Saturday, August 12, 2006

ઘર - ચિરાગ પટેલ

ઘર - ચિરાગ પટેલ Aug 29, 1999

અજાણ્યાં બે જણ, આવી મળ્યાં પીછાણવા એકમેવને;
સમંદર ઉભરાયો લાગણીનો, ઘોડાપૂર આવ્યાં ઉમંગનાં.

રચાઇ સૃષ્ટિ એક નવ-પ્રભાતસી, તાણી લઇ ગઇ બંનેને;
બંધાઇ રહી છે વાડ રક્ષણની, એકબીજાના વિશ્વાસની.

પાંગરી રહ્યો છે ઉપવન રચનાત્મક, લતાવૃક્ષોથી ભરપૂર;
એ તો છે એકબીજા પ્રત્યેનો પ્રેમ, સ્ફૂરે છે અંતરમાંથી.

બેઠકરૂમમાં ફૂટે છે હાસ્યનાં ઝરણાં, ખુશીના ફૂવારાં;
છે એ જે એમનો એકબીજાના અસ્તિત્વનો એકરાર.

આવે છે હૂંફની સોડમ પેલા રસોઇઘરમાંથી;
ખંત, ચીવટ અને પરિશ્રમથી જ તો થયો એ આવિર્ભાવ.

વજ્રાસન પણ લાગે છે સુખાસન આ શયનકક્ષમાં;
એ તો સાક્ષી છે એમના એક થયેલ આતમનો.

ખીલી રહી છે પેલી પુષ્પની કળી, કેવું દૈવત્વ;
નિચોડ છે આ ઘરનો અને આ જીવનીનો એ જ તો કૈવલ્ય.

No comments: