રહેશે, અને જે પાકીસ્તાનનો હીસ્સો છે તે પાકીસ્તાને ભારત સરકારને પુરો કરી આપવાનો. પછી, સરદાર એકાએક વીચારે ચઢી જાય છે અને એચ.એમ.ને કહે છે, હીમ્મતભાઈ, હું જ્યારે જ્યારે વીચારું છું કે ભાવી પેઢી આપણાં વીશે શું કહેશે ત્યારે મારી ઉંઘ ઉડી જાય છે. ભવીષ્યનાં લોકોને ક્યાંથી ખબર પડશે કે આ સ્થીતીમાં આ જ યોગ્ય હતું અને આપણે અણીશુધ્ધ પ્રામાણીક્તાથી જ કાર્ય કર્યું છે. એ લોકો તો એમ જ કહેવાના કે તમારી પરીસ્થીતી અને પ્રામાણીક્તા પર કેરોસીન છાંટો. તમે અમને શું આપ્યું?

======== * 3 * ========
15ઓગસ્ટ પછી 565 રાજ્યો આઝાદ થઈ જવાનાં હતાં. એટલે, સરદાર મુખ્ય મુખ્ય રાજાઓની એક બેઠક યોજે છે. સરદાર એમને જણાવે છે કે, અમારી જવાબદારી માત્ર 15 ઓગસ્ટ સુધીની જ છે. (વચગાળાની સરકારની) એટલે એક મહારાજા સરદારને પુછે છે કે, શું તમે અમને ધમકી આપી રહ્યાં છો? સરદારનો જવાબ, હું ધમકી નથી આપી રહ્યો. તમને માત્ર જણાવી રહ્યો છું. પછી અમારો દોષ ના કાઢતાં.

======== * 4 * ========
નેહરુ ભાગલા વીશે પુરેપુરા સંમત નથી હોતાં. તેઓ પણ ગાંધીજીની 'પુર્ણ સ્વરાજ્ય'ની માંગ વીશે જ વીચારે છે. સરદાર નેહરુને સમજાવે છે કે, આખા દેશને ખતરામાં નાંખવા કરતાં, ભલે એક નાનો ટુકડો અલગ થતો. આપણે આપણાં દેશનાં બાકીના ભાગને તો આપણી રીતે સજાવી શકીશું, બનાવી શકીશું. નેહરુ પોતાની ચીંતા જણાવે છે કે, બાપુ શું કહેશે? સરદાર કહે છે, બાપુ તો ના જ પાડશે. જવાહર, દીલ ખાટું ના કરીશ. અમુક નીર્ણયો બાબતે ભવીષ્ય જ નક્કી કરશે કે તે સાચાં હતાં કે ખોટાં.

======== * 5 * ========
કોંગ્રેસની કારોબારીમાં ગાંધીજી મૌલાના આઝાદને કહે છે કે, તમે કોંગ્રેસ પ્રમુખની જવાબદારી 7 વર્ષથી બહુ સરસ રીતે જાળવી છે. પરંતું, હું ઈચ્છું છું કે હવે કોઈ બીજો પ્રમુખ બને. અને એ પ્રમુખ સ્વતંત્ર ભારતનો પ્રથમ વડાપ્રધાન બનશે. બધી જ પ્રદેશ કોંગ્રેસ સમીતીઓએ સરદારનું નામ સુચવ્યું છે. કૃપલાણીએ પોતાનું નામ જવાહરની તરફેણમાં પાછું ખેંચી લીધું છે. હું ઈચ્છું છું કે નીર્ણય એકમતે થાય. જવાહર, હું તમને પુછું છું. કોઈ પણ સમીતીએ તમારું નામ નથી સુચવ્યું. જવાબમાં જવાહર મૌન જાળવે છે. એટલે ગાંધીબાપુ કાગળમાં કાંઈક લખીને સરદારને આપે છે. સરદાર એ વાંચીને ખીસ્સામાં મુકી દે છે, અને જાહેર કરે છે કે, હું મારું નામ પાછું લઉં છું. જવાહરનાં ચહેરા પર સુચક સ્મીત ફરી વળે છે.

======== * 6 * ========
ભગલાની બધી બાબતો ચર્ચાઈ રહી છે. સરદાર એકાએક કહે છે કે, આમને આમ તો 15 ઓગસ્ટ આવશે તો પણ કામ પુરું નહીં થાય. મને ભાઈ મહંમદઅલી ચૌધરી અને એચ.એમ.પટેલ પર પુરેપુરો ભરોસો છે. બન્ને ઘણાં કાબેલ અફસરો છે. બધં આ વાત સ્વીકારી લે છે. એટલે સરદાર એચ.એમ. અને ચૌધરીને એક બંધ ઓરડામાં બેસીને બધાં કામનો નીકાલ પરસ્પર સહમતીથી લાવવાં કહે છે. આમ, ભાગલાંનું 50%થી વધુ કામ આ બે અફસરોએ પુરું કર્યું હતું.

Saturday, September 15, 2007

gopal - Bansidhar Patel

ગોપાલ - બંસીધર પટેલ

વૈષ્ણવને મન સાચું સોનું, ગિરધર ગોપાલ શ્રીનાથજીબાવા.
બાળ ગિરધર ન આપે કાંઈ, માંગે તે સાચો સમર્પણ ભાવ.
રાજભોગ, છપ્પનભોગ ધરાવ્યા સહું, ભાવના ભૂખ્યા બાંકેલાલ.
સાચો મારગ અનાસક્તનો, ગીતા ઉપદેશનો અર્થ એ સાચો.
ગુરુ શિષ્યની પરંપરા પણ, શીખવે અર્પણ મનના ભાવ.
રાધા સંગ નટવર સોહાય, પ્રેમયુગ્મ સાચા હ્રદયના પાસ.
ના માગે કાંઇ પ્રભુ ભક્તની પાસ, માગે તમારા મનનો ઉજાસ.
ઝુઝવા રૂપ અવતારનાં, ધરે ધનુષબાણ કે ઓષ્ઠ મુરલી.
એક ભાસે અનંતમાં, વિભુની વિભુતિઓ વ્યાપેલી સર્વત્ર.
ઈશ તત્વ એ પરમાત્મનું, વિવિધતામાં એકનો દેતું સંદેશ.
ભારતનો ઉધ્ધારક સાચો, ઈષ્ટ પ્રભુ, ગોવર્ધનધારી.

muralidhar - Bansidhar Patel

મુરલીધર - બંસીધર પટેલ

કાળા નટખટ કૃષ્ણ કન્હૈયા, રાધાના પ્યારા મુરલી બજૈયા.
ગિરધર, નટવર, નાચ નચૈયા, ગોપીસંગ તુમ રાસ રચૈયા.
પનઘટ, હરધર, ધૂમ મચૈયા, મખ્ખન, મલાઈ, દૂધ ખેવૈયા.
ગોપાલ, લાલા, હર મનમેં રમૈયા, વ્રજકી રજકો પાવન કરૈયા.
ભક્તનકે તુમ દુઃખ હરૈયા, પાંચાલી કે ચિર પુરૈયા.
રાધા કે સંગ રાસ ખેલૈયા, ગોપીયો કે સંગ ખૂબ નચૈયા.
યશોદાકે લાલા, નંદ કિશોરા, યમુના કે તુમ ઘાટ ગજૈયા.
મહાભારત કે તુમ યુધ્ધ ખેલૈયા, દિવ્યશક્તિ સે જગકો હિલૈયા.
સુવર્ણપુરી કે રાય રમૈયા, ડંકપુર કે તુમ સંગ સેવૈયા.
વિષ્ણુ કે તુમ પૂરણ અવતારા, રામચંદ્રકે રૂપમે ભમૈયા.
કરૂં હું અરજ પ્રિય કન્હૈયા, જલ્દી કરો ઓ નટખટ દૈયા.

રામની વંશાવળી

બ્રહ્મા
|
મરીચી (10 પ્રજાપતી) અને કલા
|
કશ્યપ અને અદીતી, કશ્યપ મનુષ્યજાતીના પીતા
|
વીવસ્વાન (સુર્ય)
|
મનુ (વૈવશ્વત મનુ), ઈક્ષ્વાકુ વંશની શરુઆત
|
ઈક્ષ્વાકુ
|
કુક્ષી
|
વીકુક્ષી
|
બાણ
|
અનારણ્ય
|
પૃથુ
|
ત્રીશંકુ
|
ધુંધુમાર
|
યુવાનશ્વ
|
માંધાતા
|
સુસંધી
|
પ્રસેનજીત + દૈવસંધી
|
ભરત
|
અસીત
|
સગર
|
અસમંજ
|
અંશુમાન
|
દીલીપ
|
ભગીરથ
|
કાકુસ્થ
|
રઘુ (રઘુવંશના સ્થાપક)
|
પ્રવર્ધ
|
શંખણ
|
સુદર્શન
|
અગ્નીવર્ણ
|
શ્રીઘ્રગ
|
મારુ
|
પ્રસુશ્રુક
|
અંબરીષ
|
નહુષ
|
યયાતી
|
નભગ
|
અજ
|
દશરથ
|
રામ + લક્ષ્મણ + ભરત + શત્રુઘ્ન
|
લવ + કુશ

Thursday, September 13, 2007

વૈજ્ઞાનીક ધર્મ - ચીરાગ પટેલ

વૈજ્ઞાનીક ધર્મ - ચીરાગ પટેલ Jul 1992

હાલ વીશ્વમાં જે ઘટનાઓ ઘટી રહી છે, તે જોતાં આપણને એવું લાગે છે કે આજનો માનવસમાજ છીન્ન ભીન્ન થઈ રહ્યો છે. માનવ સંસ્કૃતીમા સ્પષ્ટ બે ભાગ થઈ ગયા છે: પાશ્ચાત્ય સંસ્કૃતી અને પુર્વીય સંસ્કૃતી.

પાશ્ચાત્ય સંસ્કૃતીમાં વીજ્ઞાનને મહત્ત્વ અપાયું છે, ત્યારે પૌર્વાત્ય સંસ્કૃતીમાં આધ્યાત્મીક્તાને. પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે માત્ર વીજ્ઞાનથી જ કે માત્ર ધર્મથી કોઈ પણ સંસ્કૃતીને લાભ થયો નથી કે તેનો વીકાસ થયો નથી. આથી આપણે એક નવી વીચારસરણી વીકસાવવી જોઈએ કે જેમાં વીજ્ઞાન અને ધર્મનો સમંવય થતો હોય.

આવી વીચારસરણી વીકસાવવી કેવી રીતે? તે માટે કેટલાક ઉદાહરણો જોઈએ.

1) સાબીત થયું છે કે આપણી આકાશગંગાનો આકાર ઉપરથી જોતાં સર્પનાં મસ્તક જેવો દેખાય છે. હવે આ બાબતને આપણે એક પ્રાચીન માન્યતા સાથે સાંકળી શકીએ.

"આપણી પૃથ્વી શેષનાગના માથા પર છે, જેને લીધે તે અવકાશમાં ટકી રહી છે."

આપણે જોઈ શકીએ છીએ કે આ માન્યતા ખરેખર સાચી છે, પરંતુ તેને સમજવાની આપણી દ્રષ્ટીના અભાવને કારણે વાહીયાત લાગે છે.

2) બીજી એક પ્રાચીન માન્યતા પ્રમાણે, બ્રહ્માના દીવસમાં સૃષ્ટીનો ઉદ્ભવ થાય છે અને બ્રહ્માની રાત્રીમાં સૃષ્ટીનો વીનાશ થાય છે.

આપણા બ્રહ્માંડના બ્લેક હોલમાં પદાર્થનો નાશ થાય છે, તથા વ્હાઈટ હોલમાં પદાર્થ બને છે. તેથી આપણે કલ્પી શકીએ કે આવા હોલ એ જ બ્રહ્મા!

3) આપણા શાસ્ત્રોમાં વીષ્ણુના દશાવતારોનું વર્ણન જોવા મળે છે. આપણે વીષ્ણુના દરેક અવતારોને નીચે મુજબ સાંકળી શકીએ.

મત્સ્યાવતાર - જળચર સૃષ્ટીનો ઉદભવ
કુર્માવતાર - પેટે સરકીને ચાલતાં પ્રાણીઓનો ઉદભવ
વરાહાવતાર - પૃષ્ઠવંશી પ્રાણીઓનો ઉદભવ
નૃસીંહાવતાર - ચોપગાં પ્રાણીઓનો ઉદભવ
વામનાવતાર - પ્રોઝીમીઅન પ્રાણીઓનો ઉદભવ (વાંદરાં કુળનાં પુર્વજ)
પરશુરામાવતાર - ઓસ્ટ્રેલોપીથેક્સ કપીઓનો ઉદભવ
રામાવતાર - હોમો ઈરેક્ટસ માનવોનો ઉદભવ
કૃષ્ણાવતાર - હોમો સેપીયંસ (આધુનીક માનવો) નો ઉદભવ
બુધ્ધાવતાર - માનવોનો વીકાસ
કલ્કી અવતાર - સુપર મનુષ્યોનો ઉદભવ

આમ, વીષ્ણુના અવતારો એ કોઈ વ્યક્તીરુપ નથી, પરંતુ વીકાસક્રમની અમુક ચોક્કસ અવસ્થાઓ છે.

આપણે ધર્મને માત્ર અંધશ્રધ્ધાના વીષયરુપે નહીં, પરંતુ તેની માન્યતાઓને વૈજ્ઞાનીક રીતે મુલવવી જોઈએ.

આ પ્રકારની નવી વીચારસરણી જ માણસને કંઈક નવી દ્રષ્ટી આપી શકશે.
-------------------------------------------------------------
નોંધ: આજે (2007 - 09 - 13) હું આ દરેક વીચારો સાથે સંમત નથી (દશાવતારો વીશે), પરંતુ આ જ પ્રકારની વીચારસરણી નીત્ય કર્મોમાં અપનાવી અમલમાં મુકુ છું.
આ લેખ જુલાઈ, 1992 માં લોક વીજ્ઞાન કેન્દ્ર, વડોદરનાં ત્રીમાસીક 'વિજ્ઞાનવાણી' સામયીકનાં પ્રથમા અંકમાં પ્રકાશીત થયો હતો. હું એ વખતે એલેમ્બીક વીદ્યાલયનાં 11માં ધોરણમાં હતો.

Sunday, September 09, 2007

સરળ રાજયોગ 2

સરળ રાજયોગ 2 Sep 09, 2007

આજે હું મારા અનુભવોની વાત કરીશ. આ અનુભવો જે મારા રાજયોગની સાધનાનું પરીણામ છે. અને તેની સચ્ચાઈની ખાતરી હું કરાવી શકું તેમ નથી, પરંતુ આપને જાતે જ પ્રયોગો કરીને અનુભવ મેળવવા કહી શકું. આપની સાધના અને વ્યક્તીત્વ મુજબ અનુભવોમાં થોડાં ફેરફાર હોઈ શકે છે.

સૌ પ્રથમ હું જે રોજ કરું છું તે જણાવું. મેં ઘણીબધી વાર વાંચ્યું છે કે, આધ્યાત્મીક અનુભવો પોતાના પુરતા સીમીત રાખવાં. પરંતુ, હું માનું છું કે કોઈ તે સ્વીકારે કે ના સ્વીકારે, તેને જાહેર કરવાં જ જોઈએ, તેમાં ગોપનીયતા જેવું કાંઇ છે જ નહીં. શું આપણે વૈજ્ઞાનીક પ્રયોગોનાં તારણો છુપાવીને રાખીએ છીએ? આ જ વાતનું સમર્થન સ્વામી વીવેકાનંદને વાંચતાં થયું, એટલે એ વીચારોને પુષ્ટી મળી, અને હવે તમારી સમક્ષ સઘળું ઠાલવી રહ્યો છું. મને તમારી ટીકાઓ અને ટીપ્પણીઓની આવશ્યક્તા રહેશે. મારી સાધના મારી પોતાની છે, તમે એમાં તમને યોગ્ય લાગે તે ફેરફાર કરીને પાલન કરી શકો છો, પરંતુ તમારા અંતરાત્માને પુછેને!

સતત 'ૐ તત સત ૐ' નો માનસીક જાપ હું કરતો જ રહું છું. ઉઠતાં-બેસતાં, ખાતાં-પીતાં, અહર્નીશ; જ્યારે પણ મન નવરું પડે કે 'ૐ તત સત ૐ'. કોઈ પણ ક્રીયા કરું, ગમે તેટલી સારી-નરસી, એ સર્વે 'મા'ને અર્પણ કરીને જ કરું છું. અને સાથે 'ૐ તત સત ૐ' તો ખરું જ. કોઈ પણ પરીસ્થીતીને સ્વીકારીને ચાલવાં પ્રયત્ન કરું છું. 'મા' પ્રત્યે સંપુર્ણ સમર્પણ કરવાનો પ્રયત્ન કરું છું. પ્રાર્થના, ભજન, આરતી વગેરેનો આનંદ માણું છું.

દરેક યમો અને નીયમોનું પાલન કરવાં નીષ્ઠાપુર્વક પ્રયત્ન કરું છું.

દરરોજ સવારે સુર્યનમસ્કારનાં 5 ચક્રો કરું છું. આંખની કસરત નીયમીત કરું છું (જે મારા વ્યવસાય માટે ખુબ જ ઉપયોગી છે). ચહેરો હલાવ્યાં વગર આંખોને 5-5 વાર ડાબે-જમણે, ઉપર-નીચે, ડાબી બાજુથી ત્રાંસમાં ઉપર-નીચે, જમણી બાજુથી ત્રાંસમાં ઉપર-નીચે, ઘડીયાળના કાંટાની દીશામાં ચક્રાકારે, ઘડીયાળના કાંટાની વીરુધ્ધ દીશામાં ચક્રાકારે ફેરવવી. 5 વખત જોરથી ઉઘાડ-બંધ કરવી. 5 વખત ખુબ જ નજીકની વસ્તુને 5 સેકંડ માટે જોઈને તરત જ 20 ફુટ દુરની વસ્તુને 5 સેકંડ સુધી જોવી.

ન્હાતી વખતે એવી ભાવના કરું કે પાણી મારી અશુધ્ધીઓને દુર કરીને મને પવીત્ર કરી રહ્યું છે. એ પાણીમાં ગંગા/યમુના/સરસ્વતી/સીંધુ/નર્મદા/ગોદાવરીનો સંગમ થયો છે; એવી ભાવના કરું.

ન્હાયા બાદ, ઘરનાં મંદીર સમક્ષ પદ્માસનમાં બેસું. સૌપ્રથમ નાડી શુધ્ધી કરું. 'ૐ તત સત ૐ' જપતાં ખુબ જ ઉંડો શ્વાસ લઉં અને પછી ધીરે-ધીરે છોડું. એક શ્વાસોચ્છવાસમાં લગભગ 15 સેકંડ થાય એટલો સમય રાખું. આવાં 4 ઉંડાં શ્વાસ લઉં. ત્યારબાદ, પુરેપુરો શ્વાસ બહાર કાઢી, જમણા હાથના અંગુઠાથી જમણું નસકોરું બંધ કરી ઉંડો શ્વાસ ભરી લઉં, અને તરત જ અનામીકા અને તર્જની આંગળીઓ વડે ડાબું નસકોરું બંધ કરી પુરેપુરો શ્વાસ જમણાં નસકોરાં વડે કાઢી નાંખું. તરત જ જમણાં નસકોરા વડે ઉંડો શ્વાસ લઈ, અંગુઠા વડે જમણું નસકોરું બંધ કરીને, ડાબા નસકોરાં વડે બહાર કાઢું. આ પ્રક્રીયા ચાર વખત કરું.

નાડીશુધ્ધી બાદ, આંતરીક કુંભક કરું. જમણું નસકોરું બંધ કરી ડાબાં નસકોરાં વડે ચાર વખત ૐ જપતાં ઉંડો શ્વાસ ભરાય તેવું કરું. પછી સોળ સેકંડ સુધી ૐ જપતાં શ્વાસને રોકી રાખું અને એવો ભાવ કરું કે મગજમાંથી શક્તી કરોડરજ્જુનાં મુળમાં આઘાત કરી રહી છે. ત્યાર બાદ આઠ વખત ૐ જપતાં પુરેપુરો શ્વાસ જમણાં નસકોરાં વતી નીકળી જાય તેવું કરું. ફરી 4-16-4 નું ચક્ર જમણેથી પુરક, આંતરીક કુંભક, ડાબેથી રેચક કરું. આ આખું ચક્ર 4 વખત કરું.

બાદમાં બાહ્ય કુંભક કરું. 4 ૐ માં ડાબા નસકોરાં વતી પુરક, 8 ૐમાં જમણાં નસકોરેથી રેચક અને 16 ૐમાં બાહ્ય કુંભક. આ જ પ્રક્રીયા હવે જમણેથી પુરક, ડાબેથી રેચક અને બાહ્ય કુંભક. આ આખું ચક્ર 4 વખત કરું.

ત્યારબાદ 'મા'ની પ્રાર્થના કરું અને તેની પાસેથી 'શાશ્વત પ્રેમ, હંમેશનું તેનું સાન્નીધ્ય અને તેની અનન્ય ભક્તી' માંગું. ગુરુજનોને વંદન કરું અને તેમની પાસેથી 'મા'ની અનન્ય ભક્તે, અહર્નીશ સાન્નીધ્ય અને અનંત પ્રેમ માંગું.

ગાયત્રી મંત્ર 'ૐ ભુર્ભુવઃ સ્વઃ ૐ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત ૐ' નો સસ્વર જાપ કરું. સાતેય ચક્રોમાં ૐનો માનસીક જાપ કરતો ફરી વળું. મુળાધાર (કરોડનો છેડો), સ્વાધીશ્ઠાન (પ્રજનન અવયવનો છેડો), મણીપુર (નાભી), અનાહત (મધ્ય હ્રદયે), વીશુધ્ધ (કંઠ મધ્યે), આજ્ઞા (બે ભ્રુકુટી વચ્ચે), સહસ્ત્રાર (મસ્તકની ટોચે, શીખામુળે) ૐનો આઘાત કરું.

મને પોતાને બ્રહ્માંડનું કેંદ્ર ધારી, 'ૐ તત સત ૐ' જપતાં મારી આગળની દીશાથી જમણી બાજુની દીશામાં (90 અંશ) ફરતાં ગોળાની કલ્પના કરી પ્રાર્થના કરું "સર્વેનું કલ્યાણ થાઓ, સર્વેને સુખની પ્રાપ્તી થાઓ, સર્વેને શાંતી પ્રાપ્ત થાઓ, સર્વે નીરોગી રહો, સર્વેને માની ભક્તી પ્રાપ્ત થાઓ'. વળી 90 અંશ, મારી જમણી દીશામાંથી ફરતાં પાછળની દીશામાં ફરતાં 'ૐ તત સત ૐ' જપતાં ગોળાની કલ્પના કરી એ જ પ્રાર્થના કરું. આમ જ, પાછળની દીશામાંથી ડાબી બાજુની દીશામાં અને ડાબી બાજુની દીશામાંથી આગળની દીશામાં આવું અને બ્રહ્માંડને પુર્ણ કરું.

ત્યારબાદ, હ્રદયાકાશમાં રહેલ આત્મજ્યોતીની કલ્પના કરું અને તેની પણ મધ્યે રહેલાં પરમ જ્યોતી રુપ 'મા'ની કલ્પના કરી પ્રાર્થના કરું કે, 'મને તારું શાશ્વત સાન્નીધ્ય, અનંત પ્રેમ અને અનન્ય ભક્તી આપ'.

પછી, ધીરે-ધીરે ભ્રુકુટી મધ્યે (આજ્ઞાચક્રમાં) એકાગ્રતા મેળવી, કોઈ જ જાપ વગર અવલોકન કરું. મનમાં ઉઠતાં તરંગોને નીહાળવાં પ્રયત્ન કરું અને એમાં જોડાવાથી દુર રહું. જેટલો સમય રહી શકાય તેટલો રહું. બાદમાં આંખો ખોલીને નીચેના મંત્રોનું ઉચ્ચારણ કરું.

ૐ ઐં હ્રીં ક્લીં ચામુંડાયૈ વીચ્ચે ૐ ॥
ૐ ઐં હ્રીં ક્લીં સૌં શ્રીં ૐ ॥
ૐ હ્રીં બલે મહાદેવી હ્રીં મહાબલે, ક્લીં ચતુર્વિધપુરુષાર્થ સિધ્ધિપ્રદે, તત સવિતુર્વરદાત્મિકે હ્રીં વરેણ્યં ભર્ગો દેવસ્ય વરદાત્મિકે, અતિબલે સર્વદયામૂર્તે બલે સર્વ ક્ષુદભ્રમોપનાશિનિ ધીમહિ, ધિયો યો નો જાતે પ્રચુર્યઃ યા પ્રચોદયાદાત્મિકે, પ્રણવશિરસ્કાત્મિકે હું ફટ સ્વાહા ૐ ॥ (બલાતિબલા મહામંત્ર) (આ મંત્રની ક્યારેક ચર્ચા કરીશું.)

પછી, કોઈ પણ ધાર્મીક પુસ્તકનાં ચાર પાનાંનું વાંચન કરું.

સાંજે કામેથી આવ્યાં બાદ પણ, નાડીશુધ્ધી, બાહ્ય કુંભક, આંતરીક કુંભક, પ્રાર્થના અને ધ્યાન કરું.

વર્ષ દરમ્યાન ક્યારેક માત્ર લીંબું નીચોવેલાં પાણી પર જ આખો દીવસ રહી ઉપવાસ કરું. એક સંપુર્ણ દીવસનાં મૌનવ્રતનું પાલન કરવું પણ હવે શરું કર્યું છે.

આ સાધનાથી મને થયેલો અનુભવો હવે જણાવું છું. ક્યાંય કશી પણ અતીશયોક્તી નથી કે મને મહત્વ આપવાની કોશીશ નથી કરી રહ્યો. પરંતુ જે થયું માત્ર અને માત્ર તેને જણાવવાના હેતુસર આ એક સન્નીષ્ઠ પ્રયાસ છે.

મને નાનપણથી વર્ષમાં 4-5 વાર શરદી, તાવ વગેરે આવતાં હતાં. હવે શરદી તો સંપુર્ણ ગાયબ થઈ ગઈ છે (અમેરીકા આવ્યાં પછી પણ મને 3 વર્ષ આ તકલીફ રહી છે, પરંતુ ઉપર જણાવેલ પધ્ધતીનું ચુસ્ત પાલન કરવાથી આ ફેરફાર થયો છે.). તાવ પણ ક્યારેક નામનો અને એ પણ વર્ષે એક વાર દેખા દે છે. શરીરમાં ઘણી ઘણી સ્ફુર્તી અનુભવું છું. શારીરીક રીતે વધારે ચપળ અને સુસજ્જ રહું છું. શરીરનું બંધારણ લગભગ જળવાઈ રહ્યું છે, ચરબી નામ પુરતી જ રહી છે. શરીર સુડોળ રહ્યું છે, અને માનસીક શાંતીનો સતત અનુભવ રહે છે.

ઊંઘ ખુબ જ ગાઢ થઈ ગઈ છે. સ્વપ્નો ક્યારેક જ આવે છે, અને એ પણ એવાં આવે છે કે જેમાં હું અજબ-અજબનાં સંસ્કૃત શ્લોકો બોલતો હોઉં છું. આ બધાં શ્લોકો જાગ્યાં પછી યાદ નથી રહેતાં. અને મેં ક્યારેય વાંચ્યાં હોય એવું પણ મારી જાણમાં નથી. ક્યાંક સાંભળ્યાં હોય તેવો પણ સંભવ નથી. મને સંસ્કૃત શબ્દોનો અર્થ લગભગ ખ્યાલમાં આવી જતો હોય છે, પરંતુ આ બધાં શ્લોકોમાંથી સમખાવાં પુરતું પણ મને કશું ખબર નથી પડતું.

જ્યારે જ્યારે મનમાં ઘણાં વીચારોનો ઉદ્ભવ થાય તે જ ઘટના થોડા દીવસ પછી ઘટી હોવાનો અનુભવ તો અનેકગણી વાર થયો છે (છતાં આ બાબતને હું ચર્ચાસ્પદ માનું છું.).

ધ્યાન વખતે મને શરુઆતમાં આજ્ઞાચક્રમાં જુદાં જુદાં રંગનાં વમળો દેખાતાં હતાં. પરંતું થોડાં અભ્યાસ પછી, હવે તો માત્ર નાનું શું ઘેરાં ભુરાં રંગનું વર્તુળ જ દેખાય છે, અને દરેક વીચારો તે વર્તુળમાં સમાઈ જતાં દેખાય છે. આ વર્તુળ મને ખુબ ખુબ ખુબ શાંતી અને આનંદનો અનુભવ કરાવે છે.

બે વખત મને શરીર અને મન અલગ અલગ હોવાનું અને મન કેવી રીતે શરીરનું સંચાલન કરે છે તેવો અનુભવ થયો છે. એક વાર, મને મૃત્યુ પછી આત્મા આ જગતને કેવું દેખે છે તેવો અનુભવ પણ થયો છે.

શરુઆતનાં અભ્યાસ પછી, ધ્યાનમાં બેસું ત્યારે નાનો સરખો પણ અવાજ મારાં મન પર ઘણ પડતો હોય અને મને હલબલાવી દે તેવો લાગતો. હવે, કોઈ પણ અવાજ અસર નથી કરી શકતો.

હવે, આગળ ઉપર શું થાય છે જોઈએ. પણ, મને મારું ધ્યેય તો લાધી જ ગયું છે: 'મા'નો અનન્ય પ્રેમ, શાશ્વત સાન્નીધ્ય અને તેની ભક્તી! એ સીવાયનું બધું જ માત્ર અને માત્ર ધેય સુધી પહોંચવાનું સાધન છે.

Saturday, September 08, 2007

સરળ રાજયોગ 1

સરળ રાજયોગ 1 - ચીરાગ પટેલ Sep 08, 2007

ઘણાં વખતથી મારે રાજયોગ વીશે લખવું હતું, પરંતુ યોગ્ય સમયની રાહ જોતો હતો. અને ગઈકાલે જ સુરેશદાદાની એ વીશેની પૃચ્છાએ આ લેખ લખવા મને ઇંધણ પુરું પાડ્યું.

ઋષી પતંજલીએ આજથી લગભગ 2500 વર્ષ પહેલાં 'યોગસુત્ર' લખ્યાં છે, જેમાં રાજયોગનાં સીધ્ધાંતો પ્રતીપાદીત કરવામાં આવ્યાં છે. શ્વેતાશ્વતર ઉપનીષદમાં પણ સમાધી, કૈવલ્યપદ વગેરેની સુક્ષ્મ સમજુતી આપવામાં આવી છે. સ્વામી વીવેકાનંદે એમનાં 'રાજયોગ' પુસ્તકમાં દરેક સીધ્ધાંતોની વીસ્તૃત ચર્ચા કરી છે. અહીં હું એમના પુસ્તકનો આધાર લઈને સરળ રાજયોગની પધ્ધતી જણાવું છું. સાથે, મારા પોતાના અનુભવો પણ વર્ણવીશ.

રાજયોગ દ્વૈત અથવા અદ્વૈત બન્નેનાં અંતીમ ધ્યેયને પ્રાપ્ત કરવાનાં ઘણાં સાધનોમાંનો એક છે. ભક્તી, સંન્યાસ, કર્મ વગેરે અનેક જુદાં જુદાં રસ્તાઓ અંતે તો એક જ બની જાય છે. શરુઆતમાં દરેક રસ્તા અલગ અલગ જણાય છે, પરંતુ એકનું ચુસ્ત પાલન આપોઆપ અંતે તો એક જ સામાન્ય માર્ગે દોરી જાય છે.

રાજયોગનાં આઠ પગથીયાં:

1. યમ:
જેમાં સત્ય - હકીકત જેવી છે તેવી જણાવવી, અહીંસા - કોઇ પણ પદાર્થ/જીવને હાની ના પહોંચાડવી, અસ્તેય - કોઇની વસ્તુ પડાવી ના લેવી, અપરીગ્રહ - ગમે તે સંજોગોમાં કોઇની પાસેથી દાન ના લેવું, બ્રહ્મચર્ય - ઇંદ્રીયોનો સંયમ (દમન નહીં) જેવાં પાંચ કર્મ આધારીત પદ છે. દરેક પદ વીશે ઘણું લખી શકાય તેમ છે, પરંતું અંતે તો એ જે તે પાલનકર્તાની વીવેકબુધ્ધી અને સામાજીક નીયમો પર આધારીત છે. અહીંસામાં દ્રઢ થવાથી વૈરભાવ નીકળી જાય છે. સત્યમાં પ્રતીષ્ઠીત થવાથી કર્મો કર્યા વીના કર્મોનું ફળ પ્રાપ્ત થાય છે. અસ્તેયમાં દ્રઢ થવાથી સર્વ રત્નો પ્રાપ્ત થાય છે. બ્રહ્મચર્યમાં સ્થીર થવાથી શક્તી મળે છે. અપરીગ્રહમાં દ્રઢ થવાથી પાછલા જન્મોની સ્મૃતી થાય છે.

2. નીયમ:
જેમાં તપ - શારીરીક કષ્ટ સહન કરવાં, સ્વાધ્યાય - સતત શાબ્દીક/અર્ધશાબ્દીક/માનસીક જપ, શૌચ - બાહ્ય (શારીરીક) અને આંતરીક (માનસીક) શુધ્ધી, સંતોષ - હકીકત જેવી છે તેવી સ્વીકારવી, ઇશ્વર પ્રણીધાન - ભજન, કીર્તન, પ્રાર્થના, પુજા, અર્ચના; એમ પાંચ પદ છે. ફરીથી, આ દરેક પાલનકર્તાની વીવેકબુધ્ધી, સામાજીક નીયમો અને દેશ-કાળ પર આધાર રાખે છે. તપ વડે શરીર અને ઈંદ્રીયોની સીધ્ધીઓ આવે છે. શૌચથી ચીત્તની શુધ્ધી, પ્રસન્નતા, એકાગ્રતા, ઈન્દ્રીયજય અને આત્મદર્શનની યોગ્યતા આવે છે. સંતોષથી સર્વોત્તમ સુખ પ્રાપ્ત થાય છે. સ્વાધ્યાય વડે ઈષ્ટદેવનો સાક્ષાત્કાર થાય છે. ઈશ્વર પ્રણીધાનથી સમાધી પ્રાપ્ત થાય છે.

3. આસન:
ગરદન, માથું, કરોડ ટટ્ટાર રાખીને એક સ્થીતીમાં લાંબા સમય સુધી બેસવું. દરેકને પોતાની પ્રકૃતી પ્રમાણે પદ્માસન, સુખાસન, સીધ્ધાસન, મુળબંધનાસન, વજ્રાસન વગેરે આસનોમાંથી એક અનુકુળ આવી શકે છે. આસનથી દ્વંદ્વોની અસર નાબુદ થાય છે.

4. પ્રાણાયામ:
આપણે ત્રણ નાડીઓ દ્વારા શ્વાસ લઇએ છીએ: ઇડા (સુર્ય, ડાબી), પીંગળા (ચંદ્ર, જમણી), સુશુમ્ણા (મધ્ય). વારાફરતી દરેક નાડી દ્વારા શ્વાસોચ્છવાસની પ્રક્રીયા ચાલતી રહે છે. શ્વાસ અંદર લેવાની પ્રક્રીયાને પુરક કહે છે. શ્વાસ શરીરની બહાર કાઢવાની પ્રક્રીયાને રેચક કહે છે. શ્વાસને શરીરની અંદર રોકવાની પ્રક્રીયાને આંતરીક કુંભક કહે છે, અને શ્વાસને શરીરની બહાર રોકવાની પ્રક્રીયાને બાહ્ય કુંભક કહે છે. પ્રાણાયામ જો માનસીક મંત્રજાપ સાથે કરવામાં આવે તો તેને 'સગર્ભ' પ્રાણાયામ કહે છે, મંત્રજાપ વગરનાં પ્રાણાયામને 'અગર્ભ' પ્રાણાયામ કહે છે. પ્રાણાયામ કરતાં પહેલાં નાડીશુધ્ધી કરવી જરુરી છે. અને 'સગર્ભ' પ્રાણાયામ કફ વગેરે દુર કરવામાં સહાયભુત થાય છે. પ્રાણાયામથી મન ધારણા માટે યોગ્ય બને છે.

5. પ્રત્યાહાર:
ઇંદ્રીયોનો પોતાના વીષયોનો ત્યાગ અને તેમને મનની અંદર વાળવાની ક્રીયા. ધ્યાનની સાધનામાં પ્રથમ પગથીયું છે. તેનાથી ઈન્દ્રીયો પર કાબુ આવે છે.

6. ધારણા:
12 સેકંડ સુધી કોઇ એક લક્ષ્ય પર મન એકાગ્ર થાય તો તેને ધારણા કહે છે.

7. ધ્યાન:
3 મીનીટ સુધીની મનની એકાગ્રતા એટલે ધ્યાન.

8. સમાધી:
30 મીનીટ સુધીની મનની એકાગ્રતા સમાધી છે. સમાધીના ઘણાં બધાં પ્રકાર છે.

ચુંટેલા વાક્યો: ---------------------------------------

- ધર્મ પ્રાચીન કાળના અનુભવો પર રચાયેલો છે એટલું જ નહીં, પણ જ્યાં સુધી એ અનુભવોને પોતે પ્રાપ્ત કરે નહીં ત્યાં સુધી કોઈ પણ માણસ ધાર્મીક થઈ શકે નહીં.

- યોગ્ય પૃથક્કરણ વીના કોઈ પણ વીજ્ઞાન નકામું નીવડવાનું - એ માત્ર સીધ્ધાંતનીરુપણ જ રહેવાનું.

- સઘળાં દુ:ખનું મુળ છે ભય, અતૃપ્ત વાસના.

- રાજયોગના સઘળા ઉપદેશોનું ધ્યેય એ છે કે મનને કેવી રીતે એકાગ્ર કરવું, ત્યાર પછી આપણા પોતાના મનનાં ઊંડામાં ઊંડા રહસ્યોને કેવી રીતે શોધી કાઢવાં, ત્યાર પછી તે બધા વીષયો પરથી સામાન્ય નીયમો કેવી રીતે તારવવા; અને તેમના પરથી આપણા પોતાના નીર્ણયો કેવી રીતે બાંધવા.

ધર્મના ક્ષેત્રમાં પણ જે કંઈ તમને નબળા બનાવે તે બધાનો ત્યાગ કરો, તેની સાથે કશો સંબંધ ન રાખો. રહસ્યમયતાનો શોખ મનુષ્યના મગજને નબળું બનાવે છે. યોગવીદ્યા કે જે એક ભવ્ય વીજ્ઞાન છે, તેનો રહસ્યમયતાએ લગભગ નાશ કરી નાંખ્યો છે.

- બધી સાધનાઓનો હેતુ, અંતીમ ધ્યેય તો આત્માની મુક્તી છે. પ્રકૃતી પર સંપુર્ણ કાબુ, અને એથી ઓછું જરાય નહીં, એ ધ્યેય હોવું જોઈએ.

- મધ્યમ વર્ગના મનુષ્યોમાંથી જ દુનીયાના મહાન પુરુષો આવે છે.

- જ્યારે યોગી પુર્ણ બને છે ત્યારે કુદરતમાં એવું કંઈ જ નથી રહેતું કે જે તેના કાબુ નીચે ન આવે.

- પ્રાણાયામ એટલે શ્વાસ લેવાની ક્રીયા નહીં, પણ ફેફસાંને ચલાવનારી માંસપેશીની શક્તી પર કાબુ મેળવવો.

- કુદરતને પોતાને પ્રચંડ પ્રવાહોને મોકલવા કોઈ તારની જરુર નથી પડતી. તાર વીના ચલાવી શકવાની આપણી અશક્તી જ તાર વાપરવાની આપણને ફરજ પાડે છે.

- અજ્ઞાન અને સંપુર્ણ જ્ઞાન બન્નેમાં જ્ઞાતાની સ્થીતી સરખી જ હોય છે, પરંતુ એ બન્ને અવસ્થામાં ઘણો ઘણો ફેર છે.

- ઈશ્વર ગુરુઓનો પણ ગુરુ છે અને ૐ તેનો બોધક શબ્દ છે.

- નવા વીચારો અને નવી ઘટના મગજમાં નવા ચીલા પાડે છે, તેને ખળભળાવી મુકે છે; અને મન એને સ્વીકારવાની ના પાડે છે.

- યોગની સચ્ચાઈ વીશે શંકાશીલ હોય તે થોડા અભ્યાસ પછી અનુભવે તેની શંકાઓ મટી જશે.

- તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણીધાનને 'ક્રીયાયોગ' કહે છે.

- ધારણા, ધ્યાન અને સમાધી એક જ વસ્તુ પર કરવામાં આવે, ત્યારે તેને 'સંયમ' કહે છે.

ધ્યાનના પ્રકારો: -------------------------------------

- ભ્રુકુટી મધ્યે આજ્ઞાચક્રમાં

- હ્રદયની કમળરુપે કલ્પના કરો અને ધ્યાન કરો

- મનને હજાર પાંખડીનું કમળ ધારી એનું ધ્યાન

- હ્રદયમાં જ્યોતીરુપે આત્મા અને તેની મધ્યે પરમ જ્યોતી ધારીને ધ્યાન કરો

- કોઈ પણ પરમાણુથી માંડી પરમ મહત સુધી મનગમતી અને પવીત્ર વસ્તુ પ્રત્યે ધ્યાન કરો

જાપ અને પ્રાણાયામમાં સહાયભુત મંત્રો: ----------------------------

1. ૐ

2. સોડ્મ

3. ૐ તત સત ૐ

4. ૐ ઐં હ્રીં ક્લીં સૌં શ્રીં ૐ

Sunday, September 02, 2007

સમાધિનું ગીત - સ્વામી વિવેકાનંદ

સમાધિનું ગીત - સ્વામી વિવેકાનંદ

નહીં સૂર્ય, નહીં જ્યોતિ,
નહિ શશાંક સુંદર;
ભાસે વ્યોમે છાયા સમ,
છબી વિશ્વ ચરાચર ....... નહિ સૂર્ય

અસ્ફુટ મન - આકાશે
જગત - સંસાર ભાસે,
ઊઠે, ભાસે, ડૂબે પુનઃ
'અહં' સ્ત્રોતે નિરંતર ........ નહિ સૂર્ય

ધીરે ધીરે છાયા દળ
મહાલયે પ્રવેશિયું;
વહે માત્ર 'અહં' 'અહં'
એ જ ધારા ક્ષણે ક્ષણ ........ નહિ સૂર્ય

એ ધારાયે બંધ થઇ,
શૂન્યે શૂન્યે મળી ગઇ;
અવાડ્મનસોગોચરમ
થાય પ્રાણ માંહે જાણ ........ નહિ સૂર્ય

Saturday, September 01, 2007

સચ્ચા આશીક - બંસીધર પટેલ

સચ્ચા આશીક - બંસીધર પટેલ

મેરે પ્યારકો ન સમજો ઇતના કમજોર,
મેં તુમ્હારા સચ્ચા આશીક હું.

દીલ, દૌલત ઔર દુનીયા બડી નટખટ,
મેં લાચાર હોકર દેખ રહા હું.

તુમ્હારે પ્યાર કા આશરા બદલે ના કરવટ,
મેં હરદમ સોચતા રેહતા હું.

દે દી કંઇ ઇંસાનોને જાન પ્યારમેં ઝટપટ,
મેં તુમ્હેં ન ખોના ચાહતા હું.

સંવર જાયે મેરા જીવન બેહદ,
અગર પ્યાર મીલે મુઝે દેખતા હું.

ઇન હરી ભરી વાદીયાં, મેં લગતા અનજાન,
અગન બુઝાદો પ્યારસે પુકારતા હું.

પ્યારકા નશા છા ગયા બેહદ,
ન દુનીયાકી પડી મનમેં સોચતા હું.

સપનેમેં, દીનકે ઉજાલેમેં છાયી હો ઐસે,
સાંસોંસે લીપટી હુઈ તન્હાઇ હો જૈસે.

ન તડપાઓ, મરહુમ ન હો જાઉં કહીં,
બદલતે આઇને તસવીર બનકે તેરે દીલમેં રહું.

ટીકા - બંસીધર પટેલ

ટીકા - બંસીધર પટેલ

કડવો ઘુંટ ટીકાઓનો પીને મસ્ત ફરું હું;
નથી પડી મને કોઇની, છોને ધમપછાડા કરે સહુ.
ચાલ્યે જતા ગજરાજની વાંહે ભસે જ્યમ શ્વાન;
કર્ણની આરપાર સરતી વાતો, નથી ઉરમાં ભળતું જ્ઞાન.

ઘરનું ઘસીને ગોપીચંદન, વાતોનાં વડાં કરનારાં;
વાતોનું વતેસર અરુ ગામ આખાની ફીકર કરનારાં.
'સ્વ'નું હોય ના કોઇ ઠેકાણું, પારકી ભાંજગડ પ્રથમ કરનારા;
સમયનું કાઢીને કાસળ, નારદતણો પાઠ ભજવનારા.

ભલે હોય સજ્જન કે દુર્જન, એક અસ્ત્રે મુંડન કરનારા;
ડાબલીઓ ભરીને છીંકણીની, ડોશીઓની જેમ વાર્તા કરનારા.
ખરા-ખોટાનો મર્મા જાણ્યાં વીના, બકબક સદા કરનારા;
અંજલી આપું શું એવાઓને, ટીકાનું ટોનીક સદા પીનારા.

જાણું હું ભેંસ આગળ ભાગવત વ્યર્થ છે ભણવાનું;
જીવ મારો એવો કે કંઇક કહેવા કડવું સત્ય તલસી રહ્યો.
ટીકા એ જીવનની શાળા ભલી, શીખવાનું ઘણું સારું મળે;
વરસતી ઝડીઓ ટીકાઓની, ઝીલવા સમર્થ હું સદા ખડો.

સરદાર પટેલ પ્રેરક પ્રસંગો 2

સરદાર પટેલના પ્રેરક પ્રસંગો 2
('સરદાર' મુવીમાંથી લીધેલ અંશો)

======== * 1 * ========

અંગ્રેજો ભારતને જુન 1948 સુધી આઝાદી આપવાનું આયોજન કરે છે. એ માટે લોર્ડ માઉંટબેટનની નીયુક્તી કરવામાં આવે છે. લોર્ડ દરેક મુખ્ય નેતાઓને અંગત રીતે મળવા માંગે છે. લોર્ડ પોતાની પત્ની (લેડી એડવીના)ને કહે છે, "આ દરેક નેતાઓમાં 5 બાબતો સામાન્ય છે: બધાં વૃધ્ધ છે, બધાં વકીલ છે, કોઇને એડમીનીસ્ટ્રશનનો અનુભવ નથી, બધાં ડુબી રહ્યાં છે, બધાંને સ્વરાજય જોઇએ છે. હવે, તું જો હું કેવું રાજકારણ ખેલું છું."

લોર્ડ નેહરુ, લીયાકતઅલી, ગાંધીજી, સરદાર અને ઝીણાને મળે છે. નેહરુ, લીયાકતાલી અને ઝીણા સાથે તેમને અંગત અને સાંપ્રત ચર્ચા થાય છે. ગાંધીજી લોર્ડને સાફ શબ્દોમાં સુણાવે છે કે અત્યાર સુધીના લોર્ડ જે વાવી ગયા છે (ડીવાઇડ અને રુલ) તે તમારે અને અમારે ભોગવવું તો પડશે જ. હાલના સંજોગોમાં શ્રેષ્ઠ ઉપાય એ છે કે મુસ્લીમ લીગ સત્તા સંભાળી લે, તો જ આપણે ભાગલામાંથી બચી શકીશું. મને સંપુર્ણ સ્વરાજ્ય સીવાય ઓછું કશું નથી ખપતું.

જ્યારે સરદાર મળવા આવે છે ત્યારે લોર્ડ પુછે છે, "સરદાર, તમે રાજકારણમાં કેવી રીતે આવ્યા?" સરદાર કહે છે, "અહીં હું મારા વીશે વાત કરવા નથી આવ્યો. હું અહીં એ જણાવવા આવ્યો છું કે અમે અમારા નવા વાઇસરોય પાસે શું અપેક્ષા રાખીએ છીએ." લોર્ડ કહે છે, "માફ કરજો, પરંતુ પહેલાં હું આપને જાણવા માંગું છું." સરદાર કહે છે, "તો હું રજા લઇશ."

======== * 2 * ========

ગાંધીજીએ લોર્ડને જે જણાવ્યું એ કોંગ્રસની કારોબારીમાં પણ જણાવ્યું, કે પોતાને ભાગલા માન્ય નથી, અને એટલે જ લીગને સત્તા સોંપી દઇએ. સરદારનો જવાબ, "બાપુ, તમે મહાત્મા છો. તમે જ આવું વીચારી શકો. અમે રહ્યાં સામાન્ય માણસો. અમે આવું ના કરી શકીએ."