Sunday, July 30, 2006

કર્મયોગી - બંસીભાઇ પટેલ

કર્મયોગી - બંસીભાઇ પટેલ

તીખા તોખાર જેવા રાતા રતુંબડા મુખારવિંદ ઉપર તાજાં તરબતર ખિલેલા ગુલાબના પુષ્પ જેવું હાસ્ય વેરતા ચાલ્યા ક્યાં ઓ સુજન તમે?
ભક્તો કરે ભજન, અમારે જાવું સો જોજન દૂર. નથી વિસામો લેવો લગાર. ધડકતા હૈયામાં નવી પરણેલી નવોઢા જેવી ઉર્મિઓથી કરવું ચણતર પ્રભુશ્રી રામના ધામનું. વાટ લીધી મનમાં એક આશ ભરી. માથે લાલ રુમાલ બાંધી ભીષ્મ પ્રતિજ્ઞા કરી. જાવું અયોધ્યા ધામ પ્રભુશ્રી રામના દરબારમાં. પડી હાકલ ઝીલી ઉરમાં નિઃસંદેહ થકી.
વેરાયેલા ઘઉંના દાણા જેવા હિંદુઓ આજે મઘમઘતાં શિરા જેવો એક જૂથ બની, ચાલ્યા સંસારના દુર્ગમ દુર્ગને ભેદવા. દેવી-દેવતાઓ એ લીધેલાં શસ્ત્રો આજ માંગી લીધાં પહેલી વાર. છે કોઇની તાકાત રોકવા મચ્છુ ડેમના પુરસમાં દિલમાં ઉમટેલાં ઘોડાપૂરને નાથવા?
વાણીવિલાસ કીધો ઘણો. હવે કર્મઠ બનવાની આવી ઘડી. ગીતાજ્ઞાનનો ખરો સાર પામવા શરીર રૂપી રથને મનોરથો વડે શણગારી, દશે ઇન્દ્રીયો રૂપી ઘોડાઓ પલાણ્યા. મનને કરી સારથી, અર્જુન બનીને ઉભો ભારતી. હાથમાં ધનુષ્ય અને બણ ખેંચી, જેમ દિસે રણયોધ્ધો ખડગ સમો.
ચણોઠીના દાણા જેવી ટગર ટગર થતી આંખોએ લીધો નજારો, ચારેકોર ચકોર દ્રષ્ટિ વડે. એક-બે નહિ, અહીંતો હજારો-લાખો અર્જુન ઉભા કતારમાં, જેમ મરજીવા કુદી પડે મહાસાગરમાં. મળશે મોતી કે છીપ, જુએ રાહ અધ્ધરશ્વાસે જનમેદની બધી. બાજ નજરે મારી ઝડપ, સ્વપ્ન થયું સાકાર. હતી વાત આટલી તેમાં કાં વિતાવ્યાં સેંકડો વરસો તમે?
ફૂંકીને રણભંભેરી, છેડ્યું યુધ્ધ અનોખું, ધર્મ અને સંસ્ક્રુતિના રક્ષક બન્યા સાચા કર્મયોગી તમે. બન્યું ધન્ય આ નશ્વર જીવન પ્રભું.
કરૂં નમન શતશત વાર પુનઃપુનઃ નમીને, ધર્મવીરોને. અસ્તુ.

ભારતવર્ષને - બંસીભાઇ પટેલ

ભારતવર્ષને - બંસીભાઇ પટેલ

માંડી છે દૂર - સુદૂર એક મીટ અમી ભરી દ્રષ્ટિ થકી,
ઊગશે સુપ્રભાત, ઉષાના અરમાનો ઉરમાં ભરી જગતમાં.
ભાંખેલું ઘણુંય પડશે ખરું, ભવાટવિના ખેલ ખેલતા અહીં,
મચ્યુ છે યુધ્ધ ધરણી પર, થવા નિતાંત શાંતિ સ્મશાનની.
નથી લડાઇ આ માનવ-માનવ વચ્ચે, અહીં સતના પારખાં થશે,
પરખાઇ જશે, ખરું હતું તે જુઠ્ઠાણું લગીરે ન ચાલશે હવે કદી.
ઉપર આભને નીચે ધરતી, તેનો રખેવાળ કરશે ન્યાય ખરો,
ભલે છોને થઇ જાય ફના જીંદગી, નથી પરવા લગીરે મરણની.
હવે તો આદર્યાં છે તેને નથી છોડવા અધુરા રસ્તે અહીં-તહીં,
મુકીશું હઠ હવે તો કદી નથી જોવા મળવાનું ભવેભવ સંભારણું.
ઉપર બેઠેલો પણ દે છે આશિષ, ભુલકાં મારા ગભરાશો ના સહેજે તમે,
હતુ રામનું ને મળ્યું છે ઠામનું રહેઠાણ ખરું સનાતન કાળજુ.
પુનઃ કદી ફરકશો આ દિશા ભણી, હવે તો રામ સાક્ષાત બેઠા તહીં,
નાની શી મુર્તિમાં બેઠા છે સો કરોડ જન એકી શ્વાસે.

પ્રભાત - બંસીભાઇ પટેલ

પ્રભાત - બંસીભાઇ પટેલ

ફુલગુલાબી ઠંડીની મીઠી મીઠી સુગંધ,
નિરવ શાંતિ અને તાજગી ભરી સવાર.
દોડે છે કોઇ, કરે છે જોગીંગ, ભરી ઊંડા શ્વાસ,
તનમન પ્રફુલ્લિત કરવા કાજે, દોડે નરને નાર.

ઉતાવળમાં છે કોઇ, છે મન મોજીલા નર ઘણા,
વાતો વાગોળે ગઇકાલની, નિંદા વખાણ કરે છે જણા.
વનિતાઓ પણ નથી હોતી બાકાત, સવારના પહોરમાં,
ભુલકાંઓ પણ અનુસરે, મોટેરાના સાથમા.

કુદરતની લીલાનું કરવા દર્શન વહેલી સવારમાં,
સૂરજદેવને છે ઉગવા ઘણી વાર, ઉષાની વિદાય પછી.
પંખીડા પણ ફફડાવે પાંખો, હોય જો ઝાડી અહીં,
ભરભાંખરાનો સમય સારો, આબાલવ્રુધ્ધ સહુના માટે.
----------------------------------------------------
વસંત તારા ભાલમાં સૌન્દર્ય સિંદુરનો સેંથીયો,
ઉર ઉદધિ સમું ભુજ પ્રસારી.

લહેરખી - બંસીભાઇ પટેલ

લહેરખી - બંસીભાઇ પટેલ

શીતળ લહેરની આ લહેરખી, લાવી સંદેશો એક,
પ્રભાતની પહેલી દ્રષ્ટીએ ભીંજવ્યું દિલ સુમસામ હતું છેક.
હ્રદયની વીણા ઝણીઝણી, થયું આંતરદર્શન મને તન ખેદ.
વ્યાપેલી ગમગીની થઇ પરિવર્તીત આનંદમંગલમાં.
થઇ ચહલ પહલ પ્રભાતની, ઉડી ગઇ લહેર, લણી લહેરખી ક્ષણમાંય,
સંસાર, સાંસારી જીવસ્રુષ્ટિ, આવી પડ્યો પુનઃ માયાજાળ માંહી તત્કાલ.

Saturday, July 29, 2006

અમે - ચિરાગ પટેલ

અમે - ચિરાગ પટેલ - 1998

વર્ષાની રમઝટથી ભીંજાતા અમે,
તલસતાં સ્નેહવર્ષા કાજે અમે.
એક એક બુંદથી બચવા મથતાં અમે,
પ્રેમતણાં છાંટણાં ઝીલવા તત્પર અમે.
કાદવ ઉડાડતાં યંત્રોથી ઘભરાતાં અમે,
દુનિયાને પ્યારની બહાદુરી દેખાડતાં અમે.
શરદી, તાવ, ઉધરસથી ફફડતાં અમે,
પ્રેમજ્વર હસતાં-હસતાં સહેતા અમે.
ચોમાસામાં ધૂપ-છાંવને નકારતાં અમે,
જીવનયાત્રાની તડકી-છાંયડી માણતાં અમે.
વીજકડાકા સૂણીને બહેરા બન્યા અમે,
દુનિયાને ડારતાં પડકારો કરતાં અમે.
વર્ષા આવે છે એક જ વાર વર્ષમાં,
અનુભવતાં વર્ષાને હરપળ અમે જીવનમાં.
છીએને અમે?

શોધ - ચિરાગ પટેલ

શોધ - ચિરાગ પટેલ 1997

અકથ્ય ઉર્મિઓ આજે રેલાઇ રહી છે ઘણી,
જેમ અવની પર કલકલતું વહી રહ્યું છે પાણી.
અદ્રષ્ટ સ્રુષ્ટિ દેખાઇ રહી છે સ્વપ્ન સમ,
જેમ વણખેડાયેલ વિશ્વ છે બાદ, આખરી પડાવ યમ.
અદ્રશ્ય પ્રકાશ ઉજાસ આપી રહ્યો છે દીલ મહીં,
જેમ વડવાનલ ઉકળી રહ્યો છે સાગર મહીં.
અચલ દ્રષ્ટિ થી નીરખી આનંદિત થઇ રહ્યો છું જેને,
જેમ પ્રુથ્વી અવિરત પામી રહી છે, જે સુર્ય-તેજે.
અસુર નીકળું-નીકળું થઇ રહ્યો છે નિષ્ઠુર બની,
જેમ દાવાનળ સળગાવી રહ્યો છે , ભસ્માસુર બની.
અમર એવી લાગણી પ્રેમરુપે નીકળી રહી છે જ્યાંથી,
જેમ આવી રહી છે આત્મામાં વિશ્વ - ઉર્જા ત્યાંથી.
અજરા અભડાવી રહી છે આ દેહલાલિત્યને નિરંતર,
જેમ માંગી રહી છે તે-પ્રિયા, મીઠી ભીનાશ નિરંતર.
અમાપ એવી આ સ્રુષ્ટિ જીવની બની રહી છે મારી,
જેમ ઇતિહાસના સુવર્ણપત્રો પર સિધ્ધિ છે તમારી.
અકલ્પ્ય અનુભૂતિ થઇ રહી છે નીહાળી તને,
જેમ ચાર્વાક વર્ષાબુંદો પામી ભિંજવે છે ખુદને.
અલૌકિક બની રહ્યો છું આશિષ તમારા પામી,
જેમ મરિચીકા પલાળે છે મ્રુગલાને, નજર માપી.

સ્વૈરવિહાર - ચિરાગ પટેલ

સ્વૈરવિહાર - ચિરાગ પટેલ 1998

શમણું એક, ઘેરી નિંદરમાં છે મુજ દિલ મહીં,
સૂણી છે શૈશવકાળથી, એક અધૂરી અનકહી.
માયાથી અલિપ્ત થઇ, જ્યારે હું અર્ધસમાધિ માંગતો,
ટમટમતાં તારલિયાં’ને રુડાં ચાંદામા ત્યારે જોતો.
ચક્કર-ચક્કર ઘૂમતું બ્રહ્માંડ, મને ભૂલાવામાં નાંખતું,
વણમાંગ્યું’ને અણકલ્પ્યું, ત્યારે જ ઘણું બધું દેખાતું.
બનવા માંગતો, ત્યારે એ વણખેડાયેલ વિશ્વનો કપ્તાન,
છોડી દઉં બધી દુન્યવી માયા, આવે જ્યારે તાન.
તન અને મન ત્યારે લાગતાં, મને થતાં એકાકાર,
દેહ, ત્રુષ્ણા, વાસના બધું વિસારે પાડી બનું નિરાકાર.
એનો સાદ સૂણતો-સૂણતો ભાગું હું ચારેકોર,
ભટકવા ના દઉં આ મનને, બની હું ચકોર.
ચારેકોર નીહાળી ઉર્જા, બની ગયો હું પ્રકાશમય,
સંભળાયો મને, ત્યારે જ ખરો બ્રહ્માંડીય લય.
વિલાયો પ્રકાશ’ને ઘેરી વળ્યો અચાનક અંધકાર,
મચી રહ્યો ત્યારે દિલમાં, શૂન્યનો હાહાકાર.
ખરું ભાન આવ્યું, સમજાયું ત્યારે જ એક સત્ય,
શોધતો’તો જેને બ્રહ્માંડમાં, હતો વાસ તેનો મુજમાં નિત્ય.

શાયરી - 2 - ચિરાગ પટેલ

- એક મદમસ્ત યૌવના મારું દિલ લઇ હવા મહીં વિલિન થઇ ગઇ,
-મને કિંકર્તવ્યમૂઢ બનાવતી એ સમાધિસ્થ કરતી ગઇ.
- મહેફિલ છે જામેલી, ‘ને દિલમાં એક આશ ઉઠતી,
-કે પિયુનો સંગ નથી, ‘ને જીવનમાં ઉમંગ નથી.
- ચાંદ પર તો ડાઘ છે, ‘ને ચાંદની હાથ આવતી નથી,
-ખુશ્બુને બદબૂ કહી અમે દુનિયાથી રુઠી ચાલ્યા.
- બાગમાં સુરખી છે, ‘ને દિલમાં ઉભાર છે;
-જઇએ તો ક્યાં? અંદર કે બહાર?
- જોયો ના દિન, ના રાત, ના જોયું એકે શમણું;
-દેખાયું મને તારી યાદમાં પ્રભાત એક ઉગમતું.
- વિશ્વાસે ડૂબે વ્હાણ, ભવસાગર તરું છું રાખી વિશ્વાસ;
-મળ્યો ના જો તારો સાથ, જોશે જગ પ્રીતમાં અવિશ્વાસ.
- એવી પૂર્વભૂમિકા શીદને બાંધવી?
-હું જ હતો વિશ્વામિત્ર ‘ને તુ મેનકા.
- અમરત પીધાં, ઝેર પીધાં, આખું આયખું પીધાં;
-લીધાં તો બસ પ્રેમ લીધાં, પ્રેમનાં કોલ લીધાં.
-દીધાં તો બસ હૈયાં દીધાં, વ્હાલપનાં છાંયાં દીધાં.
- પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો
જોવાનો વાયદો, સપનોનો કાયદો.
પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં દૂબી જતો
મારા ચોર્યાસી લાખ વહાણોનો કાફલો. - બહારથી
- સુવાસ ઘણી બધી હતી, મારા ઉપવનમાં;
પ્રજ્વલિત થયું એક જ પારુલ, મારા ઉપવનમાં.
- વાસંતી મ્હોર ખિલ્યો છે, આ ઉપવનમાં;
એને આશ છે, પેલાં પારુલ સંગ મિલનની.
મ્હેંકે છે રોમેરોમમાં, સુંવાળપ ભીની-ભીની;
આવેગ છે પ્રતિકાત્મક, અનેરા સંબંધ આસવનો.
- જીંદગીનું ઝેર તો પીધું છે, જાણી જાણી;
અનુભવ્યું છે એને, હરપળ માણી માણી.

Saturday, July 22, 2006

ઝરણું - બંસીભાઇ પટેલ

ઝરણું - બંસીભાઇ પટેલ

વહે છે પવિત્ર ઝરણું પ્રેમનું અંતર અમીરસ ભરવા,
માંગે છે પ્રેમ બદલામાં પ્રેમ, નથી અપેક્ષા કોઇ બદલાની.
ઝંખે છે મન સદાય ક્ષેમ, નથી ઉરમાં કટુ ભાવના કશી,
પ્રાર્થે છે હાથ સદા અમારા, લંબાયેલા રહો મદદ કરવા બધી.
ઉલેચી હૈયાં કડવાશનાં બધાં, ભરવા પ્રેમતણા ભંડાર મહી,
હોઠો સદા બીડાયેલા રહો, મુસ્કાન ઝીલવા દિલદારની.
નયન મારા ત્રાંસા રહો, મહોબતના અમીરસ છાંટવા,
ક્ષુધા પ્રેમની મટે જ્યારે, ત્રુષ્ણા ભુલ્યા સંસારની.
રીધમ મળે સુર-કારનો, ઝણકતી હોય પ્રેમની ઝંઝીરો,
પ્રકાશ મળે મશાલનો, પ્રેમ છાનગપતિયાં કરતો ફરે.
એક નજર ઉઠાવી નિરખશો, ભરેલી પ્યાલી પ્રેમ પખારતી,
ચંચળતા મટી સઘળી, પામવો પદારથ પ્રેમ-પુષ્પનો.
હોય નિષ્પંદ નિર્મલ, પ્રેમ પથ, વિદારશે હરિયાળી બધી,
કંટકો પણ છુપાઇ જશે, જ્યાં પ્રેમના આગમનથી.
રે રે પ્રેમ ભર્યા હૈયા, માંગજે પ્રેમ, નિષ્પાપ પ્રેમ સદા,
પ્રેમ પ્રેમ કરતાં પામીશ પ્રેમપારસ પાસ પથમાં.

---------------------------------------------------
નજરની વરતાય છે ખામી કે હશે વાતાવરણમાં ઝાંખપ થોડી,
ચહેરો જરી-પુરાણો અરે, નયનોમાં ભરી નવીનતા શું?
કંચન ભાસે કથીર કેમ? જેમ અચરજથી શાશ્વત સર્વ,
ઉણપ આ અજવાશની કે નયનોમાં ધીર નિંદર ભરી.
અજવાળો નયનો પખાળી જલ્દી, ઓઝલ થાય આ પ્રતિમા.

કાળનો કોરડો - બંસીભાઇ પટેલ

કાળનો કોરડો - બંસીભાઇ પટેલ 25/01

કઠણ કોરડો છે કાળનો, કાળો ડીબાંગ અંધકાર,
હોય છોને રાજા કે રંક, નથી પડતો ફરક લગાર.
માળીએ ઉગાડ્યાં ફુલઝાડવાં, ખીલવ્યો બાગ બેસુમાર,
વીણે છે ફુલડાં જેમ, વીંધે પારધી હરણને બાણ.
છોડી જવાના સંસાર, ભલે હોય મોટ ખેરખાં,
કેટલું જીવ્યા જીવન, કેવું જીવ્યા જીવન થાશે એના લેખાજોખા.
ક્ષુલ્લક જીવનતણો પરપોટો, જાશે ફૂટી પળવારમાં,
નહિ ચાલે કશુંય , હોય છો ને મુછાળા મરદ.
ભર્યો-ભાદર્યો સંસાર, જાશે ભુલાઇ પળવારમાં,
રોતાં કકળતાં રહેશે નરનાર, સગાંસ્નેહી બાળગોપાળ.
વીંટળાયેલી માયા, થાશે અલગ, નહિ ચાલે આસક્તિ,
મર્મ સાચો ગીતાતણો, આવશે કામ દિર્ઘકાળ.
કોળિયો કરી જશે કાળ, મહાકાળમાં થાશે વિલિન,
ચેતવું હોય તો ચેતજે નર, નહિતર ખાશે માર બેસુમાર.

Friday, July 21, 2006

અનુભૂતિ - ચિરાગ પટેલ

અનુભૂતિ - ચિરાગ પટેલ Jul, 1997
કુદરતની અપ્રતિમ રચના આ, થવા દે મને તારી કાવ્યાનુભૂતિ.
કાજળઘેરી અમાસસમ કેશ આ, થવા દે મને તારી સ્પર્શાનુભૂતિ.
મ્રુગલાના તેજતારલાંસમ નયણાં આ, થવા દે મને તારી હર્ષાનુભૂતિ.
ધનુષની પણછસમ તકાયેલ નાસિકા આ, થવા દે મની તારી માનાનુભૂતિ.
જગ મારે, જગ તારે એવી જહાનવી આ, થવા દે મને તારી નિયમાનુભૂતિ.
પોયણાંસમ ભર્યું-ભાદર્યું મુખ આ, થવા દે મને તારી આકર્ષણાનુભૂતિ.
કુસુમલતાસમ શોભતાં બાહુ આ, થવા દે મને તારી કર્માનુભૂતિ.
રેતઘડીસમ ભાસતી દેહયષ્ટિ આ, થવા દે મને તારી કામાનુભૂતિ.
અમ્રુત પાતાં જગને પયોધર આ, થવા દે મને તારી માત્ર્વાનુભૂતિ.
મા ધરતીને ખૂંદતાં પગલાં આ, થવા દે મને તારી ગ્નાનાનુભૂતિ.
બધામાં શિરમોર છે નાનું દિલ આ, થવા દે મને તારી મોક્ષાનુભૂતિ.
સર્વેનું નિયંતા મન આ, થવા દે મને તારી એકાકારાનુભૂતિ.

એકરાર - ચિરાગ પટેલ

એકરાર - ચિરાગ પટેલ Jul, 1997

એકરાર હતો આ, પ્રથમ દ્રષ્ટિનો જ તો વળી,
યાદ આવે છે એ, ગુમાવી એક કળી.
જોયું એક પ્રભાત, પ્રથમ દ્રષ્ટિએ ઉગમતું,
વિલાયું એ શમણું, આખરમાં આથમતું.
સંવેદના ‘ને ઉર્મિઓ સઘળી રેલાઇ ત્યારે,
થયું ભાન, રહ્યો હું ખાલી અત્યારે.
વિહરતો હતો ભરી ઉડાન, ઉંચે વ્યોમમાં,
રહી-રહીને આવ્યો છું, હવે હું ભોમમાં.
ઝંખના હતી મને, જીવનમાં એકમેવ જ,
સૂણ્યું આક્રંદ, આવ્યું મને ત્યારે ભાન જ.
દેખાતી હતી એક અદ્રષ્ટ સ્રુષ્ટિ,
આવી છે હવે મને સાચી જ દ્રષ્ટિ.
યથાર્થતા અનુભવતો જીવનમાં હું,
આક્રોશ અનુભવતો નવો હવે હું.
કડવી મીઠાશ સ્મ્રુતિમાં ભરી રહ્યો છું,
ભૂલ ક્યાં હતી મારી, બતાવ મને તું.
હતો મને જાતમાં અતૂટ વિશ્વાસ,
નંખાવ્યો જીવનમાં તે પહેલો નિઃશ્વાસ.
ભૂલવા મથું છું સઘળું હવે હું,
કાચો તાંતણો તોડું છું હવે હું.

મંદિર - ચિરાગ પટેલ

મંદિર - ચિરાગ પટેલ એપ્રિલ, 1996
ગુર્જરભૂમિનો ખોળો ખૂંદી આવ્યો તુજ ખોળે,
ક્ષુબ્ધ ગ્નાનપિપાસા સંતોષવા આવ્યો તુજ ખોળે.
મહેંકતાં ફૂલોના ટોળા, ને ચહેંકતાં મધુક્ષુઓના ટોળા,
રંગીન માહોલને સાર્થકતા આ રંગીલાઓના ટોળા.
હ્રદયોર્મિ ઠાલવતાં આવ્યા સરસ્વતીને પામવા,
ગ્નાન વમતાં ગુરુઓના આવ્યા આશિષ પામવા.
ખૂંદતાં, ખેલતાં, મેળવ્યું, પામ્યું, સ્વીકાર્યું ઘણું,
અમૂલ્ય વર્ષો વીત્યાં ગતિએ, ને ગુમાવ્યું પણ ઘણું.
તારા આ ખંડીયેર સ્મારકમાં ધબકે છે એક જીવન,
પણ અધૂરું રહ્યું એક ઓરતું, જે છે મારું કવન.
સર્વે સંવેદના, સ્પર્શોર્મિઓ ગઇ છે શમી,
તોય આશ છે નવી , એક ઉગમતાં પ્રભાત સમી.
જઇએ છીએ જીવવા નવું જીવન, યાદ તારી હ્રદયમા ભરી,
સમજાય છે ત્યારે, અકથિત વેદના વિરહની જ ખરી.

Thursday, July 20, 2006

My Love – Diodes - Chirag Patel

My Love – Diodes
Chirag Patel Jun, 1996

Evanescent world, that you are living in;
Lonely diodes, true martyrs you are indeed.

Ever I see, I feel dearth of you;
Carnage of yours, changed the era.

Truly saying, then began the second generation;
Roaming here and there, we met the ICs.

On the way to success, made the neural paths;
Neural networks are the fruits whose seeds you are.

Intellectual Intel made the Pentium;
Consummate – it is indeed; proved-
Success is to flow like water thru’ a road of rocks.

હ્રુદિયાનો રણકાર - ચિરાગ પટેલ

હ્રુદિયાનો રણકાર - ચિરાગ પટેલ જૂન, 1996

જાવું છે મારે દૂર દેશ એ;
રઝળવું છે મારે, દૂર દેશ એ.
હ્રદયના ઝાંઝવા પલાળી;
રેતીના મહેલ ચણી, જાવું છે મારે દૂર દેશ એ.
મનોચક્ષુની આંખે દેખી,
હસ્તરુપી પાંખો ફફડાવી, જાવું છે મારે દૂર દેશ એ.
વિદ્યારુપી દાન લેવ,
ગ્નાનરુપી અર્થ આપવા, જાવું છે મારે દૂર દેશ એ.
જીંદગી જીવી લેવા,
માયાનું આવરણ હટાવવા, જાવું છે મારે દૂર દેશ એ.
આત્મજનોનો વિયોગ લઇ,
પ્રિયાના હ્રદયબુંદો લઇ, જાવું છે મારે દૂર દેશ એ.
ઓ મારી મા-સી ભૂમિ, તુજ તણાં પ્રેમે મા મારી વિસારી,
આવ્યો છું તુજ ખોળો ખુંદવા,
જગ-અમ્રુત સમ અર્થસિધ્ધિ લેવા.
રડાવતી તુ બહુ મને ના,
સ્વજનોને ભુલાવતી તુ ના.
પ્રિયાની યાદ સદા હ્રદયમાં રાખતી,
અપનાવજે મને તારા ચરણકમળમાં.

Sunday, July 16, 2006

આથમતાં ફૂલ - ચિરાગ પટેલ

આથમતાં ફૂલ - ચિરાગ પટેલ મે, 1996

આથમતાં ફૂલોને કહેવું છે કૈંક,
સૂરજસંગ હરખાતાં અમારે સુણાવવું છે કૈંક.

પંખીતણો હરખ હ્રુદિયામાં ભરી,
અંતરિક્ષની ઊંચાઇઓ માપવી છે અમારે.

એક મલપતી મદમાતી યૌવના આવી,
અમારી સુગંધ લઇ ખોવાઇ જાય હવા મહીં.

બે પ્રેમીપંખીડાંને ચંચુપાત કરતાં જોઇ,
થઈ છે અભિલાષા એમના ઓષ્ઠનું પરાગ બનવાની.

નાનું બાળકડું જ્યારે ભાંખોડિયાં ભરે છે,
ત્યારે બનવું છે એના નિર્દોષ ગાલની લાલીમા.

ઝરમર-ઝરમર વરસતી જળધારામાં,
સોડતાણી સૂવું છે આ ધરતીમાના ખોળામાં.

દેહની કાળજી લેતાં યુવાનને જોઈ,
મન થાય છે એના દેહમાં રંગો પૂરવાનું.

અનુભવવ્રુધ્ધની લાકડીનો અવાજ સાંભળી,
એમના સુખની સુરખી બનવું છે અમારે.

માત્રુભૂમિ કાજે મરી ફીટતાં શહીદને જોઈ,
મન થાય છે એના ચમકતાં ભાલને ચૂમવાનું.

Saturday, July 15, 2006

મોક્ષ - ચિરાગ પટેલ

શાને જોઇએ તને એ મોક્ષ, જ્યારે
હાજર છે અનેક મોક્ષ અહીં;

નાનાં ભૂલકાં સમું નિર્દોષ
હાસ્ય ન પામું તો નથી ખપતો એ મોક્ષ.

મનોહારિણી સંગ પ્રેમતણાં સાગરમાં
ડૂબકી ન પામું, તો નથી ખપતો એ મોક્ષ.

પયોધારિણી તણાં પનઘટમાં ત્રુપ્તિ
ન પામું તો નથી ખપતો એ મોક્ષ.

સ્રુષ્ટિમાં વિચરતાંપંખીડાં સમ
સ્વૈરવિહાર ન પામું તો નથી ખપતો એ મોક્ષ.

વન્દેમાતરમ તણો ગગનનાદ ગજવતો
શહિદી ન પામું, તો નથી ખપતો એ મોક્ષ.

દરિદ્રનારાયણ તણાં આશીર્વાદ ન પામું,
તો નથી ખપતો એ મોક્ષ.

સ્વજનોનાં હ્રુદીયામાં ઉમંગ અને હરખ
ન પામું, તો નથી ખપતો એ મોક્ષ.

અરે, પ્રભુને પણ મુક્તિ નથી તો
શાને જોઇએ મોક્ષ તને?

- ચિરાગ પટેલ - મે, 1993

થોડી પંક્તિઓ - ચિરાગ

- આવુ સ્મિત ના રેલાવશો, એ સ્મિત તો જાન લેવા છે,
શું કરું પણ, એ જ તો મારા દર્દેદિલની દવા છે.

- યાદોનો ખારો પાટ છે મારા દરિયાવ દિલમા,
એજ તો કવિતા રુપી આંસુ પકવે છે મારા જીવનમાં.
- તારી તડપતનો અધિકારી, તારી માયાનો બંધાણી, તારી હુંફનો બંધાણી, પાગલ પ્રેમી એકલો.

પારુલ - વ્રુંદ

એર-ટેલ એડ. - બંસીભાઇ પટેલ

નજરોંસે નજરેં મિલાકર તો દેખો
નયે લોગો સે રિસ્તે બનાકર તો દેખો.
યું હસરતેં દબાનેસે ક્યા હાંસિલ હોગા?
દિલકી બાત બતાકર તો દેખો.
આસમાં સિમટ આયેગા તુમ્હારી આગોશમેં બાહેં ફૈલાકર તો દેખો,
દિલ કી બાત બતાકર તો દેખો.

મનનો આવેગ

રહું હું યુવાન મનથી, ભલે વૃધ્ધ થાઉં શરીરે,
એવું વર દેજે ઇશ, બુઢાપાનો ભાર ના લાગે લગીરે.
કુટુમ્બકબીલો, બાળગોપાળ, લીલી વાડી નિરખું નજરે,
દુનિયાના વહેવારો સહુ નિભાવું હું હોંશે-હોંશે.

દોડી દોડી થાક્યો હું બેફામ, વિસામાની પળો ભાગે અતિ દૂર,
ઝાંઝવાના જળ જેવી તૃશ્ણા હઠીલી, ના ભાગે લગીરે.
મનના ભાવો વિચિત્ર ભાસે, જરા વ્યાધિ પડ્યા પછવાડે,
અંગો ઉપાંગો બળી ગયા સર્વે, ના કહેલુ મને વળી ભયંકર ભાસે.

શૈશવના સંસ્મરણો વાગોળી વાગોળી, ઉડું હું આકાશે,
શું વીતાવ્યું એ બાળપણ, કેવા નિર્દોશ સખા સહુ સંગાથે.
વડલા ને વીંટળાઇ વડવાઇઓ, તેમ માયા, ભ્રમ ભયંકર ભાસે,
અદ્વિતિય તમસ મહીં ભાસે એક ઉજાસતણું કિરણ નભાકાશે.
- બંસીભાઇ એમ. પટેલ
-23/05

Friday, July 14, 2006

મારો પ્રથમ ગુજરાતી બ્લોગ - ચિરાગ પટેલ

જ્યારે જ્યારે હું કોઇ ગુજરાતી વેબ-સાઇટ વિશે વાંચુ છુ ત્યારે ત્યારે મને પણ જાણે મારી પોતાની એક ગુજરાતી સાઇટ તૈયાર કરવાની ઇછ્છા થઇ આવી છે. મારો સહુથી મોટો અંતરાય ગુજરાતી ટાઇપીંગ હતું. પણ જ્યારે મને માઇક્રોસોફ્ટ્ની www.bhashaindia.com વેબ્સાઇટની જાણકારી મળી ત્યારે થોડો હાશકારો થયો. ત્યાર બાદ ઘણા દિવસો એમને એમ વીતી ગયા. (અલબત્ત, મારી રોજીંદી જીવંચર્યાઓ તો બંધ થવાનો સવાળ નથીJ). આ પ્રોજેક્ટ પર અમલ કરવાની પ્રેરણા મળી www.readgujarati.com પર મારા જેવા ઘણા ગુજરાતી આશિકોની વેબ્સાઇટો જોઇને. તો હવે હાજર છે મારો પોતાનો ગુજરાતી બ્લોગ! હું નિયમિતતાથી આના પર અવનવી રચનાઓ અને સમાચાર મુકવાની ઇછ્છા ધરાવુ છુ. આપ સર્વેનો સહકાર જરુરી છે, આ ચળવળને જીવંત બનાવવા માટે. શબ્દોની અંજલિ ગુજરાતીને સ્વરાંજલિ રુપે. અસ્તુ!